ગીતાજીમાં 3જા અધ્યાયમાં યજ્ઞ વિષે નિરુપણ થયું છે। સાંખ્યબુદ્ધિ અને યોગબુધ્ધિ -- સાંખ્ય એટલે જ્ઞાનપિપાસા દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાનું કર્મ, સાંખ્યબુદ્ધિ। એને માટે જે સાધના કરાય તે યોગ; માટે સાંખ્યયોગ ;અને એવી પ્રાપ્ત થયેલી યોગબુધ્ધિથી થયેલાં નીષ્ઠાપૂર્વકના કર્મો તે કર્મયોગ।
3જા અધ્યાયમાં નીચે લખેલા શ્લોકમાં કર્મ અને યજ્ઞને આ રીતે જોડીને સમજાવે છે। "યજ્ઞાર્થતઃકર્મણાન્યત્ર લોકો અયમ કર્મબંધન ; । તદર્થમ કર્મ કૌંતેય ,મુકતસંગ સમાચર : ।।" શ્રી ગુણવન્ત શાહે આ શ્લોકનું ગુજરાતીક્ણ આ રીતે કર્યું છે। "વિના યજ્ઞાર્થં કર્મોથી , આ લોકે, કર્મબંધન । માટે , આસક્તિ છોડીને , યજ્ઞાર્થે કર્મ આચર ।। " આમ ,આમાં યજ્ઞ અર્થે અથવા પ્રભુપ્રેમ માટે કરેલાં કર્મો સિવાયનાં બીજા કર્મો મનુષ્યને માટે કર્મબંધન તરીકે ઓળખાવ્યા છે।
હવે, સૌ પ્રથમ "યજ્ઞ" શબ્દનો અર્થ મેં આ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે। "ય" =જે અને "જ્ઞ " =જાણવું। જે જાણવા માટે પ્રયત્ન કરીએ તે યજ્ઞ। આ યજ્ઞમાં આહુતિ આપવાની છે। શાની ? તો, જ્ઞાન ,મેળવવા માટે સમયની। ત્યાર પછી જ્ઞાનથી જે સમજણ આવી , તે ,જીવનમાં ઉતારવા ; ઇન્દ્રયભોગની, કામનાની , વાસનાની , આકાંક્ષાની , ઈચ્છાની , ગર્વની , માયા-મોહની ,વિગેરેની। આ બધાની આહુતિ આપી નિર્મળ સ્વચ્છ બુદ્ધિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન , તે યજ્ઞ।
ફરી પાછા કર્મ અને યજ્ઞ તરફ વળીએ .ગીતામાં કૃષ્ણે પણ કહ્યું છે કે કર્મો તો કરવા જ પડે . તો પછી કર્મોનું બન્ધન તો થાય જ ને ? એમાંથી છૂટવાનો કોઈ ઉપાય ખરો ? તો, જણાવ્યું છે કે , " જે વ્યક્તિ કર્મબન્ધનના ભયથી કર્મ જ છોડી દે તો તે નિશ્ચિત પડવાની જ છે। તેની ગતિ નીચે તરફ જ છે ; પરંતુ જે વ્યક્તિ , ફળની આશા વિચાર્યા સિવાય ફક્ત કર્મ કરવાની ભાવનાથી અથવા કર્મના પરિણામે શું પ્રાપ્ત થશે તે વિષે કોઈ વિચાર્યા વિના નીષ્ઠાપૂર્વક કર્મ કરે ,તે વ્યક્તિ કર્મબન્ધનમા બઁધાતી નથી। "
આટલું સમજાવ્યા પછી યજ્ઞ વિષે આવે છે। યજ્ઞનો એક આવો અર્થ પણ લેવાય છે। યજ્ઞ એટલે નિ :સ્વાર્થભાવે ઘસાઈ છૂટવાની વૃત્તિ। જીવાડવા માટે જીવવું। અન્યના જીવનને સહાયક બનવાની વૃત્તિ। દાખલા જોઈએ।
1 નિ :શુલ્ક વિદ્યા આપનાર (અત્યારના સન્જોગોમાં શુલ્ક સાથે ) કોઈ સ્વાર્થ વિના વિદ્યાનું દાન કરે , તે" વિદ્યા યજ્ઞ" થયો 2 ડોક્ટર એક દર્દીને જીવાડવા મથે , અને અંતે સફળ થાય ત્યારે જે સન્તોષ મળે ; એવા કર્મ તે "કર્મયજ્ઞ" . પોતાની પાસે જે જ્ઞાન છે તેનો ઉપયોગ કરી અન્ય જીવોને બચાવે છે। આ બધા જ કર્મો નિષ્કામભાવે કરેલાં કર્મો છે। આમાં કર્મ કરનાર કદી ખાલી નથી થતો ઉપરથી અનુભવ વધવાથી પામે છે। આ યજ્ઞમાં આહુતિ કામનાની છે। ફળની એટલે કે વળતરની (રિવોર્ડ) છે।
કુલ 5 જાતના યજ્ઞોમાં આ કર્મયજ્ઞને " મનુષ્ય યજ્ઞ " તરીકે ઓળખાવ્યો છે। માનવનું સ્થાન સર્વ જીવોમાં ચડિયાતું છે , અને , માનવને મળેલ આ ગૌરવને વધારવાની પ્રવૃત્તિ કરવી તે "મનુષ્ય યજ્ઞ "
અત્યારે માનવ ચડસાચડસી (કોમ્પિટિશન )ના ભાવમાં જ રહ્યો છે, અને આ આગળ વધી જવાની દોડમાં માનવ સમ્બન્ધો પણ વિસરાયા છે। સાથે સાથે માનવનો અસલી ચહેરો કે નિજ સ્વભાવ પણ વિસરાયા છે। માનવનું મન , જે , કરુણા અને સહાય ભાવથી ભરેલું હતું , તે , શુષ્કતા અને બદલાની ભાવનાથી રંગાઈ ગયું છે। આ દૂર કરવાના પ્રયત્નો અને ફરીથી માનવને માનવ બનાવવાની વૃત્તિથી થયેલા કર્મો ,તેને જ આપણે "મનુષ્ય યજ્ઞ " કહીશું। આપણા ભારતમાં આ સંસ્કૃતિને જીવંત રાખવા ઘણાય મહાનુભાવો થઇ ગયા છે।
બીજા 4 યજ્ઞો છે। 1લો છે ; "બ્રહ્મયજ્ઞ " બ્રહ્મ નો અર્થ થાય છે વેદ। વેદમાં કલ્યાણકારી વિચારો ,અને, એ દ્વારા કરવાના સુકૃત્યો વિષે સમજણ છે। એ જ સમજણ સેવી , એ , ઉચ્ચ કલ્યાણકારી વિચારો સમાજને સમજાવવા અને ફેલાવવા તે બ્રહ્મ યજ્ઞ છે
2જો છે , " દેવ યજ્ઞ " દેવ એટલે દ્યુતિ --કાંતિ , પ્રતિભા। માણસની કાંતિ - ઓજસ, પ્રતિભા વધવી જોઈએ। એ શાથી વધે, તે માટે મથામણ; પછી તે , આગળ વધવાની, અંધકારને દૂર કરી
અંજવાસને પામવાની હોય। એને માટે મનોમન્થન, એ , "દેવ યજ્ઞ " આ દેવયજ્ઞના અંતે , માનવીનું તેજ વધે છે એ તેજ જ્ઞાનથી પ્રાપ્ત થયું હોય છે। પ્રતિભા- નૂર વધે છે ,આળસ, દુર્બળતા વિગેરેનો નાશ થાય છે , એટલે કે એની આહુતિ અપાય છે। કારણ , આ દુર્ગુણોની આહુતિથી આ દેવ યજ્ઞ થાય છે।
પછી આવે છે "પિતૃ યજ્ઞ " માતા-પિતા તરફથી મળેલી કુળ પરમ્પરા -જેને સાદી ભાષામાં કુળમાં ચાલી આવતાં રીતિ-રિવાજો જાળવવા અને એને આગળ વધારવાના પ્રયત્નો ,તે પિતૃ યજ્ઞ। કિન્તુ , આમાં એક શરત પણ છે ; કુળ પરંપરામાં જો કોઈ એવા રીતિ-રિવાજો સામેલ થઈ ગયાં હોય , જેનાથી કુળનું કે સમાજનું અહિત થતું હોય કે અંધ શ્રદ્ધા વધતી હોય , કે જોહુકમી વધતી હોય ,તો, તે દૂર કરવાના પ્રયત્નને પણ પિતૃ યજ્ઞ જ કહેવાય . સફળતા મળે તો સન્તોષ, અને ના મળે તો પોતાના વંશજને વધુ પ્રયત્નો કરવા પ્રેરવા . જે રીતે પ્રહલ્લાદે પોતાના પિતાના દાવાને દૂર કર્યો અને ઈશ્વરના અસ્તિત્વને સમાજ સામે ધર્યું . કુળની પ્રામાણિકતા જાળવી રાખે અને પિતૃઓ કરતાં પણ પોતાના કુળને રોશન કરે તે પિતૃ યજ્ઞ।
હવે આવે છે ; " ભૂત યજ્ઞ " ભૂત એટલે જીવ -પ્રાણી। દરેક જીવ પ્રત્યે કરુણાનો ભાવ હોય અને અહિંસાનો વ્યવહાર હોય તો એ ભૂત યજ્ઞ બને છે , દરેક પ્રાણીના જીવ પ્રત્યે દયા , કરુણા, સહાનુભૂતિ રાખી મદદ રૂપ થવું એ ભૂત યજ્ઞ - ભૂત માટેનો યજ્ઞ। પહેલાના સમયમાં અને હજી પણ ક્યાંક ક્યાંક બલિ તરીકે પશુઓની અને ક્યાંક તો નરબલિનો ભોગ અપાય છે। તે દુષ્પ્રથા દૂર કરી યજ્ઞને શાંતિ અને અહિંસા સાથે જોડવા તે ભૂત યજ્ઞ। વેદોમાં બધાં જ પ્રાણીઓને " મિત્રસ્ય ચક્ષુસા " તરીકે જોવાની વાત આપી છે। એટલે કે દરેક જીવને મિત્રતાની આંખથી જુઓ। દરેક પ્રત્યે દયા, અહિંસાની ભાવના રાખો તે ભૂત યજ્ઞ। અહિંસા એટલે ફક્ત લાકડી, બન્દૂક, બાણ, એવાં શસ્ત્રોથી જ નહીં પરંતુ વાગ્બાણથી , હૃદય કે મન ઉપર પણ ચોટ ન પહોંચાડવી, તેવી હિંસા પણ નહીં।
5માં યજ્ઞ "મનયુષ્ય કે કર્મયજ્ઞ " વિષે મેં શરૂઆત માં જ જણાવ્યું છે. ધર્મશાસ્ત્રોમાં હોમ-હવન વાળા યજ્ઞના 3 પ્રકારના ગુણોના આધાર ઉપર જણાવ્યા છે। એક - "નિષ્કામ યજ્ઞ " ;જે સાત્વિક ભાવથી કરવામાં આવે છે। ; ફક્ત ઇષ્ટદેવ માટે। 2જો છે ; " રાજસિક યજ્ઞ " જે સકામ હોય છે , કોઈક ઈચ્છાથી, ફળપ્રાપ્તિ માટે અથવા કોઈક માન્યતા પૂર્ણ કરવા કે એવા કારણસર કરવામાં આવે છે। 3 જો પ્રકાર છે " તામસિક યજ્ઞ " આ યજ્ઞ કોઈ પણ જાતની શ્રદ્ધા વિના, ફક્ત દેખાડા માટે , પૈસો, પાવર, અને ગર્વની ઉન્મત્તતાથી કરાય છે ; અથવા મેલી વિદ્યાના તંત્ર પ્રયોગ માટે થાય થાય છે। ગીતામાં ,આ જીવન -ચક્ડોળને જ યજ્ઞચક્ર કહ્યું છે। જેવી રીતે અન્નથી જીવોની ઉત્તપત્તિ અને વૃદ્ધિ થાય અને તે અન્ન વરસાદથી ઉત્પ્ન્ન થાય . જ્યારે વરસાદ યજ્ઞની જ્વાલાથી ઉત્પ્ન્ન થયેલ ગરમીથી બઁધાયેલા વાદળાંથી થાય . આમ ચક્ર ચાલ્યા કરે . આપણા કોઠે અન્ન પહોંચવામાં કેટલાંયે જીવોનો કર્મયજ્ઞ રહેલો છે। માટે આપણે , એ , ઋણમુક્તિ માટે એકબીજાનો ખ્યાલ રાખી , સમભાવથી એકબીજાના ઉતકર્ષ માટેના પ્રયત્નો સાથે જીવવું જોઈએ। ફક્ત દેખાવ માટેના કે વાહ વાહ માટેના 108 કે 1008 કુંડીના મોટાં મોટા હવનો આ યજ્ઞમાં ની વ્યાખ્યા માં નથી આવતા .
આપણને જે કાંઈ મળ્યું છે તે , સમય, સંપત્તિ , અને શક્તિમાંથી નિ :સ્વાર્થ ભાવે બીજાના ઉપયગમાં લઈએ તે કાર્ય તે યજ્ઞ। નિ :સ્વાર્થે આપેલું હાસ્ય ,અનુભૂતિ ,આશ્વાસન ,આ બધાં દાન છે અને તે ભૂતયજ્ઞ કે મનુષ્ય યજ્ઞમાં સમાય છે। " યજ્ઞ એટલે આપણી સઁસ્કૃતિમાંથી મળેલી જીવનદ્રષ્ટિનો ઉત્તમ પ્રયોગ કરી જીવવું તે " અસ્તુ
27\10\2020