Pages

Showing posts with label Vasant. Show all posts
Showing posts with label Vasant. Show all posts

Vasant


અંત માં આરંભ અને આરંભમાં અંત
પાનખરના હૈયા માં ટહુકે વસંત…
આજે તો વનમાં કોનાં વિવાહ
એક એક વૃક્ષમાં પ્રકટે દીવા…
આશીર્વાદ આપવા આવે છે સંત
પાનખરનાં હૈયામાં ટહુકે વસંત..

આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલી આ કાવ્યપંક્તિઓ સાથે સૌ ને વસંત ના વધામણાં ! વસંત પંચમી અને જ્ઞાન પંચમી નો આ વાસંતી ઉત્સવ આપના જીવનમાં અવિરત માધુર્યસભર અને ઉષ્માપૂર્ણ સાર્વત્રિક સુખોનું કારણ બની રહે તેવી અનેક શુભકામનાઓ !

કેવી અદભુત લીલા છે આ કુદરતની..!  જેણે નયનરમ્ય પ્રકૃતિને માણસની લાગણીઓના તાણાવાણાઓમાં પણ બેખૂબ વણી લીધી છે.

સુખના  ઉન્મુક્ત સ્વપ્નોને મુઠ્ઠીમાં બાંધીને સતત દૌડતા રહેતા માનવીને જ્યારે અવસ્થા કે અસ્વસ્થતાની ઠોકર વાગે ત્યારે ‘જીવનની વસંત’માં કસમયે પાનખર પ્રવેશી જાય છે.!..અને આવી ઘડીએ પોતાના હૃદયના કોઈક ખૂણે કે પોતાના સાથીના હુંફાળ સ્પર્શના અહેસાસે “પાનખર”ના અનેક પર્વતોને તોડી નાંખવાનું પ્રચંડ સાહસ જ, એ પાનખરમાં વસંતનું આગમન બની જાય છે અને જીવનને પણ વાસંતી ખુશ્બુઓથી ભરી દે છે.

કેવું અચરજ છે, નહી..? લાગણીના સંબંધોની વસંતક્યારીમાં શુષ્ક પાનખરને કોઈ સ્થાન જ નથી.! પ્રત્યેક ક્ષણ જાણે નવપલ્લિત વસંતની સુવાસ પ્રસરાવે છે. જ્યારે વ્યક્તિ શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક સંઘર્ષોનો એક સાથે સામનો કરતો હોય, ત્યારે પોતાના સાથીના સહકારથી  યુગલ-સંબંધમાં  જીવનભર “વસંત” મહેકતી હોય છે.

જેનું તન ભલે અસ્વસ્થ થયું  છે, પણ મન ‘વસંત’ છે..!

જેની વાણી ભલે અસ્વસ્થ થઈ છે, પણ લાગણી ‘વસંત’ છે..!

જેનું હૃદય ભલે અસ્વસ્થ થયું છે, પણ પ્રેમ વસંત છે..!

જેનુ હાસ્ય ભલે અસ્વસ્થ થયું છે, પણ હરખ વસંત છે. ..!

..આ વસંત જ જીવન છે..!!
..આ વસંત જ જીવન છે..!!

એડલાઈફ ફાઉન્ડેશનના તમામ સ્નેહીજનો, કેન્સર વિજેતાઓ  - આપ સર્વે “વસંત”ના પ્રતિનિધિ છો. લાઈફમાં આવેલી “પાનખર”ને “વસંત”નો સ્પર્શ કરાવી ખરા અર્થમાં તમે પ્રકૃતિને સન્માની છે.