Pages

નોરતું



નવલાં નોરતાના દિન તો આવિયા હો રાજ ,
રુડે ગરબે રમવાને અમે નીસર્યા રે લોલ .
માતાજીની ચુંદડી લાલ લાવીયા હો રાજ ,
બહુચરમાને ચુંદડી સોહાય છે રે લોલ .

ભાલે તે ટીલડી ટમકે હો રાજ ,
નાકે નથવેસર ઝૂલતી રે લોલ .
કાનનાં કુંડળ ઝળક્યાં હો રાજ ,
આંગળીએ દસે વેઢ  ચમક્યાં રે લોલ .

કેડે કંદોરો અતિ શોભતો હો રાજ ,
પગનાં પાયલ રુમઝુમ  રણક્યાં રે લોલ .
માતાજી તો સોહે અપરંપાર હો રાજ ,
"બેલા"સંગ ઘણાં ગરબે ઘૂમ્યાં રે લોલ .
        *    *    *    *    *    *    *
                      સાખી 
હે ----ધ્રબ ધ્રબ ધ્રબ ધ્રબ ઢોલ ધબૂક્યા 
 ને નગારે પડિયા---ઘા --વ 
હે છુમ છુમ છુમ છુમ નાચંતા
મારી બહુચરબાળી ગાય 
હે મારી અંબે માડી ગાય 
હે મારી પાવાવાળી ગાય .

હે હિંગળોક ઉડે ને ઉડે ગુલાલ 
ઉડે કુમ કુમ થા--ળ,
હે બહુચર જોડે રમતાં રમતાં 
"બેલા" પગલી થા--ય ;
હો ઓલી બેલા પગલી થાય .

          ઘોડો ખુંદવો 
ખમ્મા ખમ્મા તને માવલડી 
આશિષ દેનારી માત .
ચરણે તવ શીશ ઝુકાવું ,
આશા પૂરનારી  માત .!

બેલા\૧૨\૯\૧૯૯૮\૧૨.૦૦ બપોર 

મદારી





મદારી ડુગડુગી વગાડીને 
માનવી " ભેળા"કરે ;
ભગવાન ચપટી વગાડીને 
માનવીને "પેદા" કરે .

મદારી પોતાની દોર ઉપર 
   માંકડાને નચાવે ;
ભગવાન સ્વેચ્છાની દોર પર 
  મન માંકડાને નચાવે .

મદારીની ફેલાવેલી ચાદર પર 
પૈસાનો વરસાદ થાય ;
ભગવાનની ફેલાવેલ ધરતી પર 
વારિનો વરસાદ થાય .

મદારીના ખેલથી બાળકોના 
હાસ્ય ફૂલડાં ખરે ;
ભગવાનના ખેલથી 
ચાંદ-તારાં ચમકે .

મદારીનો ખેલ ખતમ ;
પૈસા હજમ !
ભગવાનનો ખેલ ખતમ 
જિંદગી હજમ !

"બેલા"!ઝૂલતી રહે "એ"નાં આશિષથી ,
અને મ્હેકતી રહે "એ"ની ફોરમથી .

બેલા
ઓક્ટોબર૨૦૧૨\૬.૩૦.એ.એમ.

પડછાયાને પ્રેમ કરો


 

પડછાયો તમારો છુપાવે છે ;
તમારા સર્વ ગુણ અવગુણને .

પડછાયો પચાવે છે ;
સતકર્મની  સાથે દુષકર્મને .

પડછાયો સમાવે છે ;
જીવનનાં હર્ષ-શોકને .

પડછાયો સમર્થ છે ;
ઈશ જેટલો જ .
પડછાયો સાથ આપે છે ;
હર એક અવસ્થાને .
ના અવગણો એને ;
કિન્તુ ,પ્રેમ કરો પડછાયાને 
પ્રેમ કરો પડછાયાને .

બેલા\ઓક્ટોબર\૨૦૧૨\૧૧.૦૦.એ.એમ.

વૈભવનું ગાન


તારી ભક્તિ,તારાં ગુણગાન ,
હું તો કરું ,જનમ જનમ ,ઓ ક્હાન !
મારે નથી ખેવના વૈકુંઠની ,
હું તો માંગુ જનમ વારંવાર .
મુક્તિના દ્વાર તો છે માયા ;
મારે તો બનવું ,તારી છાયા .
તમસ રજસથી ભરેલ કાયા ,
સત્ય ક્યાં ?તને પામવાનું જ્ઞાન ક્યાં?
મારે તો માણવું તે જ જ્ઞાન ,
અને ગાવું જ્ઞાન-વૈભવનું ગાન .!

બેલા\ઓક્ટોબર૨૦૧૨\૧૦.૩૦.એ.એમ.

રહી ગયાં



તારી બનાવેલી આ દુનિયામાં 
અમે તો બસ ,રમતાં રહી ગયાં !
તારાં સુખ -દુઃખનાં ચકડોળમાં ,
બસ ઉપર-નીચે થતાં રહી ગયાં !

આશા-નિરાશાની આંધી વંટોળમાં ,
રજકણ જેમ ,બસ ઉડતા રહી ગયાં !
જીવનમાં ઊચે-નીચે પછડાતા ,
બસ ,ઠોકર ખાતાં રહી ગયાં !

              પણ 
ગર્વ ન કરીશ ,,ઓ જગ પિતા !
કે તારાં નમાવ્યાં અમે નમીને રહી ગયાં !
અમારાં મન ,બુદ્ધિ તો ,તારાં જ દીધાં ;
આ વમળોમાં ય ,ઉપર જ તરી રહ્યાં  !

તુજ આ અગ્નિ પરીક્ષા માં ,
અમે તો બસ,સફળ બની રહી ગયાં ;
હવે આ હાર "બેલા"ના જીતી ,
તવ ચરણે ધરવા થનગની રહી ગયાં !

બેલા\ઓક્ટોબર૨૦૧૨\૭.૪૦.એ.એમ.

બેબસ



  જીવનમાં કંઈ કેટલાંય આઘાત સહેતી આવી છું .
  છતાંય ,ગમ ભુલાવી સદાય હસતી આવી છું .

 આવશો તમે ક્યારેક,એ આશાએ મનને મનાવતી આવી છું ;
 તમે છો ;જેણે નજરે ય ના ઠેરવી છે ,
 છતાંય હૃદયમાં આશની છાબ  ભરતી આવી છું .

 શ્યામ સલોણા !આંખ્યુની અટારીએથી 
 તમ મિલનનાં શમણાં  સજાવતી આવી છું ;
 તમારી નફરત :જો હોય તો :
 એ ય ખમવા હામ ભીડતી આવી છું .

  અને તમારી શોહરતની પાંદડીઓને ,
  બેઉ હાથે લુટાવતી આવી છું ;
  આ બેબસ "બેલા" કદિ ય 
  તૂટશે નહીં,ઝુકશે નહીં ;
  તમે ય જાણો છો .
  યુગોથી તમને પુકારતી આવી છું .

બેલા \૭ ઓક્ટોબર ૨૦૧૨ \૧૨.૦૦ રાત 

અભિલાષા




  અભિલાષા છે કે ;
  તારી નજરોનાં અમી 
  પીતી જ રહું ,પીતી જ રહું 
              ને 
  ઉર કુંભને છલકાવી દઉં .

  અભિલાષા છે કે ;
  તારી બંસરીની તાન 
  સુણતી જ રહું ,સુણતી જ રહું 
                ને 
  હ્રદય-પટારીમાં પૂરી દઉં .

  અભિલાષા છે કે ;
  તારી ત્રિભંગી અદા સામે 
  બેસી જ રહું ,બેસી જ રહું 
             ને 
  ત્રિગુણાતીત થઇ જાઉં .

  અભિલાષા છે કે ; પછી ,
  તારાં ગોલોકના દ્વારનું તાળું 
  તારાં જ થકી 
  તુજ સ્નેહ-સ્પર્શની ચાવીથી 
   ખોલી નાખું ;    ને ,
  પછી એમાં રમમાણ થઇ જાઉં .

 અભિલાષા છે કે ;
 તારાં રમણીય રાસમાં 
 એકાકાર થઈને ,
 "બેલા"ની વેલ બની 
  ઝૂલતી જ રહું ,ઝૂલતી જ રહું 
               ને 
  શાશ્વત ગોલોક મહેકાવતી રહું .
  
  બેલા\ઓક્ટોબર\૨૦૧૨\૧૧.૪૦.\રાત