-----વાચિક્મના સર્વે સભ્યોને રીચમન્ડ, વર્જિનિયાથી વિરબાળાની નવા વર્ષની શુભેચ્છા . આ શુભેચ્છા અર્પવાની ઈચ્છા કોણે ઉત્પ્ન્ન કરી ? "મને". મન , આજનો આ વિષય એક રીતે રસમય છે ; તો , બીજી રીતે ઘણો અઘરો . એક આડ વાત . સાલ 2018માં અમારા એક નાના સમૂહમાં આ વિષય ઉપર હું બોલી હતી , તે જ અહીં પણ રજૂ કરું છું . તો , મન શું છે ? આપણે તેને અનુભવી શકીયે છીએ અને તેને આધીન વર્તન પણ કરીયે છીએ . એનાં વિચારો, લાગણીઓ ,ઈચ્છાઓ વિગેરે આપણા વર્તન ઉપર સવાર થાય છે . વર્તન એ મનની જ ઉપજ છે . પણ , મન આપણા શરીરમાં રહે છે ક્યાં ? કેટલીક વખત આપણે કહીએ છીએ કે ," મારો આત્મા ના પાડે છે " અથવા " મારાં અંત:કરણમાંથી અવાજ આવે છે " " મારી બુદ્ધિ સ્વીકારતી નથી " . તો શું આત્મા એ જ મન ? અંત:કરણ મન છે ? કે પછી , બુદ્ધિશક્તિ, વિચાર શક્તિ કે નિર્ણય શક્તિ મન છે ? ! મન મગજમાં છે કે હ્દયમાં ? આપણને થતી પ્રબળ ઈચ્છાઓના સિગ્નલ -અંદેશા સંદેશા , આપણને ક્યાંથી મળે છે ? હૃદયમાંથી કે મગજ માંથી ? ખેર ! પણ મન છે અને તેની અનુભતી આપણે સૌ અનુભવીએ છીએ એ હકીકત છે .
મન
-----મન ક્યારેક કોઈ પ્રસંગથી બહુ જ આનંદમાં આવી જાય ,તો, ક્યારે સાવ નજીવા કારણસર દુ:ખની ખીણમાં ગબડી પડે ! મન ઘણી માયાજાળ રચે છે . સુખ-દુ:ખ , રાગ-દ્વેષ , ભય , ક્રોધ ઇત્યાદિ . ક્યારે ,કેવી લાગણીઓમાં ઘેરાશે ,તે , અકલ્પ્ય - અનપ્રેડીકટેબલ -છે . અમુક પ્રસંગથી કે મિલનથી , રાજી થશે કે દુ:ખી ,એ ધારી શકાતું નથી . જેમ હવામાં ઊઠતાં વંટોળમાં ઊડતાં પાંદડાં કે રજ ; વાયુની શક્તિ એમને લઇ જાય કે ફંગોળે , એ જ રીતે , મનમાં ઊઠેલી પ્રેમ ક્રોધ,આનંદ, ઈર્ષ્યા વિગેરે લાગણીઓ આપણા વર્તનને ફંગોળે છે . આપણું વર્તન એને જ આધીન, વિવશ ,પરવશ થઈને અનુસરે છે .
-----મને હમેશાં આ પ્રશ્ન રહ્યો છે કે , આ મન શું છે ? ક્યાં છે? શા માટે આપણે તેના વિષે ધારી શકતાં નથી ?! ! પછી, ઊંડાણમાં ઉતરવાનો પ્રયાસ કરું છું ,તો , છેવટે , આધ્યાત્મિક વલણ આવી જાય છે . ! છતાં એ ચાલો એક વિશ્લેષણ કરું . મન હૃદયમાં સ્થિત છે એવું વિચારીએ , તો , એવી વ્યક્તિ ,સાલસ હોઈ શકે ; કારણ, હૃદય ઇશ્વર સાથે જોડાયેલું છે . પ્રાણ-આત્મા , ચૈતન્ય - જે કહો તે , પરબ્રહ્મનો અંશ છે ; અને એક માન્યતા પ્રમાણે પ્રાણ હૃદય સાથે જોડાયેલો છે . ધબકારા બંધ, તો , આત્મા ઉડંત .!" હૃદયસ્થ મન "વાળી વ્યક્તિ ઈશ્વર પ્રત્યે શ્રધ્ધાવાન, ભક્તિવાન, હમેશાં પ્રસન્ન હોઈ શકે . અન્યનું ભલું ઇચ્છનારી અને કરનારી, ક્ષમાવાન ઉદાત્ત ભાવનાવાળી હોઈ શકે . આવી વ્યક્તિ ઉદાસ થાય ત્યારે , તેનું કારણ , પોતે ; અન્યનાં જીવનમાં આવેલી મુશ્કેલી દૂર નથી કરી શકતી તે હોય .
-----હવે ,જો , એમ વિચારીએ કે મન બુધ્ધીસ્થીત છે ; તો , એવી વ્યક્તિમાં થોડો ગર્વ, અભિમાન જોઈ શકાય છે . " હું કાંઈક છું " "ઉચ્ચ છું " એવી ભાવના એમનાં વર્તન-વાણીમાં જણાય . પોતે જે વિચારે છે તે જ સાચું, એવી માન્યતા સાથે ,બીજામાં એ વિચાર ઠસાવવાનો પ્રયત્ન કરતી હોય. આવી વ્યક્તિ ઉદાસ કે ક્રોધિત થાય તો , એનું કારણ ,એને ,ક્યાંક પીછેહઠ કરવી પડી હોય. અને તેથી વૈરવૃત્તિ ઉદ્દભવે . વેર અને વૈર - આ શબ્દોના અર્થ જુદા જુદા થાય છે . વેરમાં બદલાની ભાવના હોય છે , જ્યારે વૈરમાં, સામી વ્યક્તિને નીચી પાડવાની, એની પ્રગતિમાં હાનિ પહોંચાડવાની વૃત્તિ હોય છે . બાકી તો સાહિત્યને સૂક્ષ્મ રીતે જાણનાર જ વધુ પ્રકાશ પાડી શકે .
-----કેટલીક વખત મન ઝૂલે છે . ક્યારેક હૃદયમાં પેસે તો ,ક્યારેક મગજમાં ! ક્યારે મુક્ત થઇ કેશવ સંગ મ્હાલે અને મોર બની થનગનાટ કરે; તો , ક્યારેક બુદ્ધિમાં પેસી, અભિપ્સાથી દોરાઈ, અપમાન,અવગણના કરે; કે , ઈચ્છીત વસ્તુની પ્રાપ્તિ માટે હનુમાન કુદકા મારે ! માટે જ મનને મર્કટ કહ્યું છે . એ બુદ્ધિમાં સ્થિત હોય ત્યારે વિચારોના તરંગ ઉપર અવિરત ઝૂલે છે ; એને જો કાબુમાં લઈને હૃદયમાં બેસાડવામાં સફળ થવાય ,તો , વ્યક્તિ ઉર્ધ્વગમનનાં પંથે પગલાં માંડી શકે ; નહીં તો , કર્મબંધને બંધાય . ગીતાના છઠ્ઠા અધ્યાયમાં 34 અને 35માં શ્લોકમાં કૃષ્ણ અર્જુનના સંવાદમાંસંસારનાં ભોગ અને આજ વર્ણવ્યું છે . અહીં, હું , શ્રી વિજયશંકર મુનશીએ ગુજરાતીમાં કરેલો અનુવાદ રજૂ કરું છું . " ચિત્ત ચંચળ,તોફાની,જબરું મજબૂત છે ,મનને વાયુની જેમ , બાંધવું અઘરું છે " આના જવાબમાં કૃષ્ણ બોલે છે , " મન ચંચળ છે ને એને બાંધવું અઘરું , છતાં ,એ ખંત-વૈરાગ્યે નક્કી એકાગ્ર થાય છે " તો , શ્રી પુષ્કર ગોકાણીના શબ્દોમાં કહું તો , " આપણી મનગંગા આપણને આપણી ભાવના પ્રમાણે સંસારનાં ભોગ અને મોક્ષ આપે છે . આપણે મનનાં સ્વામિ બનવું છે કે ગુલામ તે આપણે નક્કી કરવાનું છે " અસ્તુ .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment