Pages

શાયરીઓ


આગવું અસ્તિત્વ મારું તમને હું અર્પણ કરું,
હોય જે વ્યક્તિત્વ મારું તમને હું અર્પણ કરું.

-બેફામ

દીપ જેવાં આ નયન ની રોશની મારી નથી,
ચાંદ જેવાં આ વદનની ચાંદની મારી નથી.
-બેફામ

તમે એકાંત સમજી પાસે આવીને ઊભા છો  પણ
આરીસા માં જો મારો ચહેરો દેખાશે તો શું કરશો?
-સૈફ પાલનપુરી

હાથ શું આવી તારી ગલી,
જિંદગીનો પંથ ટૂંકો થઇ ગયો.
-આદિલ મન્સૂરી

અગર ખંજર જિગર માં છો તમે આ ભોંકનારા,
દુઆ માંગી રહ્યો છું હું સદા હકમાં તમારા.
-પતીલ

દલડાની વાત




કહોજી કોને કહીએ ,દલડાની વાત?!
એક દિ' કાનુડો આવ્યો'તો છાનોમાનો 
    લઇ ગયો આંખ્યુની રાત --------કહોજી.....

હૈયામાં ધારી ચિતવન કરું છુ 
ઘડી એ ઘડી એની માળા જપું છુ;
ખખડાટે થાયે થડકાટ-------કહોજી...............

માખણ મીસરીના દેગ ભરું છુ 
લાલાનેભાવતાંભોગ ધરું છુ;
શરદ પૂનમની જોઈ રહું વાટ---કહોજી....

રાસલીલામાં મગ્ન રહું છુ
બંધ નયનોમાં ધ્યાન ધરું છુ;
ઊડી હું આજ આકાશ ---કહોજી.....

વૃંદાવનની ગલીમાં ફરું છુ
કુન્જ્વનમાં રાધે શોધું છુ 
'બેલા'ની માળસાહી હાથ 

કહોજી કોને કહીએ દલડાની વાત

                                બેલા 
                      ૧૦/સપ્ટેમ./૧૯૯૮ /૭.૩૦.પી.એમ.

અવગણના


                                               

ઘડી ઘડી તારી નજીક આવવું 

અને ઘડી ઘડી તારું તરછોડવું 

શા માટે?શા માટે,શ્યામ?


               માની લીધું 

                    કે
હું નથી નરસીહ  કે હું નથી મીરાં

પરંતુ હું ય છુ તારી દિવાની.

મને ય છે હોંશ તારી સાથે ખેલવાની.

            મન તરસ્યા કરે
           તન તડપ્યા કરે 

વાણી તારા ગીત ગયા કરે.

મારી કરતાલ અને શ્વાસનો એકતારો

આતમના તાર ઝણકાવ્યા કરે.

              શ્યામ! તને કેમ રીઝવું?

             અંતર સદાય કોરાયા કરે.


કહેને,કહેને,ઓ વનમાળી!

'બેલા'ની સુવાસ શાને તેં નકારી?

                                   બેલા 

  ૨ ડીસેમ્બર ૨૦૧૧ /યુ.એસ.એ./૨.૦૦ એ. એમ

બદલાય છે-સુભાષ પંચોલી




જે હતું બસ એ જ છે,કેવળ નજર બદલાય છે

કઈ જ બદલાતું નથી કેવળ સમાજ બદલાય છે.



જિંદગી ને મોતનો આ સિલસલો ચાલ્યા કરે 

આ જન્મ બીજો જન્મ, કેવળ બદન બદલાય છે.



વાર હો તલવારનો કે શબ્દનો એ માર હો 

ઘા પડે છે બેઉમાં કેવળ અસર બદલાય છે.



એ જ રસ્તા એ જ કેડી જ્યાં હતા એ ત્યાં જ છે

કાફલા ચાલ્યા કરે બસ ત્યાં કદમ બદલાય છે.



શું નવાબી ઠાઠ થી રહેતો હતો 'અક્ષર' 

હવે,ખૂબ અગવડ છે છતાં પણ ક્યાં કબર બદલાય છે?


                            સુભાષ પંચોલી.




૨ હાયકુ 


       નભનું ભીનું

મ્હો  લૂછતી ધરા--

લીલાં પાલવે!


                           વિરહિણી ના 

                   એક માત્ર ની:શ્વાસે 

                    સુકાય વન!

આવને- હરીશ દોશી.





ઓ ઈશ્વર,
  તું અનંત અને હું કણનો ય કણ 
તારી એક ઝલક અને 
  મારા અનેક જન્મોની શોધનો અંત.

પાગલ મન દરેક ચહેરામાં તને તલાશે,
તારા એક અંશને પામવા તલસે 
જડ અને ચેતન,જો તું વ્યાપે છે સર્વમાં 
        મારામાં પણ 
તો આ તડપ શાને?
હોવા અને પામવાના ભેદ વચ્ચે 
અટવાતું મન,તરસ્યા કરે તને 
     તું આવને!

નવજાત શિશુસમ,પ્રભાતનાં કુમળાં કિરણો 
મનની ઠૂંઠવાયેલી  લાગણીઓને ઝકઝોરે અને
તું મારામાં હોવા છતાં હાથ લંબાવીને સ્પર્શી ના શકવાની પીડા
વાદળને ચીરતી વીજળી સમ ફરી વળે 
મારા સમગ્ર અસ્તિત્વમાં 
તો ક્યારેક તારા હોવાની પરમ અનુભૂતિમનના અંધકારને ઉલેચી ઝળળ ઝળળ કરી દે સમગ્ર ચેતનાને.
તારા એહસાસ વગરની કોઈ પળ નથી
અશક્ય ને શક્ય કરનાર તું 
મારી દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી ફેલાયેલ વાદળો પર સવાર થઈને 
           તું આવને!

હું તારો શિશુ 
બાળકની જેમ ઝંખું,નીકળી પડું ધરતીના પેટાળમાં 
અગાધ સમંદરના તળમાં,માનસરોવરના જળમાં 
ને ઝળહળતા તારલાઓના પળમાં,
અને નિહાળું નરી આંખે પરમસત્યો 
માં......
જેની અનુભૂતિ વ્યાપેલી છે મારા રોમરોમમાં 
જેણે હમેશાં કર્યો છે મારો બિનશરતી સ્વીકાર
મારા ગંદા હાથથી હું એને સ્પર્શતો 
ને નેહ નીતરતી આંખે એ ચૂમતી મને 
એનાં ચહેરામાં તું હતો? કે તારા ચહેરામાં એ?
તું જ સાથી તું સંગાથી 
ને તો એ હું તને શોધ્યા જ કરું?
          તું આવને!
                              હરીશ યુ. દોશી.

અહાલેક- રાહી ઓધારિયા




દિલમાં અનુભવના ખજાનાને સજાવી રાખો!

પાનખર આવ્યા કરે,બાગ બચાવી રાખો!



--આપણે હોળી-દિવાળી બધું જ સરખું છે,

કોઈ પણ રીતે બસ ઉત્સાહ ટકાવી રાખો!



--જો જો, ક્યારેક તો મળશે જ તેઓ સામેથી,

માત્ર શ્રદ્ધાની અહાલેક જગાવી રાખો!



--આવવું જ પડશે કદી એ જ સ્વરૂપે એને,

એક નિશ્ચિત જો મૂરત મનમાં બનાવી રાખો!



--દર્દને એક તપસ્યા જ માની લો 'રાહી'!

કો'ક્ દી ફળશે ,ફક્ત ધૂણી ધખાવી રાખો!


                                    રાહી ઓધારિયા 

સ્મૃતિઓનું વન- રેખા સરવૈયા



  

નાભીનાળથી નોખા પડતાં થયેલી 

પીડાની તો કોઈ સ્મૃતિ નથી 

હોતી ચિત્તમાં--


   પરંતુ-
-
તો પછી કો'ક્ નાતો તૂટ્યાની 

વેદનાની  કળ 

કેમ વળતી નથી  સ્મૃતિને?


                             રેખા સરવૈયા
                            અખંડ આનંદ ઓક્ટો. ૨૦૦૬ 

એક ભક્તની ગઝલ-ચંદ્રેશ શાહ



       ધૂણી ધખાવીને બેઠો છુ.

       હુંડી લખાવીને બેઠો છુ.


--છૂટે નહિ છેલ્લા શ્વાસ સુધી

  લગની લગાવીને બેઠો છુ.



--અવશ્ય થશે અમૃતનો અનુભવ 

  બહૂ  વિષ પચાવીને બેઠો છુ.



--હરિ જ કરે ઊભો ઝાલીને હાથ

  આસન જમાવીને બેઠો છુ.



--પિંડમાં પ્રકટતું લાગે બ્રમ્હાંડ 

 શું શું સમાવીને બેઠો છુ



--મુક્તિ વિના ક્યાં આરો 'ચંદ્રેશ'

મસ્તક નમાવીને બેઠો છુ.


                         ચંદ્રેશ શાહ.

                       અખંડ આનંદ /૨૦૦૭ 

બાણ શૈયા



   
કુરુક્ષેત્રભૂમી એ સૂતાં છે ભીષ્મ 

વહેતાં રૂધિરે બાણશૈયા ઉપર

વાટ જુએ છે ઉત્તરાયણની.

 રૂવે રૂવે ટપકે છે વેદના 

 શારીરિક જેટલી જ માનસિક.


તરવરે છે ચક્ષુ સમક્ષ,

 એ કાળ દિવસ:

અને તડપી ઉઠે છે હૈયું 

શરીરથી ય વધુ.

સ્મરીરહ્યાંછે,પોતાની 

એ ક્ષુબ્ધ કાયરતાને 


         અને 

ભરદરબારે કૌરવોએ આચરેલા દુરાચારને.

        સ્મરી રહ્યાં છે વડીલ,

વડીલપણું ભૂલીને સેવેલાં અંધત્વને!

           વિચારે છે
,
હવે આ નિર્મળતા અને શુદ્ધતા ક્યાંથી?

ત્યારે ક્યાં ગયું હતું શાણપણ?!


    અને ધ્યાને છે:

પાપી લૂણ વહી ગયું રક્ત સંગે

 બાણશૈયા થી ટપક! ટપક!ટપક!

થઇ રક્તશુદ્ધિ અને શુદ્ધ બુદ્ધિ 

સમજાયું-અંધત્વનું પાપ.

કર્મફળ તો અહી જ ,અહી જ, અહી જ.


                                 બેલા

૨૭/નવેમ./૨૦૧૧.યુ.એસ.એ.૯.૩૦.પી.એમ.

તારી રમત



ઘેરાતાંવાદળો ને વીછુટતા વાદળો
રંગો કેવાં ભીનાં ભીનાં?!અંકાશીવાયરાની મીઠી સુગંધમાં
તણાય આ દીલડા કેવાં?

અજબ કરામત કિરતારે કીધી 
એનાંગજબ એંધાણ એણે દીધાં.
કદીક વા,કદીક વરસાદ ને
કદીક વંટોળ એણે માર્યાં.

કદીક સૂકીધરા ને કદીક દુકાળ 
કદીક પાણી અનરાધાર વર્ષાવ્યા 
વીજળીની ચમક સંગાથે એણે ગગડાટના ઢોલડા બજાવ્યાં!

પળે પળે બદલાતાં રંગોમાં  
સંધ્યા-ઉષાને મલકાવ્યા
'બેલા'એ દેખી એની વિવિધ રમતો
ઉરમાં હરેક ઉછાળ સમાવ્યા.


        બેલા
૧૭/નવેમ./૨૦૧૧./૪.૩૦પિ.એમ.

આનંદ


                           

વરસાદ પછીનો આ ઉઘાડ અને તડકો,
અહા! ઝણકાવે છે તાર આનંદ-સિતારનો
.
લીલાંતરુવર ડોલે, લે વાયુ સંગ હિલોળો 
શીશુ-સમ હાસ્યનો એ જાણે એક છે નિર્દોષ ઝ્હોલો 
.
મારા હૈયામાં વસતા ઓ શ્યામ!
જાણે તમે મને દીધો એક હાકોલો!

રાધિકા સંગ હીંચોછો ને શું આમ મુસ્કુરાઓ?
ઊડીઆવું ઊચે ઊચે થામવાએ હિંડોળો.

'બેલા'વેન ના મૂકે ગિરિધારી,મારી વાત  સુણો
સુંદર આ રમ્ય દ્રશ્યને તવ ચરણેએણે નિશ્ચે ધરવો.


           બેલા
૧૭/નવેમ./૨૦૧૧ /૩.૪૦ પી.એમ.

ઝૂમે પતંગિયા



અમે માનવી નથી વહેવારિયા
ઉજવીએ અમે લાગણીના તહેવારીયા.

--ગગન ગોરંભે ને વીજળીના કડાકીયા 
  વર્ષંતા વાદળ દે છે ભીનાં ભીનાં બાથોડિયા.
ફાગણનાં ફૂલ વેરે ચોમેર સૌરભ મીઠી ડોલરિયા 
ને, ભમરાઓ ગુંજે છે જુઓ આ વસંતીયા.

--મારી-તમારી મો'બતમાં નથી કોઈ લેવાલીયા 
કાં'ના હું તો ખોબા ભરીને આપું તુજને હેતાડીયા 
'બેલા'ની શાખ પર ઝૂમે પતંગિયા 
ને, કોમળ ડૂખેં એણે રંગ રેલાવિયા .

--અમારી લેણ-દેણ આવી વાહોલીયા  
અમારા ચિત્તડાના આવાં ઉજાણીયા

     બેલા
૧૪ નવેમ. ૨૦૧૧ /૮.૩૦ એ મ 

બેલા સંગ્રહ -૭


ચાલ મન!
વૃક્ષ કદાચ એમ પણ કહે----
“મને પહેલાં ચા-પાણી પાવ
પછી જ છાંયો આપું”
કોયલ કદાચ આગ્રહ રાખે---
“કોઈ સરસ જગ્યાએ મને ઘર બંધાવી આપો
પછી જ ટહુકો કરું “
થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઈ નહીં.
ચાલ મન! એવા દેશમાં જઈએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ના આપવી પડે!
                                   સંગ્રહ.

ખરખરો



કોઈને ખરખરો કરવો છે.
ને કોઈને લાગણીનો મુગટ પહેરવો છે.
શેનો ખરખરો કરશું બોલો,
ને કઈ ભીની લાગણીનો મુગટ પહેરીશું?
મને સમજાવો કોઈ,જગતની આ મિલાવટને ,
એકને એક વાતે ખરખરો થાય
બીજાને મન એ મુગટ થાય!
‘બેલા’ પવનમાં ડોલી,ધીરેથી બોલી.
ચિત્તના ચાકડા ઉપર બુદ્ધિનો ઘટ ફૂટ્યો,
કરો ખરખરો એનો .અને ,
કિરતાર જગતનો હાથ લંબાવે, તો,
એ લાગણીભીનો મુગટ પહેરો.
                        બેલા/૬/નવેમ્બેર/૨૦૧૧ /સવારે-૬.૪૦ 

ઝૂરાપો


શાનો છે આ ઝૂરાપો !?
શાની છે આ ઝંખના?
મન ને શાની છે
બસ આ એક વ્યાકુળતા ,વ્યાકુળતા !?

આકળ-વિકળ દિલને
સૂઝે ના કાંઈ રસ્તા !
શેની માંગ હમેશા કરતા
હૈયા આ તરફડતા ?!

મુજને શ્યામ ! બતાવો વહાલા !
જીવન –વહેણ ક્યાં વહેતાં ?
રેતીના રણમાં કેવાં આ
ઝાંઝવા બસ દેખાતાં

‘બેલા’ વિનવી વિનવી થાકી
નાથ ! ધારો કૃપા – હસ્ત તો હાવાં
ને શાંતવો આ ઉરને
જે લાગલગાટ તડપતા !
બેલા –૨૯ ઓક્ટોબર ૨૦૧૧ 

અમીબિંદુ


ભવ-સાગરનાં

ખારા જળમાં તવ કૃપાનું એક

અમીબિંદુ જો ભળી જાય

તો સાતે જનમ આ

જીવડો સુખે તરી જાય.


   બેલા
નવેમ્બર ૪, ૨૦૧૧

બેલા સંગ્રહ-૬


         મીરાં થવાની જીદ છોડો
                 કે મન મારાં
             આવાં તે ઓરતા રખાય નહીં.
  લોકોમાં રહેવાનું:માધવને મળવાનું
 મોરપીંછને મોરલીની રટણામાં રમવાનું :
            આવું તે કેમ કરી થાય
              અરે ,મન્ન મારાં
માધવ આમ ઝાલ્યો ઝલાય નહીં .--
   આવાં તે ઓરતા રખાય નહીં.
                         
                      મેવાડી મહેલમાં -લોખંડી ઈટ છે :
                      મારી તો મોહનની મુરલી પર મીટ છે,
                     સોનાંનાં સ્તંભો અને વૃક્ષો કદમ્બના
                     બંનેની વચ્ચે રહેવાય નહીં
                          કે મંન મારાં
                 ગોકુળના ગીતો ગવાય નહીં
                 આવાં તે ઓરતા રખાય નહીં.

                                             શ્રી વિપિન પરીખ

બેલા સંગ્રહ-૫


મળ્યાં તોયે શું ,
નહીં મળ્યાં તોયે શું?

આજ તો આ આંખને સમજાવી લીધી એકવાર
સ્વપ્નો હવે જો નહીં ફળ્યાં તોયે શું?

       અહી સ્મૃતિના કયાંય પણ રે! સળ નથી .
     ચરણો હવે માની ગયા છે:
    ઘર જેવું કોઈ સુંદર સ્થળ નથી.
સાંજ આ સંબંધની એવી પડી 
તેજ સૂરજનાં  ઢળ્યાં ન ઢળ્યાં તોયે શું?

              નામ સાંભળતાં કશું નહીં થાય :હવે એ દંતકથા
              ફૂલમાં દેખાય  નહીં ચહેરો -નથી એની વ્યથા
             કોયલ તણો અહી કયાંય પણ ટહુકો નથી
             વન હવે સળગ્યાં ન સળગ્યાં તોય શું.

                                                     કદાચ સુરેશ દલાલનું છે.
બેલા સંગ્રહ-૫ 

મારગ બતાવ


          
         
          ભવ-જગતમાંથી 
                     તારા 
               ભાવ-જગતમાં 
         આવ વાનો મારગ બતાવ 

                   હે કૃષ્ણ !

        તમરાંના  તમ્કારાથી 
                   તારી 
          વાંસળીના સૂરમાં
     વહેવાનો મારગ બતાવ 

             હે મુરલીધર!

           સંસારની વાડીમાંથી
                     તારા
             મધુવનના બાગમાં
             સૌરભ માણવાનો
              મારગ બતાવ

             હે કુંજ-વિહારી!

        ફૂલોની માળા સંગે
        તારા હ્રદય ઉપર રમવાનો
        'બેલા'ને મારગ બતાવ

               હે મનહારી!

               બેલા/૨૨-octo .૨૦૧૧
             ૮.૩૦.સવારે.યુ .એસ .એ

બેલા સંગ્રહ -૪


                ના હતી તૃષ્ણા ,

               પણ જોયાં ઝરણાં ને

               મારું મન લલચાયું.

  કે, ચાલોને ,થોડી તૃપ્તિ કરી લઈએ!!

        પણ ,ત્યાં તો નહોતું ઝરણું

           હતાં ફક્ત ઝાંઝવા 

                મન મારું રડ્યું

કે, ચાલોને થોડી નફરત સહી લઈએ !!

                               સંગીતા જસાણી

બેલા સંગ્રહ -૩


મારાં ઉદાસ મનનો પડદો હટાવો

ખોલી દિયો મુલક સૌમ્ય પ્રસન્નતાનો ...

હું અંધકાર, પણ તેજ થવાની હોંશ

હું છુ અસત્ય,પણ સત્ય થવા માથું છુ.

માયાનું આ જગત લોપી ,અહી, તમારી-

-આ લોકની ધરતી સ્થાપી જવા મથું છુ.

                                      હરીન્દ્ર દવે.

બેલા સંગ્રહ -૨


કાળ-ઝાળ સુરજના તાપ અમને દીધા
      ને રુદિયા દીધા છે સાવ મીણના!

આટ આટલા માણસ  ને તોય અહી
      આપણુ ના એકેય જણ!

કાગળની હોડીઓ કરવાના પાર
      ધોમ સૂસવતી રેતીના રણ !

જાળીમાં ફેરવાતું જાય લીલું પાન
      અને કાળા એકાંતના વ્રણ ;

મુઠ્ઠીભર હાડકાના પિંજરને દઈ દીધા
      ખાલીપા જોજન ના ખીણના -કાળ-ઝાળ -----
ચાપવુંક લીલપનો અમથો આભાસ
      અને એવું લાગે કે વન જોયા;

ઝાંઝવાના કારાછમ દારિયાઓ જોઈ જોઈ
      આંસુ વિનાના અમે રોયાં.

જીવતર -બીવતર તો બધું ઠીક મારાં ભાઈ
      અમે મરવાની વાત પર મો'યાં

ચરણોને ચાલવાનું દીધું સરિયામ
       અને રસ્તાઓ દઈ દીધા ફીણના !!

                                        ચન્દ્રકાન્ત દત્તાણી

પારકાને પોતાના


ક્યાંક વાંચ્યું હતું ;

        તરછોડાયેલા સંબંધો સંભાળવાનું તપ ઘણું મોટું છે. 
        અઘરામાં અઘરી છે એ વાત
.
        જેને આપણે તિરસ્કાર્યા
,     જેઓ આપણને તિરસ્કાર, દુ:ખ કે કલેશ ના જે નિમિત્તો બન્યા
     એ સહુ ભૂલીને એકબીજાને હૈયાના હેત થી ગળે
      લગાવવાની વાત, કપરી છે એ વાત.

      'હું'ને ઓગાળી નાખવો પડે. 'તું'ને આવકારવો પડે .'તમે'ને 'આપણા' કરવા પડે.
    ભૂલી જવાનું કામ અઘરું છે .

     જે બનાવોએ આપણ ને આપણા જીવનમાં અતિશય કષ્ટ આપ્યા હોય 
     એમને ભૂલીને પોતાના હૃદયમાં સ્થાપિત કરવાનું કામ ખરેખર અઘરું છે.

           ભૂલ્યાનું સ્મરણ કરીએ,
          ઉપેક્ષિતોને આવકારીએ ,
         પારકાને પોતાના કરીએ,
        હૃદયને શુદ્ધ લાગણીઓના ભાવથી નવડાવી દઈએ   

        ત્યારે પરમેશ્વર આપણો બને છે.



   
        આના જેવું જ એક બીજું વાક્ય છે;      

       કેટલાક સંબંધોનું મૂલ્ય એ સંબધો જાળવવા માટે કરવા પડતા સમાધાનો જેટલું નથી હોતું.

      આ વાક્ય "હ્યું પ્રેથર"નું લખેલું છે.

આપણે હોઈશું જ નહિ.




કોણ ઝગડે ને, કોણ ક્રોધ કરે,
કોણ એકબીજા પર તૂટી પડશે,
એકબીજા પર દાદાગીરી કરવા,
આપણે બે હોઈશું જ નહિ.
જે કહેવું તે અત્યારેજ કહીદે,
જે કરવું હોય તે હાલ કરી લે,
એક બીજાને વહાલ કરી લઈએ,
ચોકઠાં શા માટે શોધવાં?
એક બીજાની ખબર પૂછવા,
આપણે બે હોઈશું જ નહિ.
કોણ રીસાશે,કોણ મનાશે,
રીસાવા કે મનાવવા,
કે પછી એક બીજાને લાડ લડાવવા,
આપણે બે હોઈશું જ નહિ.
આંખો ઝાંખી થાય,
કે યાદશક્તિ પાંખી થાય,
તે પહેલાં હૃદય માં ભરી લઇ એકમેકને,
મને કે તને જોવા કે રોવા,
આપણે બે હોઈશું જ નહિ.
સાથ છૂટી જશે જયારે,
વિદાયની ઘડીને ટાણે,
આપણે ક્યાંથી હોઈશું,
એકબીજા ને માફ કરવા,                  
કારણ આપણે હોઈશું જ નહિ.
                   “સોમ”
                  તા.૧૪-૧૦-૨૦૧૧.