Pages

84માં જન્મદિને

 1          

જ્યમ 84 લાખ યોનિના જન્મફેરા વિતાવ્યા ,
તેમ  મનુષ્ય જીવનનાં  84 વર્ષો વિતાવ્યા ! 
આ 85માં વર્ષે , કરું નમી પ્રભુને ,યાચના ;
દેજે હવેના ભવ આ જ માનવ યોનિમાં ,
કરજે કૃપા, મેળવું ઓજસ જ્ઞાનનાં  ,
ને , દર જન્મે વાધે વ્યાપ, સમજણના ! 
                 પછી  ભલે 
84 લાખ માનવજનમે  ય પામુ સુખ ,તવ આશ્લેષના ;
ને , મહેકાવું, તવ તનમન ફોરાવી ફૂલ આ "બેલા"ના ! 
                                             19\7\2021 
                                                 5.20 પી. એમ. 


2         
84 લાખ યોની વટાવી, આવી આ માનવ યોનિમાં ! 
84 વર્ષ ,સાચી -ખોટી, ઊંચી-નીચી ,કેડી વટાવી આ માનવ યોનિમાં ! 
હવે એક જ યાચના સાથે જીવું છું , આ માનવ  યોનિમાં ;
સદા સ્મરણમાં રહે બ્રહ્મત્વ સાચું, આ માનવ યોનિમાં .
84 લાખ ભલે મળે અવતાર ,આ માનવ યોનિમાં, 
"બેલા" વાધે ઊંચે ને વાંછે , સ્પર્શ તારો , એ સર્વ યોનિમાં ! 
                                                  19\8\2021 
                                                      9.10.એ.એમ 

સંદેશો અને ગમન



-----શ્યામ! તમે હૈયામાં જરી યે  ઓછું ના આણશો ,
-----વ્રજમાં બેઠી રાધિકા, પાંપણને પાંદડે મોકલે , આ સંદેશો ;
-----ગોલોક પોકારે છે નાથ! ,સમય થયો હવે આહીં  પૂરો ,
-----ગોલોકેશ્વર! હાલો, આ લીલા સંકેલવાનો આવ્યો છે વારો ! 

-----પાંપણના પાંદડાને, જમનાના નીરે માર્યો હડસેલો ,
-----વ્હેતા  એ પાંદડાના થરકતા કલરવને ,ઝીલે દ્વારિકાનો દરિયો ;
-----સૂણે  , ઝરૂખે એને , ને , મનમાં મલકે છે શામળિયો ,
-----મગાવી "બેલા"ના ફૂલ, અને શામળિયે સંદેશને છે વધાવિયો ! 

-----રચી ઉજાણી-ઉત્સવ, આનંદે, વેરાવળ પંથ છે ખેડિયો ,
-----યાદવાસ્થળીથી દૂર , ભાલકા જઈને , થડે અઢેલી  પગ  ટેકવિયો;
-----જરાના તીરને સ્વીકારી લઈને , લીલા અવતારને સંકેલ્યો ! 
-----ભક્તજનોએ "જય  ગોકુલેશ"નો નાદ ગગને ગજવિયો ! ! ! 
                                                       14\9\2021 
                                                          2.00 પી એમ . 

ફોટોગ્રાફથી થયેલ પ્રેરણા


નભના સૂરજને નિજમાં સમાવ્યો ,
પાંદે  પાંદે  એનો પ્રકાશ સ્વીકાર્યો ;
ધરતીના જલમાં મૂક્યો  પડછાયો,
ને , નીરસમુહને  ય, એ રુપે  સજાવ્યો ! 
                               16\9\2021 
                                   11.53 એ.એમ .



घनघोर घटा मस्त छाई  है ,बरसाती मौसम आई है    
         पेड़ों पे नमीं झूमती है ,नदी कलकल निनादी बहती है;
         अकेले घर में रौशनी फैली है , आज फिर दर्दभरी तन्हाई है ! 
                                                                 ४\९\२०२१ 
                                                                   12. ७.पि.एम्. 


 

ફરક "હું" ને "તું"નો



"તું" છે "હું" માં સમાયો, ને "હું" તો "તું"ને ભુલ્યો ! 
"હું" "હું"ના રટણમાં "તું"ને હાંસિયે ધકેલ્યો ! 
ભવ-ભાવ જગતમાં "હું"ને ફુલાવ્યો  --
ને એને જગદાકાશમાં ઊંચે ઉડાડ્યો ! 

આંધી આવી ,અને 'હું"નો ફુગ્ગો ગુટયો,
હવા ગઈ નીકળી, ને મોંભેર નીચે પછડાયો ! 
જાણ્યું ત્યારે , "હું"ને ના ,પોતીકો ,અસ્તિત્વનો આરો ;
એ તો શ્વસે છે, જ્યારે હોય આધાર "તું"નો ! 
"તું" ને "હું"માં છે ફરક આ સદાનો;
મહાભારતકાળથી, મામકાઃ: પાંડવોનો ! 

"હું" નમ્યો, ઝૂક્યો ,"તું"ને , ને હ્ર્દયે પધરાવ્યો,
"બેલા"પુષ્પ ને ધૂપ-દીપથી "તું"ને નવાજ્યો .
                                       13\9\2021 
                                           1.50.પી.એમ . 

ગોકુળમાં જન્મોત્સવ


જશોદાએ કાનુડાને કાળજે ચાંપ્યો ! 

જશોદાએ બાળુડાને કાળજે ચાંપ્યો ! 
વ્હાલભર્યાં  નયનોથી ચુમ્યો ....
જશોદાએ વ્હાલુડાને કાળજે ચાંપ્યો ! 
સોનાનું પારણું ને હીરની છે દોરી 
હળવે રહી એમાં પોઢાડ્યો.....--જશોદાએ ...

ગોકુળનાં  ગોપગોપી આવ્યા ટોળે વળી ,
કાનુડાને નીરખે,હરખે લળી લળી ;
વારણા  લઇ લઇ હુલાવ્યો .....
જશોદાએ કાજળનું ટપકું  ને કાળો દોરો બાંધ્યો ---જશોદાએ ....

નંદબાબાએ દાન દીધાં ફરી ફરી ,
ગાયો ને મોતીડાંની ટોપલીઓ ભરી ભરી ;
આનંદે ઢોલ વગડાવ્યો........
જશોદાએ બાળના  કાને દાબ  દીધો ----જશોદાએ.....

ગલગોટા "બેલા" ગુલાબ ને ચમેલી ,
તોરણિયે લ્હેરાતાં વાયરે ઝૂલી ઝૂલી;
મોરલાએ ગહેકાટ ગજાવ્યો....
જશોદાએ અનોખો મલકાટ મલકાવ્યો --

જશોદાએ કાનુડાને કાળજે ચાંપ્યો 
                                       22\8\2021 
                                           3.30. એ.એમ. 

ઝૂલતા રહેવું



પ્રસ્તાવના ---
એક ચિત્ર હતું. તળાવમાં બે દાંડી . એક ઉપર ખીલેલું કમળ  .બીજી ઉપર ખરી પડેલી પાંદડીઓ અને રહી ગયેલ અંદરના રેષાઓ. બન્ને ડાળી ઉપર એક એક પગ ટેકવીને લાંબી ચાંચવાળું બેઠેલું  પંખી .આ ચિત્ર ઉપરથી કલ્પના કરી લેખન કરવાનું હતું . મેં આવી કલ્પના કરી . પછી નીચેનું કાવ્ય લખ્યું . એક પંખી બેઠું છે, બે ડાળ ઉપર એક એક પગ ભેરવીને . સૂક્ષ્મ અર્થ કરીએ તો ; આ પંખી તે કોણ ? આતમ પંખી . બે ડાળ છે તે આ સંસારની બે વૃત્તિઓનું પ્રતીક છે .ભોગવૃત્તિ અને મુમુક્ષુવૃત્તિ . પંખી વિચારે છે , કઈ ડાળ  ઉપર જઈ બેસું ? ખીલેલાં  મઘમઘતાં  લોભામણા પુષ્પ વાળી ડાળ  ઉપર ?, જયાં જગતનો સર્વ આનંદ સમાયેલો છે ,કે પછી , શુષ્ક ફૂલવાળી ડાળી ઉપર ? ખીલેલાં મઘમઘતાં ફૂલવાળી ડાળી એ ભોગવૃત્તિ છે બીજી ડાળ  એ બ્રહ્મત્વની ખોજ માટેના બીજવાળી ડાળ  છે. ચિત્ર પૂછે છે , શું સ્વીકારશો ? શેમાં લોભાશે ? પંખી ક્યાં જઈ  બેસશે ? ---- એક બીજો સંદેશો આપે છે ; મઘમઘતાં સુંદર આનંદમાં અને દુ:ખથી શુષ્ક કંટકવાળા સમયે પણ બન્ને પગે  બેઉ સ્થિતિમાં સમતોલ રહી , જીવનમાં સમભાવે ઝૂલતા રહેવું .
                           કાવ્ય   ઝૂલતા રહેવું 
ઓરે ઓ પંખીડા ! ઊતર્યું  તું આ જગે .
ઊડતાં  અટવાયું , આ બે ડાળ વચાળે ! 
શું વિચારે ? ફૂલ સૂંઘું ,કે જઈ  બેસું બીજે મથાળે ? 
ફૂલ તો કોમળ, મદિર , સુગંધવાળું; લલચાવે ,;
બીજામાં તો રેષા  કાઠા , બેસવું પડશે ભારે ! 
કોમળ સેજ અને મધુરતા રસમય, ઉભયને ત્યજીને ! 
                          કિન્તુ 
પંખી ઊડ્યું  ,જઈ  બેઠું રેષાને મથાળે . 
ચાંચ  ભેરવી, ખોતરી કાંટાને ,શૂળ દૂર ફેંકે ;
મથે મેળવવા અમૃતરસ , ને પામવા બ્રહ્મપદને ! 
"બેલા" દૂરથી દેખે, હરખે  , જોઈ ,પંખીના આત્મતત્વને .
                                                18\8\2021 
                                                    3.45 પી.એમ. 

વન દર્શન

 


ડુંગર ડુંગર ભમી ભમીને ,નિરખ્યા  સુંદર વન ! 
લીલી લીલી વનરાજી , ને ફૂલે ફૂલે ગુંજે ભ્રમર ! 
ટેઢીમેઢી કેડી ઉપર નાના મોટા પત્થર ,
ઠેકી એને પ્હોંચી  ટોચે , માણ્યું જાણે  ;
              ઢૂંકડું સ્વર્ગ ! ! !
નાનું એવું ઝરણું દોડે કરતું નિનાદ કલકલ ,
કુદરતના એ મધુર ગાને , માનવ રમે છલબલ ;
અવનવા આકારઘેલાં  અંકાશી આ વાદળ ,
સમી સાંજની ચુંદડી  ઓઢી , ચુમતાં  ડુંગર-ભાલ ! 

મિલન સોહામણું જોઈ , શરમાયાં ,વળતાં  વિહંગ ,
ફોરમતી 'બેલા"ની સંગે ઝૂલતાં ,અખંડ આનંદે અનંત !!! 
                                                   8\8\2021 
                                                        5.00 પી એમ . 

અહો આશ્ચ્રર્યમ !



દરજીડો તો માળો  સીવે ,સુગરી માળો ડોલાવે ,
ચકલી તરણામાં  કાપૂસ ભેળવે ,ને કીડી દાણો દરમાં  તાણે  ! 
ક્યાંથી આવી આ બુદ્ધિ ,ને ક્યાંથી આવી આ આવડત ?! 
સોચ જરા, ઓ માનવી ,! ના સમજ  સ્વને સર્વોચ્ચ ! 

ના કર આશ્ચ્રય એનું . સમજ પરમાત્માનું શાસ્ત્ર ,
સર્વોચ્ચ તો "એ ' જ નિયતકર્તા ,ને "એનું" જ એ કર્તૃત્વ .
 "બેલા" ઝૂમે આનંદે , ને , શ્વસે , અનુભવી ,પ્રકટ-અપ્રકટ સત્ય ;
ઝૂલે, પંખીગણના માળા સહિત , ને વાંછે, બ્રહ્મનાદ શાંત સુરમ્ય  !
                                                2\8\2021 
                                                   11.00 એ.એમ 

બંસીઘેલી ગોપી



આંખોથી આંસુ નીસર્યાં , ને નયણા  વરસે ઝરમર ઝરમર ,
કાળજડુ  કોરાણું  ,કાન્હા !, બંસીનાદે સરસર સરસર ! 
નિંદર વેરણ , સપના ઝૂલ્યાં , કારજ રહયાં  ટળવળ ટળવળ ! 
ભાન ભૂલી ગઈ ભાર્યા , ને મેલ્યાં  ભરથાર ઘર પર ઘર પર ! 
બંસીવટે  તો રાસ રચાયાં , ને ગોપીયું રમે થનગન થનગન ! 
પૂનમની રાતનો શીતળ ચાંદલિયો, ચાંદનીએ તરબોળ , ઝિલમિલ ઝિલમિલ ! 

વાયુની લ્હેરખીએ લહેરાયાં , "બેલા" ચમેલી ય મઘમઘ ,મઘમઘ ! 
                                                             18\6\2021 
                                                                   12.50. પી.એમ .

વા'લા

  


ઓ મારા શામજી વા'લા , હું તો ભૂખી દયાની તારી વા'લા .

લથડતે પગે , ને , ધૂંધળી આંખે ,ડાબલીમાં દાંત ચારની સાથે ,
જેવી તેવી ચાલતી આ , બુદ્ધિની સાખે ,જઠરાગ્નિને જલાવજે વા'લા ! 

વધુ ના માંગુ , તુજ પાસે વા'લા ,જે છે તેને જ તું સાચવજે વા'લા ;
"બેલા" કદિ  ના ઓશિયાળી ઝૂલે, યાચના બસ, મારી , એટલી જ વા'લા .
                                                               14\7\2021 
                                                                    8.05 પી.મ. 

પ્રયાણ-પન્થ દિન પતિનો



પ્રયાણ દિન ચૂંટ્યો તમે એવો ,ભુલાયો  ના  જાય , કદિ  ભૂલ્યો ,
પ્રાક્ટ્ય દિન , ચૈતન્ય અવતારનો ,તો , પરીક્ષા દિન ભક્ત પ્રહ્લલાદનો ;
ઉદ્ધાર દિન રાક્ષસી હોલિકાનો , બન્યો તવ  મોક્ષ દિન , તમ જીવાત્માનો ,
શુભ દિન બન્યો ,તન-પિંજર છોડવાનો, લહેરાવી ,ઝોંકો "બેલા"ની ફોરમનો .
અમારે તો ,બન્યો દિન ધીર ધરવાનો ,અને , ગતાત્માની પરમશાંતિ માટે પ્રાર્થવાનો . 
                                                                  હોળી-ધુળેટી 2021 6.30 પી.મ. 

સોનલને 50મા જન્મદિને


અ- કેસરવર્ણ "પુલકિત" "વિહાન" ઉભર્યું ગગનમાં ,

     સુવર્ણ રંગ પથરાયાં , "સોનલ" પુષ્પ વાટિકામાં ;
     મધુવનમાં "વેંકટ"ની વાગે વેણુ સુરતાલમાં ,
     આનંદી ભ્રમર ગુંજે , વિષ્ણુનાભિ કમળમાં ! 
                                           9\1\21   8.50 એ.એમ. 

બ -વર્ષો ઊડ્યાં  અર્ધશતક ,પંખીડા સમ ,
     ઉડાન  ભરી ગગનમાં , પામ્યાં  , સફળતાનો સંગ ;
     ગોથા ય ખાધાં , લ્હેરે જ્યમ,આકાશે પતંગ ! 
     "વન" વર્ષે "નવ" સંકલ્પે , માંડ્યાં  ડગ , ભરી ઉમંગ ,
     "બેલા" ઝૂમે , નિહાળી વલ્લરીને "ઝૂમખાં સહ , મન્દ મંદ મંદ -
      ને , ફોરે , આશિષની ફોરમ વાયુની  સંગ .
                                                      17\7\21    10.30. પી.મ. 
        8 ઓગસ્ટ 2021 ના જન્મદિને સોનલને આપ્યું . 

બેઠક



ભટકતા એક પ્રવાસીને રસ્તે મળી એક આનંદી બેઠક ,

જઈને જોયું , સુણ્યું ,ને મનને ભાવિ ગઈ એ બેઠક ;

અનુભવી વાણી , અને મન્તવ્યો , સુઝાવથી ભરી ભરી બેઠક ,
અને ,પ્રવાસીએ પણ ધીરે રહીને જમાવી ત્યાં બેઠક .

ભાખોડિયા ભરવા જેવું લાગે એને , તો ય પગલાં ભરવા ઉત્સુક,
પ્રવાસીએ ઝુકાવ્યું, એને સમાવ્યું પ્રેમથી ,એવી આ બેઠક ;
સૌએ ,હસતાં બોલથી ,તાળી દેતાં , ખીલવી દેતાં  આ બેઠક ,
ચમ્પા ચમેલી ગુલાબ, "બેલા"ની મ્હેકથી મહરકાવી દેતાં  આ બેઠક .

વાચિક્મ બેઠક-બાગના સર્વે સુગંધી પુષ્પોએ, જેની લહેર સમાવી લીધી છે; 
એ પુષ્પ- વિરબાળા "બેલા" તરફથી આ નાનકડી કળી .
                                                                              7\7\2021 
                                                                                 1.30 પી.એમ. 

સંબંધોમાં વિશ્વાસ (તરૂલતા વાર્તા સ્પર્ધા)

   "મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે , સમીર, તારી લહરીમાં તું સુગંધ લઈને જ વહીશ "   "અને મને પૂર્ણ એહસાસ છે , " દામિની , કે , તું પણ ગમે તેવા ઘનઘોર વાતાવરણમાં પણ ચમકી ઉઠીશ. " 

    સમીર અને દામિની ડીટેકટીવ તરીકે કામ કરી રહયાં છે. તેઓની નાની પણ સુઘડ અને શાંતિપ્રદ ઓફિસ છે. આજે તેઓ પાસે આવેલા  એક ગુમશુદા કેસ બાબત વાત કરી રહયાં હતાં ,અને એકબીજાના કામ ઉપરના વિશ્વાસને દાખવી રહયાં હતાં. 
     વાત એમ હતી કે એક મા, નામે જાનકી , એમની પાસે આવી હતી . તેની ફરિયાદ હતી , કે , તેની પુત્રી લીના અને દોહિત્રી મીના ગુમ થઇ ગયા છે . જાનકીએ જણાવ્યું કે , પુત્રી લીનાએ ગઈ સાંજે ફોન દ્વારા જણાવ્યું હતું ,"મા ,હું અને મારી દીકરી મીના ,દસેક મિનિટમાં તારે ત્યાં આવવા નીકળીએ છીએ . અત્યારે સાંજના સાડા ચાર થયાં છે . તારે ત્યાં પહોંચતાં સાડા પાંચથી વધારે નહીં થાય . આપણે ભોજન સાથે લઈશું . " જાનકીના જણાવ્યા પ્રમાણે બીજે દિવસે સાંજના સાડા પાંચ થયા પણ એ લોકોનો કોઈ પત્તો નથી . ચોવીસ કલાકથી ગુમ  છે . જાનકીએ આ  ફરિયાદ સાથે  પોતાના જમાઈ ઉપર શંકા પણ દર્શાવી . "એ અનાડીએ આ લોકોની હત્યા કરી હશે ." 
      સમીરે કારણ પૂછ્યું , તો , જણાવ્યું કે સૌરભ, એમનો જમાઈ ,બહુ ક્રોધી, શંકાશીલ અને મનમાન્યું કરાવવામાં માનનારો માણસ છે . વાતે વાતે મારી નાંખીશની ધમકી આપતો હતો . વધારામાં , જણાવ્યું ,કે , " લીના હકીકતમાં છૂટાછેડા વિષે વિચાર-વિમર્ષ  કરવા જ મને મળવા આવવાની હતી . પણ પેલા રાક્ષસને ભનક પડી ગઈ હશે , તેથી જ ભરણ-પોષણ ન આપવું પડે માટે મારી નાખી હશે . વળી , મેં , મારી પુત્રીના નામે થોડી મિલકત કરી છે , તે પણ લીના પછી તેને મળી જાય એમ વિચારીને એ લાલચુએ  આ લોકોને મારી નાખ્યાં  "અને જાનકીબેન ડૂસકાં લેવાં લાગ્યા . 
      સમીર અને દામિનીએ જાનકીબેનને આશ્વાસન આપી રવાના કર્યા અને એકબીજા ઉપર વિશ્વાસ જતાવી કાર્યનો આરંભ કર્યો. 
    "સમીર , તું સૌરભને એકત્રિત કરવા એ સૌરભ નામના ફૂલ તરફ વાયરો લઇ જા, અને હું , આ અંધારામાં છુપાયેલી લીનાને શોધવા વીજળી ચમકાવુ " "હા હા હા હા " બન્ને હસીને છૂટાં પડયાં 
       દામિનીને લીનાના પાડોશીઓ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું ,કે , આ દંપતી વચ્ચે અવાર નવાર ઝગડા થતાં. ક્યારેક સૌરભ હાથ ઉગામતો પણ વધુ મારપીટ ન થતી . ત્રણ ચાર વર્ષિય મીના ડઘાઈ જતી . બીજાઓ દ્વારા જાણવા મળ્યું ,કે , જાનકીનો જમાઈ, સૌરભે જાનકી પાસે પૈસાની માંગણી કરી હતી ,તે , જાનકીએ "લાલચુ " કહીને ઠુકરાવી હતી . તેથી સૌરભ ને ક્યારેક બોલતા સાંભળ્યો હતો , " જાનકીદેવી , જો તમે પૈસા નહીં આપો ,તો , તમે જ તમારા પતિની હત્યા કરી છે એ વાત હું અખબારમાં છપાવીશ "  આથી જાનકી પણ સૌરભને દૂર કરવા- એનો કાંટો કાઢી  નાખવા ઇચ્છતી હતી . તો, વળી , ત્રીજાએ જણાવ્યું ,કે લીના મહત્તવાકાંક્ષી  હતી અને તેની ઉંડાન સૌરભને માન્ય નહોતી . 
      આ બાજુ , સમીરે સૌરભ વિષે જાણકારી મેળવી . સૌરભ થોડો ગરમ સ્વભાવનો હતો . અને તેમાં ધંધામાં ક્યાંક લોચો પડ્યો હોવાથી પૈસાની જરૂર પડી હતી . તેણે  જાનકી પાસે પૈસા માગ્યા અને ન મળયા  તેનો પણ ગુસ્સો હતો . બમણી નિરાશા તે લીના ઉપર ગુસ્સે થઈને કાઢતો . પૈસાની જોડ કરવામાં ઘેર આવતા મોડું થતું ; તો લીના તેના ચરિત્ર ઉપર વહેમાતી.  બાકી , ઘણો સરળ અને પરિવાર પ્રેમી હતો . પત્ની સિવાય રહી શકે તેમ નહોતો . પત્ની ઉપર પૂરો નિર્ભર હતો . જાણતો હતો ,કે , લીનાને પુરાતત્વમાં રસ છે અને તેને દ્વારિકાની ઊંડી ખોજ માટે જવું છે . પરંતુ તે માટે લીનાએ દિવસો સુધી બહાર રહેવું પડે અને ઘણાય પુરુષો સાથે કામ કરવું પડે . સૌરભને એટલા લાંબા સમય માટે લીના દૂર જાય તો લપસી પડે, એવો વ્હેમ હતો . 
          સાંજે સમીર અને દામિની ઓફિસમાં ભેગાં થયાં અને દામિનીએ પૂછ્યું ," બોલ સમીર , તું શું સુગંધ લઈને આવ્યો ?" આ પ્રશ્નના જવાબમાં સમીરે સૌરભ વિષે એકત્ર  કરેલી માહિતી આપી . દામિનીએ લીનાની મહત્તાવાકાંક્ષા ની વાત કરી તો  સમીરે કહ્યું ," હા , તેને દ્વારિકા જવું હતું  પણ મેં તને કહ્યું ને ,કે ,સૌરભને તે મંજુર નહોતું . તેઓના ઝગડાઓનું કારણ ,તેઓનો એકબીજા ઉપરનો આ અવિશ્વાસ જ  છે . સૌરભના ઘેર મોડા આવવાથી  અને ઉડાઉ જવાબોથી લીનાને સૌરભ ઉપર અને લીનાની દ્વારિકા જવાની જીદથી સૌરભને લીના ઉપર . "
    " હવે આપણે ,લીનાબેન ક્યાં છે તેની તપાસ કરીએ " સમીરે કહ્યું . " દામિની , તને ખબર પડી ,કે , લીના એના ઘરેથી ક્યારે અને કેવી રીતે , એટલે કે કયા વાહનમાં નીકળી હતી ?"   " અરે હા, એ વાત તો રહી જ ગઈ તને કહેવાની ! " લીના બોલી . " લીના ટેક્ષીમાં નીકળી હતી . એ વાત તેના સાખ પડોશીએ બતાવી. એમણે  ટેક્ષીનો નમ્બર પણ આપ્યો. સહેલો  હતો તેથી તેમને યાદ રહી ગયો હતો . લે . ટેક્ષી અસોસિએશનમાં તપાસ કર ,ડ્રાઈવર કોણ હતો અને એણે  લીના-મીનાને ક્યાં છોડયા હતાં ?" " સમીરે ટેક્ષીવાળા સાથે વાત કર્યા પછી દામિનીને કહ્યું ," દામિની , તું જાનકીબેનને કહે , તેઓ લીનાને દ્વારિકાથી  પાછી બોલાવી લે અને આવે  કે તરત તેને લઈને અહીં આવે . " 
            બે દિવસ પછી જાનકીબેન લીના મીનાને લઈને ઓફિસે આવ્યા. "આવો  જાનકીબેન." " દામિની બેન ,હાશ , આ લોકો મળી ગયા .તમે કેવી રીતે આ લોકોને શોધી કાઢયા ?"" અરે જાનકીબેન ધીરા પડો , લો , પાણી પીવો .  હવે અમને જણાવો ,કે , આખરે વાત શું છે ? તમારી પુત્રી સૌરાષ્ટ્ર તરફ જવા નીકળી ગઈ છે ,અને એ વાત , તેણે તમને ફોનથી જણાવી પણ હતી . સ્ટેશનના ટિકિટ આપનાર ભાઈએ આ વાત અમને જણાવી છે. તેઓએ લીનાની તમારી સાથેની વાત સાંભળી હતી . છતાં, તમે તમારા જમાઈને ફસાવવા અહીં ફરિયાદ લઈને આવ્યા ? " "તમે જુઠ્ઠું  શા માટે બોલ્યા ?'  સમીરે પૂછ્યું," ના સમીરભાઈ એવું નથી "  ત્યાં જ સૌરભ ,જેને સમીરે બોલાવી લીધો હતો તે ,આવી પહોંચ્યો . સમીરે તેને આવકાર્યો , " આવ સૌરભ .  ચાલો , બધા જ આવી ગયા છો , તો આગળ વધીએ . સૌરભ , તમને શા માટે પત્ની કે સાસુ ઉપર વિશ્વાસ નથી ?"  " સમીરભાઈ , આ લોકો મારાથી વધારે ધનિક હોવાનો ઠસ્સો જતાવી, એમના કહ્યા  પ્રમાણે ન કરું તો મારો કાંટો કાઢી નાખવાની કે ડ્રગ એડિક્ટ બનાવી નબળો પાડી દેવાની વાતો કરે છે .જાનકીબેનને એમ છે કે હું તેમના પૈસાનો લાલચુ છું.  લીના સંશોધન માટે બહારગામ જાય તે મને મંજુર  નથી . એ બહાના હેઠળ તેઓ મારી વિરુદ્ધ કોઈ કારસો કરે તો ? માટે મને બન્ને ઉપર વિશ્વાસ નથી ."  "અચ્છા , અને દામિની , આ જાનકીદેવીના પતિના મૃત્યુનું શું રહસ્ય છે ?" 
   " હા, સમીર , મેં તપાસ કરી . ગાઢ અંધકારમાંથી એક ચમક મળી છે . એમનું મૃત્યુ માથેરાનમાં પેનોરમા પોઇન્ટ ઉપરથી ખીણમાં પડી જવાથી થયું હતું . ખીણમાં ખૂબ  નીચે જોવા જતાં બેલેન્સ ગુમાવ્યું અને પડી ગયા . તેમનો એક કરોડનો વીમો હતો , જેના પૈસા જાનકીબેનને મળ્યા. સગા  બંધીઓએ એ પૈસા પડાવવા- છીનવવા - પ્રયાસ કર્યા, પણ એળે  ગયા; તેથી , વાત ઉડાડી કે , જાનકીબેને વીમાના પૈસા ખાતર એમના પતિને ખીણમાં ધકેલી દીધા ! " અને સમીરભાઈ , એ અફવાની અસર નીચે મેં જાનકીબેનને અખબારવાળી ધમકી આપી ." 
  " અને મેં છેવટે કંટાળીને સૌરભને સીધો કરવાનો વિચાર કર્યો .તેમાં લિનાનો  સૌરભ ઉપરના અવિશ્વાસને લીધે સાથ મળ્યો ." 
   " અને મેં ," લીનાએ આગળ ચલાવ્યું , "મા સાથે મળીને ઘાટ ઘડ્યો. હું ઘેરથી એમને ત્યાં જવા નીકળું છું એવું દર્શાવી સ્ટેશને જાઉં અને સૌરાષ્ટ્રની ટિકિટ લઇ ત્યાંથી ફોન થી જણાવું .હું મારા મનગમતા કામે ઉપડી જાઉં અને મા ,સૌરભ ઉપર આળ   મૂકી તેને ફસાવી હેરાન કરે , "   સમીર બોલ્યો ," તો તો આ બધો ખેલ એકબીજા ઉપરના અવિશ્વાસ ને લીધે જ રમાયો છે ખરું ને ? લીનાને સૌરભના ચરિત્ર ઉપર ,સૌરભને લીનાના અને જાનકીબેનને સૌરભની દાનત  ઉપર . "  દામિની બોલી , " જુઓ , તમે બધા અત્યારે સાથે છો ત્યારે આ વાત સમજો .આ સંસારમાં આપણે બધાં એકબીજા સાથે કોઈ ને કોઈ સમ્બન્ધથી જોડાયેલા છીએ . એ સંબંધોને વિશ્વાસ રૂપી સાંકળથી બાંધી રાખીએ તો જીવતર સરળ અને સફળ થાય . તમે ત્રણે જણે એકબીજા ઉપર અવિશ્વાસ રાખી એકબીજા ઉપર ગઁધાતો  કાદવ ઉછાળ્યો . તમારા જ ચિત્તને- મનને - દુ:ખી  કર્યાં ;અને લીના- સૌરભ ,  તમે તમારું દામ્પત્યજીવન તો ક્લેશમય કર્યું જ કર્યું ,સાથે સાથે , આ નિર્દોષ બાળકી, મીનાના ચિત્તમાં પણ ખળભળાટ ઉત્પન્ન  તેનું ભાવિજીવન  ડહોળી નાખ્યું . " સમીર બોલ્યો ," સંબંધો, પછી તે પતિ-પત્નીના હોય , ભાઈ-બહેનના ,કે માં બાપ-સંતાન ના ;કે પછી કાર્યક્ષેત્રના સહકર્મીના ,દરેક સમ્બન્ધમાં વિશ્વાસ ન હોય  તો કોઈ પણ કાર્ય સફળ થતું નથી . જીવનમાં મીઠાશ રહેતી નથી અને જીવન ક્લેશમય થઇ જાય છે . ચાલો હવે , તમે ત્રણે અને આ વ્હાલુડી મીના એકબીજાને આ મીઠાઈ ખવડાવો. હવેથી વિશ્વાસથી ,મનની વાતો, સ્પષ્ટ પણે નિખાલસતાથી કરીને આનંદમય જીવન વિતાવો ." 
      સહુએ મોં મીઠું કર્યું . જાનકી અને સૌરભે સમીર- દામિનીનો આ મામલો સુલઝાવવા બદલ આભાર માન્યો અને સહુ છુટ્ટાં  પડયા ."સમીર ,દામિની " બન્ને એ સાથે જ એકબીજાને સંબોધ્યા અને સાથે બોલ્યા ," જોયું , આપણો એકબીજા ઉપરનો વિશ્વાસ સાચો પડયોને ? 
                                                                                   સમાપ્ત 
લેખિકા ---વીરબાળા  "બેલા" પંચોલી  (અંધેરી, મુંબઈ ,ભારત ) હાલ યુ,એસ,એ. 
9-1-2021