Pages

હરાયેલી કોયલ



એક કૂજતી કોયલ ,
વનરાઈમાં અન્ય પંખીડા સાથે 
ફૂદ્કતી અને રમતી  .
આમ્ર ઘટા આખ્ખી ય 
કોયલના કુજનથી અને 
ફળ-ફૂલની ફોરમથી 
મ્હેકતી ,હરખાતી 
   અચાનક 
આવ્યું એક કાળું વાદળ 
હરી વાચા કોયલની 
હરી મ્હેક  આમ્ર ઘટાની 
        અંતે 
હરી જ ગયું ,કોયલને 
   નિજ સંગે .!
વનરાઈનાં પંખીડાં 
ધ્રુજે ,વીસમે ,અને વિચારે ;
હવે ક્યાં  હશે અમારી 
સંગીની ,ભગિની  કોયલ ?
હશે આમ્ર ઘટા વચ્ચે કે રણ વચ્ચે ?
ઓ નિર્દય કાળા વાદળ !
અમે રસ હિન થયાં ,
ગાન હિન થયાં ,વિરહી 
વરસોથી વાટ જોઈ રહ્યાં 
આવે , એના કોઈ સંદેશાની .!
   બેલા\8\12\2012\3.30પી .એમ .

હંસલાને




ઊડી ગયેલા ઓ હંસલા !
       કેવાં છે ;
એ સરોવરનાં  નીર ?
       ને કેવાં  છે ;
એ અપ્સરાઓના ચીર ?

રણઝણતાં નુપૂર ,અને 
ખન ખનતા કંગન !
મખમલી સુર ,ને 
રંગ બે રંગી ઓઢણ ,
      ગમે છે ;
એ લોક અને એ ભીડ ?
અહીંની બેલાની વાડી 
અને સૌરભ ચમેલીની ,
ગુંજન ભ્રમરના ને 
કરતાલી તીડની 
   લોભાવે છે ;
અહીં આવવા ફરી ?
વાટ જોઉં છું .
      બેલા\12 ડીસેમ્બ  .2012\11 .15 પી .એમ .

વિલાપ



લોહીનાં આંસુથી તરબોળ લાલ લાલ 
          એવું આ ટર્કી,
પ્લેટમાં પડ્યું  વિલાપે છે ;
શાં દુષ્કર્મ કર્યાં હશે મેં ?
               કે 
માનવીની જીભનાં ચટાકા માટે 
    ભૂંજાવું પડ્યું મારે ?!

પીંખાવી પીંછા ,મરડાવી ડોક 
મરઘી ય તે આક્રંદે ;;
માનવના હૈયે નાં થતો હાહાકાર ;
અમારાં આ  વધ થકી ?!
એમના બાળ-ટીક્કા બનાવી કોઈ ખાય તો ??
                છતાંયે 
નાં સંતાપ અમ હ્રદયે ,કારણ ;
અમે તો મરીને ય બીજાનાં ઉદર ઠાર્યાં !
છતાં ય માગીએ બસ આટલું ;
હા! ઈશ! નાં દેજે ફરી ;
કદીય અવતાર આવો .

બેલા\થેન્ક્સ ગીવીંગ ની પાર્ટી જોઈને .
11-22-12

જીવન-કથા




આ જીવન શું છે ?
એક કિતાબનાં બે પૂંઠા 
વચ્ચે સમાયેલી એક કથા !
આ કથા જો આવડી વાંચતા;
આ લિપિ જો આવડી ઉકેલતા 
           તો જીવન 
હદ ઓળંગી સમાય "અનહદ"મા 
સુણે ઘંટ નાદ "અનહદ"તણો,
અને થાય એકાકાર બ્રહ્મમાં !.

બેલા\૨૧નવેમ્.\૨૦૧૨\૧૦.૨૦\એ.એમ.

બીજું કાંઈ ન માંગુ



હે શ્યામ!,
મને જગતનું માધુર્ય જોવાની દ્રષ્ટિ આપ ,
મને જીવનની મધુરતા માણ વાની તમન્ના આપ ,


બીજાનાં સું-કર્મો અને સુવિચારો ગ્રહણ કરી ;
તેઓની પ્રતિભાને નમન કરવાની હિમ્મત આપ ,
મારો ગર્વ અને મારું સ્વમાન વચ્ચેનો ભેદ સમજાવ ,
મને તુજ મંઝિલનો પથ બતાવ .
હે પ્રભુ !
મારો અવાજ ભલે ઝીણો છે ;
પરંતુ  ધ્યેય  બળવાન છે ,
મને મારાં ધ્યેય પૂર્તિની શક્તિ આપ .
હું બીજું કાંઈ ન માંગુ .

બેલા\૧૭નવેમ્.\૨૦૧૨\૨.૧૦/પી/એમ 

દુ:ખ -સુખ



માનવીની કર્મ ભૂલનું પરિણામ દુ:ખ ,
ભૂલ વિલંબ વિના સુધારી નવું કર્મ તે સુખ ;
આત્મ શાંતિનું સુખ .
કોઈના દીધાં મળતાં નથી સુખ -દુ:ખ .

વ્યવહારનું સત્ય છે સુખ -દુ:ખ ,
પ્રામાણિક જીવન છે ,તો છે સુખ ;
સત્ય છે તો છે સુખ ,
શાંત -સંતોષી ચિત્ત અર્પે છે સુખ .
                કિન્તુ 
સુખ -દુ:ખ એક આભાસ છે ;
કારણ એ શાશ્વત નથી .
બટકણુ  અને અદ્રશ્ય થતું છે સુખ-દુ:ખ .
વાસ્તવ અને ભ્રમ વચ્ચે
અટવાવે છે સુખ દુ:ખ .
જો ચમકો જલ-બિન્દુની જેમ ;
જે રહે છે કમલ પત્ર પરે ,
તો નાસી   જાશે સર્વ સુખ-દુ:ખ .!

બેલા\૧૮નવેમ્.૨૦૧૨\૪.૫૦.પી.એમ.

ધર્મ-અધર્મ



વિજય -પરાજય ,ધર્મ-અધર્મ ,પુણ્ય-પાપ,
બધુંય એક જ  સિક્કાની બે બાજુ ,

લાખો યહુદીઓને ગેસમાં ગૂંગળાવતો 
હિટલર વિજયી ગણાય ?ધર્મીષ્ટ ગણાય ?
એ તો અહંકારી પરાજિત વ્યક્તિ !
સ્વયમના આત્માનો ,બુદ્ધિમત્તાનો વધ કર્યો !
જાપાન પર અણુબોમ્બ  ઝીંકીને 
ટ્રુમેને અમેરિકાને વિજયી કર્યું ?
એમનો યુદ્ધ ધર્મ ખરેખર ધર્મ ગણાયો ?
                  પરંતુ 
હકીકતમાં શું મેળવ્યું ?
હિટલર ઘાતકી તો ટ્રુમેન શું ?
જો આ બે અધર્મી ,તો 
આતંકવાદીઓ શું ?લાદેન શું ?
આતંકવાદીનો ધર્મ એ 
સમાજ અને દુનિયા માટે અધર્મ .
જેહાદીઓનું પુણ્ય એ માનવ સમાજના અર્થમાં પાપ જને ?
કેટલા બધા સંકળાયેલાં છે આ બધાં ય !
વિવેકબુદ્ધિ વિના નાં કર્મો 
બને અવશ્ય અપ કર્મો !.
ઓ માનવ નેતા !ઈશ્વરદત્ત બુદ્ધિ નો ઉપયોગ કર !
અને સત્ધર્મના રસ્તે પ્રયાણ કર .
અંતરમાં શાંતિ અને મનને આનંદનો ઉત્સવ મળશે .

બેલા]૧૫નવેમ્.૨૦૧૨\૧૧.૪૦પિ.એમ.

નવનીત ,ઘાસ અને જ્ઞાનનું



ગાયું ખાય ઘાસ ,
વાગોળી વાગોળીને 
અર્પે દૂધ સ્વરૂપે ;
દૂધનું દહીં ને દહીની છાસ ;એમાંથી;,
અંતે ઘાસ અર્પે નવનીતનો આસ્વાદ !

રૂખી રૂખી માહિતી તો 
સમજ્યા વિના એ ઘાસ 
માહિતીને વાગોળી વાગોળી 
જ્ઞાનમાં પરિવર્તિત જે કરે ;
જ્ઞાનનું ચિંતન જે  કરે ,
મળે તેને મર્મ માહિતીનો ;
           અંતે 
મર્મ બને નવનીત ,અને ,
મળે બ્રહમ નો આસ્વાદ !

બેલા\૧૬નવેમ.૨૦૧૨\૮.૧૫.એ.એમ 

ઉજાગરા



મારે તો જનમ જનમ નાં ઉજાગરા રે !
જીભ રટેએક જ નામ ;
ક્યાં છે મારાં શ્યામ સાંવરા રે !?

મારાં દિન તો દુભાયેલાં રે !
રાત રઝળે ,જ્યમ હરાયું ઢોર ;
ચાંદ-સૂરજ ઉગ્યા ને આથમ્યાં રે ;
તારલિયાના દીવા થયાં ઝાંખા રે !

ઓલી ગોપીયું ય તે જોતી'તી વાટ ,
જ્યારે કાં'નો જાતો'તો ચરાવાને  ગાય ;
વ્રજની રજે ભર્યો કાનુડો આવતો ,
ને ફેલાતાં કેશ ઘુંઘરાળા રે !

રજ એ રજસ ને કૃષ્ણ-કેશ તે  તમસ ,
જાણી ,ગોપી વહાવે જળ ધારા રે !
ધુવે રજસ-તમસને ,ને દિપાવે ;
કાં'નાં ના સત્ નાં  ચહેરા રે !

દૂર કરુ  રજ,જે છે રજસ 
કૃષ્ણ કેશ છે રે તમસ 
જરા ઢુંકડા આવો મારા કાં'ન કુંવર ;
મારે નવરાવી ,જોવા છે સતના ચહેરા  રે !

ગોપીયું સંગ હું યે રાચું ,
જોઈને એ સતનાં અજવાળા રે !
"બેલા",જનમનાં ગયાં ઉજાગરા ;
તને મળ્યાં રસ-રસિયાના સથવારા રે !

બેલા\૧૫નવેમ્.૨૦૧૨\૩.૧૫.પી.એમ.

પ્રાર્થના પ્રતીક્ષાની



વિરહની આ પાનખરમાં 
હૈયામાં બેઠેલ કોયલ ,
ચીસો પાડીને ગાય છે ;
મનનું પંખી જોજનો દૂર સુધી 
ઊડી ઊડીને પછડાય છે ,
જીવન સાગરનાં જળની લહરીઓ 
તટની રેતી ઉપર 
હૈયા ફાટ રડે છે ;
       અને 
અસહાય એવી મારી કોરી આંખો 
ડંખતા દિલે , તારી નિષ્ઠુર લીલા નિહાળે છે ;
          પરંતુ 
ઉરમાં છે એક આસ ;
ઋતુ બદલાશે ,અને 
વસંત ના વાયરા વાશે .
મારાં મૌનને વાચા મળશે ,
જે ,હૈયાની કોયલને ગુંજતી કરી 
મન-પંખી સાથે ,ઊંચે ઊંચે ઊડી
જોજનોની વીંધી પેલે  પાર ,
તને પામશે ,અને ,હર્ષનાં આંસુ સારશે .

સાંભળી ખરી કે ?મારી પ્રતીક્ષાની પ્રાર્થના ,તેં ?!

બેલા\૧૧નવેમ્.૨૦૧૨\૪.૫૦.પી.એમ.

વૃક્ષ



વૃક્ષની છાંયના સથવારે જન્મેલાં બુદ્ધ ,
વૃક્ષની છાંયનાં સથવારે જ્ઞાન-પ્રાપ્ત બુદ્ધ ;--અને ;--
વૃક્ષની છાંયનાં સથવારે મહા નિર્વાણ પામેલા બુદ્ધ 
        ચીંધે છે એક બિન્દુ.
વૃક્ષ તો જીવન સમગ્રનો  આધાર છે .
વૃક્ષ છે તો વરસાદ છે .
વૃક્ષ છે તો અનાજ છે .
વૃક્ષ છે તો છાંય છે .
--------તો પછી -----
શા માટે ?શા માટે ?
મોટી મહેલાતો અને કારખાનાઓ માટે 
વૃક્ષનું નિકંદન થાય છે ?

જીવનને તરબતર કરનાર ઓ વૃક્ષ !
તને બોધી -વૃક્ષ તરીકે ફરી સ્થાપવા 
આવશે ફરી ક્યારેક બુદ્ધ ?

બેલા\૯ઓક્ટો.૨૦૧૨\બપોરે ૧૨.૦૦ 

બારી અને છીંડું



બારણાં ને દીવાલની ભાઈબંધી 
     બારી પાડે છીંડું ,
વાડ અને ઝાંપલીની ભાઈબંધી 
      તોડે તેને છીંડું .

બંધ બારણાની દીવાલો પછવાડે 
    બની રહી એક ગુફા ,
ગુફા મહીં નાં તપસ્વી રહેતાં
ત્યાં  તો બંદી-સંસારી વસતાં!

ઝાંપલી તો વ'એ વાતું કરે 
ને બારણાં વા'ને ઠેલે ,
વા' માટે તરસતાં જીવો 
શ્વાસ ભરતાં બારી વાટે !

ઉઘાડી વાડ  ને ઉઘાડું છીંડું 
આભ સાથે એ રમતાં 
માનવીએ રચી બારીઓ 
જે આકાશને સંઘરતા !

હૃદયની બંધ દીવાલોને 
હશે જો ભાવનાની બારી ,
સર્વ-ધર્મનાં ઐક્ય સાથે 
સુગંધ ભક્તિની લાવશે તાણી !

બેલા\૯ નવેમ.\૨૦૧૨\૧.૧૦.પી.એમ 

સૂરનું મિલન



હું જો તારાં સુરમાં મારો સૂર ભેળવી શકું ;
હું જો તારી સાથે મારું ગીત ગાઈ શકું ,
તો,હે શ્યામ!આ ભવ સાગર સહજ તરી શકું .

હું જો તારી પ્રકૃતિને વધાવી શકું ;
હું જો રજસ-તમસના જાળા તોડી શકું,
તો ,હે શ્યામ!તારું સત્ય પામી શકું .

હું જો અહમના ગર્વથી પર થઇ શકું ;
હું જો શુદ્ધ ભાવનાથી આરાધના  કરી શકું ,
તો ,હે શ્યામ!તને ખુદને પામી શકું .
                    કિન્તુ 
તારી રચેલી આ સૃષ્ટિમાં ,અને ,
તારી માયાની ભુલભુલામણીમાં ,
ક્યાં?, ક્યારે?અટવાઈ જવાય છે 
તે જ સમજાતું નથી !
તો ,હે શ્યામ!હું શું કરી શકું ?

એટલી સમજણ જો આપે ,તો ,
હે શ્યામ!હું તારી સાથે 
તારાં સુરમાં ,તારાં ગીત ગાઈ શકું .

બેલા\૩૦ઓક્ટો.૨૦૧૨\૯.૩૦.એ.એમ.

ધૂપસળી


 

તારો સહવાસ ગયો ,ને ,શ્યામ!
તારાં પ્રેમની સુગંધ રહી મારી સાથે .

તારી સુગંધને મારી કાયામાં વણી,
અને બળતી રહી યાદમાં તારી ;
હું તો બળી ગયેલ એક ધૂપસળી !
મારી રાખમાંથી ય પ્રસરાવતી સુગંધ ,વળી .

એજ સુગંધના સથવારે 
સહુને દોરતી તવ પગથારે .
વ્હાલા શ્યામ!
એ ધૂમ્રસેરની સુવાસે ખેંચાઈને 
ફરી મળવા આવશોને ?

બેલા\૨૯ઓક્ટો.૨૦૧૨\૬.૪૫પિ.એમ.

નવલાં નોરતાં




નવલાં નોરતાંનાં દિન આવિયા રે ,મા અંબિકા 
રુડે ગરબે રમવાને નીસર્યાં રે        મા અંબિકા .
માએ ગગનનો ગરબો લીધો રે      મા અંબિકા .
માંહી રત્નનો દીવડો કીધો રે         મા અંબિકા .
એનાં કિરણોનાં તેજ ટમટમતાં રે   મા અંબિકા .
એ તેજે તે પથ અજવાળિયા રે      મા અંબિકા .
આ જીવડો એ પથ પર દોડતો રે   મા અંબિકા .
તારો તારલિયો પાલવ પુકારતો રે મા અંબિકા .
તારાં વ્હાલ ભર્યાં અંકમાં છુપાયો રે મા અંબિકા .
ગરબો "બેલા"નાં ફૂલથી વધાવ્યો રે મા અંબિકા .

                  બેલા\૨૪ઓક્ટો.૨૦૧૨\૯.૩૦.એ.એમ.

એક વાત





શ્યામ !મારે કરવી છે તમને એક વાત ,
જો સાંભળો તો માનું ઉપકાર .
હું તો જનમ જનમથી કરું તમને પ્યાર ,
અને ચહું તવ આંખોમાં મારો નિવાસ .

તારી હસાવી હસતી રહી છું ,
તારી રડાવી રડતી રહીશ હું .
મારા આંસુથી નાં વિચલિત થઈશ તું ,
એને વહેવા દેજે અનરાધાર.

તારી મોકલી હું આ જગમાં  આવી ,
તારી બોલાવી હું વળીશ પાછી .
આ માયામાં મેલી તેં મને મ્હાલતી ,
હવે અટવાવી છે મઝધાર .

વાટડી જોતી તારી હાકલની ,
માળ સાહી હાથમાં "બેલા" માલણની .
ક્યારે બોલાવે તું પ્યારનાં ઈજ્હારથી ,
છેડીને સુરીલી તાન તારી મુરલીથી .

                     બેલા\૨૬ઓક્ટો૨૦૧૨\૩.૫૦.પી.એમ.

નોરતું



નવલાં નોરતાના દિન તો આવિયા હો રાજ ,
રુડે ગરબે રમવાને અમે નીસર્યા રે લોલ .
માતાજીની ચુંદડી લાલ લાવીયા હો રાજ ,
બહુચરમાને ચુંદડી સોહાય છે રે લોલ .

ભાલે તે ટીલડી ટમકે હો રાજ ,
નાકે નથવેસર ઝૂલતી રે લોલ .
કાનનાં કુંડળ ઝળક્યાં હો રાજ ,
આંગળીએ દસે વેઢ  ચમક્યાં રે લોલ .

કેડે કંદોરો અતિ શોભતો હો રાજ ,
પગનાં પાયલ રુમઝુમ  રણક્યાં રે લોલ .
માતાજી તો સોહે અપરંપાર હો રાજ ,
"બેલા"સંગ ઘણાં ગરબે ઘૂમ્યાં રે લોલ .
        *    *    *    *    *    *    *
                      સાખી 
હે ----ધ્રબ ધ્રબ ધ્રબ ધ્રબ ઢોલ ધબૂક્યા 
 ને નગારે પડિયા---ઘા --વ 
હે છુમ છુમ છુમ છુમ નાચંતા
મારી બહુચરબાળી ગાય 
હે મારી અંબે માડી ગાય 
હે મારી પાવાવાળી ગાય .

હે હિંગળોક ઉડે ને ઉડે ગુલાલ 
ઉડે કુમ કુમ થા--ળ,
હે બહુચર જોડે રમતાં રમતાં 
"બેલા" પગલી થા--ય ;
હો ઓલી બેલા પગલી થાય .

          ઘોડો ખુંદવો 
ખમ્મા ખમ્મા તને માવલડી 
આશિષ દેનારી માત .
ચરણે તવ શીશ ઝુકાવું ,
આશા પૂરનારી  માત .!

બેલા\૧૨\૯\૧૯૯૮\૧૨.૦૦ બપોર 

મદારી





મદારી ડુગડુગી વગાડીને 
માનવી " ભેળા"કરે ;
ભગવાન ચપટી વગાડીને 
માનવીને "પેદા" કરે .

મદારી પોતાની દોર ઉપર 
   માંકડાને નચાવે ;
ભગવાન સ્વેચ્છાની દોર પર 
  મન માંકડાને નચાવે .

મદારીની ફેલાવેલી ચાદર પર 
પૈસાનો વરસાદ થાય ;
ભગવાનની ફેલાવેલ ધરતી પર 
વારિનો વરસાદ થાય .

મદારીના ખેલથી બાળકોના 
હાસ્ય ફૂલડાં ખરે ;
ભગવાનના ખેલથી 
ચાંદ-તારાં ચમકે .

મદારીનો ખેલ ખતમ ;
પૈસા હજમ !
ભગવાનનો ખેલ ખતમ 
જિંદગી હજમ !

"બેલા"!ઝૂલતી રહે "એ"નાં આશિષથી ,
અને મ્હેકતી રહે "એ"ની ફોરમથી .

બેલા
ઓક્ટોબર૨૦૧૨\૬.૩૦.એ.એમ.

પડછાયાને પ્રેમ કરો


 

પડછાયો તમારો છુપાવે છે ;
તમારા સર્વ ગુણ અવગુણને .

પડછાયો પચાવે છે ;
સતકર્મની  સાથે દુષકર્મને .

પડછાયો સમાવે છે ;
જીવનનાં હર્ષ-શોકને .

પડછાયો સમર્થ છે ;
ઈશ જેટલો જ .
પડછાયો સાથ આપે છે ;
હર એક અવસ્થાને .
ના અવગણો એને ;
કિન્તુ ,પ્રેમ કરો પડછાયાને 
પ્રેમ કરો પડછાયાને .

બેલા\ઓક્ટોબર\૨૦૧૨\૧૧.૦૦.એ.એમ.

વૈભવનું ગાન


તારી ભક્તિ,તારાં ગુણગાન ,
હું તો કરું ,જનમ જનમ ,ઓ ક્હાન !
મારે નથી ખેવના વૈકુંઠની ,
હું તો માંગુ જનમ વારંવાર .
મુક્તિના દ્વાર તો છે માયા ;
મારે તો બનવું ,તારી છાયા .
તમસ રજસથી ભરેલ કાયા ,
સત્ય ક્યાં ?તને પામવાનું જ્ઞાન ક્યાં?
મારે તો માણવું તે જ જ્ઞાન ,
અને ગાવું જ્ઞાન-વૈભવનું ગાન .!

બેલા\ઓક્ટોબર૨૦૧૨\૧૦.૩૦.એ.એમ.

રહી ગયાં



તારી બનાવેલી આ દુનિયામાં 
અમે તો બસ ,રમતાં રહી ગયાં !
તારાં સુખ -દુઃખનાં ચકડોળમાં ,
બસ ઉપર-નીચે થતાં રહી ગયાં !

આશા-નિરાશાની આંધી વંટોળમાં ,
રજકણ જેમ ,બસ ઉડતા રહી ગયાં !
જીવનમાં ઊચે-નીચે પછડાતા ,
બસ ,ઠોકર ખાતાં રહી ગયાં !

              પણ 
ગર્વ ન કરીશ ,,ઓ જગ પિતા !
કે તારાં નમાવ્યાં અમે નમીને રહી ગયાં !
અમારાં મન ,બુદ્ધિ તો ,તારાં જ દીધાં ;
આ વમળોમાં ય ,ઉપર જ તરી રહ્યાં  !

તુજ આ અગ્નિ પરીક્ષા માં ,
અમે તો બસ,સફળ બની રહી ગયાં ;
હવે આ હાર "બેલા"ના જીતી ,
તવ ચરણે ધરવા થનગની રહી ગયાં !

બેલા\ઓક્ટોબર૨૦૧૨\૭.૪૦.એ.એમ.

બેબસ



  જીવનમાં કંઈ કેટલાંય આઘાત સહેતી આવી છું .
  છતાંય ,ગમ ભુલાવી સદાય હસતી આવી છું .

 આવશો તમે ક્યારેક,એ આશાએ મનને મનાવતી આવી છું ;
 તમે છો ;જેણે નજરે ય ના ઠેરવી છે ,
 છતાંય હૃદયમાં આશની છાબ  ભરતી આવી છું .

 શ્યામ સલોણા !આંખ્યુની અટારીએથી 
 તમ મિલનનાં શમણાં  સજાવતી આવી છું ;
 તમારી નફરત :જો હોય તો :
 એ ય ખમવા હામ ભીડતી આવી છું .

  અને તમારી શોહરતની પાંદડીઓને ,
  બેઉ હાથે લુટાવતી આવી છું ;
  આ બેબસ "બેલા" કદિ ય 
  તૂટશે નહીં,ઝુકશે નહીં ;
  તમે ય જાણો છો .
  યુગોથી તમને પુકારતી આવી છું .

બેલા \૭ ઓક્ટોબર ૨૦૧૨ \૧૨.૦૦ રાત 

અભિલાષા




  અભિલાષા છે કે ;
  તારી નજરોનાં અમી 
  પીતી જ રહું ,પીતી જ રહું 
              ને 
  ઉર કુંભને છલકાવી દઉં .

  અભિલાષા છે કે ;
  તારી બંસરીની તાન 
  સુણતી જ રહું ,સુણતી જ રહું 
                ને 
  હ્રદય-પટારીમાં પૂરી દઉં .

  અભિલાષા છે કે ;
  તારી ત્રિભંગી અદા સામે 
  બેસી જ રહું ,બેસી જ રહું 
             ને 
  ત્રિગુણાતીત થઇ જાઉં .

  અભિલાષા છે કે ; પછી ,
  તારાં ગોલોકના દ્વારનું તાળું 
  તારાં જ થકી 
  તુજ સ્નેહ-સ્પર્શની ચાવીથી 
   ખોલી નાખું ;    ને ,
  પછી એમાં રમમાણ થઇ જાઉં .

 અભિલાષા છે કે ;
 તારાં રમણીય રાસમાં 
 એકાકાર થઈને ,
 "બેલા"ની વેલ બની 
  ઝૂલતી જ રહું ,ઝૂલતી જ રહું 
               ને 
  શાશ્વત ગોલોક મહેકાવતી રહું .
  
  બેલા\ઓક્ટોબર\૨૦૧૨\૧૧.૪૦.\રાત 

માયાવી શામ



હે શ્યામ !
તું ક્યાં છે ?બતાવી દે જરી ;
આ મદભરી રાત ,જાય છે વહી .!

ચાંદ-તારાને મેં પૂછ્યું ,
નશીલી હવાને મેં પૂછ્યું ,
સહુએ હોઠ મલકાવી 
દઇ દીધી એકમેકને તાળી !

દિલમાં વિરહની આગ લાગી ,
આંસુડે આંખ્યું આ રાતી ;
ક્યાં છે ઓ વનનાં વિહારી !
તારી રાધા બની રહી બાવરી .

કુંજવનની ઉજડી વાડી ;
મયુર કોકિલની બંધ થઇ વાણી ,
સહુ તાકે ;:
ક્યાં છે અમારાં ગિરિવરધારી ?!

"બેલા"એ ફોરમ ફેલાવી, કહ્યું ::
"ઉઘાડો ભીતરની તમ બારી .
છૂપ્યો હશે હ્રદયમાં એ ખિલાડી ,
છે બડો પક્કો એ માયાવી .!"

બેલા \૨૭ સપ્ટે.૨૦૧૨ \૧૧.૩૦પિ.એમ.
યુ.એસ.એ.

હીરક દિન



    જિંદગીનાં પંચોતેર પગલાં
         પાર         પાડ્યાં .
    હસતાં,રમતાં,ભણતાં અને રડતાં .
    હવે ,આ છોંતેરમું  ડગલું !
           કેવું         હશે ?
   ભવ-ભૂગોળનાં નકશામાં ,
   શું દોરાયું હશે ?


   એક વાત બની ,આ ,
   પંચોતેરમાં પગલામાં .
   આ મન -માંકડાની ઈચ્છા પૂર્તિની .
   મન હંમેશ ઊછળતું -વિચારતું ;
   ક્યારેક દુનિયાના કોઈક ખૂણે 
   કોઈક તો મને સાંભળે !
   કોઈક તો મને વાંચે !
   મારુંય જરાક અમસ્તું નામ થાય!

          અને લો !
   મારો શામળો ,અનિલ બનીને ,
   લહેરાયો .અને ,
   મારી -બેલાની -સુવાસ 
   જગત ભરમાં ફેલાવી .!

         હે ઈશ !
   હવે સહુનાં કલ્યાણ સિવાય 
   કાંઈ જ ઈચ્છા નથી .
   હવે તો જે કાંઈ દેહ ધર્મ-કર્મ 
   બાકી હોય તે ,
   તારાં ધ્યાનમાં મગ્ન રહી 
   પૂરાં કરું .અને 
   તારી સમીપે -તને ભેટવા ,
   મારગ સાફ સુથરો કર્યે જાઉં ;
         મારા    શ્યામ !
  બેલા \૨૫સપ્ટે.૨૦૧૨ \૭.૪૫.એ.એમ. યુ.એસ.એ .


Bela ni Vadi (Volume 1) (Gujarati Edition)b

આત્મા



   અનિલ ઝૂમ્યો ,ઝૂક્યો 
   અને પૂછ્યું :
   લોકો આત્માની વાતો કરે છે ,
   તો એ આત્મા શું છે ?ક્યાં છે ?

   બેલાની વલ્લરી ડોલી ,ને બોલી ,:
   તારામાં લહેરાવાની શક્તિ છે ,
   એનું નિયમન કરનાર ,  આત્મા છે .
   મારામાં સુવાસ છે ,
   એ મારામાં મુકનાર ,આત્મા છે .
   લોકોમાં ચૈતન્ય છે ,કાર્ય શક્તિ આપનાર 
   આત્મા છે .
   આત્મા પીન્ડથી  જોડાયેલો છે 

  તને કોઈ જોઈ શકે છે ?
  મારી સુવાસને કોઈ જોઈ શકે છે ? 
  ન્ તને ,ન્ મને ,કોઈ અડી શકે છે ;
  ફક્ત અનુભવે છે .!

  એ જ રીતે મનુષ્ય પણ 
  આત્માને જોઈ કે અડી શકતો નથી .
  ફક્ત અનુભવે છે .
  આત્મા અનુભૂતિ છે .
  નિયમન કરનાર શક્તિ છે .
  એની મદદ -શક્તિ વડે ,
  જીવે કાર્ય કરવાનું.-નિષ્ઠા પૂર્વક.
  અને એની  શક્તિમાં ધ્યાન મગ્ન રહી 
  અંતે ,એ ઈશ્વર -
  જેને જોયો પણ નથી ,જાણ્યો પણ નથી ;
  ફક્ત માણ્યો છે ;
  - સાથે ભળી જવાનું .!

બેલા \૨૫ સપ્ટે. ૨૦૧૨ \૭ ૩૦ એ.એમ. \યુ.એસ.એ .



આત્મા સો પરમાત્મા "બોલવું જેટલું સહેલું છે એટલું એ પ્રમાણે આત્માએ પરમાત્મા સાથે સંલગ્ન થઈને દેહ ધર્મ નિભાવવો અઘરું છે .આત્મા જ્યારે દેહ ધર્મ નિભાવવાના કર્મો કરે છે ,ત્યારે એમાંથી ક્યારે માયાની લપસણી સીડીથી સરકતો જાય છે એ ખબર પણ પડતી નથી ;અને ક્યારેક તો આત્મા પરમાત્માની સમીપ પહોંચીને માયાના જરાક જેટલા પલકારાની લપેટમાં આવી પોતાની ઉચ્ચતર સ્થિતિ ગુમાવી બેસે છે.જે આત્મા ,પરમાત્મા સાથે જોડાઈને,માયાથી સાવચેત રહીને દેહ ધર્મ અને કર્મ ધર્મ નિભાવે તે જ સાચો સંત-આત્મા બની પરમાતાનું સાયુજ્ય પામી શકે ;અને ત્યારે જ "આત્મા સો પરમાત્મા "બોલી શકાય . બાકી બધા દંભ .

આત્માનો શરીરમાં પીન પોઈન્ટ નથી. શ્વાસ લેવા છોડવાનું જે નિયમન છે તે કદાચ આત્મા હોઈ શકે અને એ કરનારને પરમાત્મા કહેવાતું હશે .ચેતના -પ્રાણ તત્વ કદાચ એણે જ કહેવાય છે અને એ નિયમન-પ્રાણ તત્વ જાય ત્યારે મનુષ્ય મરે . બાળક જન્મે ત્યારે થપ થાપાવે છે  તે પ્રાણ તત્વને -બંધ કળને -ચાલુ કરવા માટે હશે,અને એમ કર્યા પછી પણ બાળકમાં ચેતન ના આવે તો મૃત ગણાતું હશે.:


આત્માને ખોળવો છે તો ઈશ્વરને પણ ખોળવો પડે .ઈશ્વર ક્યાં છે ?એની  પીન પોઈન્ટ છે ?એ કેવાં છે ?ખબર છે?
  હવા ક્યાં છે ?એ દેખાય છે ?એની  કોઈ ચોક્કસ જગ્યા છે ?એ જ રીતે આત્મા પણ અનુભૂતિ છે .તે અનુભવાય છે .તે દેખાતો નથી .તેનું કોઈ ચોક્કસ સ્થાન નથી .માટે જ આત્મા કે પ્રાણ તત્વ કે ચેતા-ચે તના ,જે નામ આપવું હોય તે આપો પણ એ જ જીવનમાં સૌથી મહત્વની વસ્તુ છે .એ ના હોય તો જીવન નથી .
   તેથી જ આગલા પત્રમાં મેં કહ્યું તેમ હું માનું છું કે ઈશ્વરે જે કાર્યો સોંપ્યાં છે તે ,ઈશ્વરમાં ધ્યાન મગ્ન રહીને નિષ્ઠા પૂર્વક પૂરાં કરવા ;અને સમય પૂરો થયે -એ પણ એ જ ઈશ્વરે નક્કી કર્યું હોય છે -ચાલ્યાં જવું . આવવું -જવું આપણી મરજી મુજબ નથી થતું .એનું નિયમન કરનારને આપણે ઈશ્વર કહીયે છીએ .;જેને અનુભવીએ છીએ .દેખી કે અડી શકતા નથી .
   એ જ રીતે જીવન શક્તિ -ચેતના -પ્રાણ તત્વ ,એ જ આત્મા !જે જોઈ કે અડી શકાતો નથી પરંતુ ફક્ત અનુભવાય છે .માટે તે શરીરમાં ક્યાં છે તે ખોળવાને બદલે બ્રહ્માંડમાં તે ક્યાં હશે અને આપણા ઉપર નિયમન કેવી રીતે કરે છે તે ખોળવામાં કદાચ ઈશ્વર પણ મળી જાય !અને તેને ખોળ વામાં ફક્ત ધ્યાન જ ઉપયોગી થાય .ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા અને તેનું ધારેલું એક રૂપ અથવા જ્યોતિનું ધ્યાન કરવું એ જ આપણી ખોળનું પગથિયું;જે અનંતમાં રહેલ નિયમન કરનાર શક્તિ પાસે પહોંચવામાં મદદ કરશે .

અહં બનશે બ્રહ્મન્



     આત્માના અહંને ઓગાળો 
     "હું"ને "અમે"માં ઓગાળો 
    "અમે"ને "આપણે"માં ઓગાળો 
    "આપણે"ને દુનિયાનાં સર્વ જીવોમાં ઓગાળો 
                          અને 
    "હું" છે છતાં નથી થઇ જશે .
     અહં સ્વયં બની જશે બ્રહ્મન્  !

બેલા \૧૬સપ્તે. ૨૦૧૨ ૧૦.૩૦ એ.એમ. 

રસ-લ્હાણ



    મુઠ્ઠી જેવડા હ્રદયમાં 
    આભલા જેટલું વ્હાલ .
    આવને મારા કાનુડા !
   તારાં પર રેલાવું રસ-લ્હાણ .

   વાદળે વાદળે પ્રેમનાં મોતી ,
   એને વરસાવું ચોધાર .
   પ્યારનો દરિયો ડોલાવું 
   ને નાવ લઇ આવું પાર .

   તટ પર ઊભી રાધિકાસખી,
   જોતી વનરાવનની વાટ ,
   "બેલા"ડાળે હિંચકો બાંધી 
   ઝૂલે રાધા નાથ !

બેલા \૧૬ સપ્ટે. ૨૦૧૨ \૮.૧૫.એ.એમ 

અણજાણી દોર



    એક અણજાણી દોર 
    મને ખેંચે તારી કોર .

   હું તો પ્રેમમાં પાગલ,
   ખેંચાઉં ઝૂમતી તારી કોઈ .

  મને દેખાય છે તારો ગો-લોક ,
  ને દેખાય વાંસળી ને મોર .

  શ્યામ!તારી પ્રીતનાં ગીત ગાતી ,
  ચાલી આવું એણી કોર .

  સજાવ્યો મેં પૂજા થાળ ,ને ,
  શોભાવશે "બેલા"ની માળ 
          તારી ડોક .

એક અણજાણી દોર 
મને ખેંચે તારી કોર .

બેલા \૧૪ સપ્ટે.૨૦૧૨ \૮.૦૦ એ.એમ.