Pages

કેનેડાના ગીતા સ્ટડી ગ્રુપમાં આપેલ વક્તવ્ય-6-અધ્યાય-6-શ્લોક-36-37-38


તા. 15 જાન્યુઆરી 2023 

   જય  શ્રી કૃષ્ણ .
ગઈ વખતે, અર્જુનના તેમ જ આપણા મનનો પ્રશ્ન હતો ,- કે , આ અસ્થિર ,ચંચળ મનને શી રીતે વારવું ,ઉડતું શી રીતે રોકી, તેને દ્રઢ કેમ બનાવવું ? જવાબ  મળ્યો ,કે , અભ્યાસ અને વૈરાગ્યથી .સર્વ પ્રકારની ઇંદ્રિયોની, સર્વ પ્રકારની આસક્તિ, કામેકચ્છા  છોડવાથી.   અહીં કામેકચ્છા ને વિશાળ અર્થમાં લેવાની છે .કામના- દેહસુખ સિવાય પણ હોય છે . યશ, કીર્તિ , કદર , વખાણ , સાથે ઇર્ષ્યાભાવ, મનભાવન આહારમાં અતિરેક, વિગેરે. આ બધી આસક્તિ, કામેકચ્છા  પ્રત્યે અનાસક્તિ -તેના પ્રત્યે વિ -રાગ =વૈરાગ્ય કેળવવાની વાત કરી .
    આ જ વાત આપણે , પાછળ ફરીને જોઈશું , તો , દેખાશે; 2જા અધ્યાયના  60/61માં શ્લોકમાં . " યતતો હ્યપિ કૌંતેય , પુરુષસ્ય વિપશ્ચીત:। ઈંદ્રિયાણિ પ્રમાર્થિની , હરણતી પ્રસભં મન:।। પ્રમાર્થીની  શબ્દ 34માં શ્લોકમાં પણ આવે છે . અર્થ- વિપશ્ચીત પુરુષ= બુદ્ધિમાન વ્યક્તિના મનને પણ પ્રમથાની = મથી નાખનાર -વિચલિત કરનાર , વલોવી નાખનાર "ઇન્દ્રિયો" "વિષય = આસક્તિ તરફ ખેંચી હણી  નાખે છે .
   61માં શ્લોકમાં કહે છે , છતાં , જે "મતપર "=મારામાં ,મારામય રહીને " સંયમ્ય "= તેને વશ કરીને સ્થિર રહે , તેની , બુદ્ધિ, પ્રજ્ઞા સ્થિર થાય છે . મેં ગઈ વખતે કહ્યું હતું  ,કે, આ ગ્રન્થમાં અભ્યાસને મહત્વ આપ્યું છે , અને તે આ રીતે જુદા જુદા સંદર્ભમાં જુદા જુદા શબ્દોમાં એક જ વાતની પુનરુક્તિ આવે છે . આમ અનાયાસે આપણને અભ્યાસ કરાવે છે . 
    તો, આ સંયમ, અભ્યાસ અને વૈરાગ્યની વાત કરતાં ,આગળ આજના 36માં શ્લોકમાં કહે છે :- "અસંયત આત્મના "= જેણે  આત્માના =મનને વશ કર્યું નથી , તેને "યોગ: દુષ્પ્રાપ્ય "= યોગ પ્રાપ્ત કરવો અઘરો છે .મનને સંયત કરવા મેં વ્રતનો દાખલો આપ્યો હતો . વ્રત, એ , સ્વયં લીધેલો નિર્ણય છે ; અને તે તોડવાથી સંકલ્પબળ ઓછું થાય છે. તેથી મન નબળું પડે છે . આપણે બાળપણથી આ રીતે વ્રત કરી , મનને મજબૂત કરીએ છીએ. નિર્ણયશક્તિ વધારીએ છીએ. સાથે ખૂબ જ સમર્પણભાવથી પૂજા કરી , એ ગુણ  પણ ખીલવીએ છીએ . મનોબળ, શિસ્ત અને સમર્પણ; જે , ધ્યાનસ્થ થવા માટે જરૂરી છે , તે અનાયાસે કેળવાય છે .તેથી સ્ત્રીઓને સાસરીમાં સમર્પિત અને બધા સાથે એકાત્મ થતા બહુ કષ્ટ થતું નથી . હવેની પેઢી ને થાય છે ,કારણ તેઓ આ રીતે મોટા થતા નથી . ખેર ! 
    બ્રહ્મમિલનનો યોગ પામવા સમદર્શી, સમભાવી, દરેકમાં સ્વને દેખવું અને સવમાં દરેકને દેખવા- આને સંયત આત્મા કહે છે .અહીં સુધી પહોંચવું અઘરું છે; પણ, અશક્ય નથી . માટે આગળ કહે છે ; "તું"= પરંતુ , "વશયાત્મના"=જેણે  મનને વશ કર્યું છે , જે મનને ઉડાઉડ કરવામાંથી ખેંચીને સ્થિર કરવામાં સફળ છે , તેઓ " યત તાં "=યત્નશીલ,પ્રયત્ન કરતા રહેવાથી , યોગ્ય  ઉપાય દ્વારા પ્રયત્ન કરવાથી ,મનને સ્થિર કરી શકે છે .યોગ્ય  ઉપાય એટલે, મનનાં વિચારો ,અથવા ઉભરી આવતી આસક્તિઓને , ઈચ્છાઓને સમજી, વિચારી દૂર કરી , અને ધ્યાનમાં  પરોવવાના પ્રયત્નો કરવા . આ રીતના અભ્યાસથી મનને સ્થિર કરી યોગ પ્રાપ્ત કરવો શક્ય બને છે .આમ કહીને કૃષ્ણ મત્તુ નથી મારતાં અને કહે છે .કે ,"ઇતિ મેં મતિ :" = એવો મારો મત છે/ મારી બુદ્ધિ  માને છે . 
    જે રીતે ધસમસતી ટ્રેઈનને ચાલક , લાલ સિગ્નલ દેખાતાં ગતિ ધીમે પાડી દે છે ,તે જ રીતે મનના ઘોડાને લગામ ખેંચી ધીમો પાડવાના પ્રયત્નો છેવટે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડશે .અને અંતે સ્થિર ઉભા રહી જશે . અહીં આપણે કાર ચલાવીએ છીએ, પીળી લાઈટ દેખાતાં જ કારની ગતિ ધીમે કરીએ છીએ  એજ રીતે અસંયમિત મનને સંયમિત કરવું દુર્લભ છે/ દુષ્કર છે ; પરંતુ અશક્ય નથી . 
   કૃષ્ણની વાત અર્જુનના મનમાં ઉતરી, ત્યાં જ પાછા પ્રશ્નો ઉભા થયા ! પૂછે છે , હે કૃષ્ણ , જુઓ, અહીં સંબોધનમાં વ્યાસજીએ "કૃષ્ણ " શબ્દ વાપર્યો છે . "કૃષ "એ સત્તાવાચક ; એટલે , સત, સતની સત્તા જ સાચી સત્તા છે , અને એ અવિનાશી છે . અને "ણ " એટલે આનંદ. માટે સત+આનંદ સ્વરૂપ . એ પરબ્રહ્મ છે અને તેથી તેઓ સર્વજ્ઞ છે . અહીં તેમનો સર્વજ્ઞ તરીકે ઉદ્દેશીને પ્રશ્ન પુછાયો છે .મેં પહેલા કહ્યું છે કે , વ્યાસજી સંબોધનો બહુ જ અર્થવાળા મૂકે છે . અર્જુનને ખાતરી છે કે કૃષ્ણ બધાની ગતિ વિષે જાણે  છે અને તેથી તેઓ પોતાનો સંદેહ દૂર કરી જ શકશે, માટે પૂછે છે કે ,"અ -યતી "=જે યોગમાં સંપૂર્ણ રીતે આરૂઢ -જોડાયેલો નથી , નવો સાધક છે; પણ સિદ્ધ થયો નથી , છતાં સિદ્ધ થવાની જિજ્ઞાસાવાળો છે , અને હજી સમ્યક્જ્ઞાનવાળો, સમદર્શી, સમભાવી નથી થયો પરંતુ, થઇ શકશે એવી શ્રદ્ધાવાળો છે ,"શ્રદ્ધયા ઉપેત  "છે,કિન્તુ ચલિત માનસવાળો છે ; તેથી તે યોગસિદ્ધિ પ્રાપ્ત ન કરી શકે; તો એવાની શી ગતિ થાય ? સાદા  શબ્દોમાં , તેના ચલિત માનસથી  તે યોગસિદ્ધિ માટેના પ્રયત્નોમાં એકાગ્ર થઇ શકતો નથી. યોગસિદ્ધિ માટે યોગ્ય છે, છતાં યોગપ્રાપ્તિ આ કારણસર નહીં થાય ; તો એનું શું થશે ? એવા અસફળ યોગીની શી ગતિ થાય છે ? જે શરૂઆતમાં શ્રદ્ધાપૂર્વક આત્મ સાક્ષાત્કારની પ્રક્રિયાને ગ્રહણ કરે છે ,પરંતુ , પછીથી ભૈતિક આકર્ષણોથી વિચલિત થઇ જાય છે અને તેથી યોગસિદ્ધિ પામી શકતો નથી ,તેની શી ગતિ થાય છે ?મને એનો એક સીધો દાખલો યાદ આવે છે . જડ ભરતનો .  તેમનો આ જન્મ થયો તેના બે જન્મ પહેલાં તેઓ વનમાં ઋષિ જીવન જીવતા હતાં . યોગ સાધના કરતા હતાં. એક સમયે એક ગર્ભવતી હીરિણી  નદીકાંઠે પાણી પીવા આવી. ત્યાં પાછળ વાઘ જોયો. તેથી ભયભીત થઇ નદી ઑળનગવા  કૂદકો માર્યો . સામે તીરે તો જઈ  પડી; કિન્તુ ગર્ભ છૂટી ગયો અને તે મૃત્યુ પામી . આ જોઈ ઋષિએ એ મૃગબાળ ને સાચવવા માંડ્યું. ધીમે ધીમે મૃગબાળ માં એટલા આસક્ત થઇ ગયા કે મૃત્યુ સમયે પણ તેની ચિંતા કરતા મૃત્યુ પામ્યા ! આથી તેમનો જન્મ મૃગ તરીકે થયો અને જૂની યોગસાધનાને લીધે મૃગયોનિમાંથી જલ્દી છુટા થયા. ફરી મનુષજનમ મળ્યો. ભરત નામ મળ્યું. પોતાની યોગસાધનાના કારણે તેઓને ગત બન્ને જન્મ યાદ હતા . તેથી આ ભરત નામના જન્મમાં તેઓ મૌન જ રહેતા અને પ્રભુમસ્તીમાં મસ્ત રહેતા. ફક્ત શરીરનું પોષણ કરતા . તેથી તેઓ જડ ભરતના નામે ઓળખાવા લાગ્યા. આ તેમની ચલિત માણસની ગતિ વિશેની કથા છે . 
  સ્વામી તદ્રુપાનંદ લખે છે ; " સતનામ કડવા લાગે ,મીઠો લાગે દામ ;દુવિધામે દોનો ગયે , ન માયા મિલી ન રામ ." આવા યોગીની શું ગતિ થાય ? આવા મૂઢ થયેલા, જે , જીવનને સ્વ્પ્ન માને પણ છોડી ન શકે , તે યોગસાધનામા જાગ્રતિ જાણે , છતાં પૂર્ણપણે મેળવી, પૂર્ણ જાગૃતિ પણ ન પામે ,તો હે મહાબાહો !બ્રહ્મપ્રાપ્તિના પથે ભ્રાંતિમાં પડેલો/વિમૂઢ; કર્મ અને જ્ઞાનના ફળથી દૂર રહેલા; છુટા  પડેલા વાદળ જેવો નાશ તો નથી પામતોને ? અહીં અર્જુન સામાન્ય સાધકની અધૂરપને વાચા આપે છે અને દાખલો આપે છે . વાદળોના સમૂહમાંથી એક વાદળું છૂટું પડી બીજા વાદળમાં ભળવા/જોડાવા જાય છે પણ હવાની અસરથી વચ્ચે જ વિખરાઈ જાય છે, એક સમૂહનો સાથ તો છોડ્યો જ પણ બીજા સમૂહમાં પહોંચતાં પહેલાં જ નાશ પામે છે.તે જ રીતે જે "બ્રહ્મન પથિ :"= જ્ઞાન માટે, જ્ઞાનપ્રાપ્તિના પથે નીકળી પડ્યો છે ,અને ચિત્તની ચંચળતા ને લીધે  તેમાં સફળ થઇ શકતો નથી તેથી યોગપ્રાપ્તિનું ફળ પણ મેળવી શકતો નથી . આમ મન જ્યાં સરી  ગયું  છે ત્યાંનો ભૌતિક સુખ કે આનંદ ; અથવા કર્મસન્યાસ લાઈનું ફળ તે મેળવી શકતો નથી . આવો "અ તો ભ્રષ્ટ તતો  ભ્રષ્ટ " સાધકની શું ગતિ થાય ? આ પ્રશ્ન , નિષ્ફ્ળતાના ડરમાથી  પેદા થયો છે . અધ્યાત્મની સાહસયાત્રામાંથી ચલિત થવાનો ડર  છે અને તો શું થાય ? અનિષ્ટ તો નહીં થતું હોય ને ? યોગભ્રષ્ટ આત્માનું શું થાય ? 
    આવા પ્રશ્ન ના ઉત્તર માટે કૃષ્ણ  શા માટે યોગ્ય વ્યક્તિ છે તે 39માં શ્લોકમાં અર્જુન જણાવે છે . 
 અંતમાં આટલું કહીશ કે ધ્યાન યોગ અથવા આત્મસંયમ યોગ એટલે , શ્રી ગુણવંત શાહના શબ્દોમાં " અંદરની આનંદધારામાં ,શ્રધ્ધાથી ભરેલા યોગીનું સ્નાન ." અને મારા મતે  એ સ્નાનથી શુદ્ધ થઇ મુક્ત મન તે મોક્ષ . સર્વ કામેચ્છા ,એષણા , ફળની પ્રાપ્તિની ઇચ્છામાંથી મુક્તિ,તથા સર્વ કાંઈ  પ્રભુ ચરણે અર્પણ કરવાથી મળતો આનંદ ,તે જ બ્રહ્મમિલનનો-મોક્ષનો આનંદ ! પરમાનંદનું મિલન તે જ  બ્રહ્મમિલનને તે જ મોક્ષ. સબરી સદેહે સ્વર્ગએ સંચરીનો અર્થ એ ,કે, તે શ્રી રામની વાટ  જોતી, રટતી જ જીવતી હતી . પ્રત્યક્ષ દર્શન પામી , પોતાના હાથે ખવડાવ્યું અને પછી આનંદમાં હાર્ટ ફેઈલ  થયું અને રામના ચરણોમાં ઢળી પડી . સ દેહે મુક્તિ પામી તે જ તેનો મોક્ષ ! પૂર્વના બે  જન્મોના પુણ્ય અને આ જન્મની સાધનાનું ફળ તેને મળ્યું . મીરા મૂર્તિમાં સમાઈ ગઈ ? ના . મન્દીરના ગર્ભગૃહમાં ગઈ કૃષ્ણુ દર્શન કરતા મૂર્તિને ભેટી પડી અને ઢળી પડી ત્યારે વસ્ત્ર  નો ટુકડો ફાટીને મૂર્તિ સાથે ચોંટી ગયો ! એ મોક્ષ પામી ગઈ . એને પણ જીવનભરની  સાધનાનું ફળ મળ્યું . 
   હવે પછીના શ્લોકોમાં તો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ યોગી કે આત્માની શી ગતિ થાય કે કેવી ગતિ થાય તે વિષે જાણીશું . 
 જય શ્રી કૃષ્ણ . 

કેનાડાના ગીતા સ્ટડી ગ્રુપમાં આપેલા વક્તવ્યો-5-અધાય-6-શ્લોક-33-34-35

  તા. 8 જાન્યુઆરી  2023 

      સર્વને જય  શ્રી કૃષ્ણ અને નવા વર્ષની શુભકામના .સર્વે સંતુ નિરામયાઃ એવી પ્રભુને પ્રાર્થના . 
પંદર દિવસની ધૂળ ખંખેરીએ . અત્યાર સુધી આપણે જોયું કે ,ધ્યાનસ્થ થવા માટે કેવી જગ્યા, કેવું આસન, બેસવાની રીત વિગેરે વિષે જાણ્યું. ધ્યાન એટલે શું તેનો એક દાખલો આપું. અહીં બધી બહેનો જ છે તેથી આ સમજવામાં સરળ થશે . રસોઈ કરતાં દાળ-શાકમાં મસાલો કેટલા ધ્યાનપૂર્વક કરીએ છીએ? રોટલી વણતાં કેટલું ધ્યાન રાખીયે છીએ, કે, એમાં ચપટી ન આવે ; નહીં તો ફુલશે નહીં . બસ, આજ રીતે પ્રભુમાં ધ્યાન પરોવવાનું છે. રસોઇમાં  આપણે પોઝિશન વ્યવસ્થિત રાખીયે છીએ, અનુકૂળ થઈને કરીએ છીએ; એ જ રીતે પ્રભુના ધ્યાન વખતે પણ ,અનુકૂળ થવા વિષે જાણ્યું.  
    પછી જોયું કે માનવીએ કેવી રીતે પોતાના મનને પ્રશાંત કરીને સમદર્શી થવું જોઈએ. 32માં શ્લોકમાં કૃષ્ણ કહે છે કે , જે , પોતાના વ્યક્તિગત અનુભવ ઉપરથી , પોતાના સુખ-દુ:ખ અને લાગણીઓ ના દૃષ્ટાન્તથી , પ્રત્યેક પ્રાણીના સુખ-દુ:ખ અને લાગણીઓ પ્રત્યે "સ-ભાન" બનીને "નિરંતર", ""મારામય રહીને કર્મ કરે છે , તે , મારા મટે પૂર્ણ ઉત્તમ યોગી છે .
      આ, પ્રશાંત મનની અને સમભાવની વાત સાંભળીને અર્જુનના એટલે કે એના મુખેથી આપણા મનનો જ પ્રશ્ન  33 અને 34માં શ્લોકમાં . પુછાયો છે . યો યં = ય:+અયં , વચ્ચે જે એસ જેવી સંજ્ઞા છે , તે , ય પછીના વિસર્ગ અને અયં ની સંધિને લીધે છે . છુટ્ટી પાડીએ તો ય: ના બે  મીંડાનો ઉચ્ચાર "હ" થાય, ય: = જે અયં =આ, ત્વયા = તમે/તમારાથી, સાંયેન=સમ્ભાવયક્ત, યોગ= યોગ ,પ્રોક્તં= કહ્યો/કહેવાયો ; "ચંચલ ત્વાત "=તે ચંચલ એટલે કે તે (મન) ચંચલ  છે -તેની ચંચળતાને લીધે - "એતસ્થ= એની/મનની " સ્થિરામ= " લાંબા સમય સુધીની સ્થિરતા "સ્થિતિમા"= સ્થિતિને , "ન પશ્યામિ "=હું જોતો નથી . હે મધુસુદન ! -મધુ નામના રાક્ષસને હણનારા, (અહીં આ સંબોધન કેમ મૂક્યું ? કારણ, અહીં મનની અસ્થિરતાને/ ચંચળતાને હણવાની રીત શીખવાની છે , તે માટે શ્રેષ્ઠ હણનારની મદદ જોઈએ, માટે મધુસુદન. )આગળ કહે છે હે મધુસુદન , તમે , જે યોગની સ્થિતિ જણાવી /સમદર્શી-સમભાવી; દરેકમાં પોતાને જોવાની અને સ્વમાં  બધાને જોવાની; તથા સ્થિર ,દ્રઢ મનોબળ, આ બધું મને અશક્ય લાગે છે . કારણ કે મન ચંચળ તથા અસ્થિર હોય છે . 
   અહીં આપણે જોઈએ છીએ કે શ્રી કૃષ્ણએ , 11માં શ્લોક શુચોઔ દેશે "થી શરૂ કરી 32માં શ્લોક "યોગી પરમો મત:"સુધીમાં , જે યોગ પદ્ધતિ બતાવી કે શીખવાડી છે , તેમ કરવા , અર્જુનના મતે  , માનવ અસમર્થ છે ; મનની ચંચળતાને લીધે . પછી ભલે એકાંત માટે વન, નદીકાંઠો  કે ઘરનો ખૂણો હોય. આત્મા ઉપમ્ય કેળવવા માટે પ્રથમ મનને કાબુમાં રાખવું જરૂરી છે . તેથી 34માં શ્લોકમાં પ્રશ્ન છે . 
   " ચંચલમ હિ ", "હિ "= કેમ કે ચંચલ મન "બળવંત+દ્રઢમ"= બળવાન અને દ્રઢ છે . તથા "પ્રમાથિ =" વિચલિત / વિચલિત કરનારુંછે . પછી 3જા  ચરણમાં કહે છે ;"તસ્ય"=તેને ,"નિગ્ર્હમ "=વશ કરવું , "વાયુ:+ ઇવ " વાયુની જેમ "સુદુષ્કરં "= સુ= અત્યંત દુષ્કર=અઘરું છે . સુ ઉપસર્ગ છે , તે વિશેષતા બતાવવા માટે. જેવી રીતે પ્ર +શાંત , સુ+ નિશ્ચિત અ +પાર  વિગેરે . કહે છે , જેમ હવાને મુઠ્ઠીમાં પકડી શકાતી નથી ,કે , બાંધી શકાતી નથી ; કે તેની સાથે વહેતી સુગંધ-દુર્ગંધને પકડીકે દૂર કરી શકાતી નથી , તે જ રીતે મનને પણ પકડીને બાંધી શકાતું નથી. મનને મર્કટની ઉપમા આપી છે . જેમ વાનર એક ડાળી ઉપર સતત સ્થિર બેસી શકતો નથી એ જ રીતે મન પણ એક જ વિચાર ઉપર સ્થિર રહેતું નથી.એક મિનિટમાં તો મન ક્યાંથી ક્યાં ફરી આવે છે ! અત્યારે જ આ સમયે જ આપણામાંથી દરેકના ,મન ,ફક્ત મારી આ વાત સાંભળતા સાંભળતા પણ મનોવિહાર કરતા હશે , ભલે એક સેકન્ડ માટે; પણ અહીં જ સ્થિર નહીં રહ્યું હોય . તો , મનને કેળવવું શી રેતે ? તેને દુશમન  ગણી  દમન ન કરતાં , ઓળખવાનો પ્રયત્ન કરવો . આપણે મનના ગુલામ બનવું છે કે સ્વામિ  ?મન સાથે લડવાથી કાંઈ નહીં વળે . તેની સાથે લડવાથી ,સંઘર્ષ કરવાથી તો કોઈ ને કોઈ સવરૂપે  અહંકાર ઉત્પ્ન્ન થઇ લડવાનું નવું ક્ષેત્ર ઉભું કરી દેશે ; એટલે સૌ પ્રથમ મન સાથે પરિચય કેળવવો- પ્રયત્ન કરવો /વિચાર કરવો ,કે , સવારથી  સુધી શું શું બન્યું ?શાં કર્યો કર્યા.? તેનો મન ઉપર પ્રભાવ કેવો પડ્યો ?તેમાં ગમો છે કે અણગમો ? સંમતિ  /સંગતિ છે કે અસંમતિ / વિસંગતિ ? કાર્યથી કે બનાવથી મનને /ચિત્તને શાંતિ મળી? આનંદ મળ્યો / સુખ મળ્યું ? કે તેથી વિપરીત લાગણી થઇ ? કાર્ય કે બનાવ સાથે સમન્વય, સામન્જસ્ય  એટલે કે એકરૂપતા થઇ ? સ્પન્દનો સમજો; ફક્ત પરીક્ષણ કરો . પછી વિકસો , તો, મન કેળવાશે .સતત અભ્યાસથી વૃત્તિઓ ઉપર વૈરાગ્ય- વિ +રાગ = વિશેષ અનાસક્તિ આવશે . આ બધું મેં , દ્વારિકાના શ્રી પુષ્કર ગોકાણીના પુસ્તક, નામે " મન ગંગોત્રી "માંથી લીધું છે . મન ઉપર તેમના બીજા પુસ્તકો પ્રગટ થયા છે ;" માનવીના મન, ભાગ 1/2 ; મનની આરપાર , અને મન તેવા માનવી "ઓબ્ઝર્વ ઘ  એવરી મોમેન્ટ ઓફ માઈન્ડ . "
       આ તો થઇ મનને કેળવવાની વાત ! પરંતુ, મન ચંચળ છે, તેને સ્થિર કરવું અશક્ય છે ? ના , અઘરું છે . સ્થિર કરવાનો અભ્યાસ નથી કર્યો માટે મુશ્કેલ છે . જો કોઈ મૂક માનવી એમ કહે કે વાણી જ નથી , અથવા કોઈ પ્રજ્ઞાચક્ષુ એમ કહે કે પ્રકાશ જેવી કોઈ ચીજ જ નથી ; તો , એ વાત સાચી નથી , એ તર્ક છે .જેમ ડોક્ટરી ઉપાયથી કે વૈજ્ઞાનિક સાધનોથી આ ક્ષતિ સહ્ય બનાવી શકાય કે દૂર કરી શકાય તે જ રીતે મનને સ્થિર કરવાનો પણ ઉપાય છે . દા .ત. બાળક જ્યારે ચાલતા શીખે છે ત્યારે પગ પહોળા રાખી ધીરે ધીરે ડગ માંડે છે , પછી બેલેન્સ આવી જતાં ઝડપથી ચાલે છે અને પછી દોડવા લાગે છે. એ જ રીતે કુંભાર માટીનો લોન્દો લઇ ચાકડે ચડાવીને , ટપલા મારી મારીને ઘડો બનાવે છે ; પછી ભઠ્ઠામાં  પકવે છે ત્યારે ઘડો સંપૂર્ણ થાય છે ; એ જ રીતે મનને પણ ,જિંદગીમાં પળે  પળે  સંગ અસંગના સંગ્રામથી - મોહ આસક્તિ વિગેરે રાગને ધીરેથી થપથપાવી, ઘડીને નિ :સંગ કરવાનું છે . આત્મ સંયમ તો આપણે વ્રતો , ઉપવાસો કરીને કેળવીએ જ છીએ . મોટા ભાગે સ્ત્રીઓ તો બાળપણથી જ કરતી આવે છે , ગૌરી વ્રત, જયા પાર્વતી  વ્રત, વડ સાવિત્રી, નવરાત્રી વ્રત, વિગેરે એકાદશી, જન્માષ્ટમી, શિવ રાત્રી વિગેરે ઈગેરે . જાગરણ પણ . આ બધાથી તેઓ મનને સંયમમાં રાખતા શીખી જ જાય છે . મને લાગે છે આથી સ્ત્રીઓનું મનોબળ સારું દ્રઢ હોય છે. તે મુસીબતોથી ઝટ મૂંઝાતી નથી . 
   જ્યારે સંપૂર્ણ નિ :સંગ - વીતરાગી થૈયે ત્યારે કંથા ધારણ કરાય , શનૈઃ શનૈઃ કંથા , શનૈઃ શનૈઃ પાંથાવાળી વાત અહીં લાગુ પડે છે . અને આ વાત ગીતાજીના આ અધાયનાં 35માં શ્લોકમાં કરી છે . અહીં કૃષ્ણ અર્જુનને મહાબાહોનું સંબોધન કરે છે . તેનું કારણ છે કે તેઓ અર્જુનને સમજાવવા માગે છે કે , તારામાં મન ઉપર વિજય મેળવવાનું સામર્થ્ય છે . તું એવા મહાબાહવાળો -મહાન ભુજાવાળો છે . અર્જુનના હાથ ઘૂંટણ સુધી પહોંચતા હતા તેથી તેનું એક નામ આજાનબાહુ છે . આજાન= જહનુ સુધી . આપણે કોઈક મનથી મજબૂત વ્યક્તિને ,જોરદાર ખભાવાળોછે એમ કહીયે છીએ. કોઈ પણ પરિસ્થિતિનો ભાર ઉપાડી શકે તેવો . એ જ અર્થમાં અહીં અર્જુનને મહાબાહો કહ્યો છે .
 કૃષ્ણ કહે છે ,"મનો"=મન, "ચલં "=ચંચળ, અને "દુનિગ્રહં" વશ કરવું મુશ્કેલછે ,"તું" =પરંતુ, હે કૌંતેય, "અભ્યાસેન "=યથા યોગ્ય અભ્યાસ= પ્રેક્ટિસ અને "વૈરાગ્યેણ "= વીતરાગ દ્વારા-અનાસક્તિ દ્વારા વશ કરવું "ગૃહયતે"= શક્ય છે .અભ્યાસ એટલે પ્રેક્ટિસ. એ માટે હમણાં જ આપણે જોયું. મનોવિશ્લેષણ કરી ,મનથી પ્રેરાઈને, કરેલાં કાર્યોમાંથી ,ન કરવા યોગ્ય -અયોગ્ય, નકરવા જેવા,નો ત્યાગ કરીને મનને ધીરે ધીરે "શનૈઃ શનૈઃ " વિચારોના ખડકલાને અને તેની પ્રતિક્રિયાના જોખમથી બચાવી શકાય. યોગ્ય અયોગ્યને સમજતાં વિચારોનો જે દ્વંદ્વ થાય તેને ધીરે ધીરે દૂર કરી શકાય અને પછી ધ્યાન તરફ વળી શકાય . ત્યારે ચંચળ મનને સ્થિર અને દ્રઢ બનાવી શકાય . પેલા કરોળિયાની જેમ પ્રયત્ન કરતા રહેવું. એ કેટલીયે વખત નીચે પછડાય, તો એ ફરી ફરી જાળું બનાવવા લાગી પડે અને અંતે જાળું તૈયાર કરીને જ રહે. એ જ રીતે મનને પણ કેળવવું પડે . 
       વૈરાગ્ય વિષે વાત થઇ ગઈ. મનનો સ્વભાવ છે , રાગ-રાગી થવાનો. મોહ, લોભ , મત્સર, એવાં અનેક રાગોથી મુક્ત થવું તે વૈરાગ્ય. ડોક્ટર જ્યારે એન્ટિબાયોટિક દવા આપે છે ત્યારે, સાથે દૂધ જરૂરથી લેવાનું કહે છે; તે પેલી દવાની આડઅસરનું શમન કરવા. તે જ રીતે રાગનું શમન-તેવા ભાવપ્રતયે ઉપેક્ષા દાખવીને તથા અનાસક્તિ કેળવીને -કેળવવાની પ્રેક્ટિસ કરીને વૈરાગ્ય કેળવાય. 
   આમ આં 5માં શ્લોકમાં ચંચળ મનને સ્થિર કરવા વિ +રાગ== વિશેષ રેતે આસક્તિથી છૂટવા સતત અભ્યાસ કરવો જરૂરી છે તે સમજાવ્યું છે . આજના 3 શ્લોકમાં અર્જુનની ,મનની ચંચળતા વિષે ની શંકાને  ,કૃષ્ણ , અભ્યાસ અને વૈરાગ્યની વાત કરી,  દૂર કરવાની રીત સમજાવે છે . 
        આવતી વખતે કૃષ્ણની  યોગ વિશેની વાત જોઈશું.
                        જય શ્રી કૃષ્ણ .

કેનેડાના ગીતા સ્ટડી ગ્રુપમાં કરેલી રજુઆત-4---અધ્યાય-6-શ્લોક-30-31-32

8 ડિસેમ્બર 2022,

       આપણે જોયું કે , જે વ્યક્તિ , બધી બાધાઓથી , અડચણોથી મુક્તિ મેળવે છે , તેને બ્રહ્મમિલનની અનુભૂતિ થાય છે . આત્મભાવને વ્યાપક બનાવતી જતી વ્યક્તિ અંતે અંતરના સૂક્ષ્મભાવ સાથે ભળી જાયછે; અને તેને જ "બ્રહ્મસ્પર્શ" થયો કહેવાય છે . જે વાત આગળના શ્લોકમાં કરી છે ,તે જ વાત 30માં શ્લોકમાં દોહરાવી છે . જેનો શ્રી ગુણવંત શાહે ગુજરાતીમાં આ રીતે ભાવાનુવાદ કર્યો છે . 
   "જે સર્વત્ર મને દેખે, સર્વને મુજમાં વળી ,
    તેને વિયોગ ન મારો, મને તેનો ય ન થતો ."
બીજા શબ્દોમાં કહીયે તો , જે કોઈ સર્વ ભૂતોમાં - જીવમાં - બ્રહ્માજીથી માંડીને તણખલા સુધીમાં - મને ,એટલે કે પરબ્રહ્મને જુએ છે ; અને મારાંમાં  જ સર્વભૂતોને -જીવોને - જુએ છે ,તેને માટે હું "ન પ્રણશ્યામિ "એટલે કે પરોક્ષ- નજરોથી કે હૃદયથી દૂર નથી ; એની સાથે અદ્વૈતરૂપ છું ,અને પણ  તે મારા માટે અદ્વૈતરૂપ છે . મતલબ કે જે કોઈ સમદર્શનવાળી વ્યક્તિ છે ,તેની અને ભગવાનની વચ્ચે ઐક્ય છે .-અભેદ છે . તમામ શરીરોમાં હું છું અને તમામ શરીર મારામાં છે ,તેવું જાણી જનારાથી હું દૂર, અદ્રશ્ય નથી ; અને તે પણ મારાથી દૂર કે અદ્રશ્ય નથી . જેમ દીપક અને પ્રકાશ બન્ને એક જ છે ; એકબીજામાં સમાયેલા છે તેમ યોગી અને હું એક જ છીએ . 
    આ જ વાત આગળ વધારે છે  અને કહે છે; શ્રી ગુવણંત શાહના શબ્દોમાં જોઈએ ,
            "જે ભજે એકનિષ્ઠાથી, સર્વ ભૂતો રહયા મને ,
             વર્તતા સર્વ રીતે ય , તે યોગી મુજમાં રહ્યો "
  સાદા  વાક્યમાં આ રીતે કહી શકાય - જે યોગી એકનિષ્ઠાથી, સર્વભૂતોમાં રહેલા મને ભજે છે, તે કોઈ પણ રીતે વર્તાતો હોય તો પણ મારા સ્વરૂપમાં જ રહે છે , એ વર્તન વખતે પણ મને જ અથવા મારા બ્રહ્મસવરૂપને જ ભજતો હોય છે .
     શ્રી કૃષ્ણને ભજવા એટલે શું ? મૉટે મોટેથી મંત્રનું રટણ કરવું , કે પછી ખંજરી અને મન્જીરા સાથે નાચતા નાચતા ભજનો ગાવાં ? ના  ,  અહીં "ભજવું " નો અર્થ થાય છે ; એકત્વનું દર્શન કરવું . એકાત્મભાવમાં સ્થિત થવું , સર્વાત્મદર્શી થવું. જેને , મન્દિર કે પૂજાના રૂમની બહાર પરબ્રહ્મ કે પરમાત્માની પ્રકૃતિનું દર્શન નથી થતું તે વ્યક્તિ ભજન નથી કરતી . શત્રુમાં પણ પરમાત્માનું દર્શન થાય તે ભજન છે.શ્વાસે શ્વાસે હરિ સ્મરણ આપોઆપ થતું રહે અને સર્વ આત્મામાં ઐક્યનું જ્ઞાન નિરંતર રહે તે ભજન છે . સતત આત્મ સ્મરણ અને સંસારનું સંપૂર્ણ વિસ્મરણ એજ સાચું ભજન છે .  દરેક કાર્ય કરતાં હૃદયમાં હરિ સ્મરણ, સમભાવ , નિ :સ્વાર્થ , નિષ્કામ ભાવના હોય તો તે ભજન છે . 
     તેથી, કૃષ્ણ કહે છે કે , આવી વ્યક્તિ -યોગી - જો ક્યારે બાળક જેવું કે મૂઢતાભર્યું; ઇષ્ટ કે અનિષ્ટ જેવું વર્તન કરતાં લાગે ,તો પણ , અંતે તો તે મારામાં જ રહેલો હોય છે આપણે જેમને ગાંડા ગણી હસી કાઢીયે છીએ તે ઈશ્વરની વધુ નજીક હોય છે . વર્તન માટે સ્વામિ  તદ્રુપાનંદે સંત નામદેવ અને વિસોબાનો પ્રસંગ વર્ણવ્યો છે . નામદેવ વિસોબા પાસે આત્મજ્ઞાન મેળવવા ગયા ત્યારે  તેમણે  જોયું કે , વિસોબા તેલથી લથપથ ચંપલ પહેરીને , શિવલિંગ ઉપર પગ રાખીને સૂતાં હતાં . નામદેવને શંકા થઇ ,કે , આ મને શું જ્ઞાન આપશે ? તેમણે  વિસોબાને આ રીતે કેમ સૂતાં છો એમ પૂછ્યું  . જવાબમાં વિસોબાએ કહ્યું ,"જ્યાં શિવલિંગ ન હોય ત્યાં તું પગ મૂકીને સુઈ જા . જ્યારે નામદેવ શિવલિંગ વગરની જગ્યા શોધવા લાગ્યા ત્યારે એમને દરેક પગલે પોતાના પગ નીચે શિવલિંગ દેખાયું ! ઈશ્વર વિનાની કોઈ ખાલી જગ્યા નથી એવું જ્ઞાન આ રીતે વિસોબાએ આપ્યું .વિસોબાનું આ રીતે સુઈ જવું આમ તો મૂર્ખતાભર્યું લાગે અને આવા વર્તનને માટે ગીતામાં કહ્યું છે , કે , મારામાં રહીને જો યોગી ગમેતેવું વર્તન કરે તો પણ તે મારામય જ હોય છે નામદેવ નો બીજો સવાલ હતો , ' આટલી મોડી  સવાર સુધી કેમ સૂતાં છો ? બ્ર્હ્મમૂહર્તમાં  ઉઠવું જોઈએ " તો વિસોબાએ જવાબ આપ્યો " હું ઉઠ્યો પણ નથી અને સૂતો પણ નથી , જયારે બ્રહ્મની ઊંઘ ઉડે છે ત્યારે જ બ્રહ્મમુહૂર્ત હોય છે . હું જ બ્રહ્મ છું ,તું પણ બ્રહ્મ છે . હું બધામાં બ્રહ્મને જોઉં છું. તું આવત જાણતો નથી; પણ આ જ આત્મજ્ઞાન છે ." જે એકાત્મભાવમાં સ્થિત ,વિસોબા વર્ત્યાં ; લિંગ ઉપર પગ રાખવા કે ફાવે ત્યારે ઉઠ્યા અને જે આત્મજ્ઞાન શીખવાડ્યું તે બતાવે છે કે આત્મજ્ઞાની  જો ગમેતેમ વર્તે તો પણ તે પરબ્રહ્મ સાથે જ જોડાયેલ રહે છે . ગમેતેવું વર્તન એટલે ચોરી, લૂંટફાટ,હત્યા જેવાં અધર્મી કાર્યો  નહીં .
       હજી ,32માં શ્લોકમાં જણાવે છે ; યોગીઓમાં કયા યોગી શ્રેષ્ઠ, ઉત્તમ ગણાય. "આતમ+ઉપમ્ય " પોતાના = દૃષ્ટાન્તથી જુએ . આ એટલે શું ?સર્વને પોતાના સમાન જુએ, સમબુદ્ધિથી જુએ. બધાં પ્રાણીઓના સુખ અને દુ:ખને પોતાના જ ગણે . એટલે કે જેમ ,મને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે તેમ જ સર્વ પ્રાણીઓને પણ એવી જ લાગણી હોય છે ;તેવું માનીને કોઈને પીડા આપતો નથી ,તે, મારા માટે શ્રેષ્ઠ, ઉત્તમ ,પરમ યોગી  છે જે એમ માને છે કે , જેમ મને રુચિ અરુચિ છે તેમ જ બીજા જીવોને પણ છે . જે કઈ મારા માટે ઇષ્ટ -અનિષ્ટ છે તેમ બીજા માટે હોય છે માં-અપમાન , દંડથી પીડા થાય  છે, મને ચીમટો ભરવાથી દર્દ થાય છે ,તે જ રીતે આ બધી લાગણીઓ સર્વ જીવોને થાય છે ; માટે ., મારે કોઈને આવી કોઈ હાનિ ન પહોંચાડવી જોઈએ . આવા આત્મ ઉપમ્ય જ્ઞાનવાળો યોગી શ્રેષ્ઠ છે . જે શુભ-અશુભને જુદા ગણતો નથી , સમ અને વિષમ પરિસ્થતિમાં પણ મનથી સ્થિર રહે છે તેવી વ્યક્તિ કૃષ્ણના મતે , બ્રહ્મસ્વરૂપ જ છે . 
      આત્મ ઉપમ્ય નો બીજો અર્થ થાય છે ; ભગવાન સાથેનું પ્રેમપ્રકરણ . સર્વત્ર ભગવદ્દભાવ ઉભરાય તેવી સ્થતિ. 
   આમ કૃષ્ણ, અર્જુનને તેના આત્માને પોતાની સાથે ભળી જવા સુધી લઇ જાય છે . આ અધાયમાં આમ આત્મભાવથી સમત્વબુદ્ધિની વાત કરી . કેવી રીતે બધી ઇન્દ્રિયોને કેળવીને, પ્રશાંત થવું અને સમભાવ કેળવવો. સમદ્રષ્ટિ રાખવી . કાકદ્રષ્ટિ, દોષ દ્રષ્ટિ ન રાખતાં ગુણગ્રાહી થતાં શીખવ્યું. કાનેથી સદવચનો સાંભળવા અને   હાથેથી સતકર્મ કરવા, અન્યના ભલા માટે પગેથી દોડવું . સાધના કરવા કે ધ્યાનસ્થ થવા કઈ અને કેટલી તૈયારી કરવી, કેવી રીતે ક્યાં અને શેના ઉપર બેસીને ધ્યાન ધરવું, કેવાં સંયમ્ય થવું એ સમજાવ્યું છે . આત્મા સાથે ઐક્યભાવ કેળવવાની વાત કરી છે .અત્યાર સુધી આટલું  કહ્યા પછી  ,હવે આગળ સંયમમાં, ફાંટાબાજ મનને કેમ સાંભળવું તે , અર્જુનના પ્રશ્નથી બતાવ્યું છે .                              જય  શ્રી કૃષ્ણ