Pages

અંધારા--અજવાળાં



     જીવન સરિતા જાય સરતી,
     તટ પર બેઠો જટાળો જોગી ;
     મંત્ર-જાપથી ગુંજે તન-દેરી ,
     ઝગવી અંતર-જ્યોત ધ્યાન ધરી.

     છૂટી ગાંઠ ,જોગી-જટાની ,
     તમસ તૂટ્યું,જ્ઞાન-દીપથી ;
     આતમ રાચે, ઈશ સાયુજ્યથી ,
     વધાવે,શ્યામ-કૃપાને,"બેલા"થી .
                        બેલા\૧૪\૧૧\૨૦૧૩.
                              ૯.૧૫પિ.એમ. 

પાઘ કેસરી



                ખળ ખળ વહેતી નદી ,
           તટ પર નાની શી દેરી ;
           આંગણિયામાં "બેલા"ની વાડી ,
           તુલસી ક્યારે ઝગે શગ દીવાની .

            ઘંટનાદ પડઘાય વાયુથી ,
            મંદિર ટોચે ધજા ફરફરતી ;
            ઝૂમે, ઘૂમે,હવાના સંગથી ,
            સદા રહો અનુકૂળ -સંદેશ એ દેતી .

            રમ્ય તટ ,શાંત દેરી ,
            શીત પવનની લહેરી ;
            શોભે આ સંધ્યા સલૂણી ,
            ત્યારે, બજાવે શ્યામ બસરી ,
            પહેરી પાઘ કેસરી !

                          બેલા\૧૧\૧૧\૨૦૧૩ 
                               ૮.૧૦.એ.એમ . 

ચીંથરેહાલ

 

       હું તો કાગળીયા લખી લખી થાકી !
       હું તો કહેણ મોકલીને ય થાકી !
       હું તો વાટડી જોઈને ય થાકી !
          થાકી!    થાકી !     થાકી !

       હવે આ "બેલા" ન ડોલે છે ,
       હવે આ "બેલા" ન ઝૂલે છે ;
       હવે અનિલ સંગે ન ફોરે છે ,
       હવે ન સ્પંદન ,હવે ન ક્રંદન ,
       હું તો જડવત ઊભી !
          ઊભી !      ઊભી !     ઊભી !

      અણિયાળા પ્રશ્નો ચૂભે છે ,
      વક્ર વાણી જગની ભેદે છે ;
      પ્રેમની પ્યાસી પર લોક હસે છે ,
      ચીંથરેહાલ હું ઘૂમું છું :
      અંતર નાખ્યું ફાડી !
           ફાડી !     ફાડી !     ફાડી !
                           બેલા \૧૧\૧૧\૨૦૧૩ 
                                    ૧.૩૦.એ.એમ.

પ્યાસા નયણાં




  નયણાં તવ દર્શનનાં પ્યાસા,
  વાટ જોઈ જોઈ થાક્યાં.

  અનિલની લહેરખી આવે ,
  તુજ બદનની ખુશ્બૂ લાવે ;
  હૈયામાં એક આશ જગાવે,
  મારાં પુણ્ય હવે આ ફળ્યાં.......નયણાં..

 મેઘધનુમાં તુજને નીરખું ,
 વીજ -ઝબકારે હું યે સબકુ ;
 વર્ષાનાં ફોરાથી થરકું ,
 પુરાશે ટમટમતી  મુજ આશા ....નયણાં..

 ઋતુ ચક્રનાં ચકરાવે ચઢી ગઈ ,
 દિન-માસ ને વરસો ગયાં વહી ;
 ભૂલ્યાં તમે મુને મિલન વેણ દઇ !
 આવી પહોંચી જીવન-સંધ્યા ....નયણાં ....

 આવો હરિ ! હવે આવો હરિ !
 પાંપણમાં વસી જાઓ હરિ !
 "બેલા"નાં ફૂલની સુવાસ યે ગઈ ;
 જીવનનાં સુક્કાં ઉપવનમાં.નયણાં ..
                       બેલા \૧૦\૧૧\૨૦૧૩ 
                            ૮,૦૦ એ.એમ.