Pages

પરિવર્તન

2 -04\2\2021 નું અનુસંધાન 05\07\2021 


  પરિવર્તન તો કુદરતી નિયમ છે . પાનખર, વસંત, ઉનાળો, ચોમાસુ, વિગેરે કુદરતમાં થતા પરિવર્તન જ છે ને ? પાનખરના દિવસોમાં પાંદડાના બદલાતાં  રંગ નજીકથી નિહાળ્યા છે ? કેવાં  લીલા રંગમાંથી ધીરે ધીરે ભૂખરા રતાશ પડતા થતાં  જઈ  અંતે સાવ પીળાં  થઇ ખરી પડે છે ?!  અને એ જ રીતે વસંતમાં નવી કુંપળોનો સફેદીવાળો રંગ પણ અર્ધ પારદર્શક ભૂખરો પછી અર્ધ પારદર્શક રેશમ જેવો સુંવાળો ચમકતો લીલો અને એમાંથી કેવાં  જાડા પર્ણ-પક્વ પર્ણ બની ઘેરાં  લીલા રંગમાં પલટાઈ જાય છે ? !  આમ , વૃક્ષમાં નિતનિત રંગનું પરિવર્તન થાય છે . 
  પૃથ્વી  સૂર્ય અને ચંદ્રનાં  પરિભ્રમણો  આ ધરતી ઉપર ઋતુઓનાં , ઠંડી, ગરમી અને વર્ષા રૂપે  પરિવર્તનો લાવે છે . માનવ દેહ પણ ;  આ , જીવચૈતન્યનાં કેટલા પરિવર્તન બાદ મળ્યો છે ! !  અમીબાથી મનુષ્ય દેહ વચ્ચે કેટલી યોનિનું પરિવર્તન આવી ગયું ? !  વળી , મનુષ્ય દેહ પણ ; જન્મ સમયના  15\17 ઇંચના  કુમળા દેહમાંથી રોજ પરિવર્તન પામી ,પુખ્ત વયે કેવો ઊંચો પહોળો બની જાય છે ! ! 
  પરિવર્તન ખગોળશાસ્ત્રની માન્યતામાં પણ આવ્યું છે . પૃથ્વી ચોરસ છે અને સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે એ માન્યતામાં પરિવર્તન લાવી, પૃથ્વી ગોળ છે એ સૂર્યની આસપાસ ફરે છે  મનાવવામાં ખગોળશાસ્ત્રીએ પોતાનો જીવ આપી દેવો પડ્યો . પણ, અંતે એ પરિવર્તનના સ્વીકારથી ગણિત ગણી ઉપગ્રહો અને યાનો મોકલાય છે . આ બધી પ્રગતિ એ પરિવર્તન જ છે .   પરિવર્તનથી વિકાસ સધાય છે . 
   સામાજિક જીવન વિષે વિચારીએ તો , સમાજમાં , વર્ષો પહેલાં  સ્ત્રી શિક્ષણ હતું, અને ત્યારે જ તો ગાર્ગી અને મૈત્રેયી જેવી વિદૂષીઓ હતી ને ? પછી કોણ જાણે  કેવી રેતે પરિવર્તન આવ્યું ,અને સ્ત્રી શિક્ષણ જ બંધ થઇ ગયું ! એ અધિકાર જ છીનવાઈ ગયો . ! કિન્તુ ફરીથી અહિલ્યાબાઇ હોલ્કરના એ માટેના પ્રયત્નો શરૂ થયા તે મહાત્મા ફૂલે અને એસ.એન.ડી .ટી. વિદ્યાલયના સ્થાપક  , મહર્ષિ ડો. ધોંડો  કેશવ કર્વે થી પરિપૂર્ણ થયા. પરિવર્તનનું આખું ચક્ર થયું . તેથી દરેક ક્ષેત્રમાં કેટલી પ્રતિભશાળી સ્ત્રીઓ મળી ! 
  આદિ માનવ શિકાર કરી કાચું માંસ  ખાતો. ચકમક પથ્થરથી અનાયાસે તણખો ઝરતા અગ્નિ મળ્યો, એનો સ્વીકાર કરી ખાદયમા  પરિવર્તન આણ્યું. એ સમયે જો અગ્નિ નો સવકાર ન કર્યો હોત  તો અગ્નિ વડે ચાલતી રેલગાડી સુધીનો વિકાસ ન થયો હોત . વિકાસ માટે જાગૃતિ જરૂરી બને છે . 
  બાળવિવાહ અને વિધવા પુનર્લગ્ન ના વિચારોમાં પરિવર્તન માટે અને સતી પ્રથા દુર કરવા માટે બ્રહ્મોસમાજે પ્રયત્નો કર્યા. અને સફળ થયા. અલબત્ત ભારતમાં હજી પણ ક્યાંક ક્યાંક બાળવિવાહનું દુષણ છે. મારા મતે  આ દુષણ શ્રી રામ સીતાના સમયથી છે. તેઓ ત્યારે 14 અને 9 વર્ષના જ હતાં  !  ખેર . આપણા સમાજમાં હજી પણ કેટલાંક  કુટુંબ છે; જયાં  સાસુ-વહુ અને નણંદ -ભોજાઈના સંબંધમાં પરિવર્તનની જરૂર છે . હજી પણ કેટલીક સ્ત્રીઓ એ જ જુના વિચારોમાં અટવાય છે." મને મારા સાસુ અને નણંદે  માનસિક ત્રાસ આપ્યો હતો માટે મારે પણ બદલો લઈ   એ પ્રથા આગળ વધારવી " મેં આવી સ્ત્રી જોઈ છે આજના દિવસોમાં , માટે આ લખ્યું છે. બન્ને વ્યક્તિઓ વચ્ચે સત્તાની સાઠમારી શરૂ થઇ જાય .જો સાડલામાંથી ડ્રેસ અને નાઇટીનું પરિવર્તન આણ્યું તો આ  સંબંધોમાં કેમ નહીં ?  ફોનોનાં નવા મોડેલ લાવીને એની ખૂબીઓ સમજવા પ્રયત્ન કરી એડજસ્ટ થઇ જઈએ છીએ તો નવી પેઢીની દીકરીને વહુ તરીકે લાવીને ,એના વિચારો, રહન સહન સાથે કેમ એડજસ્ટ ના થવાય ? આ પરિવર્તન ઘણું જરૂરી છે . અસ્તુ .

વાંચન દ્વારા સર્જન

   05\06\2021 

  વાંચ દ્વારા સર્જન વિષે હું આ રીતે શરૂ કરીશ . વાંચનથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે . શબ્દભંડોળ વધે છે 
ઘણાય શબ્દોના પર્યાય મળે છે . દા .ત. . પાણી . આના કેટલાં  પર્યાયી શબ્દો છે ! સંસ્કૃતમાં "અપ્સુ" . આકાશમાંથી પડે તે " તોયં ", તળાવનું પાણી ,તે , "અમ્બુ", સરોવરનું " સલિલ" ,તો , મોટી નદીના પાણી માટે "જળ". વળી , પગ પખાળેલા  પાણીનું નામ "ચરણોદક". ઠાકોરજીનું " ચરણામૃત ". તો સમુદ્રનું "વારી" અને નેણથી  ઝરે તે "નીર". આમ આ એક જ શબ્દને , સર્જન વેળાએ , યોગ્ય વાક્યમાં ,યોગ્ય જગ્યાએ વાપરી શકવાનું સામર્થ્ય વાંચન દ્વારા મળે .એક જ અર્થના અનેક શબ્દો એ આપણી ગુજરાતી ભાષાનો વૈભવ છે . 
  સર્જન શક્તિ તો , કુદરતે બક્ષેલી બક્ષીસ છે ; જે આપણામાં છુપાયેલી પડી હોય છે . ક્યારેક તે કુદરતી રીતે જ કાર્યરત થાય છે ,તો , ક્યારેક વાંચન પછી;મનમાં લખવાનો ઉભરો લાવે છે . અને સર્જન પ્રક્રિયા શરૂ થઇ જાય છે .મેં 8માં ધોરણમાં પહેલી વાર "હરિગીત ' છંદ અરે, છંદ વિષે જાણ્યું; અને એ માત્રામેળ છંદમાં અનાયાસે જ કાવ્ય રચના થઇ ગઈ ! એ લઈને હું ,અમારા ગુજરાતીના શિક્ષક, સ્વ, કવિ શ્રી પ્રહ્લલાદ પારેખ પાસે ગઈ . છંદની વ્યવસ્થિત માત્રામેળ સાથે કાવ્ય બરાબર લખાયું હતું , કિન્તુ એમણે  ફક્ત એક શબ્દની ફેરબદલી કરી . "સુભાષિની" ની જગ્યાએ " મૃદુભાષિની" લખ્યું ; અને આખા કાવ્યનો અર્થ બદલાઈ ગયો ! - ના ,એના કરતાં  આમ કહેવું વધુ યોગ્ય લાગશે ,કે , કાવ્યમાં હું , જે કહેવા માગતી હતી ,તે , સુ-સ્પષ્ટ થઇ ગયું . ત્યારે મને શબ્દોનું મહત્વ સમજાયું. મારું ત્યારનું વાંચન સીમિત હતું, પરંતુ ત્યાર પછી શબ્દોનો સમૂહ વધારવા ,શાળાના પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવી વાંચતી થઇ . શબ્દસમૂહને "શબ્દ ભંડોળ"- ખજાનો ,એકઠો કરેલો ખજાનો - કહેવાય તેની સમજ આવી . 
  દરેક લેખક ની પોતાની આગવી શૈલી હોય છે .જે લેખક નું લેખન વધુ વાંચીએ, એની શૈલી કે વિચારોની અસર આપણા સર્જન ઉપર પણ પડે છે . વાંચન સાથે કેટલાંક  વકતાઓનું શ્રવણ પણ - "બહુશ્રુત" બનીએ તો , સર્જનાત્મક શક્તિને પોષણ આપે છે . મેં શરૂઆતમાં જણાવ્યું તેમ છુપાયેલી સર્જન શક્તિને બહાર  લાવવામાં વાંચન અને શ્રવણ ઘણી જ મદદ કરે છે . 
  છેલ્લે એક વાક્યમાં કહું તો , " વાંચન, એ , સર્જનના ફૂલનું સિંચન છે ; જે સાહિત્યના બાગને મહેકાવે છે . "

જીવન અને સંગીત

19\5\2021 

  આ શબ્દ સાંભળતાં જ મને એક ગીત યાદ આવ્યું, જેનાં  શબ્દો કાંઈક  આવા છે . " સાત સૂરોના સથવારે અમે ગીત મઝાનું લાવ્યા ". આ સાથે મારા મનમાં આ સ્ફૂર્યું . " સાત રંગના રંગે રંગી ,જીવનને અમે માણ્યા " 
  જીવનના સાત રંગ અને સંગીતના સાત સ્વર . સંગીતના સ્વર તો જાણીએ જ છીએ .સા  રે ગ મ પ ધ ની. જીવનના રંગો કયા ? સુખ-દુ:ખ , રાગ-દ્વેષ, માયા, મમતા , ક્રોધ વિગેરે . સંગીતના સાત સુરની જેમ  જ આ રંગો જીવન સાથે કેવાં જોડાઈ ગયા છે ? ! સંગીતમાં ,તંતુવાદયમાં બધાંય  તારોનો  સુમેળ જરૂરી બને . હાર્મોનિયમના  સુર સાથે ગળાના સુરની સંગત જામે; અને એની સાથે તબલાના તાલ બધ્ધ  ઠેકા  ભળે  ,ત્યારે નર્તનની સંભાવના ઉપજે .સંગીતમાં બધ્ધાયનું સુ-સંયોજન જરૂરી બને અને તો જ  કર્ણપ્રિય ગાયન-વાદન નીપજે . 
  જીવનને જો રસમય, સુમધુર, સર્વપ્રિય ( આમાં પ્રભુ પણ આવી ગયા )અને મનોરમ્ય બનાવવું હોય તો સમદ્રષ્ટિ, સમભાવ, સહકર્મ  જરૂરી બને . દરેક પ્રત્યે પ્રેમભાવ નીતરે ત્યારે જીવન સરિતા સંગીતમય બની સરે . 
  હવે જોઈએ ગૃહસ્થી, સાંસારિક જીવનનાં  સંગીતને . ઘરમાં તો કેટકેટલાં  વાજિંત્રો ! ! માં-બાપ,ભાઈ-બહેન, પતિ-પત્ની, સાસુ-સસરા, જેઠ-જેઠાણી, નણંદ -નણંદોઈ, ફોઈ-ફુઆ કાકા-મામા,માસી, તો વળી ક્યારેક નોકરો પણ . આ બધાંયનો ઝણકાર ઉપજાવે એક અદ્દભૂત  સમૂહગાન,જ્યારે બધાય                  સુમેળથી વાગે, પણ  જો સુમેળ ન હોય તો ઝંકાર બદલાય ઝંઝાવાતમાં !  જો બધાયના હૃદય પ્રેમભર્યા અને આગળ જણાવ્યું તેમ  સમભાવ, સમદ્રષ્ટિ વિગેરેથી ભરેલા હોય ને તો જ મન ક્રોધ, દ્વેષ ઇત્યાદિ રિપુઓથી ખાલી રહે અને ત્યારે ગૃહસ્થ-જીવન સંગીતમય બની જાય . 
  ક્યારેક પુરુષનો અહંકાર અને પ્રકૃતિની  કુણાશ, એટલે કે પતિનો કે વડીલોનો અહમ અને પત્ની કે બાળકોની લાગણીઓ અથડાય છે , કિન્તુ ,જો ,એ બન્નેને એકતાર બનાવી  -સમજશક્તિ-અનુભવશક્તિ અને લાગણી- એક સુરે ગાંઠતા આવડી જાયને , તો , લલિત રાગનું સર્જન થાય, અને જીવન સુરીલું બની જાય . 
   બાકી તો , જીવન અને સંગીતની તુલના તો દિગ્ગ્જ સાહિત્યકારો અને આધ્યાત્મિક કથાકારો પાસે જઈને જાણવા જેવી . કદાચ તેઓ કલાકો સુધી આની ઉપર વાણીની ધારા વહેવડાવીને આપણને તરબોળ કરે અને કલ્કલનાદનું સંગીત સુણાવે . મારા તરફથી તો આટલું જ .