Pages

તું જ તું



----મારી આંખોમાં તું, મારી નિંદરમાં તું .
----મારાં સપનામાં તું ,મારાં શ્વાસોમાં તું .
----હર જગામાં છે તું હર ઝોંકામાં છે તું .
----ફૂલની ખુશ્બુમાં તું ,હર લહરમાં છે તું .
----તું જ તું ,તું જ તું , તું જ તું,તું જ તું.


----વિશ્વ ચાલક છે તું ,સંહારક પણ તું ,
----મારા જીવનનો એક માત્ર આધાર છે તું .
----ચરણોમાં શું તારાં, આરત કરું ?-
----સ્વીકારજે "બેલા"ની ભક્તિને તું .

----હરે  કૃષ્ણ ,હરે કૃષ્ણ ,કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
----હરે રામ હરે રામ ,રામ રામ હરે હરે .
                                      ૧૨ નવેમ્બર ૨૦૧૭
                                         ૫.૨૦.પી.એમ. ભારત 

દિવ્ય દિલકશી







----કન્હૈયા ! નીંદર નથી નેણે ?
----માં યશોદાના હાલાં યાદ  આવે છે ,કાં ?
----અને હૈયે ઉપસે છે ,ગોકુળના ચિત્ર !
----ગોપીઓ સાથેની દાણ લીલા ! 
----ગ્વાલા સાથેનું ભ્રમણ ! 
----અને, યાદ આવે છે ને ? માનું ઉખળ સાથેનું બંધન ! 
----આહા ! તમે ય કેટલાં ખુશ હતાં, એ બંધનથી !
----ઉદ્ધાર જો કરવો'તો ય્મ્લાર્જુનનો ! 
----અરે ! યાદ આવે છે ?માટીનાં ઢેફા સાથે 
----માને  કરાવેલાં બ્રહ્માંડના દર્શન ? ! ! 


----માં યશોદા હજી ય ,તમારાં શયન કક્ષમાં 
----તમને હૈયામાં ધારીને હાલાં ગાય છે ; કાન્હા !
----હજી યે ગોપીયુંની ફરિયાદ યાદ કરીને 
----આનંદે ઉભરાય છે ,માં .
----રાધાને પંપાળી સધીયારે છે ,
----અને તમારું ઐક્ય સંવારે છે .


----કન્હૈયા ! માં ને રાધા ,કદીય 
----વછૂટ્યા જ નથી તમથી .
                 તો 
----શાને આ અજંપા ભરી રાત ?
----લઇ લ્યોને ,બથમાં.બેઉનો પ્રેમ.
----અને સુખેથી આનંદોને એમનો સાથ ! ! 
                                            બેલા ૬ નવેમ્બર ૨૦૧૭ 
                                               ૯.૩૦.પી.એમ. ભારત 

વિરહ ની યાદ








----કૃષ્ણ રાજ ! ક્યાં ખોવાયા છો ? !
----બેટ-દ્વારકાનાં સોનાનાં હિંડોળે ,
----રાધાજીની વિખુટ ઘડી વાગોળો છો ? ! 
લ્યો , રાધાજીના કહેણ સાંભળો :

----"કાના ! તું ને હું ક્યાં વિખુટા પડ્યાં છીએ ? !
----મારામાં તું સમાયો છે ,અને -
----તારા વના તો મારું નામ જ ક્યાં બને છે ? ! 
----"ર"માં કાનો  સમાય ત્યારે બને "રા "
----ને "ધ"માં કાનો  જોડાય ત્યારે બને "ધા"
                            રાધા 
----તું બેટમાં હોય કે વ્રજમાં 
----તું ને હું તો જોડાયેલા જ છીએ .
----કાના ! ધોખો કરીશ મા.
----તારી હારે મારું હૈયું હિજરાય છે .
----લે,આ "બેલા"ની ફોરમ વહી , તારાં ભણી ,
----જે , ફેલાવશે :શાતા ,સંતપ્ત કાળમહીં "
                           અને 
----કૃષ્ણ રાજ દોડ્યાં ,મુખ વ્રજ ભણી ફેરવી ,
                          અટારીમાં 
----હવે , આહ્લલાદ ! આહ્લલાદ ! ! આહ્લલાદ ! ! ! 
                                           ૬ નવેમ્બર ૨૦૧૭ 
                                                 ૩.૧૦ એ.એમ .ભારત 

દીપ-દાન દર્શન

Image result for iskcon deep daan
ઇસ્કોનના મંદિરમાં શરદ પૂનમથી કાર્તિકી પૂનમ સુધી રોજ સાંજે દરેક દર્શનાર્થી 
નાના નાના કોડીયામાં દીવો લઈને આરતી કરે છે .એને  દીપ-દાન કહે છે. એનું વર્ણન 

----મંદિરમાં ઝગે દીપ-દાનનાં આ દિવડાં !
----ને ,મલકે ,શ્રી રાધે-શ્યામનાં મુખડાં !
----દીસે  મુને ઝબકતા નભ-તારક શાં !
----સંગે મલકે સૌ દેવો બ્રહ્માંડના !
----દામોદર માસની આ અનેરી શોભા 
----પેખે "બેલા"અર્પી સુગંધી ફૂલડાં !
----હ્રદે ઉઠે આનંદ ,ઊર્મિ તરંગ 
----વહે હૈયું ,કુદતું સંગ 
----ના શબ્દ જડે ,ના થાય વર્ણન 
----બસ નયન-વિભોરે કરું દર્શન !
                                  ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭ 
                                          ૮.૨૦ પી.એમ. ભારત 

વલખ

Image result for bal krishna
----ઓ શ્યામ સુંદર ! ઓ મુરલીધર !
----હે મોરપીચ્છના ધારી ----
----બંસરીના તુજ સૂરે સૂરે 
----મનડું મ્હોર્યું મલકી -(મારું) મનડું મલક્યું મ્હોરી.


----સૂરનાં એ મધુ તારે તારે 
----વિશ્વ ખલકના દ્વારે દ્વારે 
----ચિત્તના આ ચકડોળના ચાળે
----ધડકી દલની ખડકી (મારી) ધડકી દલની ખડકી 


----રાત -દિનનાં ભેદ ન જાણું 
----સૃષ્ટિનાં વ્યવહાર ન જાણું 
----"બેલા"ના ફૂલ કરમાં ગ્રહીને 
---દર્શન ઝંખું વલખી (તારાં )દર્શન ઝંખું વલખી .
----ઓ શ્યામ સુંદર ! ઓ મુરલીધર !
----હું દર્શન ઝંખું વલખી .
                                   ૭ ઓગસ્ટ ૨૦૧૭ 
                                   ૭ .૦૦ સવારે ભારત