Pages

ગીતાયાં. ગૃહિતમ


ચિત્ત રે ચોડી  સહુ કારજ કરજો,

મન-પ્રાણ જોડી મારું નામ જ રટજો 
અસતકર્મના  જાળાં નવ ગૂંથજો ,
સત કર્મના બસ કુવા જ ગાળજો .

દાન તપની નિષ્ઠા જ ધરજો ,
સમભાવ અદ્વેષનાં યજ્ઞ જ કરજો ;
સદાચારની વેલી જ વાવજો ,
"બેલા" સમ સુવાસ રેલાવજો .
 
ફોરમ પુરા બ્રહ્મમાન્ડમાં  ફેલાવજો ,
ને, હરીદ્વારે આનંદે સિધાવજો ;
કહ્યું કૃષ્ણનું આ નકકી જ કરજો ,
કૂંચ મોક્ષની કાળજે કોતરજો .
                                13\1\2022 6.10 .એ.એમ . 

કામણ કા'ના ના


નજર્યું ના બાણ તમે મારો ના કા'નજી ,

અમારા કાળજા વીંધાણા ;
તારી તે વાત્યું, ને , તારા મુખમાં કા'નજી ,
અમારા મનડાં ભરમાણાં ! 

ડગલે ને પગલે તારું નામ રટતાં કા'નજી ,
અમારાં પગલાં અટવાણાં ;
બંસરીના નાદે તારાં એ કા'નજી ,
ચિત્તડાં બ્રહ્મલોક ભણી દોરાણાં  ! 

આંખ્યું મીંચાણી, ને ,તારી પાલખીમાં કા 'નજી ,
દેહ, ફૂલ સમ થઇ ઊંચકાણાં ! 
વૈંકુંઠલોકનાં "બેલા" ચમેલીના , કા'નજી ,
પમરાટે , અમે ઘેરાણાં ! 
                                 13\1\2022 

મુખ- દીપ અને પ્રભુનું


કોઈએ પૂછ્યું , મુખ દીપનું કઈ દિશાએ ? 

ને મુખ પ્રભુનું કઈ દિશાએ ?

દીવો તો ઝગે છે સર્વ દિશાએ ,
અંધકારમાં જ્યોતિ સર્વત્ર પ્રકાશ ફેલાવે ;
વિણ  ભેદ, સહુ, દસે દિશાએ 
તેજ સમાયું એનું અંદર , વાટે  .
પ્રભુની  વિભુ પ્રસરે , એમ જ , સર્વ દિશાએ ,
રાય , રંક કે સર્વ વર્ણને, તેજથી ઉભારે .
ઠેલી , મેલી સમજણ, અને અંતરના અંધકારને ઉજાળે .
ઝૂમે આનંદે, ગ્રહી ઉજાસ, ઉરમાં ભરે .

મુખ કઈ તરફ, દીપનું કે પ્રભુનું , ના બેઉ વિચારે ;
ને "બેલા" દીપ અને પ્રભુને સાષ્ટાન્ગ  નમે .
                                       30\12\2021 

પંખીનો પ્રલાપ


દેહ પિંજરે આતમપંખી મૂંઝાય,પાંખો ફફડાવી માંહી ,અહીંતહીં  અથડાય ,

ફરતી મેલી માયાની ઝાલર,જે પકડી , ઝોલા ખાય ! 
શાને બારણું ના ખોલો શ્યામ ! ? અંતર આ વીંધાય .

મેલી દીધી'તી માયા, જો ને ફરી ફરી વીંટળાય ,
 કેવાં તારાં કસબી તારો ! ફરી ફરી સંધાય ! 
શાને રોકે આતમપંખીને ,ઉડતાં ગગન માંહ્ય ?! 
બાકી શું રહી ગયું હજી યે ?! જીરવવું કમભાગ્ય ? 

"બેલા"ડાળે લટકે પીંજરું ,પંખી તડપી તડપીને ગાય ,
હરિ હરિનું સ્મરણ-રટણ , અશ્રુ સાથે ઘૂંટાય ! 
                                        26\12\2021 

પોંખણાની વાટ



ઉંબરે ઉભી હું તો , લઈને વરમાળ રે ,

આવો, હે ભવના ભરથાર રે .


ઓઢાડો ભક્તિની લાલ ચૂંદડી, ને , 
પૂરો જ્ઞાનનું સિંદૂર રે ,
મનનાં દીવાને આપી જ્યોત , અને ,
તેજ ભરી એને પ્રગટાવ રે .

પ્રેમનો કરી હસ્તમેળાપ , ને ,
 પાલખી વ્હાલે ઉઠાવ રે ; 
"બેલા"ના ફૂલથી શણગારી વેલને ,
ને પોંખણાની વાટે  ઉભી , ખુલ્લે કમાડ રે .
                                     7\11\2021 
                                           2.50. પી એમ 

સવાલ-રાવણનો


હું રાવણ !! લંકાધિપતિ લંકેશ !

ઇન્દ્રને હરાવનાર, કુબેરના ધનનો ધનેશ ! 
હા, મેં સીતાહરણ કર્યું, ગણાયો કામેશ ! 
છતાં, સંયમનો હું સદા રહ્યો બાંધેશ ! 

વિણ સ્વીકૃતિ, ના સ્પર્શ કર્યો મેં ,
રામે મેળવી, પવિત્ર સીતા, કેમ કે , હું હતો લંકેશ ! 
ના સ્ત્રી -વિષયભોગી,કોઈ નીચ લમ્પટેશ ! 
હું અભિમાની, પણ , મર્યાદાનો હું નરેશ .! 

હતા દસ ચહેરા, દસ શિર વિશેષ ! 
સૌએ જોયાં ,જાણયાં,નહોતો હું કપટેશ ! 
સામે સૌંદર્ય, છતાં, સંયમથી હું રહ્યો બન્ધેશ ! 
અનુભવ્યું છે તમે, ઓ અધોમાનવ ભૉગ્યેશ ! ? 

બતાવોને છે કોઈ રામ સરીખો એક-પત્નીવ્રતેશ ?! 
કે, છે કોઈ રાવણ સરીખો આત્મ-સંયમેંશ  ? 
બાળો છો મને , મારા દસ માથાને , દુર્ગુણોને;
છતાં ય તમમાંથી થયો કોઈ મમ સરીખો  નરેશ ?! 

જાણતો હતો હું , રામ કરશે મારો ઉદ્ધાર,
માટે જ આપ્યું મેં . સીતા હરણનું કારણ ;
હું મોહિત, હું લજ્જીતનું લીધું બહાનું ,
થાકી સ્વયંવરનું બાણ ,શૂર્પણખા પણ બની મુજ સાથી સકારણ.

"બેલા" સુણી સવાલ, વિચારે, હજી કેટલી નિર્ભયા લૂંટાશે ?! 
ઓ મર્યાદાહીન માનવ-ગીધેસ ?!?! 
ગીધ પણ નોચે , મૃત શરીર,
આ તો , તેથી પણ નીચ કાર્યેશ ! ! ! 
                                        14\10\2021 
                                              11,00 એમ 

માઁ નું આગમન



કુમકુમનાં  પગલાં પડયાં, ઝાંઝર ઝણકાર થયાં ,

  માડી ચાચર ચોકે ઊતર્યાં રે ,તને ખમ્મા ખમ્મા.
ટીલડી ચમકંતી ભાલે ,ચુડીઓના ખનકારે ,
 માડી  ઘૂમે ગરબા લેતા રે,તને ખમ્મા ખમ્મા.

અંબા બહુચર રમે,તાળીઓના તાલે ખેલે ,
  કાળકા -ભવાની જોડાયાં રે, તને ખમ્મા ખમ્મા .
ચોસઠ જોગણીઓ  આવી,ઝાંઝ-પખવાજ લાવી,
  નવરંગી લ્હેરિયાં લહેરાયાં રે, તને ખમ્મા ખમ્મા .

અબીલ-ગુલાલ ઉડયાં ,ડુપ ને અત્તર મ્હેંક્યાં,
  શત શગની આરતીએ પોંખ્યા રે ,તને ખમ્મા ખમ્મા .
માડી  તારા ગુણ  ગાતાં, તુજ સંગે ગરબા રમતાં 
  "બેલા"એ ચરણ પખાળ્યા રે તને ખમ્મા ખમ્મા .
તને ખમ્મા ખમ્મા ,માડી  તને ખમ્મા ખમ્મા .
                                                12\10\2021 
                                                     3.50.એમ