Pages

બદલાય છે-સુભાષ પંચોલી




જે હતું બસ એ જ છે,કેવળ નજર બદલાય છે

કઈ જ બદલાતું નથી કેવળ સમાજ બદલાય છે.



જિંદગી ને મોતનો આ સિલસલો ચાલ્યા કરે 

આ જન્મ બીજો જન્મ, કેવળ બદન બદલાય છે.



વાર હો તલવારનો કે શબ્દનો એ માર હો 

ઘા પડે છે બેઉમાં કેવળ અસર બદલાય છે.



એ જ રસ્તા એ જ કેડી જ્યાં હતા એ ત્યાં જ છે

કાફલા ચાલ્યા કરે બસ ત્યાં કદમ બદલાય છે.



શું નવાબી ઠાઠ થી રહેતો હતો 'અક્ષર' 

હવે,ખૂબ અગવડ છે છતાં પણ ક્યાં કબર બદલાય છે?


                            સુભાષ પંચોલી.




૨ હાયકુ 


       નભનું ભીનું

મ્હો  લૂછતી ધરા--

લીલાં પાલવે!


                           વિરહિણી ના 

                   એક માત્ર ની:શ્વાસે 

                    સુકાય વન!

આવને- હરીશ દોશી.





ઓ ઈશ્વર,
  તું અનંત અને હું કણનો ય કણ 
તારી એક ઝલક અને 
  મારા અનેક જન્મોની શોધનો અંત.

પાગલ મન દરેક ચહેરામાં તને તલાશે,
તારા એક અંશને પામવા તલસે 
જડ અને ચેતન,જો તું વ્યાપે છે સર્વમાં 
        મારામાં પણ 
તો આ તડપ શાને?
હોવા અને પામવાના ભેદ વચ્ચે 
અટવાતું મન,તરસ્યા કરે તને 
     તું આવને!

નવજાત શિશુસમ,પ્રભાતનાં કુમળાં કિરણો 
મનની ઠૂંઠવાયેલી  લાગણીઓને ઝકઝોરે અને
તું મારામાં હોવા છતાં હાથ લંબાવીને સ્પર્શી ના શકવાની પીડા
વાદળને ચીરતી વીજળી સમ ફરી વળે 
મારા સમગ્ર અસ્તિત્વમાં 
તો ક્યારેક તારા હોવાની પરમ અનુભૂતિમનના અંધકારને ઉલેચી ઝળળ ઝળળ કરી દે સમગ્ર ચેતનાને.
તારા એહસાસ વગરની કોઈ પળ નથી
અશક્ય ને શક્ય કરનાર તું 
મારી દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી ફેલાયેલ વાદળો પર સવાર થઈને 
           તું આવને!

હું તારો શિશુ 
બાળકની જેમ ઝંખું,નીકળી પડું ધરતીના પેટાળમાં 
અગાધ સમંદરના તળમાં,માનસરોવરના જળમાં 
ને ઝળહળતા તારલાઓના પળમાં,
અને નિહાળું નરી આંખે પરમસત્યો 
માં......
જેની અનુભૂતિ વ્યાપેલી છે મારા રોમરોમમાં 
જેણે હમેશાં કર્યો છે મારો બિનશરતી સ્વીકાર
મારા ગંદા હાથથી હું એને સ્પર્શતો 
ને નેહ નીતરતી આંખે એ ચૂમતી મને 
એનાં ચહેરામાં તું હતો? કે તારા ચહેરામાં એ?
તું જ સાથી તું સંગાથી 
ને તો એ હું તને શોધ્યા જ કરું?
          તું આવને!
                              હરીશ યુ. દોશી.

અહાલેક- રાહી ઓધારિયા




દિલમાં અનુભવના ખજાનાને સજાવી રાખો!

પાનખર આવ્યા કરે,બાગ બચાવી રાખો!



--આપણે હોળી-દિવાળી બધું જ સરખું છે,

કોઈ પણ રીતે બસ ઉત્સાહ ટકાવી રાખો!



--જો જો, ક્યારેક તો મળશે જ તેઓ સામેથી,

માત્ર શ્રદ્ધાની અહાલેક જગાવી રાખો!



--આવવું જ પડશે કદી એ જ સ્વરૂપે એને,

એક નિશ્ચિત જો મૂરત મનમાં બનાવી રાખો!



--દર્દને એક તપસ્યા જ માની લો 'રાહી'!

કો'ક્ દી ફળશે ,ફક્ત ધૂણી ધખાવી રાખો!


                                    રાહી ઓધારિયા 

સ્મૃતિઓનું વન- રેખા સરવૈયા



  

નાભીનાળથી નોખા પડતાં થયેલી 

પીડાની તો કોઈ સ્મૃતિ નથી 

હોતી ચિત્તમાં--


   પરંતુ-
-
તો પછી કો'ક્ નાતો તૂટ્યાની 

વેદનાની  કળ 

કેમ વળતી નથી  સ્મૃતિને?


                             રેખા સરવૈયા
                            અખંડ આનંદ ઓક્ટો. ૨૦૦૬ 

એક ભક્તની ગઝલ-ચંદ્રેશ શાહ



       ધૂણી ધખાવીને બેઠો છુ.

       હુંડી લખાવીને બેઠો છુ.


--છૂટે નહિ છેલ્લા શ્વાસ સુધી

  લગની લગાવીને બેઠો છુ.



--અવશ્ય થશે અમૃતનો અનુભવ 

  બહૂ  વિષ પચાવીને બેઠો છુ.



--હરિ જ કરે ઊભો ઝાલીને હાથ

  આસન જમાવીને બેઠો છુ.



--પિંડમાં પ્રકટતું લાગે બ્રમ્હાંડ 

 શું શું સમાવીને બેઠો છુ



--મુક્તિ વિના ક્યાં આરો 'ચંદ્રેશ'

મસ્તક નમાવીને બેઠો છુ.


                         ચંદ્રેશ શાહ.

                       અખંડ આનંદ /૨૦૦૭ 

બાણ શૈયા



   
કુરુક્ષેત્રભૂમી એ સૂતાં છે ભીષ્મ 

વહેતાં રૂધિરે બાણશૈયા ઉપર

વાટ જુએ છે ઉત્તરાયણની.

 રૂવે રૂવે ટપકે છે વેદના 

 શારીરિક જેટલી જ માનસિક.


તરવરે છે ચક્ષુ સમક્ષ,

 એ કાળ દિવસ:

અને તડપી ઉઠે છે હૈયું 

શરીરથી ય વધુ.

સ્મરીરહ્યાંછે,પોતાની 

એ ક્ષુબ્ધ કાયરતાને 


         અને 

ભરદરબારે કૌરવોએ આચરેલા દુરાચારને.

        સ્મરી રહ્યાં છે વડીલ,

વડીલપણું ભૂલીને સેવેલાં અંધત્વને!

           વિચારે છે
,
હવે આ નિર્મળતા અને શુદ્ધતા ક્યાંથી?

ત્યારે ક્યાં ગયું હતું શાણપણ?!


    અને ધ્યાને છે:

પાપી લૂણ વહી ગયું રક્ત સંગે

 બાણશૈયા થી ટપક! ટપક!ટપક!

થઇ રક્તશુદ્ધિ અને શુદ્ધ બુદ્ધિ 

સમજાયું-અંધત્વનું પાપ.

કર્મફળ તો અહી જ ,અહી જ, અહી જ.


                                 બેલા

૨૭/નવેમ./૨૦૧૧.યુ.એસ.એ.૯.૩૦.પી.એમ.

તારી રમત



ઘેરાતાંવાદળો ને વીછુટતા વાદળો
રંગો કેવાં ભીનાં ભીનાં?!અંકાશીવાયરાની મીઠી સુગંધમાં
તણાય આ દીલડા કેવાં?

અજબ કરામત કિરતારે કીધી 
એનાંગજબ એંધાણ એણે દીધાં.
કદીક વા,કદીક વરસાદ ને
કદીક વંટોળ એણે માર્યાં.

કદીક સૂકીધરા ને કદીક દુકાળ 
કદીક પાણી અનરાધાર વર્ષાવ્યા 
વીજળીની ચમક સંગાથે એણે ગગડાટના ઢોલડા બજાવ્યાં!

પળે પળે બદલાતાં રંગોમાં  
સંધ્યા-ઉષાને મલકાવ્યા
'બેલા'એ દેખી એની વિવિધ રમતો
ઉરમાં હરેક ઉછાળ સમાવ્યા.


        બેલા
૧૭/નવેમ./૨૦૧૧./૪.૩૦પિ.એમ.

આનંદ


                           

વરસાદ પછીનો આ ઉઘાડ અને તડકો,
અહા! ઝણકાવે છે તાર આનંદ-સિતારનો
.
લીલાંતરુવર ડોલે, લે વાયુ સંગ હિલોળો 
શીશુ-સમ હાસ્યનો એ જાણે એક છે નિર્દોષ ઝ્હોલો 
.
મારા હૈયામાં વસતા ઓ શ્યામ!
જાણે તમે મને દીધો એક હાકોલો!

રાધિકા સંગ હીંચોછો ને શું આમ મુસ્કુરાઓ?
ઊડીઆવું ઊચે ઊચે થામવાએ હિંડોળો.

'બેલા'વેન ના મૂકે ગિરિધારી,મારી વાત  સુણો
સુંદર આ રમ્ય દ્રશ્યને તવ ચરણેએણે નિશ્ચે ધરવો.


           બેલા
૧૭/નવેમ./૨૦૧૧ /૩.૪૦ પી.એમ.

ઝૂમે પતંગિયા



અમે માનવી નથી વહેવારિયા
ઉજવીએ અમે લાગણીના તહેવારીયા.

--ગગન ગોરંભે ને વીજળીના કડાકીયા 
  વર્ષંતા વાદળ દે છે ભીનાં ભીનાં બાથોડિયા.
ફાગણનાં ફૂલ વેરે ચોમેર સૌરભ મીઠી ડોલરિયા 
ને, ભમરાઓ ગુંજે છે જુઓ આ વસંતીયા.

--મારી-તમારી મો'બતમાં નથી કોઈ લેવાલીયા 
કાં'ના હું તો ખોબા ભરીને આપું તુજને હેતાડીયા 
'બેલા'ની શાખ પર ઝૂમે પતંગિયા 
ને, કોમળ ડૂખેં એણે રંગ રેલાવિયા .

--અમારી લેણ-દેણ આવી વાહોલીયા  
અમારા ચિત્તડાના આવાં ઉજાણીયા

     બેલા
૧૪ નવેમ. ૨૦૧૧ /૮.૩૦ એ મ 

બેલા સંગ્રહ -૭


ચાલ મન!
વૃક્ષ કદાચ એમ પણ કહે----
“મને પહેલાં ચા-પાણી પાવ
પછી જ છાંયો આપું”
કોયલ કદાચ આગ્રહ રાખે---
“કોઈ સરસ જગ્યાએ મને ઘર બંધાવી આપો
પછી જ ટહુકો કરું “
થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઈ નહીં.
ચાલ મન! એવા દેશમાં જઈએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ના આપવી પડે!
                                   સંગ્રહ.

ખરખરો



કોઈને ખરખરો કરવો છે.
ને કોઈને લાગણીનો મુગટ પહેરવો છે.
શેનો ખરખરો કરશું બોલો,
ને કઈ ભીની લાગણીનો મુગટ પહેરીશું?
મને સમજાવો કોઈ,જગતની આ મિલાવટને ,
એકને એક વાતે ખરખરો થાય
બીજાને મન એ મુગટ થાય!
‘બેલા’ પવનમાં ડોલી,ધીરેથી બોલી.
ચિત્તના ચાકડા ઉપર બુદ્ધિનો ઘટ ફૂટ્યો,
કરો ખરખરો એનો .અને ,
કિરતાર જગતનો હાથ લંબાવે, તો,
એ લાગણીભીનો મુગટ પહેરો.
                        બેલા/૬/નવેમ્બેર/૨૦૧૧ /સવારે-૬.૪૦ 

ઝૂરાપો


શાનો છે આ ઝૂરાપો !?
શાની છે આ ઝંખના?
મન ને શાની છે
બસ આ એક વ્યાકુળતા ,વ્યાકુળતા !?

આકળ-વિકળ દિલને
સૂઝે ના કાંઈ રસ્તા !
શેની માંગ હમેશા કરતા
હૈયા આ તરફડતા ?!

મુજને શ્યામ ! બતાવો વહાલા !
જીવન –વહેણ ક્યાં વહેતાં ?
રેતીના રણમાં કેવાં આ
ઝાંઝવા બસ દેખાતાં

‘બેલા’ વિનવી વિનવી થાકી
નાથ ! ધારો કૃપા – હસ્ત તો હાવાં
ને શાંતવો આ ઉરને
જે લાગલગાટ તડપતા !
બેલા –૨૯ ઓક્ટોબર ૨૦૧૧ 

અમીબિંદુ


ભવ-સાગરનાં

ખારા જળમાં તવ કૃપાનું એક

અમીબિંદુ જો ભળી જાય

તો સાતે જનમ આ

જીવડો સુખે તરી જાય.


   બેલા
નવેમ્બર ૪, ૨૦૧૧