Pages

બ્લોટિંગ પેપર




  કલમ ,સ્યાહી ,અને દવાત ,ગયાં ;
  સાથે બ્લોટિંગ પેપર પણ ગયાં !
  ઢોળાયેલ શાહીને ચૂસી જમીન 
  શુદ્ધ કરતુ ,બ્લોટિંગ પેપર ;
  હવે વપરાય છે ,દૂધમાં ! !
  શુદ્ધિકરણ કરતી વસ્તુ ,
  વપરાય છે હવે અશુદ્ધીકરણમાં ! ! 
      *     *     *     *     *     *
  બ્રહ્મ મુહુર્તે ,મન -બુદ્ધિ ,હોય છે ;
  બ્લોટિંગ પેપર જેવાં ,
  પ્રભુ સ્મરણથી સક્ષ્મ છે ;
  શુદ્ધ તત્વોનું શોષણ કરવા .
              કિન્તુ 
  જીવ સારી રાત ભટકી 
  બ્રહ્મ મુહુર્તે સુઈ જાય છે .
  બ્રહ્મ મુહૂર્તના શ્લોકો ગયાં ,પ્રાર્થના ગઈ 
  
             એ સમય ,જે ,
  હ્રદયના શુદ્ધિકરણના બ્લોટિંગ પેપર સમ  હતો ,
  એને સૂતાં રહીને ;-
  દુધમાં વપરાતાં બ્લોટિંગ પેપરની જેમ જ 
  અશુદ્ધીકરણ નો બનાવી દીધો ! ! 
                        બેલા -૨૯\૭\૨૦૧૪ 
                              ૨.૩૦.પી.એમ.

તરણું




  છે તો એક તરણું !
          પણ 
  એનાં વિધ વિધ કેવાં રૂપ !?!

  એક તરણું લીધું સીતાએ ,
  અને નાખ્યું રાવણ સામે .
  એ એક નાના શાં તરણા એ :
  નમાવ્યો ,રાક્ષશને;
  મોંમાં તરણું લઈને !!
  તરણું બન્યું સીતાનું રક્ષક ;
  અને - તરણું બન્યું રાવણનું તક્ષક !!

      *     *     *     *     *

  એક તરણું અણસમજણનું :
  જેની પાછળ મોક્ષનો પહાડ !!
  બુદ્ધિ આડેથી હટે એ તરણું ,
  તો નજરે ચડે એ મોક્ષ-પાથ !

  "બેલા"તરણાથી ઘેરાયેલી ;
  મથે છૂટવા દિન-રાત .
  શ્યામ !તારી વાંસળીની ફૂંકથી ,
  ઉડાવ તરણાનો ઘેરાવ .!! 
                     બેલા-૨૮\૭\૨૦૧૪ 
                          ૬.૫૦.એ.એમ.

શ્રાવણ આવ્યો



  રીમઝીમ કરતો શ્રાવણ આવ્યો ,
  ધરતી માથે લીલાં પટોળા લાવ્યો .

  તરસી ધરતીએ પ્યાસ બુઝાવી ,
  તરુવર સાથે મલ્હાર ગાયો .

  ઝીન્ગુર તણી સિતાર ઝણકી ,
  આગિયા એ પ્રકાશ ઝબ્કાવ્યો .

  "બેલા"ઝૂમી ,ડોલી ,ખીલી ,
  સદાબહાર સંગ રાસ રચાવ્યો .
                    બેલા -૨૭\૭\૨૦૧૪
                            ૬.૫૦.એ.એમ.

ઓ રામજી



  ઓ રામજી મારો બેડો પાર કરો .

  ઝંઝાવાતે બેલડી ડોલે ,
  તારો એક સહારો .----ઓ રામજી .....

  ડગમગ નાવ હિલોળે ,
  આવીને પતવાર ઝાળો .-ઓ રામજી ....

  વાયુના વિંઝોટે સઢ આ ફાટ્યાં ,
  કુવા-થંભને સંભાળો .-ઓ રામજી ....

  તૂટી ફૂટી નાવડી મારી ,
  તાણી તુંસી સંવારો -ઓ રામજી .....

  આ પાર "બેલા" ,પેલે પાર રામલો ;
  મઝધારે જીવડો અટવાણો.-ઓ રામજી .....
                     બેલા-૨૭\૭\૨૦૧૪ 
                              ૬.૪૦.એ.એમ.

સ્વ. સુરેશ દલાલને



  આંગળી પકડીને અમે ;
  લખતાં શીખ્યા ,ને તમે ,
  આંગળી છોડીને ગયાં ચાલ્યાં !
  કોના આધારે હવે "કવિતા" સંભાળશું;
                   ને 
 કોના ચરણે બેસી કવિતા સંભળાવશું ?

 કવિતાના સરવરમાં કમળ સમા તમે ,
 કાળનાં ભ્રમર સાથે પ્રીત કરી ચાલ્યા ;
 સરવર કિનારે રહેશું અમે ,અને ,
 "બેલા"ની ડાળે ચહેકી ,તમ ગીતડાં ગાશું . 
                          બેલા-૨૧\૭\૨૦૧૪ 
                               ૯.૦૦ એ.એમ.

વેણુ



  વનરા તે વનમાં વેણુ વાગી,
  ને રાધાજી થઇ ગઈ બાવરી .

  વલોણું છોડ્યું ને મટકું ફોડ્યું ,
  દોડી લઇ હાથમાં નેતરું ;
  ચુંદડી ઉડે ને લટ  લટ ઉલઝે ,
  વાયરા સંગ કાઢી હડી.

  વેણુના નાદે મનડું ડોલે ,
  રુમઝુમ રાધાજી નાચતી ;
  વિનવે કાનુડાને વારિ વારિ ,
  બસ કર કન્હૈયા ,મારી સુધ રે ખોવાણી .

  વનરા તે વનમાં વેણુ વાગી ,
  ને રાધાજી થઇ ગઈ બાવરી .
                    બેલા-૨૯\૬\૨૦૧૪
                       ૧૧.૧૦.એ.એમ.

દળદર



  આ દળદર કેમ ફીટશે રે ,બાઈ !
  હું તો જનમ જનમની ભિખારી !! 
  થીગડે થીગડાં જીવતર માંહી ;
  મારાં શામળા ! તારી દુહાઈ !!

  ધન ,જોબન ને મહેલા, રે ,બાઈ !
  શા  ખપના ?જ્યાં નથી દિલમાં ભલાઈ !!
  રામ-નામની રટ  નથી રે ,કાંઈ ;
  નથી રે કોઈ દાનાઈ !!

  પાપ-કર્મનાં પોટલાં રે,બાઈ !
  બાંધ્યાં ,જનમ જનમની તવાઈ !!
  "બેલા"ડાળે ફૂલ કેમ ખીલે રે , બાઈ ;
  જ્યાં પુણ્યની નથી સિંચાઇ !!

  આ દળદર કેમ ફીટે રે ,બાઈ !
  હું તો જનમ જનમની ભિખારી !!
  શામળા ! હારી , તાંસળી ખખડાવી ;
  દઇ દે , તારી ઠકારાઈ !!
                         બેલા-૨૮\૬\૨૦૧૪ 
                               ૮.૩૦.એ.એમ.

આલાપ



  આ વરસાદી વાયુનો હિલોળો આવ્યો ,
  કે,મારાં અંતરમાં આશાનો તાંતણો ઝૂલ્યો .

  વારિની ધારે ધારે ધરતી ને આકાશે ,
  જોને ,મિલનનો કેવો  આ રાગ ગાયો !

  પિયુ ! પદેશ તમે , અંકાશી જીવ જેવાં ;
  અમે ધરતીની જેમ તપી ,હૈયે જુઓ ચીરો પાડ્યો !

  વાયુની સંગાથે વાદળે ચડી ,
  આભલું હેતનું વરસાવી ચાલ્યો !

  "બેલા"જોતી વાટ ,ઉન્મુખ ઊંચી નજરે ,
  આ આવે હરિ ! ને એને મિલનનો આલાપ ગાયો .!
                                       બેલા-૧૪\૬\૨૦૧૪ 
                                             ૭.૦૦.એ.એમ.

ક્ષિતિજનું મિલન




  ધરતી અને આભનું મિલન થાયે ક્ષિતિજે !
  તું આભે , પરમાત્મા ,
  હું ધરતીએ ,આત્મા ;
  થાશે આપણું મિલન ;
  આ ભવની ક્ષિતિજે ?!

  સંધ્યાના સલુણા રંગો,
  વાદળની રૂપેરી કોર !,
  પાછાં વળતાં પંખીઓનો કલશોર ,
  વધાવશે ? એ ક્ષિતિજનું મિલન !?

  એ રીતે ય આ ધરતીની 
  "બેલા"ની મહેક ,પહોંચશે .
  ક્ષિતિજના સહારે ,આભલે --
  વસતાં ઘનશ્યામ સુધી !?

              કે 

  અનંત કાળથી સૂર્ય-ચંદ્રના 
  વિયોગની લીલાની જેમ 
  ધરતીની "બેલા" ,રહેશે ,
  અંકાશી શ્યામનાં મિલન વિનાજ ?

               ક્ષિતિજે ??!!
                           બેલા-૧૧\૬\૨૦૧૪ 
                                 ૧૧.૨૦.પી.એમ.

જાવ છો



  મારી આંખ્યુંની પાંપણમાં માળો બાંધ્યો ,
  ને,હરિ !શમણાની જેમ સરી જાવ છો ?!

  હેતની હેલી વરસાવી દીધી ,શ્યામ !;
  ને,હવે અસુવનની ધાર બની, જાવ છો ?!

  કાજળ બનીને આંખ શણગારી શ્યામ !,
  ને,હવે ,કાળાશ દદડાવી ,ગાલે, વહી જાવ છો ?!

  કાનમાં મદુર મધુર મોરલી ગહેકાવી ,
  ને,હવે,સૂરનાં સાથીયા ભૂંસીને હાલ્યાં જાવ છો ?!

  કિયા રે ભવના વેર તમે વાળીયા,રે શ્યામ !
  કે, "બેલા"ને ઝંઝોડી ,તરછોડી જાવ છો ?!
                                   બેલા-૧૧\૬\૨૦૧૪ 
                                       ૬.૧૦.પી.એમ