વાચિક્મનાં સર્વે કુટુંબીજનોને રિચમોન્ડ, વર્જિનિયાથી વિરબાળાના સ્નેહ-સ્મરણ ."માતૃભાષા" ! શબ્દ સાંભળતાં કે બોલતાં જ હૈયું હરખાઈ જાય ! પણ , અત્યારે મને પ્રશ્ન થાય છે કે , આપણે માતૃભાષા કોને કહીશું ? મારા મત પ્રમાણે , ધરતીને આપણે માતા માનિયે છીએ . જે ધરતી ઉપર જન્મ થયો તે ધરતીની જે ભાષા, તે આપણી માતૃભાષા . ધરતી એટલે ધરતીનો પ્રદેશ . ધરતીના જુદાં જુદાં પ્રદેશોમાં જુદી જુદી ભાષાઓના પ્રયોગો છે . ભારતની વાત કરીએ તો , ગુજરાતની ધરતીનાં ધાવણાઓની માતૃભાષા ગુજરાતી, તો , મહારાષ્ટ્રનાં સંતાનોની મરાઠી , બંગાળનાં છબીલાઓની બંગાળી. આમ દરેક પ્રદેશની આગવી ભાષા છે ; અને તે જ ભાષા, ત્યાંના વતનીઓની માતૃભાષા બને. વિશાળ પરિપ્રેક્ષ્યમાં, જે તે દેશની ભાષા ,અને ત્યાંના પ્રદેશ પ્રમાણેની વિભાગીય ભાષા , ત્યાંના જન્મેલાં માનવોની માતૃભાષા બને છે . દા.ત. ડેન્માર્કની ભાષા "ડચ" મુખ્ય ;પણ તેના ગામડાઓમાં ભારતની જેમ બોલી બદલાતી જ હશે; તો , એ ,ત્યાંની માતૃભાષા . ફ્રાન્સ, આફ્રિકા વિગેરે- આ બધાની આ રીતે જ આગવી માતૃભાષા બને .
માતૃભાષા
બીજો વિચાર છે કે , માતા અને બાળક જે ભાષામાં સરળતાથી સંવાદ કરી શકે તે ભાષા બાળકની માતૃભાષા .બાળકનો સૌ પ્રથમ સંવાદ માતા સાથે શરુ થાય છે , પિતા સાથે લાંબી લાંબી વાતો તો થોડા સમય પછી જ કરે છે .આમ બાળક અને માતા જે ભાષા બોલે તે બાળકની માતૃભાષા બની શકે . હાલના સમયમાં જુદા જુદા પ્રદેશ - પ્રદેશ જ શું કામ ?; દેશ-વિદેશની વ્યક્તિઓ લગ્ન સંબંધથી જોડાય છે . તેઓની ભાષા અલગ અલગ હોય છે . તેમનાં બાળકો સાથે માતા-પિતા જે સંકલિત ભાષામાં વાતચીત કરે , તે ભાષા બાળકોની માતૃભાષા બને .
હજી એક ત્રીજો વિચાર આવે છે . માતૃભાષા આપણી ઓળખ છે . આપણી બોલી આપણા પ્રદેશની કે જન્મસ્થળની ઓળખ આપે છે . આમ તો , ભારત માટે જોઈએ તો , સંસ્કૃત ભાષા એ ભારતની ઘણી ભાષાઓનું થડ છે . એ ભારતનાં વેદ-પુરાણોની માતૃભાષા છે . ગુજરાતી , મરાઠી , બંગાળી, હિન્દી , રાજસ્થાની વિ .વિ . બધી જ સંસ્કૃતથડની શાખાઓ છે . પરંતુ સમય જતાં સંસ્કૃતભાષા દબાઈ ગઈ , છતાં એની આ, શાખાઓ વાળી વ્યક્તિઓ , બીજી બધી જ શાખાઓ સાથે સહેલાઈથી જોડાઈને એ ભાષાઓ શીખી જાય છે .
જે બાળકો , ભારતીય દંપતીના હોય પણ ભારત બહાર જન્મીને ઉછર્યા હોય , તેઓ ભારતીય મૂળના ભલે કહેવાય ; કિન્તુ ,તેઓ જ્યાં જન્મ્યાં ત્યાંની જ ભાષા તેઓ શીખશે અને તે જ તેઓની માતૃભાષા બનશે . ઘરમાં કદાચ ભારતીય ભાષાનો વપરાશ થતો હોય , છતાં ય બાળક જન્મસ્થળની ભાષા જ સરળતાથી બોલશે;અને એ ફૂળની ,એટલે કે અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેન્ચ વિગેરે ભાષાઓ સહેલાઈથી શીખી શકશે .
આમ , માતૃભાષાનું એક અનોખું સ્થાન છે. માતૃભાષા વંદનીય ભાષા છે ; માતાની જેમ જ . જન્મદાત્રી માની કે ધરતીમાની ભાષા , એની લાજ અને ગૌરવ જળવાય તો જ માતૃભાષાનો ધ્વજ લહેરાય . અસ્તુ .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment