Pages

ક્રોધ


-----ક્રોધનાં  મૂળમાં પણ દુ: ખની જેમ જ અપેક્ષા જ છે . જયારે  જયારે આપણી ઈચ્છા પ્રમાણે ન થાય ત્યારે ,અથવા નકારાત્મક સંયોગો સર્જાય અને  નિરાશામાં ધકેલાઈ જઇયે ત્યારે અપેક્ષા અથવા નિરાશા ક્રોધમાં પરિણમે છે .સ્પર્ધાત્મક વાતાવરણમાં પણ , નાસીપાસ થતાં , જે આગળ વધી ગયું હોય તેના પ્રત્યે , આપણને મળેલી નિષ્ફ્ળતાથી આવેલી નિરાશા મનમાં ક્રોધ ઉપજાવે છે .ક્યારેક  આ ક્રોધ હત્યા કરવાના છેડાએ પહોંચે છે . અને આ જ બુદ્ધિનાશની વાત ગીતાના 2જા અધ્યાયમાં 62 અને 63 માં શ્લોકમાં કરી છે . 

-----હવે જોઈએ ,ઈચ્છા શેને લીધે થાય છે ? તો , કોઈક વસ્તુ પહેલા આંખને ગમે ;પછી મનને ગમતી થાય . એ વસ્તુ આપણી પાસે હોય એવી ઇચ્છાએ થાય . એ વસ્તુ આપણે કોઈક પ્રકારે મેળવીએ .એના માટે આપણને મોહ અને આસક્તિ થાય . એ જો તૂટી જાય  કે ચોરાઈ જાય તો આપણને જે દુ:ખ થાય એમાંથી તોડનાર વ્યક્તિ ઉપર ,અથવા લઇ  જનાર ઉપર ક્રોધ ઉત્પ્ન્ન થાય . એ જ રીતે કોઈ વ્યક્તિ પ્રત્યે લાગણીના તાંતણા એટલાં  મજબૂત બંધાઈ જાય કે એ વ્યક્તિની  આસક્તિ ને લીધે એનું દૂર જવું નાપસંદ બને ; અને દૂર કરનાર વ્યક્તિ  કે સંયોગો ઉપર ક્રોધ આવે . આપણે હમેશા એ વસ્તુ કે વ્યક્તિનું ધ્યાન જ કરતાં રહીયે એને આસક્તિ કહેવાય .  અને એ આસક્તિમાંથી , એ વસ્તુ કે વ્યક્તિ સાથે હમેશા જ રહેવાની ઈચ્છા થાય .આ જ વાત ગીતાના 2 જા અધ્યાયના 62માં શ્લોકમાં કહી છે . આમ ક્રોધ ઉત્પ્ન્ન થવાથી એ સમયે, ક્ષણે  વિચાર શક્તિનો ક્ષય થાય છે ; અને ન તો બોલવાનું ભાન રહે છે ,કે , ન તો વર્તનનું . પોતે શું કરે છે અને કેવી  રીતે વર્તે છે તેનું ભાન રહેતું નથી .આ જ સ્થતિને 63માં શ્લોકમાં સંમોહઃ શબ્દ આપ્યો છે . સંમોહ  એટલે મૂઢતા , જડત્વ . આને  લીધે આગળ-પાછળનું બધું જ ભૂલી જવાય છે ; જેને અહીં સ્મૃતિ વિલોપ કહ્યો છે .સ્મૃતિ એટલે સમજશક્તિ ; સારું નરસું વિચારવાની શક્તિનો લોપ . અને એને કારણે હત્યા સુધી પણ કોઈક પહોંચી જાય . માટે આસક્તિ ,જે ,આ બધાનું મૂળ છે , સ્ત્રોત છે ,તેનો જ નાશ કરવો ,તેને જ ત્યજવી . જે આધ્યત્મમાં આગળ વધી ઉન્નત કે ઉર્ધ્વ પથ ઉપર ચાલવા માગે છે , તેને માટે આસક્તિ છોડવી એજ માર્ગ છે . 

-----ક્રોધના પરિણામો સમજવા માટે ક્રોધ શાનાથી ઉત્પ્ન્ન થાય છે ; તે સમજાવતા આ 62 ણ 63 શ્લોકો છે . માટે આ બન્ને શ્લોક સાથે જ સમજવા જરૂરી છે .  પૂર્ણ રાજ્ય પોતાના જ હસ્તક રાખવવાની આસક્તિ હતી દુર્યોધનની ,અને એ આસક્તિએ ઉપજાવેલાં ક્રોધે , કેટલી વખત પાંડુ પુત્રો  ઉપર જાત જાતના વાર કરાવ્યાં ; અને અંતે યુદ્ધમાં આખા કુળનો નાશ કરાવ્યો !   તો , ક્રોધનો નાશ કરવો હોય તો આસક્તિ છોડો .
                                                                                    11\12\2020 

કિરણ

     કિરણ શબ્દની સાથે જ આદિત્યના તેજકિરણોનું સ્મરણ થાય .પ્રભાતે જ્યારે સૂર્યના કિરણોને વાદળ પછીતેથી ફૂટતાં  જોઈએ , ત્યારે , ક્યારેક મોરનાં  કળાયેલ પીંછા જેવું દેશ્ય રચાયેલું દેખાય છે . એ અનુભૂતિ જેણે  માણી હોય તેને   સ્વર્ગની ખેવના રહેતી નથી . ખેર ! રાત્રીના અંધકાર પછીના એ સુવર્ણરંગી કિરણોથી ,નવા ઉમંગ અને નવી આશાનું પ્હો  ફાટે છે .તો ;  કિરણ આશાનું પણ , ઉમંગનું પણ ,સ્ફૂર્તિનું પણ અને સાથે સાથે અંત:કરણના  અંધકારને દૂર કરતાં ઉજાસનું પણ કિરણ ! એ તેજ-લિસોટો મનમાં પ્રવેશે, તો તો બસ , પછી તો બ્રહ્મમય થવાનો પથ દેખાઈ જાય ! 

     આપણે એક પ્રાર્થના સાંભળી છે ; " એક જ દે ચિનગારી ,મહાનલ ! એક જ દે ચિનગારી "."મહાનલ" એટલે કે ,સૂર્યની અંદરના અનલ-તેજ , એના કિરણોનો એક ઝબકારો -તણખો - ગંગાસતીએ ઝબકારે મોતી  પરોવવાની વાત કરી , બસ , એ જ મને મળો . જે ઝબકારામાંથી મળેલા જ્ઞાનની સંગાથે આગળ વધી , હે પ્રભ ! તારા ધામના પથ ઉપર ચાલી શકવા સમર્થ  થાઉં ! 
     આ પ્રાર્થના પછી જો ,
-----કિરણનો  એક ઝીણો ય લિસોટો મારી તરફ , મારા અંત: કરણને ઉજાળવા આવે  તો , હું આમ બોલું , 
-----ચિદાકાશમાં ,નિશા ,તમસની ,
-----ફૂટી ત્યાં , એક તેજ-પુંજ કણી  ! 
-----સંચરતી , અનંત તેજ-પુંજ કણી  ,
-----હટાવશે ,તમસને ,ચમકી -ઝગી ! 

-----ચિદાકાશને દીધું ,ઓજસથી ભરી ,
-----હવે લોપાશે કાજળ  , ને , ચિત્ત ચડશે કિરણ ઝાલી ! 
-----આહાહા ! "બેલા"ની જુઓ, ઝૂલે વલ્લરી ;
-----આસ્વાદ તેજ-કિરણોના આનંદનો લેતી .! 
                                                29\11\2020 
                                                     11.15.એ.એમ. 

Gita-Adhyaya-15-Shlok-1

ઉર્ધ્વમૂલમધ :શાખામશ્વ ત્થમ પ્રાહુરવ્યયં  । છંદાસિ  યસ્ય પર્ણાનિ યસ્ત્યં સ વેદવિત  ।।


-----ઉર્ધ્વ એટલે ઉપર અને અધઃ: એટલે નીચે . આ શરીરને અને સંસારને એક વૃક્ષની  ઉપમા આપી છે .  વૃક્ષના  મૂળ જમીનમાં નીચે અને ડાળી-પાંદડા ઉપર હોય .વૃક્ષની મજબૂતાઈ , વૃદ્ધિ , વિકાસ તેના મૂળમાં છે . આપણા  શરીરમાં, આપણું મૂળ , શરીરના ઉપરના ભાગમાં, માથામાં રહેલું છે . આપણે જાણીએ છીએ , કે , માથામાં મગજ છે ; જે , આપણી ગતિવિધિ, વિચારશક્તિ , હલનચલન ,શ્વાસ વિગેરે બધાનું નિયમન કરે છે .માટે તે આપણું મૂળ . થયું જેને આધ્યત્મમાં સહસ્રધ્ધાર  મૂળ કહે છે .એટલે શરીર માટે તેનું મૂળ ઉર્ધ્વ =ઉપર છે એ વાત સ્પષ્ટ થઇ. 

-----હવે , અધઃ: નીચે. શરીરની શાખા, એટલે અવયવો. બધાં  જ અવયવો માથાથી નીચેના ભગમાં છે . આ અવયવોને શાખા કહી છે .  વૃક્ષનું નામ આપ્યું છે ; આ-શ્વ ત્થ . "શ્વ"એટલે આવતી કાલ -ભવિષ્ય - "ત્થ " એટલે ટકવું . "શ્વત્થ " નો અર્થ થાય જે ટકવાનું છે તે  .પરંતુ તેની આગળ , "અ " નકારાત્મક અવ્યય લગાડ્યો છે તેથી અર્થ થયો , "જે ટકવાનું નથી તે" .વૃક્ષ, જે ટકવાનું નથી તેવી રીતે શરીર પણ ટકવાનું નથી . કાલગ્રસ્ત છે . તો હવે આમ સમજી શકાય " ઉપર તાળવામાં  કે માથામાં જેનું મૂળ છે , અને અવયવો,ઇન્દ્રિયો  જેની શાખા છે ; તેવું કાલગ્રસ્ત વૃક્ષ ,તે માનવ શરીર છે ".

----- પછી આવે છે ; "છંદાસિ  યસ્ય પર્ણાનિ" છંદો જેના પાંદડા છે . છંદ એટલે વેદ ;વેદની રૂચાઓનું ગાન .વેદગાનમાં છંદોલયનું મહત્વ હતું ; અહીં વેદને છંદનું નામ આપ્યું છે , કારણ કે , તે સમયમાં લખાણ નહોતું . તેથી બધું જ કંઠસ્થ  કરાતું ;અને એને માટે લાયગાન શ્રેષ્ટ રીત છે . આવાં વેદનાં મન્ત્રોથી મેળવેલાં જ્ઞાન અને સમજણ, તે , આપણા આ શરીરરૂપી વૃક્ષના  પાંદડા છે . હવે , પાંદડા જે રીતે , પાનખરમાં ખરી જાય છે , તે રીતે જ્ઞાનરૂપી પાંદડા , સંસારના મોહતત્વ , દુ:ખતત્વ ,ઇન્દ્રિયસુખતત્વ ,વિગેરેને આપણી શાખાઓ ઉપરથી ખેરવી નાખે છે . આવી સમજણ , જે , વેદમાંથી મેળવે છે તેને વેદનો જાણકાર કહે છે ; ".સ વેદવિત ".

-----આ અધ્યાયનું પૂર્ણ અધ્યયન કરીએ તો સમજાય કે , વૈરાગ્યના અદ્રશ્ય શસ્ત્રથી જ મનુષ્ય   આ       સંસારક્ષના પાંદડાઓ ખેરવી જન્મ-મરણના ફેરામાંથી છૂટી  શકે છે .આ અધ્યાયમાં ભગવાને પોતાને જીવ અને ઈશ્વર થી ઉપર પરમેશ્વર કહયાં  છે . ક્ષર=નાશવંત ,અને અક્ષર =અવિનાશીથી ય પરમ કહી , પોતે સર્વ પરુષોમાં ઉત્તમ છે =પરુષોત્તમ છે તે સમજાવ્યું છે , માટે આ અધ્યાયને "પરુષોત્તમયોગ". એવું નામ આપ્યું છે . 

----- સાથે સાથે બીજો શ્લોક પણ થોડો જોઈ લઈએ . "અધઃ ચ ઉર્ધ્વ " ઉપર અને નીચે . ,આ સંસાર વૃક્ષની શાખાઓ ક્યાં ક્યાં ફેલાયેલી છે ? તો , કહે છે ; કે , મનુષ્ય , આ , માનવ યોનિમાં આવ્યો ,તે પહેલાં , આ યોનિથી નીચેની "અધઃ:" યોનિમાંથી (કીટકથી લઈને 84 લાખ ) પસાર થયો છે ; અને ઉર્ધ્વ એટલે કે , માનવ યોનિથી બ્રહ્મલોક સુધીની (યક્ષ, ગસન્ધર્વઃ, દેવ વિગેરે તમામ )યોનિનો ઉર્ધ્વ યોનિમાં સમાવેશ થયો છે .અથવા ગણાયો છે .ત્યાં ,  ઉર્ધ્વ યોનિમાં  જવા માટે આપણે આ યોનિમાં મથવાનું છે . આમ અધઃ" અને ઉર્ધ્વ ,એ , આ સંસાર વૃક્ષની વિસ્તરેલી શાખા પ્રશાખા છે . "પ્રસૃતાસ્ય શાખા "   જેવી રીતે વૃક્ષનું પોષણ પાણીથી થાય છે ;તેવી રીતે મનુષ્યનું પોષણ ગુણો (ત્રણ ગુણો , સત્વ, રજસ અનર તમસ ) દ્વારા થાય છે . શરીરની વૃદ્ધિ આ ત્રણની અસરથી થાય છે . મનુષ્યોના કર્મોની ડાળીઓ "પ્રવાલા  " આ ગુણો થી પ્રભાવિત થાય છે ; અને ઇન્દ્રિયો દ્વારા આસક્ત થઇ કર્મો કરે છે . એ કર્મોના બંધનોથી ફરી ફરીને મનુષ્ય આ લોકમાં આવ્યા કરે છે . માટે આ મનુષ્ય લોકને કર્મક્ષેત્ર કહે છે . આ પહેલા 13માં અધ્યાયમાં શરીર , ક્ષેત્ર અને કર્મક્ષેત્ર તથા કાર્ય કરનાર ક્ષેત્રજ્ઞનિસમજ્ણ આપી છે . અસ્તુ .

સ્પર્શ પ્રભુનો



-----કોમળ ફૂલ સમો સ્પર્શ, પ્રભુ હસ્તનો ,

-----પ્રભાતે , સુવર્ણરંગી ઉજાસથી થતો ;
-----કુમળાં કિરણ, હાસ્ય વેરતાં , ને મીઠી ચુમીનો આભાસ થતો .

-----તારાં  પ્યારાં  પ્રેમ-પીયૂષથી ,આકંઠ સંતોષ થતો ,
-----આ જીવ તારાં  ચરણોમાં ,ગદ્દગદ્દ  થઇ લોટતો ! 
-----હૂંફાળું હૈયું ,ને ,સ્પર્શ સ્નેહ ભર્યો , "બેલા" ને બહેલાવતો ! 
                                                          14\12\2020 
                                                               3.25. એ. એમ 

ઝાકળ અને જીવન


-----ભાસે મને , માનવ-જીવન , ઝાકળબિન્દુ  સમું ! 

-----ઝળકે બિન્દુ હરેક પાન પરે , ઝળહળતાં  સૂર્ય સમું .
-----હવાના ઝોલાએ , જાય સરી  ,હસતું રમતું ,
-----ચુપચાપ પ્રસન્ન ચિત્તે ,માટીમાં જઈ  ભળતું .

-----માનવ-જીવન ,અંશ ,પરમાત્માના રૂપનું ,
-----પરુષાર્થથી ઝળકે , ઝાકળબિન્દુ  સમું ;
-----કોઈક ઉજાળે એને ,સૂર્ય -પ્રતિભા સમું ;
-----અને અંત સમયે ,મૃત્યુના પગરવને ચુપચાપ સંચરતું ! 

-----ઝાકળ બીજે દિવસે ,ફરી ચળકી  ઉઠતું ! 
-----જીવન બીજા જન્મે ,ફરી સળવળી ઉઠતું ! 
-----દિન પર દિન ઝાકળ ઝળકી ને વિરમતું ,
-----જીવન, જન્મો જનમ  આવતું ને જતું ! 

-----"બેલા " જીવી લે , પ્રફુલ્લિત , ઝાકળ સમું ,
-----વહાવી ,સુગંધી ,ફોરમ  ને ખુશ્બુ . 
                                            13\12\2020 
                                                 3.00 પી.એમ. 

ઝંખના


-----ઝંખના આવી ક્યાંથી ? કોણ છે તેની જનની ? 

-----વિચારોના ઊંધા વ્હેણે , વહી , મનની નદી ! 
-----મૂળ મળ્યું , તો જાણ્યું , ઈચ્છા તેની જનની ;
-----ઈચ્છાથી ફૂટી અપેક્ષા , ને , ખીલી , આકાંક્ષાની કળી .

-----ફરી વળી આકાશે આકાંક્ષા ,ભરી, ખેવના-સુરભિ  ,
-----નભને તોરણિયે ખેવનાએ , ઝંખનાને બાંધી ;
-----ખેવના ઝંખનાને ભટેવા , રહે , પાંખ ફફડાવી ,
-----પ્રયત્નોના ચકરાવા અંતે પીધી , ઝંખનાં-તૃપ્તિની પ્યાલી ! 

-----આવી ઝંખનામાં માનવી રહેતો રાચી ,
-----"બેલા" છોડી ,રાચે ,એ ઝંખનાની સવારી ! 
                                                   12\12\2020 
                                                         12.20.પી.એમ. 
 

તો , આમ ઝંખનાનું મૂળ ઈચ્છા છે ,અને ઝંખના ,એ ઈચ્છાનું ઉત્તુંગ શિખર છે .ઇચ્છામાંથી અપેક્ષા ,એમાંથી આકાંક્ષા અને એ ધ્યેય સિદ્ધ કરવાની ખેવના અંતે ઝંખનામાં પરિવર્તન પામે છે .આપણે 2 દાખલા લઈએ . આપણા સૌની જાણીતી રમત , ક્રિકેટનો , અને , બીજો , માઉન્ટ એવરેસ્ટના શિખરને સર કરવાનો . ભારતના ક્રિકેટ જગતમાં , પટૌડી , ગાવસ્કર , કપિલ દેવ , તેંડુલકર જેવાં  મહાનુભાવોના નામ આવે .તેઓએ બચપણમાં રમવાનું શરૂ કર્યું હશે ત્યારે ,વિખ્યાત ક્રિકેટર થવાની ઈચ્છા સાથે સપના જોયાં હશે . ધીરે ધીરે જેમ જેમ સફળતાની સીડી ચડતાં  ગયાં તેમ તેમ એ ઈચ્છા પણ પગથિયાં ચડતી ગઈ અને ઝંખનામાં પરિણમી હશે . એ મંઝિલે પહોંચવા તેઓએ જે તનતોડ અને મનતોડ મહેનત-પ્રયત્નો કર્યાં , તે તેઓની જીવન કહાણીમાંથી મળે છે. 
    હિમાલયના ઉચ્ચતમ શિખર વિષે વાત કરીયે , તો , તાજો જ દાખલો છે ; અરૂણિમા સિંહાનો .દુનિયાના કેટલાં  ય શિખરો સર કર્યાં  ,અને જ્યારે એવરેસ્ટ માટે સંકલ્પ કર્યો ---- જે દરેક પર્વતારોહકની ઝંખના હોય છે ---- ત્યારે , અકસ્માતમાં એક પગ ગુમાવવો પડ્યો ; છતાં , તેઓએ પર્વતારોહણ કર્યું અને એ સંઘર્ષ પર કરી ગયા ! અને જીત્યાં ! ! ધારેલું  શિખર સર કર્યું . 
    આ થઇ ,સકારાત્મક ,ભૌતિક ઝંખના-મહેચ્છાની વાત . આધ્યાત્મિક  સકારાત્મક  ઝંખનાનો પુરાવો છે ; મીરાંબાઈનું જીવન ! કૃષ્ણ-મિલનની એમની ઝંખના કેટલી તીવ્ર હતી અને તે માટે તેમણે  કેટલાં દુ:ખો સહયાં , અને અંતે એ ઝંખના કૃષ્ણ મિલન સાથે પૂર્ણ થઇ અને તેઓ વિલીન થયાં , આ આપણે સૌ જાણીયે છીએ . 
       નકારાત્મક ઝંખનાની વાત કરીયે તો , કેટલાંક એવી ઝંખના રાખતાં  હોય છે કે , તેમના પ્રતિસ્પર્ધી ---પછી તે વ્યાપારમાં હોય , કલાક્ષેત્રમાં હોય ,રાજકારણમાં કે અન્ય કોઈ પણ ક્ષેત્રમાં હોય ,---એને પછાડી આગળ વધી જવું . અને એને માટે યેન કેન પ્રકારેણ યુક્તિ પ્રયુક્તિ યોજે . આ થઇ નકારાત્મક ઈચ્છાથી ઉત્તપન્ન  થયેલી ઝંખના . દુર્યોધન આ નકારાત્મક ઝંખનાનું ઉત્તમ  પ્રતીક  છે .જેણે  , વિશ્વનું પહેલા મહાયુદ્ધનું સર્જન કર્યું ! નકારાત્મક ઝંખનાની આવી હદ પણ હોય છે . 
      ઝંખના સકારાત્મક કે નકારાત્મક ઉદ્દભવવી ,  તે , માનવીના સ્વભાવ અને પ્રકૃતિ દત્ત ગુણો ઉપર આધાર 
 રાખે છે . સમય મર્યાદા ને લીધે ઝંખના વિષે આટલું કહી વિરમું છું. 
   વાચકમના સર્વે સભ્યોને રિચમોન્ડ વર્જિનિયા યુ એસ  વીરબાળાના  સ્નેહ-સ્મરણ .
                                                                                                         15\12\2020