Pages

બનું બંસી



હજુ સુધી તો ના જાણું હું મારા જ દિલને,તો,
તારા દિલને તો સમજવું કેમે,કરીને કાન્હા?

કયો શબ્દ ઘાવ આપે તને તે કેમ કરીને જાણવું ?
છેંક-ભૂસ કરીને ય છેવટે લખાવે તું,તે લખું,કાન્હા

ભૌતિક સંબંધોથી પર છે-તું -એવું તો જાણું હું,પણ,
આવીને,બારણે,ખટ-ખટાવે,તો કરું શું ? હું કાન્હા?

હવા તું,ઘટા તું,વસી રહ્યો છે,સઘળે તેવું  તો જાણું હું,
ફરફરીને પાસમાં,ઘડીક બેસી જાય,તો કરું શું કાન્હા?

"બેલા"ની સુગંધ થોડી લઇ જઈશ તો બનીશ ધન્ય હું ,
 બનું બંસી હું,લગાડી હોઠે,થોડી ફૂંક ની જ જરૂર છે કાન્હા .
બેલા 
૮.૦૦ એ.એમ
2-25-15

નમઃ શિવાય





      હે ભીડ -ભંજન ,સ્વીકારો વંદન ,
      તુજ દ્વારે આવી ,માંગુ હું શરણ .

      કૈલાસવાસી ,મૃગચર્મધારી ,
      નીલકંઠ ,હે પન્નગધારી ;
      જટાજુટમાં ગંગા બિરાજી ,
     નમઃ શિવાયનું કરતી રટણ 
      હું નમઃ શિવાયનું  કરતી રટણ ---હે ભીડ......

      હાથમાં ડમરુ ,ત્રિશુલધારી ,
      વામાંગે ઉમિયા સતિ પ્યારી ;
      ગણેશ-પિતા ,શોભે નંદી સવારી ,
      નમઃ શિવાયનું  રટણ કરતી 
     હું નમઃ શિવાયનું  કરતી રટણ  ---હે ભીડ....

      તમે દુધની ધારા સ્વીકારી ,
      ઓઢી છત્રી બીલીપત્રની ;
      "બેલા" રાંક વલ્લરી ,આશભરી ,
      નમઃ શિવાયનું  કરતી રટણ ,
      હું નમઃ શિવાયનું  કરતી રટણ 

      હે ભીડ ભંજન સ્વીકારો વંદન ,
     તુજ દ્વારે આવી માંગુ હું શરણ .
                     બેલા \૨૨ ફેબ. ૨૦૧૫ 
                        ૬.૫૫ પી.એમ. યું.એસ.એ. 

સુણ શામળા


 

      શો અધિકાર છે મારો ,તારા પર શામળા !
      કે ,કહું તને ,છોડીને હ્રદય-સિંહાસન ,ન જા !

      મેં તો દીધું આસન ,મેં પાયો ,પ્રેમાસવ ;
      વિંઝણલા પાંપણથી ઢોળ્યાં ,બંસી સંગ સૂર મિલાવ્યાં !
     પામી ના વરદ હસ્ત ,કે નાનીશી એક હાસ્ય રેખા ;
     "બેલા"ની સુગંધ પણ બહેલાવી તુજને શકી ના !
      
      પ્રાણ પાથરી ,અલખ જગાવી ,રીઝવું છું કાન્હા !
      તોયે શી ખતાએ રૂઠી ,આમ નયન-દોર તોડ્યાં ? !
      આ રસીલી વેળ તરછોડી જાવ તો છો શામળા;
                   કિન્તુ ,ના ભૂલશો ,પછી ,
      દેહ-પિંજર પડી રહેશે ,વિણ તેજ ,ને વિણ આત્મા .! ! 
                                  બેલા \૨૦ ફેબ. ૨૦૧૫ 
                                    ૨.૫૫. પી.એમ. યું.એસ.એ.

વિખુટી બેલા




      મારો ,હાથ છોડીને તું ક્યાં રે છુપાયો ?
      આયખાના વન્નમાં ભૂલી રે પડી ,
      જીવતરની કેડીઓ તેં કેવી ગુંચવી ?
      સૂરજની કિરણ એક ખોળી ના જડે ,
      મનનું કુરંગ હવે કેટલું દોડે ?-----મારો હાથ ...

      કાંટા કંકરથી લોહિયાળા પગલાં ,
      શીતળ સરવર હવે કેટલાં ડગલાં ?
      આંખ્યુંએ નેજવા કરી , હાથ હવે તો થાક્યાં ,
      કા-ને હજુ ના સુ..ર સંભળાયા .------મારો હાથ .....

      તારાં વિના હવે ઘડી પણ ના જીવું  હું ,
      તારાથી દૂર થઈને ખુદથી થઇ દૂર હું .
      તારાં વિના થઇ નૂર હીણી --હું ,
     "બેલા"ની સાખે દાવાનળે રહી જલી હું .

      મારો હાથ છોડીને તું ક્યાં રે છુપાયો ?
                          બેલા \૧૬ ફેબ. ૨૦૧૫ 
                            ૧.૫૫ એ.એમ. યું.એસ.એ.

લાડકો શામળો



મને ખબર છે ;
કર્મોને ભોગવવામાં ;
હું તને લાડ ન કરી શકી ,
તેથી દૂર જઈ મોં ફુલાવીને બેઠો છે !
નટખટ !
તું તો મારો છે ,તો પછી ;
ભોગવવાની શક્તિ અને હિમ્મત
આપવાને બદલે
આમ રિસાઈને બેસાય ? શામળા ?
તારાં સહારાના હલેસાથી જ તો
આ ભવ-સાગર પાર કરવાનો છે ;
અને ,તું ,એ જ સહારો છોડીને
રિસાઈને બેસે તો ,મારું કોણ ?
આવી જા ,તને "બેલા"ના
ફૂલોથી શણગારું ,બથ ભરીને વ્હાલી કરું ,
મારાં શામળા !
બેલા \૨ જી ફેબ .૨૦૧૫
૧૧.૪૫ એ.એમ યું.એસ.એ .

સ્નો- હિમકણ



    આ સ્નો ! હિમકણ ,
      મને તો એનાં પડવામાં 
      કોઈ જ આનંદ થતો નથી !
      એનાં કણ જાણે ;
      હવામાં ઉડતા જીવડાં !
      એનાથી છવાયેલી લોન 
      અને ઘરનાં છાપરાં ;
      જાણે કફન ઓઢેલાં મડદા ! ! 
      લાશ શબ્દ સુફિયાણો લાગે છે .

      ફક્ત ,સુંદર દેખાય છે ; તો ,
               એ     છે ,
      પાંદડા ઉપર ,ફૂલની જેમ બેઠેલો 
      કપાસના પોલ જેવો સ્નો !
      અને, સૂકી ડાળીઓ ઉપર ચોંટેલા 
      મોતી જેવાં જલબિંદુ ! ! !
          બેલા \૨૭ જાન્યુ. ૨૦૧૫ 
             ૧૨.૦૦ બપોર \યું.એસ.એ. 

તારાં -વિના



 તારાં વિનાનું જીવન કેવુ ?
     તારાં વગર અસ્તિત્વ કેવું ?
     તારી જુદાઈ જો આવી પડે ,
    તો ,જીવન મારું પૂરું થયું .

    તારો ને મારો સંબંધ ,
    વાદળ ને વીજળી જેવો ;
    વાદળથી થાય જુદી ,
   તો, વીજળીનું અસ્તિત્વ કેવું ?
                 બેલા \૨૦ જાન્યુ. ૨૦૧૫ 
                     ૨.૦૦ પી. એમ .યું.એસ. એ .