Pages

તુજ દર્શન



-----સૂરજમુખીનું  ફૂલ જોઉં છું ,ને ,
-----થાય છે દર્શન , તારું ,મહીં ;
----હવાના હર એક ઝોલા એ ,
----સુણું  છું હાસ્ય તારું, મખમલી ! 

-----સાગરનાં  તરંગોની વીણા મહીં ,
-----સુણું  છું ,તુજ શંખનાં ધ્વની  !
-----નદીના કલકલ નિનાદ મહીં ,
-----સ્પંદુ છું ,તુજ બંસીની સરવાણી !

-----દોડતી વાદળીની ધીરી સરસરાહટ મહીં ,
-----સુણું  છું ,તુજ પાયલની મીઠી રણકારી ;
-----સંધ્યાનાં  સલુણાં રંગોની હલચલ મહીં ,
-----ઊડે  જાણે ,કિનારી ખેસની ,કેસરી કિનખાબી !

-----ચમનમાં છાબ છે ,સુગંધી ફૂલોની ,
-----રંગતમાં ક્યાંક ભળી છે ,ફોરમ  "બેલા"ની ! 
                                                   બેલા 19ડિસેમ્બર 2018 
                                                           11.00 પી.એમ.યુ.એસ.એ.

આરઝુ



-----અનેકની આરત છે ,તમ અમીદ્રષ્ટિની ,
-----હું પણ છું એમાંની જ ,એક અભ્યર્થીની ;
-----નજર નાખજો,સ્વીકારજો ,સહુ સાથે , વિનતી ,
-----ના ટાળજો ,આરત ,આ મૂક રંકની। 

-----નભની વાદળીઓ મહીંની હું પણ એક વાદળી ,
-----દોડતી, સરતી , નષ્ટ ના કરશો,નજર અંદાજથી ;
-----જગતનાં  બાગમાં ફૂલ ક્યારીઓ પણ છે ,
-----મુજ જીવન પણ છે ,એક ક્યારી નાની। 

-----વીણાના  અનંત રાગોમાં ,નદીની અવિરત લ્હેરોમાં ,
-----એક મારો પણ રાગ છે ,એક ઊર્મિ તરંગ પણ ;
-----જો જો , તરડાય ના , વિખરાય ના , એનાં  ,
-----મંજુલ , ધીરાં , મધુર મંદિર ધ્વનિ ! 

-----સમાવી લો , સજાવી લો ,તમ આંગણ ,
-----અમારી આટલી આરઝૂ ,ને, મ્હેકાવી  લો  "બેલા"થી  ! ! ! 
                                                        બેલા 19ડિસેમ્બર2018
                                                                10.15 પી.એમ. યુ.એસ.એ 

બેતમા



----- શામળા  એ ,વાત આવીને કહી છે કાનમાં ,
-----" જો , હું તો આવી બેઠો ,તારી સાનમાં ! 
-----શેખી કરી 'તી  ,તેં  ,રાખ્યો છે મને કેદમાં ;
-----હવે કહે જોઈએ ,કોણ કોની કેદમાં ? ! 
-----બિમ્બ અને પ્રતિબિંબ એક થયાં  ,આયનામાં ;
-----શણગાર ,કેવાં  ભાસે છે ?કંકુ અને કાજળમાં ?
-----બેસી ગયો હું , જો , ભાર બની ,પાંપણમાં ;
-----હટાવી શકે તો હટાવ, કોરાઈ ગયો હું તો રુદિયામાં ! 
-----શ્વસું છું ,ઓ બેલા, ! તારી સુગંધને , શ્વાસોશ્વાસમાં ;
-----એ દોર તોડી તો બતાવ ,ગૂંથાયો હું તારા હારમાં ! "

-----ભાન ભૂલી , સાન ભૂલી ,"બેલા" બની ગઈ બે તમા 
-----શ્યામ હૈયે વસ્યા પછી ,અનંત આનંદ ,ચોપાસમાં ! ! ! 
                                                    બેલા 17 ડિસેમ્બર 2018 
                                                           3.15.પી.એમ.યુ.એસ.એ.

અંતરનું જન્તર



-----હૃદયથી જોડાયેલું, કદી ના થાય અળગું ,
-----જમાનો છોને પછડાય ,કરવા સૌ એનું બૂરું। 

-----અંતરનું જન્તર, કદી ના થાય બેસૂરું ,
-----ભલેને ચીપિયા પછાડે ,જગત આ , બે-નૂરૂ  !

-----વ્હાલાં ! તમે છો ને રહેશો સદા ભેરુ ,
-----ડસી શકશે નહીં કદી ,સંશયનાં  કોઈ એરૂ  ! 

-----મોરલી ને મોરપિચ્છને ,હું પંપાળ્યા કરું ,
-----તું ય તે નચવે  મને,બંધાવી પાયે ઘૂંઘરું !

-----આ તાલ-મેલનો સંબંધ ,કદી તૂટે ના, એ જ તો છે ખરું ,
-----જ્યમ "બેલા"ની ફોરમ  અને સમીર,સંગે  વહે,  એ સત્ય જ છે ખરું ! ! 
                                                                   બેલા 17 ડિસેમ્બર 2018 
                                                                            2.40.પી.એમ. યુ.એસ.એ.

રહેવું મસ્તીમાં


---હવે તો સૌ દિલ એક થઇ ગયાં ,
---"એ"નો થયો  સંગમ  હૃદયમાં જ્યાં ;
---અંશ છે , દરેક દિલમાં "એનો" તો પછી 
---દરેકનો શું ના "એ" થઇ ગયો ? ! 
---સમજાયું ,જે પામીને ,તે ,
---સમજશે સૌ આખરમાં ;
---શાને ફિકર કરે દુનિયાની ,
---હવે તો બસ , રહેવું મસ્તીમાં ! ! 


December,18,2018

ઝળાં ઝળાં જીવન



-----બિંદુમાં બિંદુ ભળ્યું ,ને બિંબમાં પ્રતિબિંબ ભળ્યું ,
-----આઇનો થઈ  ગયો ઉજળો ,રજોંટીને  "એ " ઉડાડી ગયો ! 

-----હવે તો ના કાંઈ ધુંધળુ  રહ્યું;જ્યોતમાં કોઈ અનોખું તત્વ ભળી ગયું !
-----શું બોલવું ,શું વિચારવું ?હવે તો બસ, "એ"નું રટણ  રહ્યું ! 

-----જીવન સંસારી ,છતાં સાધુ બની ગયું ,"એ"ના સંગે  ઝળાં  ઝળાં  થઈ  ગયું !
-----આનંદ આનંદ છવાઈ ગયો , ને,, સૌ સાથે મસ્તી ભર્યું બની ગયું !

-----દિલનાં  ઊંડાણમાં "તે" વસી ગયો ,હવે હારવા જેવું શું રહ્યું ?
-----જિન્દગી  જીતી લીધી ,સાગર પાર  થયો, હવે તોફાનોથી ગભરાવું શું રહ્યું ?

-----વૃંદાવનની વેણુની મસ્તીમાં ,કુંજવન, મધુવન બહેકાવી રહ્યું, 
-----વાતાવરણ "બેલા"ની ફોરમનુ સમીરને મ્હેકાવી  રહ્યું !
                                                   બેલા 16 ડિસેમ્બર  2018
                                                               11.00 પી.એમ. યુ.એસ.એ 

સંગમ



-----જિન્દગી વ્યતીત થઈ ,જેની અથાગ ખોજમાં ,
-----એ તો આવીને સમાઈ ગયો ,ચુપકીથી, ચિત્ત-વ્યોમા !

-----તારલિયા સમ ટમકી રહ્યો,હ્રદયનાં  આકાશમાં,
-----અનિલ સમ લહેરી રહ્યો,હર એક શ્વાસોશ્વાસમાં !

-----હાવાં શેં  છેડવા ? નિ:શ્વાસનાં સૂર ,મન-વીણાનાં  તારોમાં ? !
-----સુર બની ગુંજી રહ્યો, "એ" રગોની સિતારમાં !

-----સંગમ થયો "એ" અને "આ"નો જયાં ,અને ,
-----"એણે " ભર્યો ,ઉન્મત્ત આશ્લેષ બાહોંમાં  ! 

-----બાજી ઊઠયાં ,અનહદનાં  ઘન્ટારવો ,અને,
-----પ્રગટી  ઊઠી ,દીપ જ્યોતિ, અંતરમાં ! 
-----ફેલાઈ ગઈ ખૂશ્બુ , "બેલા"ના ધૂપની ત્યાં ;
-----ઝૂલી રહયાં  બન્ને ,'બેલા"ની શાખો પર ત્યાં ! 
                                                  બેલા 15 ડિસેમ્બર  2018 
                                                        9.00 પી.એમ.

ઘરનું ગુંજન



-----ઘર ,ઘર આ હવે ના રહ્યું ,એક મંદિર બની ગયું !
-----એ, આત્મા-પરમાત્માના મિલને જુઓ , કેવું ગહેકી રહ્યું ? ! 
-----પ્રગટી  ઉઠ્યાં દીપક અંતરનાં ,તેજ-ધારે હવે વિલસી રહ્યું  !
-----સુગંધ વ્હાલાની ,ને ,સંગે "એ"નું હાસ્ય ,ઘરમાં પ્રસરી રહ્યું ! 
-----હવે ના પંથ કોઈ બાકી ,હવે ના ચાલવાનું શેષ રહ્યું !
-----બસ, નિજાનંદે મોજ મસ્તીમાં ,હવે "તે"ની સંગ ખેલવાનું રહ્યું !
-----અનહદના બોલ સંગે ,હવે તો બસ, રાચવાનું રહ્યું;
-----અને, નામ-રટણના  નાદથી હવે સદા ,ઘર ,ગુંજતું રહ્યું !
                                                        બેલા 30 નેવેમ્બર 2018 
                                                              10.30. એ.એમ. યુ,એસ.એ.

મન પરનું દ્રષ્ટાંત

એક રાજા હતો તેની પાસે એક બકરો હતો.રાજાએ જાહેર કર્યું કે –
જે મારા બકરાને જંગલ માં જઈ પેટ ભરીને ચરાવી લાવે તેને હું અડધું રાજ્ય આપીશ.
જાહેરાત સાંભળતા જ એક માણસ રાજાની પાસે આવ્યો,કહ્યું કે આમાં તે શી મોટી વાત છે?
એમ કહી બકરાને જંગલમાં ચરાવવા લઇ ગયો,આખો દિવસ સરસ લીલુંછમ ઘાસ ખવડાવ્યું,
સાંજે તે રાજાની પાસે પાછો લાવ્યો.
બકરો ધરાયો છે કે નહિ તે જોવા રાજાએ થોડું લીલું ઘાસ બકરા સામે ધર્યું,અને બકરાએ જેવું લીલું ઘાસ જોયું કે-
તેમાં મોં નાખી ખાવા લાગ્યો.એટલે રાજાએ કહ્યું- કે –તેં એને ક્યાં પેટ ભરીને ખવડાવ્યું છે?
જો પેટ ભરેલું હોય તો તે અહીં ઘાસ ખાય જ નહિ,ભાગ અહીંથી.
બીજા ઘણાએ પ્રયત્ન કરી જોયાં પણ એવું જ બને કે જેવા તે ચરાવી ને લાવે અને રાજા ઘાસ ધરે,
એટલે બકરો ખાવા ધસે.બકરાની આદત હતી કે 'ઘાસ જોયું એટલે ખાવું'.

છેવટે એક બુદ્ધિશાળી મનુષ્યને લાગ્યું કે રાજાની આ જાહેરાત પાછળ જરૂર કંઈક રહસ્ય છે.
એટલે તેને યુક્તિથી કામ લેવાનો નિશ્ચય કર્યો.તે બકરાને વનમાં ચરાવવા લઇ ગયો અને જેવો
બકરો ઘાસમાં મોઢું નાખે અને ઘાસ ખાવા પ્રયત્ન કરે એટલે તેના મોં પર લાકડી ફટકારે.
દિવસના અંતે બકરાને ઠસી ગયું કે ઘાસમાં મોં નાખવાથી માર પડે છે એટલે ઘાસ ખાવું નહિ.
સાંજે તે મનુષ્ય બકરા ને લઇ રાજા પાસે આવ્યો.રાજાએ ઘાસ ધર્યું પણ આજે બકરો એ ઘાસ સામે
જોતો પણ નથી.એને બીક હતી કે ઘાસ ખાવા જઈશ તો મોં પર માર પડશે.

એ બકરો તે આપણું મન,બકરાને ઘાસ તરફ લઇ જનારો તે જીવાત્મા,રાજા એ પરમાત્મા.
મન રૂપી બકરો અહંતા-મમતાથી ભરેલો છે,અને સંસારના ભોગો (ઘાસ) તરફ દોડે છે,
અને એ ઘાસ તરફ (ભોગો તરફ) દોડે ત્યારે તે મનને વિવેક-રૂપી લાકડી ફટકારવાથી તે વશ થાય છે.

રામદાસ સ્વામી એ બોધ આપ્યો છે કે-દૃઢ વૈરાગ્ય,તીવ્ર ભક્તિ અને યમ-નિયમ વગેરેના અભ્યાસથી
મન સ્થિર થાય છે,અને સંસાર પર વૈરાગ્ય લાવવા માટે જન્મ,મૃત્યુ,જરા,વ્યાધિ –વગેરેનો વિચાર કરવો એ જ ઉપાય છે..
કપિલવસ્તુના રાજકુમારે જરા-મૃત્યુ નો વિચાર કર્યો તો એ બુદ્ધ ભગવાન રૂપે જગમાં અમર થઇ ગયો.

આ સંસારમાં બધું ચંચળ છે.ચિત્ત(મન) ચંચળ છે,તો વિત્ત (ધન)પણ ચંચળ છે.જીવન યૌવન પણ ચંચળ છે.
આખો સંસાર ચલાચલ છે.એમાં કોઈ આશાનું કિરણ હોય તો તે છે ધર્મ (સ્વ-ધર્મ,સત્ય,પરમાત્મા)
માટે જે મનુષ્ય પોતાને ડાહ્યો સમજતો હોય તેને ધર્મ (સત્ય) નો આશરો લેવો જોઈએ.
શાસ્ત્રો ઢોલ પીટીપીટી ને કહે છે કે-જીવન એવું જીવવું જોઈએ કે આ લોક અને પરલોક પણ સુધરી જાય.
દિવસે એવાં કાર્ય કરો કે રાતે નિરાંતથી ઊંઘ આવે,પૂર્વાવસ્થા એવી ગાળો કે ઉત્તરાવસ્થા
વલોપાત વગરની અને સુખ શાંતિથી વીતે.

વૃદ્ધાવસ્થા (જરા-અવસ્થા) માં આ શરીર ઘરડું બને છે પણ મન અને બુદ્ધિ તો યુવાન રહે છે.કે જે
યુવાની માં ભોગવેલા સુખ નું વારંવાર ચિંતન કરે છે.પ્રભુ નું સ્મરણ કિર્તન ના થાય તો વાંધો નહિ
પણ મન સંસારનું ચિંતન કરે છે સંસારના ભોગો તરફ દોડે તે યોગ્ય નથી.
અંતઃ કરણના પ્રકાર ચાર છે. મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર.
અંતઃકરણ જયારે
--સંકલ્પ-વિકલ્પ કરે ત્યારે તે મન કહેવાય છે.
--કોઈ વિષયનો નિર્ણય કરે ત્યારે તેને બુદ્ધિ કહેવાય છે
--પ્રભુનું ચિંતન કરે ત્યારે તેને ચિત્ત કહેવાય છે.
--ક્રિયાનું અભિમાન જાગે ત્યારે અહંકાર કહેવાય છે.