Pages

Showing posts with label કેનેડાના સ્ટડી ગ્રુપમાં આપેલા વક્તવ્યો -2-શ્લોક-16-17-18. Show all posts
Showing posts with label કેનેડાના સ્ટડી ગ્રુપમાં આપેલા વક્તવ્યો -2-શ્લોક-16-17-18. Show all posts

કેનેડાના સ્ટડી ગ્રુપમાં આપેલા વક્તવ્યો -2-શ્લોક-16-17-18

   આપણે 10થી 14 શ્લોકમાં યોગમાં બેસવા માટે શી અને કેવી તૈયારી કરવી તે , અને કેવી રીતે બેસવું તે જોયું .પછી 15માં શ્લોકમાં મન:સ્થિતિ કેવી હોવી જોઈએ તે જોયું . જેમ કે જે વ્યક્તિ ચિત્તને સદા બ્રહ્મ સાથે જોડાવાની લગની રાખનાર,તથા એ ચિત્તને "નિયત માનસ :" એટલે વશમાં રાખનાર છે; તે મારામાં રહેલી "મતસનસ્થાનમ" મોક્ષરૂપી "નિર્વાણમ પરમામ"પરમ શાંતિને પામે છે "અધી  ગચ્છતિ " 

     હવે, આગળ 16માં શ્લોકમાં ચિત્તને વશમાં રાખવા શું કરવું જોઈએ તે આવે છે .અત્યાર સુધી ધ્યાનમાં કેવી રીતે , કઈ મન:સ્થતિમાં અને ક્યાં બેસવું તે જણાવ્યું. એ થયો ધ્યાન યોગ . હવે આવે છે; આત્મસંયમ .
સૌ પ્રથમ, આપણી અગત્યની ટેવ ઉપર સંયમ જાળવવાનું કહ્યું છે . આપણે જાણીએ છીએ કે શ્લોક 4 ચરણનો હોય છે . આ શ્લોકના પહેલા જ 2 ચરણમાં જણાવે છે કે "ન +અતિ +અષનત ' એટલે કે અતિશય ખાવું નહીં . આ અ श्न  શબ્દ આપણે 5માં અધ્યાયના 8માં શ્લોકમાં પણ વાંચ્યો છે "નૈવ કિંચિતકરોમિતિ ,યુક્તો મનવેત તત્વવિત ;પશ્યં શૃણ્વન સ્પૃશન  જિઘનન અશન  ગચ્છન સ્વપ્નન શ્વશન " અતિ ખાવું નહીં .તેમજ "એકાન્તમ અનશન " એટલે કે બિકુલ ન ખાવું .આવા લોકોને "યોગો ન અસ્તિ " યોગ પ્રાપ્ત થતો નથી . તે જ રીતે , અતિ સ્વ્પ્નશીલ એટલે કે ઊંઘનારને પણ યોગ પ્રાપ્ત થતો નથી . આ સ્વ્પ્ન શબ્દ પણ પહેલા આવી ગયો છે . ઊંઘ માટે સ્વ્પ્ન વાપર્યો છે; કારણ કે તે ઊંઘમાં જ આવે . સઁસ્કૃત ભાષાનું આ સૌંદર્ય છે ;અને વ્યાસજીએ એ સુંદરતાને અહીં વણીને તેઓની કાવ્ય રચનાની પ્રતિભાનુ  પ્રમાણ પણ આપ્યું છે . 
એ જ રીતે આગળ કહે છે "અતિ જાગ્રત " વધુ પડતું જાગનાર પણ યોગને પામતો નથી . હવે જોઈએ , અતિ ભોજનથી શું થાય ? અજીર્ણ. જેમ જેમ અજીર્ણ વધે તેમ તેમ કામેચ્છા વધે ; અને એના અસંતોષથી ક્રોધ ઉત્પ્ન્ન થાય . અને એક વખત કદાચ કામ પામી પણ જાય તો વધુ માટે લોભ ઉત્પ્ન્ન થાય . માટે અતિ આહાર વર્જ્ય છે . 
      આગળ જોઈએ, બહુ જ ઓછું ખાવાથી કે ન જ ખાવાથી અશક્તિ આવે અને તેથી તમસ તમસ  તથા તામસી ગુણમાં વૃદ્ધિ થાય .માટે , "અતિ સર્વત્ર વર્જયેત ".    કહેવાય છે કે ,-
"અતિ કા  ભલા ન બોલના ,અતિ હી ભલી ન ચૂપ ;
અતિ કા  ભલા ન બરસાના , અતિ કી ભલી  ન ધૂપ " 
વધુ પડતું બોલવાથી ક્યારેક અજુગતું બોલાઈ જવાય તો સંબન્ધોમાં હાનિ થાય . વળી જ્યાં બોલવું જરૂરી હોય ત્યાં ન બોલીને પણ કાર્ય નિષ્ફ્ળ થાય કે સંબન્ધ  બગડે . વધારે પડતાં ભલા ,દયાળુ કૃપાળુ પણ ન થવાય . એનો ગેરલાભ લેવાય અથવા મૂર્ખ બનાય. વધુ પડતું કઠોર પણ ન થવાય. એથી થતા કામ પણ ક્યારેક બગડે . શેઠ નોકરનો સંબન્ધ  બગડે. અને કુટુંબમાં પણ નારાજગી ઉદ્ભવે .માટે દરેક બાબતમાં સંતુલન રાખવું . આ જ વાત આપણને 16માં શ્લોકમાં કહી છે . બધી રીતે સમત્વ- સ્ન્તુલન રાખી  શકે તે વ્યક્તિ યોગ માટે બેસવાને લાયક બને છે . જીવનવિણાના  તાર બહુ કસવાથી  કે  બહુ ઢીલા રાખવાથી સુર સરખા નીકળતા નથી .
    હવે 17માં યુક્ત આહાર-વિહાર વિષે આવે છે . યુક્ત એટલે યોગ્ય. "યુક્ત ચેષ્ટા કર્મસુ " યુક્ત= યોગ્ય, ચેષ્ટા= રીતથી કરેલા , કર્મસુ = કર્મોમાં તથા " યુક્ત +સ્વપ્ન +એવ+ બોધાય " યોગ્ય પ્રમાણમાં ઊંઘનાર , ( સ્વપ્ન ઊંઘ માટે વપરાય છે; એ હવે આપ સૌ જાણો છો ) તેમ જ "બોધાય " = જાગનારને "દુ:ખ+હા " દુ:ખનો નાશ કરનાર ,"યોગ ભવતી " યોગ સિદ્ધ થાય છે . એટલે કે ધ્યાન ધારણાથી , ઈશ્વરીય તત્વ સાથેનું જોડાણ સિદ્ધ થાય છેવ . યોગનું ધ્યેય તો જોડાણનું જ છે ને ? 
    આ, યોગ્ય આહાર-વિહાર , ઊંઘ કે જાગરણ કોને કહેવાય તે જોઈએ . તો દરેક વ્યક્તિએ ,પોતાની શારીરિક પ્રકૃતિ,(વાત, પિત્ત અને કફ ) આબોહવા, અને રુચિ જોઈ, સમજીને આહાર નક્કી કરવો .પાચન શક્તિને અનુરૂપ . મનને દબાવ્યા વિના ,સહજ અનુભવના આધારે નિત્યક્ર્મ ગોઠવવો જોઈએ .ખોરાકની સમતુલા માટે કહેવાયું છે કે ," જઠરનો અર્ધો ભાગ ભોજનથી ભરવો, બાકીના અર્ધામાંથી  અર્ધો પાણીથી ભરવો અને બાકીનો જે પા ભાગ બચે તે વાયુ માટે છોડવો,તો જ પચન માટેની , ચયાપચયની ક્રિયા માટે જગ્યા રહેશે " આપણે વલોણું કરીએ ત્યારે પણ છાશનો ગોળો પોણો જ ભરીયે છીએ ,જેથી વલોણું બરાબર થાય .  હવે વિહાર તરફ વળીએ .  વિહાર એટલે ચાલવું . જૈનોના મહારાજ સાહેબ જયારે જયારે એક સ્થળેથી બીજે સ્થળે જાય ત્યારે વિહાર કરે છે એમ કહેવાય છે . આ વિહાર કેટલો કરવો જોઈએ ? એક દાખલો આપું . એક માણસ બહુ જ ખાતો હતો. તેને પૂછ્યું, :ભાઈ, આટલું બધું કેમ ખાવ છો ?"તો કહે " હું બહુ ચાલુ છું ને તે માટે શક્તિ મેળવવા "   "તે તમે એટલું બધું કેમ ચાલો છો ? તમારું કામ એવું છે જેમાં બહુ ચાલવું પડે ? " જવાબ મળ્યો," અરે નારે , આ તો આટલું ખાઉં પછી એ પચાવવા ચાલવું તો પડે ને ?" આમ અતિ હાર અને એને લીધે અતિ વિહાર ; એમ વિષચક્ર ચાલ્યા કરે . એટલે શાસ્ત્રમાં જણાવ્યું છે કે એક સાથે 2 કોસથી વધુ ન ચાલવું . 1કૉસ એટલે 1.8 માઈલ . એટલે કે લગભગ 5 માઈલ થાય .એક વખતે એટલું જ ચાલવું .માટે મોટા ભાગે  ચાલવાની મેરેથોન 5 માઈલની હોય છે .ભગવાન બુદ્ધને પણ  કષ્ટયુક્ત તપ કર્યા પછી અતિરેક વ્યર્થ લાગ્યો હતો . યોગમાર્ગમાં સન્તુલનનું મહત્વ છે .અચલમ સ્થિર  અને અર્ધ નિમિલિત આંખોમાં પણ આ જ સ્ન્તુલન શીખવ્યું  છે .સન્તુલન  ખોરવાય તો બધું જ ખોરવાઈ જાય . 
         આગળ, 18માં શ્લોકમાં સાધક ક્યારે યોગસ્થ થયો કહેવાય તે જણાવ્યું છે ."યદા "= જ્યારે "વિનયતમ"=અત્યન્ત વશ કરેલું . નિયત એટલે વશ કરેલું એની આગળ "વિ " ઉપસર્ગ લાગ્યો તે વિશેષ પણું બતાવે છે જો "ન નિયત " હોય તો નકાર નો અર્થ લેવાય . શું વશ કરેલું ? તો, ઈન્દ્રીઓ, વિષયો વશમાં કરી તેનાથી મુક્ત થયેલ વ્યક્તિ.વશમાં શી રીતે કરવી તે કહેવાય ગયું છે. દ મીને નહિ પણ સમજીને . પછી આવે છે "ચિત્તમ+આત્માની +એવ+અવતિષ્ઠતે " ચિત્ત = ચિત્ત, આત્માની =પરમાત્મામાં એવ =જ,અવતિષ્ઠતે=સારી રીતે સ્થિર થી જાય છે ; ત્યારે તે વ્યક્તિ પરમાત્મામય "સર્વ કામેભ્યઃ"=સંપુર્ણરીતેકામનાઓથી "નિસ્પૃહ "=સ્પૃહા રહિત થી ,"યુક્ત "=યોગ સાથે જોડાયેલો "ઇતિ" =એમ "ઉચ્યતે "= કહેવાય છે .આખું વાક્ય આમ થશે ,'જ્યારે અત્યન્ત વશ કરેલું ચિત્ત પરમાત્મામાં જ સ્થિર થઈ  જાય છે ત્યારે સર્વ કામનાઓથી નિસ્પૃહ બની સ્પૃહા રહિત થયેલ વ્યક્તિ યોગ સાથે જોડાય છે, એમ કહેવાય છે .
    આમ, આ 3 શ્લોકોમાં મન:સ્થિતિ કેવી રાખવી, તથા શારીરિક સ્ન્તુલન  વિષે સમજાવ્યું છે . અહીં પણ આપણે જોઈએ છીએ કે કૃષ્ણ કેવી રીતે એક પછી એક પગથિયાં ચડાવે છે . ગીતા , મોક્ષની-મુક્તિની-, પ્રભુના મિલન માટેની સીડી છે .દરેક અધ્યાય આ સીડીના પગથિયાં છે તથા દરેક શ્લોક, એ પગથિયાંના કઠેડા છે જેથી લપસી ન પડાય ,વ્યાસજીએ કેટલી સહજતાથી અને સરળતાથી સમજાય એ રીતે આ ગ્રન્થની રચના કરી છે ! કે આટલા વર્ષો ,યુગો વહી ગયાં , પણ , ગ્રન્થમાં જણાવેલી વાતો, જ્ઞાન, સમજણ તેમ જ ગ્રન્થની  ગરિમા, અસ્મિતા ગૌરવ અને મહત્વ જેમના તેમ લીલાંછમ  છે .ઝળહળતાં  ! માનવીને દરેક પ્રકારની રોશની આપતાં  પૂર્ણ જગતમાં ઝળહળ ઝગમગે છે . 
                   જય શ્રી કૃષ્ણ