Pages

રૂઠેલા શ્યામને



 હે મારાં શામ !
 કાં તું  મુજથી રૂઠ્યો ?
 ક્યાં જઈ તું સંતાયો ?

 નજરો ખોળે,ચરણો દોડે ,
 આવો તે શાને રીસાયો ?
 જીવડો તડપે ,તનડું ભટકે ,
 રૈન -દિનનો ભેદ ભુલાયો !

 આંખ્યું ચૂવે ,હૈયું રુવે ,
 મણ મણનો માથે ઘા પટકાયો !
 શ્યામ ! રીઝવું શી રીતે ?
 શાને આમ મુજથી કતરાયો?!

 ઉગારો પ્રભુ !,તારો  ઘનશ્યામ !
 આ દુ:ખ -સિંધુમાં આતમ છે ડૂબ્યો ,
 તમસમાં તવ તેજ પસારો ;
 આ પ્રાણને પ્રકાશથી આંજો .!

 અનિલ-લહેરખી ,વાવડ તણી;
 શ્યામ !હાંવા  તો મુજને ભેજો !
 વ્હાલાં ! વહેલાં દર્શન દીજ્યો,
 "બેલા"ણે ઉપકૃત અવ કીજ્યો.!
                          બેલા \૭\૧\૨૦૧૪ 
                             ૬.૪૫.એ.એમ.

કન્યા-વિદાય



 સમજું બાળકી જાય સાસરે ,
વચન માડીનાં ધ્યાનમાં ધરે.

 સાસ-સસુરને માત-પિતા કરે;
 વડીલના વચન કાને તું ધરે .
 નણદ-દેરને ભાઈ-બેન કરે;
 પાલવે પતિ, તું ગાંઠમાં ધરે .

 પરઘરે બહુ બેસવું નહી ;
 ઘર તણી કથા કહેવી ના ક્યહીં.
 સંઘર્ષ પચાવવો,મોટું મન ક્રરી ,
 સૂરીલી લયમાં બજાવવી બંસરી .

 ઘર સજાવવું ઘણાં ય  હેતથી ,
 મ્હેકાવવું એને ,"બેલા"નાં ફૂલથી .

                         બેલા    ૪\૧\૨૦૧૪ 
                                   ૬.૧૫.પી.એમ.

લાલાને



 તારાં  સ્નેહ ભર્યાં બોલ,અને,
 તારાં હેતાળવા હાથ;
 તારું હુંફાળું હૈયું ,અને;
 તારાં સાંત્વનનો સાથ,
 મને અર્પે છે;મન:શાંતિ !
 અને અર્પે છે;હાશ,!
 હુંફાળો,હેતાળવો,સાંત્વન ભર્યો સ્પર્શ;
 સદૈવ વહે એ સાયુજ્ય, વર્ષાવી હર્ષ .
                         બેલા    ૫\૧\૨૦૧૪ 
                                 ૫.૫૫.પી.એમ.

માત-પિતાને



 તમે તો જઈ બેઠાં સુખને દ્વારે !
 છોડ્યાં અમને અહીં મઝધારે ;
 ઉલ્ઝન ,મ્હેણાં,કટુ વચનોના 
 તાતાં તીર ,હવે સહેવા અમારે .

 ગેર સમજણથી, કઈક પૂર્વ ગ્રહથી ,
 કઈક વેર વૃતિથી ,કોઈ પત્થર મારે ,
 સાચ સુણવા કે સાચ બોલવા ,
 ન ધીર કે ન સમય કોઈ પાસે .

 સહુ સમજે મુજ નમ્રતાને નબળાઈ ,
 ને સહુની રીતે વચન આકરાં બોલે ,
 ન કોઈ મુજ દિલની વીતી વિચારે ,
 મારે તો જીવવું રહ્યું રહેસાઈ બેધારી તલવારે !

 હસી-ખુશીનું મ્હોરું હવે રહ્યું છે ફાટી ,
 નથી દેખાડવો મારો ,દુ:ખી જીર્ણ ચહેરો મારે 
 આ અસહ્ય જીવન હવે કેટલું છે બાકી ?
 "બેલા" ઈશને  પ્રશ્ન એ વિચારે !! 
                          ૯\૧૨\૧૩.
                              ૧૦.૦૦ પી.એમ.

અતૃપ્ત -પ્યાસ



 જીવ તોખાર દોડે છે ;
 ઝાંઝવા સમ 
 ધન-વૈભવ ,માન-કીર્તિના 
 વિન-પોસ્ટ તરફ !

 જીવ સંતોષાય છે ?
 ચાહે તેટલું મેળવે ય ;
 મનને તૃપ્તિ થાય છે ?
 કહ્યું કોઈએ ય તે ?
        કે  બસ . 
 હવે નહી .આટલાથી સંતુષ્ટ છું .! ?

 આ અતૃપ્ત પ્યાસ ,
 જીવને ઉર્ધ્વ ગમનથી 
અધ;પતન સુધી લઇ જાય છે .

                                    બેલા ૧\૧૨\૧૩.
                                          ૪.૦૦.પી.એમ.

જાગો હરિ



 જાગો હરિ ! ભોર ભઈ ,
 સપન છોડો ,રાત ગઈ.

 પંખીગણ ગાયે મધુર ;
 રવિની પુકારી છડી .
 સુપ્રભાતે આભ જુઓ ,
 કેવી આ આભા ભરી !--જાગો---

 ગાયો રહી ભામ્ભરી,
 સુણવા તારી બંસરી ;
 ગોપ-બાલ આવ્યાં જો ને ,
 પોતાની ગાયો ઘેરી ! -જાગો---

 કઢીયલ દુધને માખણ-મીસરી ,
 પાટે પડ્યાં વાટ જોતાં તારી ,
 પહેરી લો "બેલા"ની માળ ,
 ને લઇ લ્યો કાઠી-કામળી.

જાગો હરિ ! ભોર ભઈ
               બેલા ૨૯\૧૧\૧૩ 
                     ૬.૩૦.એ.એમ.