Pages

ગીતા અધ્યાય 12 - ભક્તિયોગ -શ્લોક-1

      ગીતાના 11માં અધ્યાયના અંતિમ શ્લોકમાં આવે છે  કે કૃષ્ણ કહે છે ,"મતકર્મકૃત  " એટલે કે "મારા માટે કર્મ કરનારો " બીજો શબ્દ વાપરે છે ,"મતપરમ " એટલે કે " મારામાં ગૂંથાયેલો " ; "સ મામેતિ " એટલે કે "તે મને પામે છે ". આ શબ્દોથી અર્જુનને (અથવા ,તેના થકી સામાન્ય માનવને ) શંકા ઉત્પ્ન્ન થાય કે "મત " =મારા માટે  એટલે કે સગુણ બ્રહ્મ માટે ; અને "મામ" =મારામાં પરોવાયેલો " એટલે કે નિર્ગુણ બ્રહ્મ। આમાંથી કોને અથવા કેવી રીતે ભજવા ? શું અર્થ કરવો ? 

12માં અધ્યાયના પહેલા શ્લોકમાં "સગુણ ભક્તિન કે નિર્ગુણ જ્ઞાન , બેમાંથી શું ઉત્તમ ?" એવો  અર્જુનનો  સવાલ આવે છે। 

                         एवं सततयुक्ता ये भक्ततस्त्वां पर्युपासते ,| 
                         ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमा: || 
       સાદી  સીધી રીતે પ્રશ્ન પોંછયો કે ," જે , સગુણ સાકાર રૂપમાં , શ્રદ્ધાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક આપના  વિશ્વરૂપને ભજે છે ,તે ; કે ,જે ,આપના  અવ્યક્ત , અક્ષર  સ્વરૂપને ચિંતન-મનનથી પામવા પ્રયાસ કેરે છે તે।  બેમાંથી કોણ વધારે શ્રેષ્ઠ જ્ઞાતા  છે ?" ગીતામાં "યોગ " શબ્દ ઘણી જગ્યાએ જુદા જુદા અર્થમાં  વપરાયો છે।  અહીં , "યોગ" શબ્દનો અર્થ , પરબ્રહ્મને જાણવાના સાધન તરીકે થયો છે ।" વિદ  " એટલે જ્ઞાતા  , "વિદ્તર" નોઅર્થ  -એટલે સારો જ્ઞાતા  અને "વિત્તમ " એટલે શ્રેષ્ઠ જ્ઞાતા।   આમ , સગુણભક્ત કે નિર્ગુણભક્ત બેમાંથી શ્રેષ્ઠયોગ ==તમને પામવાનો  શ્રેષ્ઠ માર્ગ કયો ?  આનાથી એવું સમજાય છે કે અર્જુન પોતે મનમાં સ્પષ્ટ નક્કી નથી કરી શકતો કે એણે  કયો માર્ગ અનુસરવો જોઈએ। કૃષ્ણ તો આગળ ઉપર સાકાર , નિરાકાર અને વિશ્વરૂપની સમજણ આપી ચુક્યા  છે ;અને ભક્તોના પ્રકાર તથા યોગીઓ વિષે પણ જણાવી દીધું છે।  આધ્યાત્મિક જીવ બે મુખ્ય  પ્રકારમાં  વહેંચી શકાય।  સગુવાદી  અને નિર્વિશેષ\ નિર્ગુણવાદી  . સગુણવાદી  પોતાની સર્વ શક્તિથી પરમેશ્વરની સેવા કરે છે। અને તે માટે મૂર્તિ કે છબીને સાધન બનાવે છે। જ્યારે નિર્ગુણવાદી ધ્યાન ધરે છે।  અને ભક્તિમય થાય છે ,કિન્તુ તે માટે તેઓ બ્રહ્મનું ,-ૐ નું કે બિંદુનું ધ્યાન કરે છે।  
      આ આખા અધ્યાયમાં પરમ સત્યના સાક્ષાત્કારની પદ્ધતિ અને કેવા પ્રકારના ભક્ત કૃષ્ણને પ્રિય છે એ બતાવવામાં આવ્યું છે।  અહીં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે , જ્ઞાન અને ભક્તિ , તત્વની દ્રષ્ટિએ અલગ કે સ્વતંત્ર નથી ; બન્ને એક જ છે।  તેથી " જ્ઞાનીભક્ત " એવો શબ્દ પ્રયોગ ગીતામાં પહેલા પણ થયો છે।  નિર્ગુણ, નિરાકાર કે નિર્વિશેષ કે અવ્યક્તની ઉપાસના જ્ઞાન દ્વારા કરનાર ને "જ્ઞાનમાર્ગી " જેને "પરાભક્ત " કહે છે અને સગુણ,સાકારની ભક્તિ કરનારા ભક્તને  સેવાભક્તિમાર્ગી  "અપરાભક્ત " કહે છે , આ બન્ને માર્ગ શિખરે પહોંચવાની નિસરણીના બે જુદા જુદા છડેથી શરૂ થતાં  પગથિયાં છે। સગુણ સાકારની અપરાભક્તિની નદી અંતે તો નિર્ગુણ નિરાકરણ ચૈતન્ય સાગરમાં ભળી જાય છે।  જે સમયે ,જેજે જેવી અનુકૂળતા અને અધુકર હોય તેને માટેતેવી ભક્તિ ઉપાસના શ્રેષ્ઠ ગણાય .
           અર્જુનના સવાલનો આ જવાબ હું સમજી છું।     અસ્તુ।  
                                                                                                                                                                                                                          9\9\2020 
                                                                                                                                                                                                                             10.15.એ.એમ. 

પાંગળો તલસાટ




હે મારા શામળા ! 
કેટલો પાંગળો  છે , મારો આ તલસાટ ! ? 
ક્યાં છે , દ્રૌપદી જેવો આર્તનાદ ?! 
ક્યાં છે , મા  જસોદા જેટલો વ્યથાનો વ્યાપ ? ! 
કે , ક્યાં છે , સૂકાં  અશ્રુ , રાધાજી જેવા ? ! 
શાને તું મને મળે ? કે , બોલાવે મળવા ? 
ક્યાંક તો છે અધૂરપ ,શ્યામ  ! મારી ખોજમાં ;
તેથી જ તો નથી નીરખી  શકતી , નજર્યુંના મેળાપમાં ! 
નિસ્તબ્ધ , ધૂંધળું વાદળ જ મનમાં ,
અને , નિ :સાસાના  વાયુ , "બેલા"ની ગંધમાં ! 
                                            27\11\2020 
                                                10.00 એ.એમ।  

કૃષ્ણનું સ્થાન




                    વ્રજ માં                            અને                                                દ્વારિકામાં 

કૃષ્ણ વિરહથી વિલાતાં  --                                                           "કૃષ્ણ "ઐશ્ર્વયના દેવતા ,
વસે વ્રજ જન , છતાં ;                                                                 કોઈક તો છબી એની પૂજતા ! 
"કૃષ્ણ " શબ્દના સંચારમાં --                                                        ઇમારતોના ઘાટ ઘડતા ;
નભ ઝુકે , ને , વળી ફૂલો --                                                          કિન્તુ , હૃદયમાં કૃષ્ણને ભૂલતાં  ! 
ઊંચે નજર માંડતાં  .                                                                   શું ગોવર્ધનધારી કૃષ્ણ , અહીં ;
ઘુઘરી વાગી જાય ગાયોની ડોકમાં !                                               યાદવોનો સમૃદ્ધિદાતા જ ? ! 
કદમ્બ કંપે ,ને, વાયુ ઝોંકાય ચેતાનામાં --                                         નગરવાસી ફક્ત સ્થૂળ બન્ધને બંધાતા ! ! ! 
 કિરણો લંબાતાં  કૃષ્ણને આંબવા।                                               દ્વારિકામાં તો  પતાકા  જ લહેરાતાં ! ! ! 
                                   "બેલા" વિચારે ,વ્રજના લાડીલા હ્ર્દયે રમતાં  ,કૃષ્ણ --
                                    શેં  હશે ,આ શુષ્ક ભાવ સ્હેતાં  ?? ! ! 

27\11\2020 
                                                                                                                             9.45.એ,એમ

નૂતન વર્ષાભિનંદન



 
નવલ વર્ષનું નવલ પ્રભાત ,અર્પે , સ્નેહ-સ્પર્શનો નવ ઉલ્લાસ ;
રહે દૂર , રોગ-દોગ  , વ્યથાનો ભાસ, મનોકામના પૂર્ણ હો ,એ , મંગલ  આસ।  
                                                                                 16\11\2020 
                                                                                      10.30.પી.એમ. 

શ્રી કૃષ્ણને



કૃષ્ણમાં સમાયાં , આકર્ષણ અને આનંદ ,

હે કૃષ્ણ ! તેં  જન્મ લીધો ,અધર્મના નાશ માટે , તેં  તજ્યા અનેક સ્વજનો, સ્થિરતા માટે ;
તું જીવ્યો , હમેશા સત્ય અને ધર્મની  રક્ષા માટે ,
 
  છતાં ફરિયાદ છે , એક।  તારાં  અમૂલ્ય જીવન માટે ! 
        તેં  જન્મથી જ આનંદ સાથે અશ્રુ દીધાં ,
       દેવકી વસુદેવને આનંદ સાથે અશ્રુ દીધાં  ; 
      ગોકુળને ગૌરવવંતુ કર્યું ,નંદ-જશોદાને માન  દીધાં ! 
     ગોપ-ગોપીઓને વેણુ વાદનના દાન દીધાં ! 
     રાધાને પ્રેમના અમીપણ દીધાં  ! 

                            છતાં 
     આ સર્વને છોડી , અશ્રુધારાના ધોધ દીધા !? 
કૃષ્ણ ! તું મિલનનો આનંદ અને વિરહના અશ્રુનો 
                                       સંવાદ ! ! ! 
તેં  પોતે પણ , છુપાવ્યા અશ્રુ ભીતરમાં ! 
યાદવ , છતાં ગોપ બની વાક્બાણ સહયાં ! 
દ્રૌપદીને ચીર પૂર્યા , છતાં , પુત્રો -વિરહીનાં  ધિક્કાર સુણ્યા  ! 
ગાંધારીના તપ્ત શ્રાપ-વચનો ઝીલ્યાં  ! 
હે કૃષ્ણ ! આનંદ અને આકર્ષણનો ભરથાર ! 
                         શાને 
હમેશા તું રહ્યો , વ્રજને અને ભક્તોને અશ્રુનો દાતાર ! ? 
"બેલા" ઝૂલી ઝૂલી વિમાસે અપાર,રેલાવી ઝાકળભીની અશ્રુધાર।  
શાને રહ્યો તું આવો વિસ્મયકાર ? ! ? ! 
                                                             13\11\2020 
                                                                  11.40. પી.એમ. 

વિદાય અને અશ્રુ


     કન્યા વિદાયને અને મૃત્યુને મંગળ ગણ્યા છે। એક આંખમાં આંસુ અને બીજીમાં આનંદ હોય છે।  બેઉ પ્રસંગ વિદાય અને મિલનનાં  છે। કન્યા ,  માત -પિતાના ગૃહેથી વિદાય લેતાં ,  એક આંખમાંથી વિરહનું અશ્રુ વહાવે છે ,અને, તે જ સમયે પતિ સાથેનાં જીવનના   સપનાના આનંદનું અશ્રુ વહાવે છે।  એ જ રીતે  મૃત્યુ પામતી વ્યક્તિની સ્થિર આંખમાં પણ ; એકમાં સ્વજનને છોડી જવાના દુ:ખનું છૂપું અશ્રુ ટિંગાયેલુ હોય છે , અને સાથે જ જીવ ,શિવના મિલનના આનંદે બીજી આંખમાં છૂપું અશ્રુ રાખે છે। 


                                                           વિદાય --- કન્યાની  અને  દેહની (આત્માની)

કન્યા રૂએ એક આંખે ,                                          દુ:કહી હ્રદયી સગાની આંખો રડે ,
વળી ,મલકે બીજી આંખે  ;                                     એક દેહના વિદાય સમયે ;
દુ:ખી  છે છોડતાં  માત -પિતાને ,                             આત્મા છે , અધીર  ઈશ-મિલનને ,
હર્ષિત છે ,ઉત્સુક છે ,પિયુ મિલનને કાજે।                  દેહની આસક્તિ રૂએ ,અને આત્માની અનાસક્તિ હસે ! 


                                             બન્નેમાં વિદાયમાં એક આંસુ, એક હાસ્ય ,
                                             દાખવે છે , વિરહ-મિલનના બે ભાવ ! ! ! 

                                                                                                                      10\11\2020 
                                                                                                                           11.25.એ.એમ. 

આપણા ઉત્સવો

        માનવી ઉત્સવપ્રિય પ્રાણી છે। નાની નાની વાતોથી આનંદિત થઇ ઉત્સવ મનાવે છે।  એ જ રીતે કુદરતમાં થતાં  ફેરફારોનાં  પણ ઉત્સવ મનાવે છે  ;  અને આ ઉત્સવોને તહેવારનું નામ આપ્યું છે।  વસંતવિજય હોય  , ઉત્તરાયણ, હોળી, નવરાત્રી ,દશેરા કે શ્રી રામનો વનવાસથી પાછા અયોધ્યા પ્રવેશ નો પ્રસંગ હોય ; બધાંને જ તહેવારનું રૂપ આપી ઉજવીને ઉત્સવો મનાવે છે। 

        ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો ઉત્સવ આવે છે।  આ દિવસોમાં ,સૂર્યનું તેજ આંખોને વીંધી  નાખતું નથી.  તે દિવસે સૂર્ય કે નભ સામે પતંગને એકીટસે નિહાળવાથી આંખોને કસરત મળે છે।  દૂર દ્રષ્ટિ મજબૂત બને છે।  વળી, આંખને અંધારામાં પણ જોવાની કસરત મળે એ હેતુથી રાત્રે "ટુક્કલ " (કાગળના ફાનસ જોડેલા પતંગ ) ઉડાડે છે।  
       વસંત ઋતુ આવતાં  જ ગાન-વાદનનાં  કાર્યક્રમો શરૂ  કરી , આનંદનું વાતાવરણ ઉત્પ્ન્ન કરી ઓચ્છવ મનાવવામાં આવે છે।  રંગબેરંગી ફૂલોની સુંદરતા અને સુગંધને ગાનમાં-તાનમા  ભેળવી આનંદ મેળવવામાં આવે છે।   
       ફાગણમાં કેસુડાના ફૂલના કેસરી રંગને હોળીની  જ્વાળા સાથે સરખાવે છે. પ્રહ્લલાદની કથાને હોળી સાથે જોડી બીજે દિવસે રંગ ઉડાડી "ધુળેટી"ના નામે રંગોત્સવ મનાવે છે. ખાસ કેસુડાને પીસી તેના પાણીથી હોળી ખેલે છે।  આપણી શરીર ઉપર પડવાથી ઉનાળામાં અળાઈ થતી નથી। હવે તો જો કે રાસાયણિક રંગો નો છૂટથી  ઉપયોગ થાય છે; જે ચામડીને નુકસાન કરે છે। 
       ચૈત્ર  મહિનામાં "ઓખાહરણ" વાત સાથે મીઠાને જોડી (લવણ-કે નમક ) ના ખાઈને કે ઓછા ખાઈને અલૂણાવ્રત ઉજવે છે।  જેથી રક્તશુદ્ધિ થાય છે. રક્ત પાતળું થવાની સમસ્યાને સુલઝાવે છે।  પછી આવે છે ગ્રીષ્મ ઋતુ। આ ઋતુમાં ફળોનો રાજા કેરીને જમણમાં ઉચ્ચ સ્થાન મળે છે।  વળી તૈયાર થયેલા ધાન્યને સુકવી ભરવાની ઋતુ છે. અથાણા બનાવીને ભરી લેવાં હોય છે. પાપડ વડી ,  ઇત્યાદિ વસ્તુઓ,  સ્ત્રીઓ સાથે મળીને તૈયાર કરે છે. 
         વર્ષા  ઋતુ આવતાં  જ જાણે  વ્રતોનાં   દિવસો જ આવ્યા ! ગૌરી , જયા -પાર્વતી , દિવાસો, કેવડા ત્રીજ, ગણેશ ચતુર્થી  અને જન્માષ્ટમી ધામધૂમથી ઉજવાય છે। આ બધાં  વ્રતો  પાછળ આરોગ્ય સાચવવાનો હેતુ છે।  આ ઋતુમાં  મંદાગ્નિ હોય છે તેથી પાચનશક્તિ મંદ પડે છે ,માટે ઉપવાસ, એકટાણા  વિગેરે કરી શરીર સ્વાસ્થ્ય  જાળવવાનો હેતુ પણ આ વ્રતોમાં છે।  ત્યાર પછી , ગુજરાતનો નવલો  ગરવો ઉત્સવ નવરાત્રિનો આવે છે।  શક્તિની આરાધનાના દિવસો અને રાત્રી, માતાજીના ગુણ -ગાનના  ગરબા। ! જેનાથી સ્ત્રીઓને સુંદર કસરત સાથે આનંદ મળે અને રોજિંદી ગૃહસ્થીની ઘમાલમાંથી છટ્ટી મળે અને એ ઉર્જાથી પૃરૂ  વર્ષ ફરી શરીરિક અને માનસિક શક્તિશાળી બની રહે।  આ ગણેશ ઉત્સવ અને નવરાત્રી વચ્ચે જૈન સમુદાયનું  પર્યુષણનું પર્વ પણ આવે .જેમાં પણ ઉપવાસ અને એકટાણા ને મહત્વ આપવામાં આવ્યું છે; જે સ્વાસ્થ્ય જાળવવા માટે જ છે।  
          ત્યાર પછી આવે શરદપૂર્ણિમા રાસ રસિયાઓ માટે ઉત્સવ। આમ તો આ ઉત્સવ ; ભાગવતની  કથા પ્રમાણે 11 વર્ષનાં  બાળકો માટે જ છે; પરંતુ હવે એ એક આનંદનો ઉત્સવ જ બની ગયો છે; જેમાં ચાંદનીના શીતલ રસમાં   ઠંડા કરેલા દૂધ-પૌઆ ખાવાનો ઉત્સવ છે. આનાથી પિત્ત પ્રકૃતિની શાંતિ થાય છે।  
          હવે આવે છે ; આખા ય ભરતવર્ષના લાડીલા શ્રેષ્ઠતમ  ઉત્સવોના દિવસો ! ! !  વર્ષના અંતિમ મહિનાના છેલ્લા  6\7 દિવસોનું પર્વ ! " વાક -બારસ ". આ દિવસને અપભ્રંશ કરીને "વાઘ બારસ " માં ફેરવી નાખ્યો છે. હકીકતમાં આ   " વાક -બારસ "  એ દેવી સરસ્વતીની પૂજાનો દિવસ છે. આ દિવસે માઁ  સરસ્વાતીની પૂજા તથા  આરાધના કરવાની હોય છે .તેરસના દિવસને  "ધનત્રયોદશી " કહે છે। આ દિવસે કહેવાય છે કે ,સમુદ્રમંથનથી આરોગ્યના દેવતા ધન્વંતરિ સમુદ્રમાંથી આવ્યા હતાં  . સાથે સાથે લક્ષ્મી જી પણ આવ્યા હતાં  . માટે આ ધનતેરસના દિવસે આરોગ્યના દેવ શ્રી ધન્વંતરિજીની અને લક્ષ્મી જીની પૂજા કરવાની હોય છે; અને એમના આશિષ વંદન કરીને   મેળવવાના હોય છે।   નમન અને વંદનમાં તફાવત છે. નમનમાં ફક્ત આદરભાવથી  નીચે નમીએ છીએ ;જ્યારે વંદનમાં પૂજ્યભાવ સાથે , આંખ,ઝુકાવી,   નમીને હૃદયથી આશિષ મેળવવાના હોય છે।  
          ચૌદમે દિવસે આવે છે " નરક ચતુર્દશી અથવા કાળીચૌદસ "દક્ષિણ ભારતમાં નરચતુર્દશી ને જ દિવાળીનો દિવસ  ગણાય છે।  કહેવાય છે કે આ દિવસે શ્રી કૃષ્ણે રાણી સત્યભામા સાથે જઈને નરકાસુરનો ધ્વંસ કર્યો હતો।  આ નરકાસુર કોણ હતો ? જ્યારે વિષ્ણુએ વરાહ અવતાર લીધો હતો ,ત્યારે પૃથ્વી અને વરાહ થકી આનો એમના પુત્ર તરીકે થયો હતો।  બન્નેમાંથી મળેલી અપાર શક્તિ અને એના પોતાના તપ વિગેરેથી મહાપરાક્રમી અને પછીથી  મહા ત્રાસદાયક બની ગયો હતો એની ગણના અસુરમાં થવા લાગી। એટલે એના ત્રાસમાંથી છોડાવવા કૃષ્ણ  નીકળ્યા  તો  એમની સાથે વાહન ચાલક  તરીકે સત્યભામાજી આવ્યાંહતાં। આ ચૌદસના દિવસે એ અસુરનો નાશ થવાથી દક્ષિણ ભરતમાં આનંદ ઉત્સવ મનાવાયો અને દિપાવલી કરી। તેથી ત્યાં આ દિવસે દિવાળી ગણાય છે. જ્યારે બંગાળમાં અને બીજે કાળીમાતાએ મહિષાસુરનો વધ આ દિવસે કર્યો હતો તેથી આ દિવસને કાળી ચૌદસ તરીકે ઉજવાય છે અને માતાની આરાધના કરાય છે. તો વળી અઘોરીઓ આ રાત્રે મન્ત્ર તંત્રની આરાધના કરે છે।               અમાસના દીવસે  દિવાળીનો દિવસ આવે છે. આ દિવસે શ્રી રામે ચૌદ વર્ષના વનવાસ પછી અને રાવણનો વધ કરીને અયોધ્યામાં પ્રવેશ કર્યો હતો।  આથી પ્રજાએ આનંદિત થઇ આખા અયોધ્યાને દીપની હાર કરી સજાવી દીધું। તેથી દિપાવલી કહેવાય છે. વળી ઢોલ ,ત્રાંસા વિગેરે વાજિંત્રોથી અભિવાદન કર્યું। બીજું એમ પણ કહેવાય છે કે આ દિવસે લક્ષ્મીજીએ  વિષ્ણુજીના ઘરમાં  પ્રવેશ કર્યો હતો તેથી દીવાઓથી ઘર ઝગમગાવ્યું હતું તેની  ઉજવણી નિમિત્તે પણ દિવાળીના દિવસે દિપાવલી કરાય છે।  અને લક્ષ્મીજીની પૂજા કરાય છે।    એક વહેતી વાત છે કે આ દીસે જે ઘરના આંગણે દીવો ના હોય તો લિક્ષિમીજી એ ઘેર જતા નથી।  ખેર ! આ  તો સાંભળેલી વાત છે। 
          વર્ષના આ છેલા દિવસ પછી નવા વર્ષનો પહેલો દિવસ આવે છે; જેને નૂતનવર્ષના અભિનંદન કહીને બધાં  એકબીજાને આનંદથી ભેટે છે। વર્ષભરના વેરઝેર ભૂલી ફરી આનંદથી નવું વર્ષ શરૂ કરે છે।  આને બલિપ્રતિપદા દિવસ પણ કહેવાય છે।  બલિરાજાને,  વિષ્ણુએ, જ્યારે વામન અવતારમાં આવ્યા હતા ત્યારે ( જો કે  બલિને  શિક્ષા કરવા જ આવ્યા હતા ) ત્રીજા પગલું બલી રાજાના માથે મૂકી પાતાળલોકમાં મોકલી દીધા હતા। વાત છે કે આ દિવસે  બલિરાજા પૃથ્વીલોકમાં પોતાના મુળ  રાજ્યની પ્રજાને આશીર્વાદ આપવા આવે છે।  એક બીજી પણ વાત આ દિવસ સાથે જોડાયેલી છે ; કે. રાજા વિક્રમાદિત્યના સુશાસનથી અને એના સદ્કાર્યોથી સન્તુષ્ટ પ્રજાએ આ દિવસથી નવાવર્ષના આ દિવસથી " વિક્રમ સંવત "ના નામથી ઓળખવું શરૂ કર્યું। 
     હજી પણ આ દિવસ વિષે જાણવાનું છે।  આ દીવસે  ગોવર્ધન પૂજા અને અન્નકૂટ થાય છે।  આપણે સહુ જાણીયે છીએ કે કૃષ્ણના કહેવાથી વ્રજવાસીઓએ ઇન્દ્રની પૂજા ના કરતા, ગોવર્ધન પર્વતની પૂજા કરી।  જેથી ઇન્દ્રે ક્રોધિત થઇ વર્ષાના  દેવને વરસાદી તોફાન ઉત્પ્ન્ન કરવાનું કહ્યું। આ મુસીબતથી કૃષ્ણે  વ્રજવાસીઓને ગોવર્ધન પર્વત નીચે 7 દિવસ પોતાની છેલ્લી  આંગળીથી  પર્વત ઊંચકીને  આશરો આપ્યો। ઇન્દ્ર ભૂલ સમજ્યા પછી માફી માગી ગયા।   આ વાત થી પ્રભાવિત થઇ વ્રજવાસીઓએ કૃષ્ણ ને મિજબાની આપવવાનું અને પર્વતને ફરી વંદન કરી ઉત્સવ ઉજવવાનું  વિચાર્યું। આના માતે એમણે   વર્ષનો આ પહેલો દિવસ નક્કી કર્યો। તેથી બધાએ ત્યાં  ઘરેથી બનાવેલા વિધ વિધ વ્યંજનો લઇ જઈ  પર્વતની, કૃષની અને ગાયો જે એમનું અમૂલ્ય ધન હતું તેની પૂજા કરી અને વ્યંજનોનો ભોગ ધર્યો। અને એ ભોગને પ્રસાદ રૂપે બધા આરોગ્યો।  આ કારણથી ,( હું જ્યા સુધી જાણું છું ત્યાં સુધી) બધાં  વૈષ્ણવ મંદિરોમાં આ દિવસે ભાતનો ગોવર્ધન પર્વત બનાવે છે; અને  ઘરેથી આવેલા વ્યંજનનો અન્નકૂટ બનાવી ભોગ ધરે છે।  અને પ્રસાદ તરીકે વ્વહેંચે છે।  
         આના પછી ભાઈ-બહેન ના પવિત્ર સંબન્ધનું પર્વ આવે છે।  " ભાઈબીજ " આ દિવસે ભાઈ બહેનના ઘરે જાય છે આનંદ માણે  છે અને ભાઈ બહેનને ભેટ આપે  છે।  જાણવામાં આવ્યું છે કે આ દિવસે યમરાજા તેમની બહેન યમુનારાણી મળવા ગયા હતા. તેઓએ બહેનને ભેટમાં વચન આપ્યું હતું કે, "  આ દિવસે જે કોઈ વ્યક્તિ તારી ધારામાં સ્નાન કરશે તેની ઉન્નતિ થશે  " તેથી ભાવિકો આ દિવસે યમુનાજીમાં સ્નાન કરવા જાય છે. 
           મારા મતે  આ બધાં  દિવસોમાં આનંદ વ્યક્ત કરવા એ જમાનામાં ઢોલ, ત્રાસા, જેવા વાજિંત્રોનો જ ઉપયોગ થતો હશે,ફટાકડા ક્યારથી  ઘુસી ગયા ? . મારી માન્યતા  પ્રમાણે ; મોગલો કે બ્રિટિશરો આવ્યા અને તોપનો  ઉપયોગ  કર્યો  ,ત્યાર પછી ; દારૂગોળા વિષે જ્ઞાન મળ્યું। જ્યારથી ઘુસ્યા ત્યારથી; પરંતુ ફટાકડા વાયુ પ્રદુષણ ફેલાવે છે, અવાજનું પણ પ્રદુષણ ફેલાવવે છે।  પશુ-પંખી ડરે છે અને ક્યારેક મૃત્યુ પણ પામે છે।  વળી નાના બાળકો , વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓને કાન અને સ્વાસ્થ્ય   માટે હાનિકારક છે। આનંદ  વ્યક્ત કરવા મોટ્ટા મોટ્ટા  અવ્વાજ કરવા જરૂરી છે ? ખેર ! 
           આ રીતે આ દીવાળીના દિવસોનું પર્વ  આનંદમંગલ વાતાવરણમાં પૂરું થાય છે। આ પુનિત અને આનંદિત અવસર ઉપર મારી અને મારા પરિવાર તરફથી આપણે અને આપણા પરિવારને ખુબ શુભકામનાઓ।   અસ્તુ 
                                                                                                                                                                                            10\11\2020 

ગૌરવ

       "ગૌરવ" --ગુરુનો અર્થ છે; મોટું-મોટાઈવાળું , અને મહત નો અર્થ છે ; શ્રેષ્ઠ,મહાનતાવાળું, ઉચ્ચતાવાળું।  આ બન્નેને એકત્ર કરીએ તો , ગૌરવ શબ્દનો અર્થ બરાબર સમજાય . ગૌરવ  વધે ,કે , ગૌરવ કરીએ તે શાનાથી ?તો, વ્યક્તિના કોઈ મહાન કે શ્રેષ્ઠ કાર્યથી અથવા કોઈ વિરલ ઘટનાથી . મનુષ્યનાં  સુ-કર્મોથી એને મહત્તા મળે. દેશના કાર્યકર્તાઓના ,દેશની ઉન્નતિ માટેના સદ્કાર્યોથી એમને મહત્તા મળે, અને પ્રજા એવા દેશપ્રેમી નેતા મળ્યાનું  ગૌરવ અનુભવે . અથવા કોઈક ઘટના જ્યાથી  ઘટી હોય, તેના માટેના અહોભાવથી  તે  સ્થાનનું ગૌરવ વધે . 

        ખગોળવિજ્ઞાન હોય,વૈજ્ઞાનિક શોધ હોય , અભ્યાસ કે આધ્યાત્મિકતામાં શ્રેષ્ઠ હોય , કે કલાક્ષેત્રમાં શ્રેષ્ઠતા મેળવી હોય,  કે પછી, દેશ માટે  કુરબાની આપી હોય ,આ બધી વ્યક્તિઓ મહાન અને "ગૌરવશાળી " ગણાય . ગૌરવ સાથે ગર્વ, અભિમાન, મદ , અહંકાર જેવા શબ્દો જોડાયેલા છે।  આને આધ્યાત્મિક રૂપે જોઈએ તો, અભિમાન,મદ , અહંકાર તામસી ગૌરવના પ્રતીક ગણાય। જેમાં રાવણ ,દુર્યોધન જેવી વ્યક્તિઓનો સમાવેશ થઇ શકે।  ગર્વ શબ્દ ને રાજસિક વર્ગમાં લઇ શકાય।  " મેં આ ઇનામ મેળવ્યું " કે " મને આ પદ મળ્યું " જેવાં  (ભલે ગૌરવ લેવા જેવા જ છે ,તો પણ )વાક્યો માં "હુંપણું" આવવાથી રાજસિક વર્ગમાં લઇ શકાય।  જ્યારે "ગૌરવ" એ" ત્રીજા પુરુષ" માટે વપરાતો શબ્દ છે , , બીજાની સિદ્ધિઓ અથવા બીજાએ પ્રકાશમાં આણેલી ઘટનાઓ વિશેનો અહોભાવ,ગર્વ સાત્વિક વર્ગમાં લેખી શકાય।  આમ કોઈ વાસના , કામના કે અહંકાર નથી. તેથી તેવી વ્યક્તિ અથવા ઘટના ગૌરવશાળી ગણાય . ,પરંતુ  આ ગૌરવને સલુકાઈથી, નમ્રતાથી જાળવી, ગર્વિષ્ઠ ન બને તો જ એ વ્યક્તિ ગૌરવ"વંતી" ગણાય . ગૌરવની ગરિમા જાળવી રાખવી જરૂરી છે।  આ સ્થાને પહોંચ્યા પછી ભૂલથી યે કોઈ અકર્મણ્ય કર્મ થઇ જાય , તો , તરત જ બદનામી સાથે અધઃ:પતન થઇ જાય છે।  રાવણ જેવો મહાજ્ઞાની ભક્ત સીતાહરણથી નીચે પડ્યો અને મળેલું ગૌરવ ખોઈ બેઠો . કેટલાંક  પોતાના વિવાદાસ્પદ કથનો થી પોતાને મળેલું ગૌરવ ખોઈ બેઠા છે।  
         આ તો વક્તિના ગુણ -ગૌરવની વાત થઇ।  આ જ રીતે દરેકે દરેક દેશને  પોતાના  રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાનનું ગૌરવ હોય છે।  ; અને તે જાળવવું એ દુનિયાની પ્રત્યેક વ્યક્તિનું કર્તવ્ય છે।  રાષ્ટ્રધ્વજ લહેરાવતી વખતે અને રાષ્ટ્રગાન ગવાતું હોય ત્યારે અદબથી ,સ્થિર ઉભા રહી માં આપવું જરૂરી છે. 
         આપણા ભારતનો ઇતિહાસ જોઈએ તો, લગભગ દરેક ક્ષેત્રમાં ભારતને અનેક રત્નો મળયા  છે।  સ્વરાજ્ય માટે , ; રાણી લક્ષ્મીબાઈ , શિવાજી મહારાજ, ગાંધીજી , સરદાર। તો ભામાશા જેવાં  દાનવીર  મળ્યાં  છે।  સાહિત્ય ક્ષેત્રે  રવીન્દ્રનાથ ટાગોર , ગણિત ક્ષેત્રે અમર્ત્ય સેન ,તો અણુક્ષત્રે ડૉ .ભાભા અને અંતરિક્ષ ક્ષેત્રે વિક્રમ સારાભાઈ। !અંતરિક્ષક્ષત્રમાં તો ભારતે  પ્રથમ  પ્રયાસમાં જ મંગળ ગ્રહ પર પહોંચીને સારા વિશ્વમાં ગૌરવવંતુ સ્થાન મેળવ્યું છે। !  રમતગમતમાં તો અનેક હિરલાઓ છે।  આ બધી આપણી ગૌરવવંતી સંપત્તિ  છે।  તો અબ્રહામ  લીકન, નેલ્સન મન્ડેલા , કિંગ માર્ટિન લ્યુથર જેવી ગૌરવવંતી વ્યક્તિઓને પણ કેમ ભૂલી શકાય ? 
          કિન્તુ અફસોસ સાથે કહેવું પડે છે કે , ભરતવાસીઓ ભારતનું ગૌરવ .-સંસ્કૃતિનું ગૌરવ સાચવવામાં ચુકી ગયા છે. આપણા વેદ પુરાણો, ચરકનું આરોગ્યના પુસ્તક વિષે કે  દરેક ભારતીય ભાષાની જન્મદાત્રી સંસ્કૃત ભાષાને સાવ જ પાછળ ધકેલી ,અન્યની સંસ્કૃતિમાં અને એ સાથે ચાલવામાં મોટાઈ માનવા  લાગ્યા છે।  હવે, જ્યારે પશ્ચિમના દેશોએ સંસ્કૃત ભાષાને  મહત્વ આપવા માંડ્યું, કે આપણી દેશી ઔષધિઓને પ્રમાણપત્ર આપ્યું ત્યારે થોડુંઘણું ફરી એ તરફ વળવા લાગ્યા છે ; તે હર્ષની વાત છે. ચાલો આ વળતાં  વહેણને પણ આપણું ગૌરવ માનીને વિરમું છું।  
                                                                                                             

યોગ ---રોગ ---ભોગ

        યોગ -- આ શબ્દ યૂજ઼ ધાતુ ઉપરથી આવ્યો છે।  યુજ ઉપરથી યુજય --જે જોડે છે તે યોગ। જે વસ્તુ  કે વિચારો  વેરવિખેર છે છિન્નભિન્ન છે તેનો મેળ  પાડી એક સૂત્રે બાંધવી તે યોગ।  આપણે  જીવનમાં જે કાંઈ જોઈએ , અનુભવવીએ શીખીએ તે બધાનું ચિંતન મનન કરી તેનો અર્થ સમજીએ , એ વિદ્યા સાથે આપણે  જોડાયા તો એ એક પ્રકારનો યોગ થયો .  

       ગીતાજીમાં બધા જ અધ્યાયના નામ સાથે યોગ શબ્દ જોડ્યો છે। વિષાદથી મોક્ષ સુધીની યાત્રા કરાવી છે. 18 અધ્યાયને  18 જાતના યોગ સાથે જોડયા છે।  ગીતાજી વાંચ્યા પછી તેનું ચિંતન કરી તેમાં જણાવેલી રીતે જીવન જીવવાના પ્રયત્નને  યોગ  કહી શકાય માટે અધ્યાયનું નામ યોગ સાથે જોડ્યું છે,  જાતને ગીતા સાથે જોડવી તે યોગ।   વળી એ માં જણાવેલ સંવેદનોનેકે વિષયને  પણ એની સાથે જોડાવાનો યોગ કહ્યો છે।   વિષાદ  સાથે જોડાયેલા અર્જુનના અધ્યાયને વિષાદ  યોગ નામ આપ્યું છે , તેવી જ રીતે જ્ઞાન સાથે જોડાયેલા અધ્યાયને   સાંખ્ય યોગ નામ આપ્યું છે , કર્મ યોગ , ભક્તિ યોગ વિગેરે  વિવિધ વિષયો સાથે જોડાયેલા અધ્યાય ને તે પ્રમાણે નામ સાથે યોગ શબ્દ જોડ્યો છે।  
       આ થઇ એક પ્રકારના જ્ઞાનયોગની વાત।  બીજાય  જુદા જુદા પ્રકારના યોગી હોય છે। જેમ કે હઠયોગી, રાજયોગી ,મહાયોગી ,સિદ્ધયોગી,પૂર્ણયોગી વિગેરે . હઠયોગીઓ એક કઠિન આસનને ધરીને ધ્યાન ધરે છે --હઠ  કરીને।  જેમ કે કેટલાક ઊંધે માથે લટકીને, કે અંગારા વચ્ચે બેસીને। રાજયોગી ; રાજાઓ કે નેતાઓ રાજ્યની કે દેશની ઉન્નતિ માટે ભેખ ધરીને કાર્ય કરે જે તપશ્ચ્રયા સમાન હોય છે , તે રાજયોગી . સિદ્ધયોગીને અમુક સિદ્ધિઓ પ્રાપ્ત થઇ હોય છે।  પુર્ણ યોગી યોગની પરમ કક્ષાએ પહોંચી ગયા હોય છે।  અને તેમને જગતનું ભાન રહેતું નથી. આવું હું સમજી છું।  દાવો નથી કરતી।  ભૂલ પણ હોઈ શકે।  આમાં આપણે એક વધુ યોગ પણ ઉમેરી શકીએ ;જેમાં કોઈ મનન ચિંતન કરવાનું હોતું નથી। ફક્ત એક નાનકડું કર્મ જ કરવાનું હોય છે। અને તે એ કે , કોઈને તેની જરૂરતના સમયે ઉપયોગમાં આવી "ઉપયોગી" બનવું।  ઉપ એટલે પાસે કે સાથે અને યોગ એટલે જોડાવું . આ કર્મ તે "ઉપયોગી" કર્મ। નિ :સ્વાર્થ ભાવે, નિષ્કામ ભાવે, સહાનુભતિ, કારુણ્ય અને ઋજુતાના  ભાવે ઉપયોગી થવું તે શ્રેષ્ઠ યોગી ગણાય . 
          સ્ત્રી માટે કહેવાય છે કે તે મ ણકાના માળાની દોરી છે , તેનો યોગ એટલે ;--આખા કુટુંબના સભ્યોને મતભેદ વખતે પણ એકસૂત્રે બાંધી રાખવો . ઠરેલ શાણી  સ્ત્રી માળાના દોરા  જેવી છે તેના પ્રતીક રૂપ તે મંગળસૂત્ર ધારણ કરે છે।  મંગળસૂત્ર સધવાની કે પરિણિત સ્ત્રીની નિશાની માત્ર નથી। એ દર્શાવે છે કે હું આ ઘરમાં મંગળસૂત્ર બનીને આવી છું।  કુટુંબના સભ્યોને એક તાંતણે બાંધી રાખીશ। પતિના ગયા પછી એ કાઢી નાખવાનું કોઈ પ્રયોજન નથી ; કારણ ,કુટુંબ તો હજી છે જ;  જેને એકસૂત્રે બાંધી રાખવાનું છે।  એજ રીતે મનુષ્યની ચંચળવૃત્તિ, જે આમતેમ ભટકતી જ રહે છે તેને એકાગ્ર કરી પરમ સાથે જોડાવાની પ્રક્રિયા તે યોગ. સ્ત્રી માટે કુટુંબને એકસૂત્રે  રાખવાની પ્રક્રિયા તે તેનો યોગ।  
        યોગમાં સંયોગ પણ હોય છે અને વિયોગ પણ હોય।  આગળ જણાવ્યું તેમ યોગ ધારણ કર્યા પછી પરમ સમીપે જઈ  ,તેની સાથે" સમ+યોગ" થાય તે "સંયોગ " . પરંતુ ,તેથી યે  વધુ અગત્યનો છે  "વિયોગ"  સાધારણ રીતે આપણે વિયોગનો અર્થ જુદાઈ કરીએ છીએ।  એને દુ:ખદાઈ માનીએ છીએ।  પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો ; એ અર્થમાં ," વિ - યોગ" એટલે "વિશિષ્ઠ યોગ "જેની સાથે "વિશેષ રીતે" જોડાઈએ તે "વિયોગ "  શ્રીમદ ભાગવતમાં રાસપંચાધ્યયમાં ગોપી-ગીત આવે છે।  જ્યારે શ્રી કૃષ્ણ રાધાજી અને ગોપીઓની આંખોથી ઓઝલ થયાં ત્યારે તેઓ ક્યાં ય ગયાં  નહોતા; તેઓએ  રાધાજી અને ગોપીઓના અંતરમાં -હ્નદયમા તિષ્ઠમાન થઇ એમને "વિશિષ્ઠ યોગ"નો અનુભવ કરાવ્યો હતો। એ સમયે ગોપીઓ અને રાધાજી કૃષ્ણ વિષે ગાન- ગોપી-ગીત  - ગાઈ અંતરથી એમને આરાધતી હતી।  જ્યારે સંપૂર્ણપણે સાચા ભક્તિભાવથી અંત:કારણ પૂર્વક શરણે થઇ ગઈ ,એટલે કે બ્રહ્મમય થઇ કે તુરત દર્શન મળયા ।આમ "યોગ"થી "સંયોગ " અને "વિયોગ" એ ગોપીઓનું અને રાધાજીનું સદ્ભાગ્ય બન્યું।  
       યોગ,સંયોગ અને વિયોગ પછી આપણી સામે એક શબ્દ છે "રોગ" રુજ ધાતુ ઉપરથી બનેલો આ શબ્દ છે. રુજ એટલે ભાંગવું ,તોડવું ,. આનો સાદો અર્થ સમજીએ તો , શરીરની વ્યાધિ તો છે જ--માંદગીના -રોગના કારણે --. કિન્તુ સમાજની વ્યાધિ પણ છે।  ભાંગફોડિયા તત્વો,જ્ઞાતિવાદ, આતંકવાદ, ઊંચનીચના ભેદભાવ,આ બધા જ સમાજના રોગ છે।  સંવદેનશીલતા બુઠ્ઠી થાય અને સમાજને પક્ષઘાત  (જે હાલમાં એ ભણી જ જય રહ્યો છે ) થાય  એ પહેલાં  ચેતીએ અને એ "રોગ"ને ભગાડવાના પ્રયત્નો કરીએ તો સારું।  એજ રીતે "ષડ્રરિપુ "ને ,એ રોગને ભગાડવાનો યોગ સાધીએ 
       યોગ સાથે રોગ એ અકર્મણ્ય કર્મનો રોગ છે માટે એ શબ્દને અહીં લીધો છે।  
      હવે "ભોગ" જોઈએ।    ભોગ એટલે ભોગવવું।  શું ભોગવવું ? તો, પ્રથમ પ્રભ-મિલન માટેની તડપ ભોગવવી અને મિલન પછીનું તાદાત્મ્ય ભોગવવું।  આ એકદમ આધ્યાત્મિક અર્થ થયો. સામાન્ય અર્થ, મન્દીરોમાં ધરાવાતો ભોગ લેવાય છે પ્રભુને સ્વરૂપનું રૂપ આપી તેમને સવાર,બપોર સાંજ અને શયન સમયે ધરાવવામાં આવતાં ભોજનને ભોગ કહેવામાં આવે છે।  ઇન્દ્રિયોના ઉપભોગને પણ ભોગ કહેવામાં આવે છે।  કર્મના ફળ ભોગવવા  શારીરિક રોગ ને માનસિક દુ:ખ ભોગવવું એ પણ ભોગમાં આવે છે।  કેટલાંક ને માટે આપણે બોલીએ છીએ " ભોગ એના , કરશે તેવાં  ભોગવશે " આ એના દુષ્કર્મ કે અકર્મણ્ય કર્મ માટે બોલવામાં આવે છે।  ધન-સમ્પત્તી કે નિર્ધનતા એ બધું " કર્યા કર્મોનું ફળ છે " એવું બોલવામાં આવે છે।  
          આમ , ભોગ - ભોગવવું શબ્દ પણ યોગ ,રોગ સાથે જોડાય છે। " સતકર્મોના યોગથી"" રોગનો" નાશ કરી સાત્વિક શાંત જીવનનો" ભોગ"
  ભોગવી શકાય છે।  
           આ છે યોગ , રોગ , અને ભોગ વિશેની મારી મતિ  પ્રમાણેની  સમજણ।; કોઈ જ દાવા   સિવાય।     અસ્તુ। 
                                                                                                                                                                                              11\11\2020 

પરિવાર--ગદ્ય \પદ્ય

          પ્યારની આગળ વાર -- પ્યારનો વાર વધારે તે પરિવાર। દરેકનાં જીવનમાં પરિવારની ભૂમિકા ખુબ જ મહત્વની છે। રુક્ષ્મણીની વાળીના વ્હાલ જેવું મહત્વ છે. પરિવારના સભ્યોના વ્હાલ આ વાળીના વજન  જેવાંછે।  પરંતુ ,આ પરિવાર શેનો બનેલો છે ? સામાન્ય રીતે પરિવારમાં પતિ-પત્ની અને સંતાનોનો સમાવેશ થાય ; પછી એ પરિવાર પેઢી દર પેઢીથી સાથે રહેતા સંયુક્ત હોય કે એકાકી સ્વતંત્ર પરિવાર હોય. સંયુક્ત પરિવારમાં ઘણા એકાકી પરિવારો સાથે રહે છે।  માતા-પિતા, એમના માતા-પિતા , ભાઈઓ -ભાભીઓ  અને એમના સંતાનો  એક સાથે એક જ ઘરમાં એક જ છત્ર નીચે, એક જ રસોડે જમીને સાથે રહે તેને સંયુક્ત પરિવાર કહેવાય . વિત્ત ઉપાર્જન  કે , ખેતર હોય તો , કૃષિ ઉત્પાદન સહિયારા કરે અને ઉપભોગ પણ સાથે જ કરે . ખર્ચ અને વ્યાવહારિક  કાર્યો  વડિલની  સલાહ-સૂચન પ્રમાણે કરે . 

        આ સંયુક્ત પરિવારના લાભ જોઈએ તો, બધાને લાડ-પ્યાર મળે છે।  બાળકોનો ઉછેર બહુ જ આસાનીથી બધાય ના સહયોગથી થાય છે।  કુળ -કુટુંબના રીત-રિવાજોનો પારંપારિક સુસંસ્કૃત વારસો બાળકો મેળવે છે. બધા સભ્યો એક બીજાની ભૂલ-ચૂક સંભાળી લે છે।  આ સાથે કેટલાક દૂષણો પણ છે।  જ્યારે કોઈ બાળક કાંઈ ખોટું કરે , ત્યારે માટે-પિતાની વઢથી  કે શિક્ષાથી ઘરના બીજા સભ્યો બચાવી લે છે અને દુલાર કરે છે।  આથી બાળક પોતાની ભૂલને નગણ્ય કરી નાખે છે અને ડર  નીકળી જવાથી વધુ બગડે છે।  સાચા-ખોટાનું ભાન શીખતું નથી।  બધું જ તૈયાર ટપકે અથવા માગે કે તરત હાજર મળવાથી પોતાની જોઈતી વસ્તુ માટે બીજા ઉપર નિર્ભર થઇ જાય છે।  વળી, બીજા બાળકને એના માતા-પિતા કાંઈક અપાવે તો -એટલે કે કાકા-બાપાના બાળકને - આ બાળક એને માટે કાંતો  ઈર્ષા કરે છે કાંતો  જીદ્દ કરે છે અને ન મળે તો પેલા બાળકની એ વસ્તુને તોડી-ફોડી નાખવાની આસુરી વૃત્તિ કેળવે છે ;જે આગળ જતાં એના જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરે છે।  
          આટલું જાણ્યા પછી આપણે વિચારીયે કે , પરિવારમાં જો બધાં એકબીજા સાથે સુસંગત  રીતે એકબીજાના આધાર, સહાયક બને તો ,આદર્શ પરિવાર ગણાય . અહીં મેં પરિવારમાં  ક્યાં ગદ્ય  આવે અને ક્યાં પદ્ય  આવે તે વિષે વિચાર્યું છે; એટલે શુષ્ક્તા અને રસાળતા ,સૌમ્યતા વિષે।  દરેક પરિવારમાં પૂર્વથી ચાલી આવતી રીત-રસમ ,જેને અંગ્રેજીમાં ટ્રેડીશન કહે છે તે નિભાવવામાં સહજતા અને સરળતા અનુભવાય તે કુટુંબનો નિબન્ધ -ગદ્ય  રૂપ કહી શકાય . પરંતુ ,થોભો ,પહેલાં થોડું ગદ્ય  અને પદ્ય વિષે જાણી લઈએ .
          બન્નેના લેખનમાં ,એક મુદ્દો હોય , વિષય હોય , ફલક હોય અને એનો વિસ્તાર થતો હોય છે। ગદ્યમાં  નિબન્ધ,વાર્તા ,નાટક ,વિગેરે આવે અને પદ્ય માં પ્રાસ , માત્રા, રાગ, છન્દ,કે અછાંદસ જેવાં સ્વરૂપો આવે .બન્નેમાં હુલાવવા ફુલાવવા માટે ફલક હોય છે। નિબન્ધમાં લંબાણને વિસ્તાર વધુ હોય છે। ; અને કાવ્યમાં મધુરતા ,શીતળતા અને સૌમ્યતા હોય છે। 
           હવે આગળ વધીએ।  તો કુટુંબનો નિબન્ધ તે ગદ્ય  . તેમાં મેં નિભાવવાની વાત કહી . પરિવારનો ઇતિહાસ અને સંકલન લાંબા હોય છે ,તેને સાચવીને , પૂર્વજોના  સંસ્કારોને અને સંવર્ધનને પરિવારના સભ્યો મિત્રતા, સહનશક્તિ ,આદર ,ઐકય સાથે નિભાવે તે જીવનને , પરિવારનું ગદ્ય  સ્વરૂપ  કહી શકાય .પરિવારમાં સુમેળે પરંપરા નિભાવવાની વૃત્તિ ,તે નિબન્ધ-ગદ્ય। 
          પદ્ય સ્વરૂપનો પરિવાર કોને કહેવાય તે જોઈએ।  નવી સંસ્કૃતિ, નવાં સર્જન અને બદલાતાં  સમાજ સાથે તાલમેલ રાખી, સંઘર્ષ , મતભેદ, વ્યાધિને ;સઁવાદ એટલે કે સમ+વાદ થી તથા સહાનુભતિની કૂણી ભીનાશવાળી લાગણીના તારનાં ઝંકારથી ,કુટુંબને હુલાવી-ફુલાવી ને સૌમ્યતાથી કાવ્ય જેવી મધુરતા અને શીતળતા રચે  ; કુટુંબને રાજી ,સંતોષી રાખે તેને પરિવારનું પદ્ય સ્વરૂપ કહી શકાય . તેથી જ એક કવિએ તેમની રચનામાં કુટુંબના વડિલ ને વડવાઈઓના ઝુંડ સાથે સરખાવ્યા છે।  " અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા " 
           આમાં એકાકી  સ્વતંત્ર અને સંયુક્ત બન્ને પરિવાર આવી જાય . પરિવાર ની એકતાના , સંસ્કૃતિના અને સંવર્ધનના  તાર અકળ રીતે એક સુરે વહે તે પદ્ય  અને એક ગતિથી નીરસતાથી શુષ્ક રીતે જીવન વહે તે ગદ્ય  . આપણા પરિવારને સંગીતમય બનાવવું કે નિબન્ધરૂપ તે આપણા જ હાથમા છે।  
                                                                                                                                                                                      7\11\2020 

યાત્રા

      યાત્રા શબ્દ સાંભળતાં  જ મનમાં એના વિષે વિચારવાયુ ઉત્પ્ન્ન થયો ! એને મેં આ રીતે શબ્દ દેહ આપવા પ્રયત્ન કર્યો છે।  

       યાત્રા એટલે --યે  ત્રાયતે ઇતિ યાત્રા --જે તારે છે , જે પથ ઉપર ચાલ વાથીકલ્યાણ થાય  કે કલ્યાણકારી અનુભવો થાય તેને યાત્રા કહે છે। આત્માના ઉતકર્ષ માટે જે પ્રયત્ન કરીએ , જાપ, સાધના ,સહાનુભૂતિ ,દયા, કરુણા વિગેરે સાથે જીવન વિતાવીએ તે જીવન-યાત્રા છે।  
     યાત્રા એ ગતિ સૂચક શબ્દ  છે।    બ્રહ્માંડની બધી ગતિવિધિ એ યાત્રા છે।  ઝરણાનું ઉદ્દગમ  થી સાગર મિલન એ યાત્રા છે।  જીવનયાત્રામાં  - જન્મ અમરજિયાત અને જીવનયાત્રાનાં  કર્મો મરજિયાત।  યાત્રામાં શીખવા મળે છે ;જે માણ્યું તેનો આનંદ।  નવા અનુભવો મળે છે।  
        શરીરની યાત્રા એટલે ,જન્મ સમયના અબુધ, અપંગપણાથી શરૂ થયેલી યાત્રા। માતા પોષણ આપે, મળ-મૂત્ર બીજા સાફ કરે તો જ બાકી એ નર્કમાં પડયા રહિયે ।  થોડી ઉંમર થતાં  જાતે ખાતા-પીતાં  ,મળમૂત્ર વિસર્જન કરતાં  શીખીએ। શાળામાં અને ઘર મા જાતજાતનું શિક્ષણ મેળવીએ।  શરીર યુવાન થતાં  ગૃહસ્થાશ્રમ શરૂ કરીએ . વિત્ત ઉપાર્જન માટે મહેનત કરીએ .એ દરમિયાન સારા-માઠા  અનુભવોમાંથી ટીપાઈને  સમજશક્તિ કેળવીએ અને ઉત્તરાવસ્થામાં અનુભવનું ભાથું નાનાને વહેંચીએ।     આ શરીર યાત્રા શું શીખવે છે ?  કે , હે અબુધ માનવ , જે રીતે , આ શરીર જન્મ સમયે અજ્ઞાની છે એ જ રીતે તું પણ જન્મ સમયે ઈશ્વરથી -પરંબ્રહ્મથી- અજ્ઞાત છે।  જેમ જેમ  શરીર અને જીવનની  યાત્રા આગળ ધપે છે તેમ તેમ મનની યાત્રાને વધારવી એ માનવીના જ હાથમાં છે , જેમ જેમ શિક્ષણ મળતું જાય --બાળપણમાં સફાઈ બીજા કરે તેમ જ મનની -શારીરિક અને માનસિક -સફાઈ ગુરૃઓકરે।  -- તેમ તેમ સમજશક્તિ અને ગ્રહણશક્તિ વધતી જાય .અને તેમ તેમ યાત્રા પણ વધતી જાય . આ યાત્રામાં- શારીરિક અને માનસિક બન્નેમાં  કંટકો ,ષડરિપુઓ ,અવરોધો તો કરશે જ ; કિન્તુ એ બધાને ધીરજ અને દ્રઢતાથી પાર  કરવાના આહુતિ-યજ્ઞ સાથે ; જેને ગીતામાં કર્મયજ્ઞ કહ્યો છે ; તેની સાથે યાત્રામાં આગળ વધવાનું છે।  અને અંતિમબિંદુએ પહોંચવાનું છે।  
       યાત્રા શબ્દ સાથે બીજો અર્થ સમાયેલો છે ;તે તીર્થયાત્રા। સામાન્ય રીતે આજ અર્થ લેવાય છે।  તારે તે તીર્થ। આ શરીર એક તીર્થ છે।  જ્યા નિષ્કામ ભક્તિનું રસાયન ભક્તને અજવાળે તે તીર્થાટન। મનનો સંયમ , મધુરવાણી , દાનધર્મ તીર્થ છે।  
        ત્રણે --શારીરિક, માનસિક અને આધ્યાત્મિક જીવનયાત્રાનું લક્ષ્યબિંદુ એક જ છે ; જ્યાથી આવ્યા ત્યાં ફરી પાછા પહોંચવું।  આ અંશબ્રહ્મે એ પરમબ્રહ્મમાં  ભળી જવું।  જયારે ત્યાં સુભગ-મિલન થાય ત્યારે આ યાત્રાનો અંત આવે  . અસ્તુ।  
                                                                                                                                                                                                               30\10\2020 

યજ્ઞ

             ગીતાજીમાં 3જા  અધ્યાયમાં યજ્ઞ વિષે નિરુપણ  થયું છે। સાંખ્યબુદ્ધિ અને યોગબુધ્ધિ -- સાંખ્ય એટલે જ્ઞાનપિપાસા દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાનું કર્મ, સાંખ્યબુદ્ધિ। એને માટે જે સાધના કરાય તે યોગ; માટે સાંખ્યયોગ ;અને એવી પ્રાપ્ત થયેલી યોગબુધ્ધિથી થયેલાં  નીષ્ઠાપૂર્વકના કર્મો તે કર્મયોગ।  

          3જા  અધ્યાયમાં  નીચે લખેલા શ્લોકમાં કર્મ અને યજ્ઞને આ રીતે જોડીને સમજાવે છે।    "યજ્ઞાર્થતઃકર્મણાન્યત્ર  લોકોઅયમ  કર્મબંધન ;  ।  તદર્થમ કર્મ કૌંતેય ,મુકતસંગ સમાચર : ।।" શ્રી ગુણવન્ત શાહે આ શ્લોકનું ગુજરાતીક્ણ આ રીતે કર્યું છે।  "વિના યજ્ઞાર્થં કર્મોથી , આ લોકે, કર્મબંધન ।  માટે , આસક્તિ છોડીને , યજ્ઞાર્થે કર્મ આચર ।। "     આમ ,આમાં  યજ્ઞ અર્થે  અથવા પ્રભુપ્રેમ માટે કરેલાં  કર્મો સિવાયનાં  બીજા કર્મો મનુષ્યને માટે કર્મબંધન તરીકે ઓળખાવ્યા છે।  

         હવે, સૌ પ્રથમ "યજ્ઞ" શબ્દનો અર્થ મેં આ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે। "ય" =જે અને "જ્ઞ " =જાણવું।   જે જાણવા માટે પ્રયત્ન કરીએ તે યજ્ઞ।  આ યજ્ઞમાં આહુતિ આપવાની છે।  શાની ? તો, જ્ઞાન ,મેળવવા  માટે સમયની। ત્યાર પછી જ્ઞાનથી જે સમજણ આવી , તે ,જીવનમાં ઉતારવા ; ઇન્દ્રયભોગની, કામનાની , વાસનાની , આકાંક્ષાની , ઈચ્છાની , ગર્વની , માયા-મોહની ,વિગેરેની।  આ બધાની આહુતિ આપી નિર્મળ સ્વચ્છ બુદ્ધિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન , તે યજ્ઞ। 

           ફરી પાછા કર્મ અને યજ્ઞ તરફ વળીએ  .ગીતામાં કૃષ્ણે પણ કહ્યું છે કે કર્મો તો કરવા જ પડે . તો પછી કર્મોનું બન્ધન તો થાય જ ને ? એમાંથી છૂટવાનો કોઈ ઉપાય ખરો ? તો, જણાવ્યું છે કે , " જે વ્યક્તિ કર્મબન્ધનના ભયથી કર્મ જ છોડી દે તો તે નિશ્ચિત પડવાની જ છે।  તેની  ગતિ નીચે તરફ જ છે ; પરંતુ જે વ્યક્તિ , ફળની આશા  વિચાર્યા સિવાય ફક્ત કર્મ કરવાની ભાવનાથી  અથવા  કર્મના પરિણામે શું પ્રાપ્ત થશે તે વિષે કોઈ વિચાર્યા વિના નીષ્ઠાપૂર્વક કર્મ કરે ,તે વ્યક્તિ કર્મબન્ધનમા બઁધાતી નથી। " 

           આટલું સમજાવ્યા પછી યજ્ઞ વિષે આવે છે। યજ્ઞનો એક આવો અર્થ પણ લેવાય છે।  યજ્ઞ એટલે નિ :સ્વાર્થભાવે ઘસાઈ છૂટવાની વૃત્તિ।  જીવાડવા માટે જીવવું। અન્યના જીવનને સહાયક બનવાની વૃત્તિ।   દાખલા  જોઈએ।  

1  નિ :શુલ્ક વિદ્યા આપનાર (અત્યારના  સન્જોગોમાં શુલ્ક સાથે ) કોઈ સ્વાર્થ વિના વિદ્યાનું દાન કરે , તે" વિદ્યા યજ્ઞ" થયો    2   ડોક્ટર એક દર્દીને જીવાડવા મથે , અને અંતે સફળ થાય ત્યારે જે સન્તોષ મળે ; એવા કર્મ તે "કર્મયજ્ઞ" . પોતાની પાસે જે જ્ઞાન છે તેનો ઉપયોગ કરી અન્ય જીવોને બચાવે છે।    આ બધા જ કર્મો નિષ્કામભાવે કરેલાં  કર્મો છે।  આમાં કર્મ કરનાર કદી ખાલી નથી થતો ઉપરથી અનુભવ વધવાથી પામે છે।  આ યજ્ઞમાં આહુતિ કામનાની છે।  ફળની  એટલે કે વળતરની (રિવોર્ડ) છે। 
           કુલ 5 જાતના યજ્ઞોમાં આ કર્મયજ્ઞને " મનુષ્ય યજ્ઞ " તરીકે ઓળખાવ્યો છે। માનવનું સ્થાન સર્વ જીવોમાં ચડિયાતું છે , અને , માનવને મળેલ આ ગૌરવને વધારવાની પ્રવૃત્તિ કરવી તે "મનુષ્ય યજ્ઞ " 
       અત્યારે માનવ ચડસાચડસી (કોમ્પિટિશન )ના ભાવમાં જ  રહ્યો છે, અને આ આગળ વધી જવાની દોડમાં  માનવ સમ્બન્ધો પણ વિસરાયા છે।  સાથે સાથે માનવનો અસલી ચહેરો કે નિજ સ્વભાવ પણ વિસરાયા છે।  માનવનું મન , જે , કરુણા અને સહાય ભાવથી ભરેલું હતું , તે , શુષ્કતા અને બદલાની ભાવનાથી રંગાઈ ગયું છે। આ દૂર કરવાના પ્રયત્નો અને ફરીથી માનવને માનવ બનાવવાની વૃત્તિથી થયેલા કર્મો ,તેને જ આપણે "મનુષ્ય યજ્ઞ " કહીશું।  આપણા ભારતમાં આ સંસ્કૃતિને જીવંત રાખવા ઘણાય મહાનુભાવો થઇ ગયા છે।  
            બીજા 4 યજ્ઞો છે।  1લો છે ; "બ્રહ્મયજ્ઞ "  બ્રહ્મ નો અર્થ થાય છે વેદ। વેદમાં કલ્યાણકારી વિચારો ,અને, એ દ્વારા કરવાના સુકૃત્યો વિષે સમજણ   છે।  એ જ સમજણ સેવી , એ , ઉચ્ચ કલ્યાણકારી વિચારો સમાજને સમજાવવા અને ફેલાવવા તે બ્રહ્મ યજ્ઞ છે 
         2જો છે , " દેવ યજ્ઞ " દેવ એટલે દ્યુતિ --કાંતિ , પ્રતિભા।  માણસની કાંતિ - ઓજસ, પ્રતિભા વધવી જોઈએ।  એ શાથી વધે, તે માટે મથામણ; પછી તે , આગળ વધવાની, અંધકારને દૂર કરી
અંજવાસને પામવાની હોય।  એને માટે મનોમન્થન, એ , "દેવ યજ્ઞ " આ દેવયજ્ઞના અંતે , માનવીનું તેજ વધે છે એ તેજ જ્ઞાનથી પ્રાપ્ત થયું હોય છે।  પ્રતિભા- નૂર વધે છે  ,આળસ, દુર્બળતા  વિગેરેનો નાશ થાય છે , એટલે કે એની આહુતિ અપાય છે।  કારણ , આ દુર્ગુણોની આહુતિથી આ દેવ યજ્ઞ થાય છે। 
          પછી આવે છે "પિતૃ યજ્ઞ " માતા-પિતા તરફથી મળેલી કુળ  પરમ્પરા -જેને સાદી  ભાષામાં કુળમાં ચાલી આવતાં  રીતિ-રિવાજો જાળવવા અને એને આગળ વધારવાના પ્રયત્નો ,તે પિતૃ યજ્ઞ।  કિન્તુ , આમાં એક શરત પણ છે ; કુળ  પરંપરામાં  જો કોઈ એવા રીતિ-રિવાજો સામેલ થઈ  ગયાં હોય , જેનાથી કુળનું  કે સમાજનું  અહિત થતું હોય કે અંધ શ્રદ્ધા વધતી હોય , કે જોહુકમી વધતી હોય ,તો, તે દૂર કરવાના પ્રયત્નને  પણ પિતૃ યજ્ઞ જ કહેવાય . સફળતા મળે તો સન્તોષ, અને ના મળે તો  પોતાના વંશજને  વધુ પ્રયત્નો કરવા પ્રેરવા . જે રીતે પ્રહલ્લાદે  પોતાના પિતાના દાવાને દૂર કર્યો અને ઈશ્વરના અસ્તિત્વને સમાજ સામે ધર્યું . કુળની  પ્રામાણિકતા જાળવી રાખે  અને પિતૃઓ કરતાં પણ પોતાના કુળને રોશન કરે તે પિતૃ યજ્ઞ। 
         હવે આવે છે ; " ભૂત યજ્ઞ " ભૂત એટલે જીવ -પ્રાણી।  દરેક જીવ પ્રત્યે કરુણાનો ભાવ હોય અને અહિંસાનો વ્યવહાર હોય તો એ ભૂત યજ્ઞ બને છે , દરેક પ્રાણીના જીવ  પ્રત્યે દયા , કરુણા, સહાનુભૂતિ રાખી મદદ રૂપ થવું એ ભૂત  યજ્ઞ - ભૂત  માટેનો યજ્ઞ।  પહેલાના સમયમાં  અને હજી પણ ક્યાંક ક્યાંક બલિ  તરીકે પશુઓની અને ક્યાંક તો નરબલિનો  ભોગ અપાય છે।  તે દુષ્પ્રથા દૂર કરી યજ્ઞને શાંતિ અને અહિંસા સાથે જોડવા તે ભૂત યજ્ઞ।  વેદોમાં બધાં  જ પ્રાણીઓને " મિત્રસ્ય ચક્ષુસા " તરીકે જોવાની વાત આપી છે।  એટલે કે દરેક જીવને મિત્રતાની આંખથી જુઓ।  દરેક પ્રત્યે દયા, અહિંસાની ભાવના રાખો તે ભૂત યજ્ઞ।  અહિંસા એટલે ફક્ત લાકડી, બન્દૂક, બાણ, એવાં શસ્ત્રોથી જ નહીં પરંતુ વાગ્બાણથી , હૃદય કે મન ઉપર પણ ચોટ ન પહોંચાડવી, તેવી હિંસા પણ નહીં।  
           5માં યજ્ઞ "મનયુષ્ય કે કર્મયજ્ઞ " વિષે મેં શરૂઆત માં જ જણાવ્યું છે.  ધર્મશાસ્ત્રોમાં હોમ-હવન વાળા યજ્ઞના 3 પ્રકારના ગુણોના આધાર ઉપર જણાવ્યા છે।  એક - "નિષ્કામ યજ્ઞ " ;જે સાત્વિક ભાવથી કરવામાં આવે છે।  ; ફક્ત ઇષ્ટદેવ માટે।   2જો  છે ; " રાજસિક યજ્ઞ " જે સકામ હોય છે , કોઈક ઈચ્છાથી, ફળપ્રાપ્તિ માટે અથવા કોઈક માન્યતા પૂર્ણ કરવા કે એવા કારણસર કરવામાં આવે છે।  3 જો પ્રકાર છે " તામસિક યજ્ઞ " આ યજ્ઞ કોઈ પણ જાતની શ્રદ્ધા વિના, ફક્ત દેખાડા માટે , પૈસો, પાવર, અને ગર્વની ઉન્મત્તતાથી  કરાય છે ; અથવા મેલી વિદ્યાના તંત્ર પ્રયોગ માટે થાય થાય છે।                 ગીતામાં ,આ જીવન -ચક્ડોળને જ યજ્ઞચક્ર કહ્યું છે।  જેવી રીતે અન્નથી જીવોની ઉત્તપત્તિ  અને વૃદ્ધિ  થાય અને તે   અન્ન  વરસાદથી ઉત્પ્ન્ન થાય . જ્યારે વરસાદ યજ્ઞની જ્વાલાથી ઉત્પ્ન્ન થયેલ ગરમીથી બઁધાયેલા વાદળાંથી થાય . આમ ચક્ર ચાલ્યા કરે . આપણા કોઠે અન્ન પહોંચવામાં કેટલાંયે  જીવોનો  કર્મયજ્ઞ રહેલો છે।  માટે આપણે , એ , ઋણમુક્તિ માટે એકબીજાનો ખ્યાલ રાખી , સમભાવથી એકબીજાના ઉતકર્ષ માટેના પ્રયત્નો સાથે જીવવું જોઈએ।  ફક્ત દેખાવ માટેના કે વાહ વાહ માટેના 108 કે 1008 કુંડીના મોટાં  મોટા  હવનો આ યજ્ઞમાં ની વ્યાખ્યા માં નથી આવતા .
              આપણને જે કાંઈ મળ્યું છે તે , સમય, સંપત્તિ , અને શક્તિમાંથી નિ :સ્વાર્થ ભાવે બીજાના ઉપયગમાં લઈએ તે કાર્ય તે યજ્ઞ। નિ :સ્વાર્થે આપેલું હાસ્ય ,અનુભૂતિ ,આશ્વાસન ,આ બધાં દાન છે અને તે ભૂતયજ્ઞ કે મનુષ્ય યજ્ઞમાં સમાય છે। " યજ્ઞ એટલે આપણી સઁસ્કૃતિમાંથી મળેલી જીવનદ્રષ્ટિનો ઉત્તમ પ્રયોગ કરી જીવવું તે "     અસ્તુ 
                                                                                                                                                                          27\10\2020 

Talks on Bethak-Vaachikam

Talks on Bethak-Vaachikam-004

Talks on Bethak-Vaachikam-003
Talks on Bethak-Vaachikam-002

Talks on Bethak-Vaachikam-001

ચોર




-----ગોપી કહે કા'નાને  ,તું છે ,ચોર, ચોર ,ચોર.
-----પૂતનાના પ્રાણ ચૂસી , થયો તેના કર્મોનો ચોર ! 
-----પાપીઓ પશ્ચતાપથી તવાય ,તે પાપોનો તું ચોર ! 
-----કદમ્બ પર ટીંગાડી, વાસનાના વસ્ત્રોનો તું ચોર  ! 
-----દાર્શનિકને દર્શન દઈ,તેનાં  અંતરનો તું ચોર ! 
-----જાપનીકના સ્વ -ભાનનો ,તું છાનો છપનો ચોર ! 
-----મીરાં ,મહેતો, નાપી ,કુંભાર, સૌનાં  ચિત્તડાંનો તું ચોર ! 
-----"બેલા" ના ફૂલની કળીઓ સૂંઘી, સુગંધનો તું ચોર ! 
                      સાચું કહે છે , ગોપીઓ ,
-----તું છે ચોર ! ચોર! ચોર ! કા'ના ચોર ! ચોર ! ચોર ! !! 
                                                    2\11\2020 
                                                       8.50.એ.એમ. 

ઉડ્ડયન



-----હું એક , ને ઊંડું હું, એક ભણી ,
-----પાંખો બનાવું હું તો ,સમભાવની ;
-----વાણી રાખું હું ,સંવાદિતાની ,
-----મમ અંતરને જોડું , વિશ્વ-સગાઈથી। 

-----આંતર્જ્યોતિઃ જગાવું , આહ્લેકથી ,
-----ને , શોધી રહું ,કેડી , સત  મારગની ;
-----ઓ ઝગે ! શ્યામની તારક અટારી ! 
-----બોલાવે મુજને ,હાસ્ય ઝબકાર કરી ! 

-----"બેલા"ની સૌરભ ઝાલે ,અનિલ-લહરી, 
-----ને ઊડે ઊંચે , એ બ્રહ્મ તારક ભણી  ! ! ! 
                                       31\10\2020 
                                           11.15.પી.એમ.

શી કામની ?


-----કલગી વિહોણી શોભા શી કામની ?

-----ને ખુશ્બુ વિનાની "બેલા" શી કામની ?
-----પ્રીતિ વિનાની ભેખ શી કામની ? 
----------નરી ચીપિયાની ખંજરી શી કામની ?
-----ધૂણી ધખાવી , જટાબંધ શી કામની ?
----------ને, સ્મશાનની રાખ ચોળી શી કામની ? 
-----અંતરે ભડકા વિના ,ભક્તિ શી કામની ?
----------દીવા પ્રગટયા વિનાની કૂંપી શી કામની ?
-----નાદ, નિનાદ સંવાદ વિનાની પખવાજ શી કામની ?
----------બ્રહ્મનાદ, આહલેક  વિનાની વૈખરી શી કામની ?
-----જો સુરજ ના ઉગે ,મનમાંહ્ય , તો ઉષા શી કામ ની ?
----------ને આન્તર -તારા ઝબુક્યા વિના ,નિશા શી કામની ?
-----"બેલા" ની ડાળીઓ અમથી ઝૂલે ,તે શી કામની ?
----------મર્મની  ફોરમ ફેલાવે તો, પ્રિય, એના શ્યામની ! 
                                                    2\10\2020 
                                                       4.15.પી.એમ. 

વિદાય




-----દુંદુભિ  ગગડ્યાં ,ને બારાતી આવ્યા ,
----ચાલ જીવ, સજી લે , જઈએ વધાવવા !

-----કે'દુની વાટ  જોતી'તી  ,વા'લા ,
-----આજ આવ્યા, તારા વધામણા ;
-----દોટે દોટે ખાઉં અડવડિયા , વા'લમા ,
-----ઝાલી લે હાથ, તારા હાથમાં। 

-----શરણાઈ કેરાં  સુરે , રસીલાં  ,
-----ફરીએ , ચૉરીમાં  સાત  ફેરા ;
-----કેસર-કંકુના થાપા લગાવ્યા ,
-----ને ડોલીએ ઝાલર ઝુલાવ્યા। 

-----હાલો કહાર , જાવું દેશ રળીયામણા ,
-----જયાં વસે મારા રુદિયાના રાણા ! 
-----મહેલે તો ઝળહળે દીવડાં  રૂપાળાં  ;
-----કરે , અંતરમાં ય ઉજાસી અંજવાળા ! ! 

-----વા'લોજી દીસે , કોડીલા કોડામણા ,
-----એને વળગે ,જઈ , "બેલા" ભીડી બાથમાં ! ! ! 
                                               23\10\2020 
                                                    5.40.પી.એમ. 

શરણે નિવાસ


                  

-----મુજને એક જ તારી આસ ,
-----તારા ભરોસે ચાલી રહ્યો આ શ્વાસ ;
-----બસ, હવે હું છુટ્ટી , ઝંખું , તુજ પાલખી-વિલાસ  ,
-----સજીધજી ,એમાં હું આવું ,કરું તુજ શરણે નિવાસ ! 
                                                      21\10\2020 
                                                           12.20. એ.એમ. 

શ્યામને અરજ



-----હવે ક્યાં સુધી આ નાવ ખેંચવી ? ! 
-----શ્યામ ! બોલાવી લે , છોડ , આ કાયાથી। 
-----પાર ઉતાર ,આ તોફાની ભવસાગરથી ,
-----નથી હૈયે હામ, નથી શરીર હવે કસરતી ! 

-----નિશદિન સાદ દઉં તને ,હૃદયના પોકારથી ,
-----પુરાં  થયાં  સર્વ કાજ,અને કર્મથી હું છૂટી ;
-----મેલ્યાં  ત્રિગુણો હેઠાં , ને , છૂટી, સર્વ બંધનોથી ,
-----વાટ  જોઉં તેડાંની , ને, હું તો , આ , સાથરે સૂતી ! 

-----જીવ મૂંઝાય, શિર ચકરાય , કાયા ધરૂજે , થરથરી ! 
-----આલ ,તારો હાથ , ને ખેંચી લે તારા ભણી ;
-----નિહાળું વાટ  તારી, આંખે નેજવાં ધરી,
-----કાનથી ધારું ધ્યાન , તુજ ગરુડના ફફડાટની .

-----"બેલા"ના સુગંધી ધૂપથી , હું બેઠી , સજાવી આરતી ,
-----પામુ તવ પ્રેમનો પ્રસાદ , વ્હેલેરા  પધારો, હરિ ! 
                                                         21\10\2020 
                                                            11.15 પી. એમ।