Pages

દીવડો


-----અંતરના ગોખમાં ઝગે એક દીવડો ,
-----આવરણે ,અંજવાસથી ઝંખાણો , દીવડો ;
-----આવરણો તો કેવાં  ને કેટલાં ? ડોલાવે  દીવડો ! 
-----માયાની મીઠી મોહામણીએ ભેળાય  ,દીવડો।

-----ક્રોધની કંપારીએ કંપે નાજુક દીવડો ,
-----મદની મસ્તીમાં ઝૂમે આ દીવડો ;
-----મત્સરની વેણમાં ચૂસાય આ દીવડો ,
-----નિંદાની નદીમાં વહી જાય આ દીવડો ! 

-----આવરણો ચિરાય ,તો, ચમકે આ દીવડો ,
-----ભજન અને ભક્તિની ઓથે છે ,આ દીવડો ;
-----ચોંટે જો આવરણે , ચક્મકનો એક  તણખો ,
-----ઝગમગી ઝળહળ ઝળાં  ઝળાં  થાય  દીવડો ! 

-----આરત અને આરતીની ગોઠે છે દીવડો ,
-----બેલા"ની મહેકથી મ્હાલે ( મ્હેકે ) આ દીવડો। 
                                                  16\6\2020 
                                                       5.45.એ.એમ. 

પારેવું


-----ભવાકાશમાં ,તે , પારેવું છૂટું મેલ્યું રે ,
-----પાંખો ફફડાવી , લંબાવી ગ્રીવા ;
-----ભોળું પારેવડું ચોદિશ  ઉડ્યું રે। 

-----ઉત્તરનાં  વાયરે ,વસંતની વાડીએ, 
-----પારેવે  સંસાર-બીજ રોપિયું  રે ;
-----સૂરજનાં આકરાં તાપે શેકાણું ,
-----ને ,વરસાદી માહોલે  ધરજયું  રે। 

-----ઘોસલામાં ઘુસી બેઠું પારેવું ,
-----ઘૂ  ઘૂ તમ્બૂરે નામ પોકાર્યું રે ;
-----આતમના એકતારે  સંધાણ કર્યું ,
-----ને, આઝાદી ત્યજી , તવ પ્રેમનું પીંજરું માગ્યું રે ! 
--------તવ પ્રેમનું પીંજરું માગ્યું રે। 
                                               17\6\2020 
                                                    4.00. એ. એમ 

ચિત્તની આરતી


-----ચિત્તની આ કોરી ચોપડીમાં હે શ્યામ ! 
-----હસ્તાક્ષરનાં  છાંટણા પાડો ,હે શ્યામ ! 
-----સજલ  નયનોમાં તમે વસ્યાં  છો , શ્યામ ! 
-----ઠારો તરસ ,ધરી, ચરણામ્બુજ ,અધરે  ,હો શ્યામ !

-----મારી નજરોમાં તમે , મેઘધનુષ છો ,શ્યામ ! 
-----રંગછટા બની છે ,હ્ર્દયોલ્લાસનું ધામ , હો શ્યામ ! 
-----અર્પી આત્મા આરાધનથી ,ઇચ્છુ હું , શ્યામ ! 
-----દિલનાં  ધબકારામાં ધબકો , ધીરે ધીરે ,હો શ્યામ ! 

-----આરતી સજાવી ધૂપ-દીપથી રૂપાળી ,હે શ્યામ ! 
-----ગૂંથી "બેલા:ની માળા ,વરવા ,તમને ,હો શ્યામ ! 
                                                      10\6\2020 
                                                           6.50. પી.એમ.

મન મારું


-----વાયુના ઝોંકારે ઝોંકારે ,શાખાના હિલ્લોરે હિલ્લોરે ,
-----મન મારું હરિ હરિ બોલે રે બોલે રે। 

-----આનંદે પંખીઓ ગગને રે ,ઊડી  ઊડી ઝૂમે ઝૂમે રે ,
-----મન મારું હરિ હરિ ગાયે રે। 

-----પંખીના કિલકારે કિલકારે , ફૂલડાંની  ફોરમે ફોરમે ,
-----મન મારું હરિ હરિ રટે  રટે રે।  
                                                   7\6\2020 
                                                     6.30.પી.એમ. 

ચાંદલિયા


-----ઓ ગગન ગોખમાં બેસી હસતા ચાંદલિયા ! 
-----તુજ હાસ્યથી અવનિ  પર   છાયે  નિર્મળતા  ,
-----ભૂરી ભૂરી ઓઢણી તમે ઓઢંતા ,
-----ધોળી ધોળી ચાંદની જગે રેલાવતા ;
-----ટપકીયાળી કોરે તમે બહુ શોભતા ,
-----ધખતાં  હૈયાંઓને  શીતળતા આપતા ;
-----રાતરાણીની સૌરભે જગ મહેકાવતા ,
-----રાજીપે "બેલા"ને ય સંગે ડોલાવતા !     
                                       5\6\2020 
                                          1.30. એ. એમ।     

કંસ -કાળ


-----વસુદેવજી ચાલ્યાં  છે ,ટોપલો લઈને ,
-----માંહી પધરાવી અષ્ટમ પુત્રને ;
-----રોકે દેવકીજી ,બાળ નીરખવાને  ,
-----કર્યો પ્રથમ અભિષેક અશ્રુનો ,લાલજીને ! 

-----મસ્તકે ધાર્યાં  , કે ,બન્ધન તૂટયાં  તડાક દઈને ,
-----કારાગૃહ ખુલ્યાં ,ને દ્વારપાળ નીંદમાં જી રે। ......વસુદેવ। .....

-----નદી ઉછળે છે , કાંઈ ઉફેણે  ચડીને ,
-----અંતરે ઈચ્છા , એને , ચરણ-સ્પર્શની રે ;
-----લાલજી એ ધર્પ્યાં ,ચરણ લંબાવીને ,
-----યમુનાજીએ મારગ દીધો ,ચરણ પખાળીને। ....વસુદેવજી .....

-----શેષનાગ આવિયાં  છે ,છત્ર બનીને ,
-----ઝીલવા મસ્તકે  વર્ષાની  તેજ ઝડીને ;...વસુદેવજી .....

-----વસુદેવજી પહોંચ્યાં  છે , ડેલીએ નંદની રે ,
-----આણ  વર્તે છે ત્યાં , મીઠી  માયાની રે ;
-----પોઢાડયા  લાલજીને ,કુંખે યશોદાની રે ,
-----લઇ ચાલ્યાં  , માયાને મમતાથી રે। ..વસુદેવજી ......

-----માયાથી પુન: બન્ધન લાગીયા રે ,
-----સૈનિક ને દ્વારપાલ જાગીયા રે ;
-----કંસે જાણી  કાળ ,દોટ  મેલી રે ,
-----લાત માયાએ મારી ,કીધી વાણી રે ,

-----ગોકુળમાં કાળ ખેલે જન્મીને રે ,
-----વાટ  જો હવે , તારા પૂર્ણ કાળની રે। 
                                       28\5\2020 
                                           2.00 પી.એમ. 

ફરિયાદ


-----તારા ચરણ કમલ અશ્રુથી પખાળું ,
-----તવ ચરણદ્વીજ પાંપણોથી પોંછું ;
-----તવ પાદ -પંકજનું પ્રીતે પૂજન   કરું ,
-----તવ ચરણાર્વિન્દને કુસુમ અર્પું ;
-----મારા શામળા ! આ હૈયું ચરણે ધર્યું ,
-----મનસા ,વાચા ,કર્મણા ,તવ રટણ કર્યું ;
-----હજી યે તેં "બેલા"નું  સ્મરણ ના કર્યું ? ! 
                                            24\4\2020 
                                                11.30 પી.એમ.