Pages

ભક્તિમાં જ શક્તિ

   આ વિષે સૌ પ્રથમ આપણે ભક્તિ એટલે શું અને તેના પ્રકાર કેટલાં તે સમજવાનો પ્રયત્ન કરીએ . ભક્તિ આરાધન છે , સમર્પણ છે , શ્રધ્ધા છે, એકાગ્રતા છે . ભક્તિ ,પ્રભુ પ્રત્યે, સહધર્મચારી પ્રતયે  (આમાં પતિ પત્ની બન્ને આવી ગયા ) ગુરુ પ્રત્યે, દેશ પ્રત્યે, કલા પ્રત્યે વિગેરે પ્રત્યે હોય . સાધારણ રીતે ભક્તિનું જે ચિત્ર આંખે ઉડીને વળગે છે, તે , તિલક-જપમાળા અને ઘરમાં સ્થપાયેલા મંદિરને ગણત્રીમાં  લેવાય છે . ત્યાં બેસીને પૂજા કરનારા કે હમ્મેશ હાથમાં માળા લઇ જાપ કરનારા ભક્ત નથી હોતા . એક વાર્તા ટૂંકમાં જણાવું . એક શેઠ આવા જ ભક્ત હતાં , એક દિવસ એ પૂજામાં બેઠાં હતાં અને તેમને મળવા કોઈક આવ્યું. પુત્રવધૂએ આવનાર વ્યક્તિને જણાવ્યું કે , શેઠ ઘરમાં નથી; ચમારવાડે ગયા છે . પૂજા પત્યા પછી શેઠ-જેમણે  આ સાંભળ્યું  હતું અને ત્યારથી વિચલિત હતાં- તેમને પુત્રવધૂને પૂછ્યું કે પોતે ઘરમાં હોવા છતાં આવનાર વ્યક્તિને આવો જવાબ કેમ આપ્યો ? તો પુત્રવધૂએ કહ્યું," તમે દેહથી તો અહીં હતાં પણ મનથી ચમારવાડે ઉઘરાણી કરવાનું વિચારતાં હતાં " આમાં ભક્ત કોણ ? ! 

   ભક્ત એ ભગ (અહીં ગ ખોડો જોઈએ ) એટલે ભગવાન અને તેની સાથે યુક્ત એટલે કે જોડાનાર--જોડાયેલ-- જે ભગવાન સાથે જોડાયેલી છે તે ભક્ત . ભગવાનમાં આગળ જણાવ્યા તે બધા જ પર્યાયો આવી ગયા . પતિ પત્ની, ગુરુ , દેશ, કલા વિગેરે . મનનું તાદાત્મ્યની વિશેષતા છે . ભક્તિમાં "સ્વ"ને ઓગાળવાનું હોય છે . માળા ફેરવતાં જવું અને ઘરનાં સભ્યોની ચૂક શોધી વઢતા જવું એ જપ નથી કે ભક્તિ-પૂજા નથી . સ્વને ઓગાળી , હૃદયથી જોડાઈ જવાય ત્યારે ભાવ-જગત બદલાય ; સમદ્રષ્ટિ થાય અને તૃષ્ણા છૂટે  . ભક્તિ વિનાની, બાહુબળ કે બુધ્ધિબળવાળી શક્તિ વિનાશિની . ભક્તિ સાથે જ્ઞાનનો સંગમ ન થાય તો વિનાશ વેરે . રાવણ મહાન ભક્ત હતો અને એ ભક્તિ દ્વારા શક્તિ મેળવી, એનો ઉપયોગ ભાઈને લૂંટવામાં અને આસુરી વૃત્તિ બહેકાવવામાં કર્યો. આમ આખા કુટુંબનો અને દેશનો નાશ નોતર્યો ! ; કારણ , એની ભક્તિ જ્ઞાન વિનાની હતી જ્યારે નરસિંહ મહેતા કે મીરાં ની ભક્તિ જ્ઞાન સાથેની હતી .તેથી એ ભક્તિ-શક્તિથી નરસિંહને હરિએ હાથોહાથ  હાર આપ્યો અને મીરા માટેના વિષમાંથી વિષ ખેંચી લીધું . પ્રહ્લલાદની ભક્તિ શક્તિએ નૃસિંહ અવતાર કરાવ્યો ! 
     આમ ભક્તિમાં જ પ્રભુ કે આરાધ્યને પોતાના કરવાની શક્તિ છે .ભક્તિથી જ સન્તોષ શક્તિ  , સહનશક્તિ.સમભાવશક્તિ અને સત્સંગશક્તિ મળે છે . ભક્તના કેવાં ગુણો  કૃષ્ણને - પરમને - પ્રિય છે ,તે , વર્ણવતો આખો 12મો અધ્યાય ગીતાજીમાં છે . એવા ગુણો કેળવી કરેલી ભક્તિથી શક્તિ મળે જ છે .એક અવતરણ મળ્યું છે ," ભક્તિ એટલે પ્રેમ અને તેનાથી લાધતું આત્મજ્ઞાન, બન્નેના સંગમથી ઉત્પ્ન્ન થાય શક્તિ "    અસ્તુ . 
                                                                           16\4\2021 

અરીસો શું કહે છે ?

 વિષય :- અરીસો શું કહે છે ? 

અરીસો , આયનો ,દર્પણ -આ એક કલાઈ લગાડેલો એવો કાચ છે,જેમાં એની સામે આવતી દરેક વસ્તુનું પ્રતિબિંબ દર્શાવે છે . મેં દર્શાવે શબ્દ જ વાપર્યો છે; દેખાડે કે બતાવે નહીં, કારણ, એ જેવું જુએ છે એવું જ દર્શાવે છે .બતાવવામાં કે દેખાડવામાં કદાચ ભેળસેળ થઇ જાય; જેવી રીતે માનવીની વર્તણુક ! વાતોમાં ઘણું સુષ્ઠુ સુષ્ઠુ બોલાય ,જ્યારે વર્તન કાંઈક જુદું જ હોય . અરીસો એવું નથી કરતો . એ જે દેખે છે, જેવું દેખે છે તેનું જ અસલ પ્રતિબિંબ દર્શાવે છે . ધારો કે આપણે અરીસા સામે ઉભા રહીને હસીએ તો એ સામે હસે અને ક્રોધિત મુખ બતાવીએ તો એ પણ એ જ ભાવ બતાવે . આ એની વર્તણુક આપણને શું કહે છે ? તમારે જેવા ભાવ, લાગણી માં જોઈતા હોય તો , તમારે , પોતાએ , જાતે પહેલા એ જ રીતે વર્તવું પડશે ; તો સમાજ, સગા-વ્હાલા ,ઉપરીઓ, હાથ નીચેના કર્મચારીઓ, બધા જ એનો પડઘો એમની વર્તણુકમાં પાડશે .અને તમને તમારું મનમાન્યું મળશે . જેવી કરણી  તેવી ભરણી ની જેમ અરીસો સમજાવે છે અથવા કહે છે . 
  હા, અરીસો આપણા મુખને અને વાળને શણગારવામાં પણ મદદરૂપ થાય છે .આપણે સજ્યા પછી કેવાં દેખાઈએ છીએ તે જાણવું હોય તો અરીસાની જરૂર પડે ,નહીં તો જાતને જાતે તો જોઈ જ ન શકીએ . અરીસાની શોધ પહેલાં સ્થિર પાણીમાં પ્રતિબિંબ જોઈને સંતોષ લેવાતો . 
   અરીસો કેટલીક વખત આપણને સ્વયંને બતાવે છે . અરીસામાં દેખાતી મુખરેખા આપણા મનની વાત જણાવી દે છે . ચહેરા ઉપરની કરચલીઓ આનંદ, ચિંતા કે  દુ:ખ ના ભાવ સ્પષ્ટ બતાવે છે . પ્રતિબિંબ સ્વચ્છ રીતે જોવા અરીસો સ્વચ્છ રાખવો જરૂરી છે , એ જ રીતે મન સ્વચ્છ રાખવું જરૂરી છે. કુડ-કપટથી મનનાં દર્પણ ઉપર ધૂળ બાઝે છે . મનનાં ઉઝરડાની જેમ કાચ ઉપર પણ ઘસરકા પડે તો પ્રતિબિંબ ટુકડામાં પરિણમે છે . માટે, મન અને કાચ--અરીસો-- બન્નેને સમ્પૂર્ણ  સભાનતાથી સાચવવા જરૂરી છે . કોઈકે કહ્યું છે કે , "દર્પણ જૂઠ ના બોલે " તો કોઈકે લખ્યું છે ,"મુખડા ક્યાં દેખે દર્પણમેં "તો વળી કોઈકે "તોરા મન દર્પણ કહેલાયે " . આ બધી પંક્તિઓ આપણને કેટલું બધું સમજાવે છે ?! આંખને મનનું દર્પણ કહી છે . વાત કરતાં આંખો તરફ ધ્યાનથી જોનારા સામી વ્યક્તિના મનના ભાવો સમજી શકે છે. દોષી  વ્યક્તિ ક્યારે ય આંખ મેળવીને વાત નહીં કરી શકે .અને સ્નેહીઓ આંખમાં આંખ પરોવીને મૌન રહીને પણ મનની વાત કહી દેતા હોય છે . આમ, સ્થૂળ અરીસો અને આંખ બન્ને દરેક ભાવો જેમના તેમ દર્શાવે છે ; સાથે સાથે સ્વચ્છતાનો પાઠ ભણાવે છે . 
   બસ , તો અરીસો શું કહે છે તે પ્રશ્ન ઉપર ટૂંકમાં આટલું જ . અસ્તુ . 
                                                                           9\3\2021 

જૂઠ ઉપર નિબંધ (વાચકમ બેઠકમાં)

 આપણે શા માટે જુઠ્ઠું  બોલી જાતને છેતરીયે છીએ ?

સૌ પ્રથમ આપણે જુઠ્ઠું  બોલવાની પ્રેરણા વિષે વિચારીએ. માનવી શા કારણથી જુઠ્ઠું  બોલવા પ્રેરાય છે ?એક કારણ છે , લોભ અથવા લાલચ . જૂઠું બોલવાથી કોઈક પ્રકારનો ફાયદો થવાની આશા હોય ત્યારે માનવી જૂઠું બોલે છે . ક્યારેક કાંઈક કોઈક પાસેથી પડાવી લેવા - જેમ કે પેલી વાર્તામાં બતાવ્યું છે . બ્રાહ્મણ બકરીના બચ્ચાંને લઈને જતો હતો પરંતુ ધૂતારાઓને એ પડાવી લેવું હતું તેથી બ્રાહ્મણને તે કૂતરું લઇ જાય છે એવું ઠસાવીને બકરીનું બેચુ પડાવી લીધું ! -ની વૃત્તિ. 
  બીજું , જ્યારે માનવીને પોતાને જ જ્યારે ,પોતે કાંઈક ખોટું કર્યાનો એહસાસ થાય ત્યારે તે કાર્ય છુપાવવા માટે જૂઠું બોલે છે . તો વળી, ક્યારેક કોઈકને સજામાંથી બચાવવા સદ્ભાવે જૂઠું બોલે છે . અથવા ક્યારે ધર્મસંકટમાં આવી પડવાથી જૂઠું બોલે છે . આવા જૂઠ ને મહાભારતમાં - જેને પાંચમો વેદ કહ્યો છે -એમાં વ્યાસજીએ પણ માન્ય રાખ્યું છે . "અશ્વથામા મરાયો " 
  પરંતુ , માનવી પોતાને જ શી રીતે છેતરે છે ? ! તો, "આટલું જરાક જ ખોટું કરીશ તો કોઈ પાપ નહીં લાગે " એ વિચાર સાથે મનને કોઈક રીતે સમાધાન આપી દઈએ ,તે, જાતને છેતરી ગણાય . જે જવાબદારી સોંપાઈ હોય ,તે , વફાદારી પૂર્વક નિભાવવામાં ટાંચટોયા કરીને મનને મનાવીએ કે ,"ચાલી જશે કઈ વાંધો નહીં આવે " તે મનોભાવ જાતને છેતરે છે . ગુનાહિત પ્રવૃત્તિ કરતાં થતાં ખચકાટને વાહિયાત કારણથી એ ગુનો નથી પણ યોગ્ય જ છે ,એવું મનમાં ઠસાવવાનો પ્રયત્ન ,તેનું નામ જાતને છેતરવી .
 આવી વૃત્તિથી જ બાંધકામો તૂટી પડે છે . સિમેન્ટમાં થોડી રેતી ભેળવવાથી નાણાકીય ફાયદો થશે અને કોઈને કાંઈ ખબર નહીં પડે એ જાતને છેતરતું જૂઠ  છે . કામ કરવામાં ઢીલ કરીયે આ મનોવૃત્તિ જ જાતને છેતરવાના જૂઠ નો પાયો બને છે . આ વૃત્તિ ઉન્નતિ માટે હાનિકારક તો છે જ , સાથે સાથે તે એદી અને આળસુ બનાવે છે . દંભી વર્તનથી જાત છેતરાય છે . આપણે કોઈકને છેતરીએ  છીએ ત્યારે આપણે  આપણી જાતને જ છેતરીએ છીએ . છેતરવાનું મૂળ જૂઠ  છે . એ ન હોત  તો છેતરપિંડી પણ ન હોત  .જે માણસ જૂઠું બોલે છે , તે પોતાના અસ્તિત્વના નકારે છે . વારંવાર જૂઠું બોલવાથી આદત પડી જાય છે ; અને તેથી મન કુંઠિત થઇ સંવેદનહીન થઇ જાય છે .માનવતાનો એક એક અંશ દરેક જુઠ  વખતે મરતો જાય છે . સ્થૂળ જુઠ  તો પકડાય છે ,પણ , આ , માનસિક સ્તરે આચરેલા જુઠને  આપણે માનસિક વ્યભિચાર કહી શકીએ ; જેની કોઈ સજા કાયદામાં નથી . 
    કવિ શ્રી દલપતરામે લખ્યું છે ," ભોંયમાં પેસી ભોંયરે કરીએ છાની વાત , ઘડીએ મનમાં ઘાટ ,તે , જાણે  જગતનો તાત "માટે , જગતના તાતની દ્રષ્ટિમાં હીણા  ન બનવું હોય તો જૂઠું બોલી ને કે બીજાને કે સ્વયંને છેતરવાની લાલચને વેગળી રાખવી જરૂરી છે . 

23 Feb. 2021 

ડરપોક મોતને



પોકારતી રહી હું તને , તારું સાંનિધ્ય  પામવા ,

તું ડરપોક ! ! ડરે છે મારુ આતિથ્ય માણવામાં  ? ! 


મોતને પડકારું છું , ચાલ , સામે આવી જા ,
વરસો વીત્યાં તને ? બસ એક ડગલું ભરવામાં ? ! 

સેજ સજાવી રાખી છે , ધૂપ-દીવા છે પ્રગટાવ્યા ,
આંગણે ઊભી  વધાવવા ,"બેલા"નો હાર ગ્રહી હસ્તમાં ! ! 
                                                14\4\2021 
                                                      11.25. એ.એમ. 

નવલ વર્ષની કામના


 3 અ               

નવલ વર્ષની નવલી ઉષાએ ,અર્પ્યા તેજકિરણ આનંદે ,
શમૉ ,દુ:ખ દર્દ હતાં જે ,નવલ વર્ષ એ સુર સુણાવે .

જીવતર જીવો ,નવલી આશાએ, ચાલો શુભ નિર્ણયની ચાલે ,
અરુણોદય એ રંગ ઊડાડે  ,નવલ પ્રભાત એ સુર સુણાવે .

મુજ નયને જે નિરખિયું તે , મુજ કર્ણોએ જે સુણિયું  તે ,
મુજ હ્ર્દયે જે ઝિલીયું  તે ,તવ ચરણે છલકાવે .

"બેલા" ખુશ્બુ પરમ પ્રસારે ,ચમનમાં અનિલ સંગ લહેરાયે .
ઝીલી ઉષાના રંગ અનોખા ,હૈયે ઉમંગી આશ ધરાવે .
                                              15\11\2020 
                                                   1.15. પી.એમ. 
3 બ 

નવા કેસરી નવરંગી સુપ્રભાત, ખીલો સુગંધી પુષ્પ રળિયાત ,
આનંદ મંગલ , સ સ્નેહસંસ્પર્શ ,થાઓ સૌનો પથ પર ઉતકર્ષ  .
નવલ વર્ષનું નવલ પ્રભાત ,અર્પે સ્નેહ સ્પર્શનો આનંદ -ઉલ્લાસ !
રહે દૂર , રોગ-દોગ , વ્યથાનો ભાસ,મનો કામના પૂર્ણ હો, એ મંગળ આસ .
                                                                 16\11\2020 
                                                                     10.30.પી.એમ. 

દોસ્તી



કાગળ ને પેનની દોસ્તી ,ટેરવાં ને ટચ સ્ક્રીન ની દોસ્તી ! 

અર્થ અને શબ્દની દોસ્તી , દ્રષ્ટિ અને નજરની દોસ્તી ! 

મૌન અને અવાજની દોસ્તી , પગલાં ને રસ્તાની દોસ્તી ! 
અકસ્માતે નથી મળતી દોસ્તી ,જાહોજલાલીની અમાનત છે દોસ્તી !

ઉમરને  વટાવી-વળાવી દે દોસ્તી , દૂર ખૂણામાં દોરે (ઘેરે) તે છે દોસ્તી ! 
ક્યારે ય ઘરડી ના થાય દોસ્તી, પ્રેમે પરિપક્વ થાય તે છે દોસ્તી  !

ખરતા ગરમાળાના ફૂલ નથી દોસ્તી ,સુગંધનો અગાધ દરિયો છે દોસ્તી ! 
બન્યું એવું નથી , કરમાઈ કદી દોસ્તી, "બેલા" સમ પમરાટે ,તે છે દોસ્તી !
                                                                  22\12\2020 
                                                                         1.15.પી.એમ. 

તું કરે તે સાચું



તું કરે તે સાચું, શામળા ! તું કરે તે સાચું ,
હિત મારું, તારે હૈયે છે ધરબાયું  , તું કરે તે સાચું .

હું શું જાણું ? કે' દિશ વહે છે  તવ વાયુ ,
ચોગમ મુજ નયન તો પેખે ,વંટોળ છે છવાયું .
રજકણ આડે તમસ છે છવાયું,
કિરણ ઝીલવા , થાકી આ આંખ્યું ----તું કરે તે સાચું 

વાટડી જોતાં હારી હામ , ને , તૂટી આસની દોરીયું ,
સપના ગૂંથી ઘર સજાવ્યું , તુટયાના ડરથી  "બેલા"થડ મુરઝાયું . 
                                                      22\3\2021 
                                                          8.08 એ.એમ. 

ભાગ્ય



ભાગ્ય વરસાદનું પાણી છે ,
અને પરિશ્રમ, એ કૂવાનું ;
વરસાદમાં તો પલળીએ , એ જ્યારે વરસે ;
કૂવે તો , અહર્નિશ નહાવાનું !
વરસાદી સૌભાગ્ય, ક્યારેક પામવાનું ,
ના ,એના આધારે જીવન વિતાવવાનું !
જ્ઞાન ભક્તિ સંગ ,કૂવે આરાધન કરવાનું ,
અને કર્મ-ધ્યાનનું ફૂલ , કૂવે ધરવાનું !

27\2\2021
1.00 પી.એમ.

ત્રણ દ્વિપદી


મધપૂડાને છંછેડશો તો ,

મધ તો મળશે , પણ ડંખ પામીને --

                             29\1\2021   12.05 પી.એમ 
સુખના ઝૂલે ઝૂલતા પહેલાં ,
જરૂરી છે ,દુ:ખની ઠેસના  ઠીકરાં ! 
                              29\1\2021   12.20.પી.એમ. 

મન શુદ્ધ હોય તો , પ્રભુ તો મન-મન્દિરમાં જ છે ,
વૃથા સ્થૂળ મન્દિરોમાં , દર્શને , શાને તું ભટકે છે ? ! 
                                 25\2 2021      11.30. એ. એમ . 

ઢળતી ઉમર


ઢળતી ઉમર  એ તો સલૂણી સાંજ છે ,

રોજ નિતનવી સંધ્યાના રંગનો ઉજાસ છે ;
મન-પંખીના કલરવનો મીઠો ધ્યાસ છે ,
વીતેલી વેળનો અનેરો એક ક્યાસ છે .

આવતી કાલનો સુખદ અભ્યાસ છે ,
સ્વગૃહે જવાનો આનંદી આભાસ છે ;
ને , મધુ-મિલનની અનેરી પ્યાસ છે .
આતો "બેલા" ચમનનું સુગંધિત હાસ્ય છે .
                                      4.40 પી.એમ.

ઢળતી ઉમરનો  આ રંજ શાને ?
જુઓ ,ઢળતી સંધ્યાના ગુલાબી રંગને ! 
હરખાયે દિલ ,દેખી જો , એ આભને ;
ફેલાવે વૃદ્ધત્વ ,એવી જ પ્રબુદ્ધ પ્રભાને ! 
                                    19 માર્ચ 2021 5.00 પી.એમ.