"મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે , સમીર, તારી લહરીમાં તું સુગંધ લઈને જ વહીશ " "અને મને પૂર્ણ એહસાસ છે , " દામિની , કે , તું પણ ગમે તેવા ઘનઘોર વાતાવરણમાં પણ ચમકી ઉઠીશ. "
સમીર અને દામિની ડીટેકટીવ તરીકે કામ કરી રહયાં છે. તેઓની નાની પણ સુઘડ અને શાંતિપ્રદ ઓફિસ છે. આજે તેઓ પાસે આવેલા એક ગુમશુદા કેસ બાબત વાત કરી રહયાં હતાં ,અને એકબીજાના કામ ઉપરના વિશ્વાસને દાખવી રહયાં હતાં.
વાત એમ હતી કે એક મા, નામે જાનકી , એમની પાસે આવી હતી . તેની ફરિયાદ હતી , કે , તેની પુત્રી લીના અને દોહિત્રી મીના ગુમ થઇ ગયા છે . જાનકીએ જણાવ્યું કે , પુત્રી લીનાએ ગઈ સાંજે ફોન દ્વારા જણાવ્યું હતું ,"મા ,હું અને મારી દીકરી મીના ,દસેક મિનિટમાં તારે ત્યાં આવવા નીકળીએ છીએ . અત્યારે સાંજના સાડા ચાર થયાં છે . તારે ત્યાં પહોંચતાં સાડા પાંચથી વધારે નહીં થાય . આપણે ભોજન સાથે લઈશું . " જાનકીના જણાવ્યા પ્રમાણે બીજે દિવસે સાંજના સાડા પાંચ થયા પણ એ લોકોનો કોઈ પત્તો નથી . ચોવીસ કલાકથી ગુમ છે . જાનકીએ આ ફરિયાદ સાથે પોતાના જમાઈ ઉપર શંકા પણ દર્શાવી . "એ અનાડીએ આ લોકોની હત્યા કરી હશે ."
સમીરે કારણ પૂછ્યું , તો , જણાવ્યું કે સૌરભ, એમનો જમાઈ ,બહુ ક્રોધી, શંકાશીલ અને મનમાન્યું કરાવવામાં માનનારો માણસ છે . વાતે વાતે મારી નાંખીશની ધમકી આપતો હતો . વધારામાં , જણાવ્યું ,કે , " લીના હકીકતમાં છૂટાછેડા વિષે વિચાર-વિમર્ષ કરવા જ મને મળવા આવવાની હતી . પણ પેલા રાક્ષસને ભનક પડી ગઈ હશે , તેથી જ ભરણ-પોષણ ન આપવું પડે માટે મારી નાખી હશે . વળી , મેં , મારી પુત્રીના નામે થોડી મિલકત કરી છે , તે પણ લીના પછી તેને મળી જાય એમ વિચારીને એ લાલચુએ આ લોકોને મારી નાખ્યાં "અને જાનકીબેન ડૂસકાં લેવાં લાગ્યા .
સમીર અને દામિનીએ જાનકીબેનને આશ્વાસન આપી રવાના કર્યા અને એકબીજા ઉપર વિશ્વાસ જતાવી કાર્યનો આરંભ કર્યો.
"સમીર , તું સૌરભને એકત્રિત કરવા એ સૌરભ નામના ફૂલ તરફ વાયરો લઇ જા, અને હું , આ અંધારામાં છુપાયેલી લીનાને શોધવા વીજળી ચમકાવુ " "હા હા હા હા " બન્ને હસીને છૂટાં પડયાં
દામિનીને લીનાના પાડોશીઓ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું ,કે , આ દંપતી વચ્ચે અવાર નવાર ઝગડા થતાં. ક્યારેક સૌરભ હાથ ઉગામતો પણ વધુ મારપીટ ન થતી . ત્રણ ચાર વર્ષિય મીના ડઘાઈ જતી . બીજાઓ દ્વારા જાણવા મળ્યું ,કે , જાનકીનો જમાઈ, સૌરભે જાનકી પાસે પૈસાની માંગણી કરી હતી ,તે , જાનકીએ "લાલચુ " કહીને ઠુકરાવી હતી . તેથી સૌરભ ને ક્યારેક બોલતા સાંભળ્યો હતો , " જાનકીદેવી , જો તમે પૈસા નહીં આપો ,તો , તમે જ તમારા પતિની હત્યા કરી છે એ વાત હું અખબારમાં છપાવીશ " આથી જાનકી પણ સૌરભને દૂર કરવા- એનો કાંટો કાઢી નાખવા ઇચ્છતી હતી . તો, વળી , ત્રીજાએ જણાવ્યું ,કે લીના મહત્તવાકાંક્ષી હતી અને તેની ઉંડાન સૌરભને માન્ય નહોતી .
આ બાજુ , સમીરે સૌરભ વિષે જાણકારી મેળવી . સૌરભ થોડો ગરમ સ્વભાવનો હતો . અને તેમાં ધંધામાં ક્યાંક લોચો પડ્યો હોવાથી પૈસાની જરૂર પડી હતી . તેણે જાનકી પાસે પૈસા માગ્યા અને ન મળયા તેનો પણ ગુસ્સો હતો . બમણી નિરાશા તે લીના ઉપર ગુસ્સે થઈને કાઢતો . પૈસાની જોડ કરવામાં ઘેર આવતા મોડું થતું ; તો લીના તેના ચરિત્ર ઉપર વહેમાતી. બાકી , ઘણો સરળ અને પરિવાર પ્રેમી હતો . પત્ની સિવાય રહી શકે તેમ નહોતો . પત્ની ઉપર પૂરો નિર્ભર હતો . જાણતો હતો ,કે , લીનાને પુરાતત્વમાં રસ છે અને તેને દ્વારિકાની ઊંડી ખોજ માટે જવું છે . પરંતુ તે માટે લીનાએ દિવસો સુધી બહાર રહેવું પડે અને ઘણાય પુરુષો સાથે કામ કરવું પડે . સૌરભને એટલા લાંબા સમય માટે લીના દૂર જાય તો લપસી પડે, એવો વ્હેમ હતો .
સાંજે સમીર અને દામિની ઓફિસમાં ભેગાં થયાં અને દામિનીએ પૂછ્યું ," બોલ સમીર , તું શું સુગંધ લઈને આવ્યો ?" આ પ્રશ્નના જવાબમાં સમીરે સૌરભ વિષે એકત્ર કરેલી માહિતી આપી . દામિનીએ લીનાની મહત્તાવાકાંક્ષા ની વાત કરી તો સમીરે કહ્યું ," હા , તેને દ્વારિકા જવું હતું પણ મેં તને કહ્યું ને ,કે ,સૌરભને તે મંજુર નહોતું . તેઓના ઝગડાઓનું કારણ ,તેઓનો એકબીજા ઉપરનો આ અવિશ્વાસ જ છે . સૌરભના ઘેર મોડા આવવાથી અને ઉડાઉ જવાબોથી લીનાને સૌરભ ઉપર અને લીનાની દ્વારિકા જવાની જીદથી સૌરભને લીના ઉપર . "
" હવે આપણે ,લીનાબેન ક્યાં છે તેની તપાસ કરીએ " સમીરે કહ્યું . " દામિની , તને ખબર પડી ,કે , લીના એના ઘરેથી ક્યારે અને કેવી રીતે , એટલે કે કયા વાહનમાં નીકળી હતી ?" " અરે હા, એ વાત તો રહી જ ગઈ તને કહેવાની ! " લીના બોલી . " લીના ટેક્ષીમાં નીકળી હતી . એ વાત તેના સાખ પડોશીએ બતાવી. એમણે ટેક્ષીનો નમ્બર પણ આપ્યો. સહેલો હતો તેથી તેમને યાદ રહી ગયો હતો . લે . ટેક્ષી અસોસિએશનમાં તપાસ કર ,ડ્રાઈવર કોણ હતો અને એણે લીના-મીનાને ક્યાં છોડયા હતાં ?" " સમીરે ટેક્ષીવાળા સાથે વાત કર્યા પછી દામિનીને કહ્યું ," દામિની , તું જાનકીબેનને કહે , તેઓ લીનાને દ્વારિકાથી પાછી બોલાવી લે અને આવે કે તરત તેને લઈને અહીં આવે . "
બે દિવસ પછી જાનકીબેન લીના મીનાને લઈને ઓફિસે આવ્યા. "આવો જાનકીબેન." " દામિની બેન ,હાશ , આ લોકો મળી ગયા .તમે કેવી રીતે આ લોકોને શોધી કાઢયા ?"" અરે જાનકીબેન ધીરા પડો , લો , પાણી પીવો . હવે અમને જણાવો ,કે , આખરે વાત શું છે ? તમારી પુત્રી સૌરાષ્ટ્ર તરફ જવા નીકળી ગઈ છે ,અને એ વાત , તેણે તમને ફોનથી જણાવી પણ હતી . સ્ટેશનના ટિકિટ આપનાર ભાઈએ આ વાત અમને જણાવી છે. તેઓએ લીનાની તમારી સાથેની વાત સાંભળી હતી . છતાં, તમે તમારા જમાઈને ફસાવવા અહીં ફરિયાદ લઈને આવ્યા ? " "તમે જુઠ્ઠું શા માટે બોલ્યા ?' સમીરે પૂછ્યું," ના સમીરભાઈ એવું નથી " ત્યાં જ સૌરભ ,જેને સમીરે બોલાવી લીધો હતો તે ,આવી પહોંચ્યો . સમીરે તેને આવકાર્યો , " આવ સૌરભ . ચાલો , બધા જ આવી ગયા છો , તો આગળ વધીએ . સૌરભ , તમને શા માટે પત્ની કે સાસુ ઉપર વિશ્વાસ નથી ?" " સમીરભાઈ , આ લોકો મારાથી વધારે ધનિક હોવાનો ઠસ્સો જતાવી, એમના કહ્યા પ્રમાણે ન કરું તો મારો કાંટો કાઢી નાખવાની કે ડ્રગ એડિક્ટ બનાવી નબળો પાડી દેવાની વાતો કરે છે .જાનકીબેનને એમ છે કે હું તેમના પૈસાનો લાલચુ છું. લીના સંશોધન માટે બહારગામ જાય તે મને મંજુર નથી . એ બહાના હેઠળ તેઓ મારી વિરુદ્ધ કોઈ કારસો કરે તો ? માટે મને બન્ને ઉપર વિશ્વાસ નથી ." "અચ્છા , અને દામિની , આ જાનકીદેવીના પતિના મૃત્યુનું શું રહસ્ય છે ?"
" હા, સમીર , મેં તપાસ કરી . ગાઢ અંધકારમાંથી એક ચમક મળી છે . એમનું મૃત્યુ માથેરાનમાં પેનોરમા પોઇન્ટ ઉપરથી ખીણમાં પડી જવાથી થયું હતું . ખીણમાં ખૂબ નીચે જોવા જતાં બેલેન્સ ગુમાવ્યું અને પડી ગયા . તેમનો એક કરોડનો વીમો હતો , જેના પૈસા જાનકીબેનને મળ્યા. સગા બંધીઓએ એ પૈસા પડાવવા- છીનવવા - પ્રયાસ કર્યા, પણ એળે ગયા; તેથી , વાત ઉડાડી કે , જાનકીબેને વીમાના પૈસા ખાતર એમના પતિને ખીણમાં ધકેલી દીધા ! " અને સમીરભાઈ , એ અફવાની અસર નીચે મેં જાનકીબેનને અખબારવાળી ધમકી આપી ."
" અને મેં છેવટે કંટાળીને સૌરભને સીધો કરવાનો વિચાર કર્યો .તેમાં લિનાનો સૌરભ ઉપરના અવિશ્વાસને લીધે સાથ મળ્યો ."
" અને મેં ," લીનાએ આગળ ચલાવ્યું , "મા સાથે મળીને ઘાટ ઘડ્યો. હું ઘેરથી એમને ત્યાં જવા નીકળું છું એવું દર્શાવી સ્ટેશને જાઉં અને સૌરાષ્ટ્રની ટિકિટ લઇ ત્યાંથી ફોન થી જણાવું .હું મારા મનગમતા કામે ઉપડી જાઉં અને મા ,સૌરભ ઉપર આળ મૂકી તેને ફસાવી હેરાન કરે , " સમીર બોલ્યો ," તો તો આ બધો ખેલ એકબીજા ઉપરના અવિશ્વાસ ને લીધે જ રમાયો છે ખરું ને ? લીનાને સૌરભના ચરિત્ર ઉપર ,સૌરભને લીનાના અને જાનકીબેનને સૌરભની દાનત ઉપર . " દામિની બોલી , " જુઓ , તમે બધા અત્યારે સાથે છો ત્યારે આ વાત સમજો .આ સંસારમાં આપણે બધાં એકબીજા સાથે કોઈ ને કોઈ સમ્બન્ધથી જોડાયેલા છીએ . એ સંબંધોને વિશ્વાસ રૂપી સાંકળથી બાંધી રાખીએ તો જીવતર સરળ અને સફળ થાય . તમે ત્રણે જણે એકબીજા ઉપર અવિશ્વાસ રાખી એકબીજા ઉપર ગઁધાતો કાદવ ઉછાળ્યો . તમારા જ ચિત્તને- મનને - દુ:ખી કર્યાં ;અને લીના- સૌરભ , તમે તમારું દામ્પત્યજીવન તો ક્લેશમય કર્યું જ કર્યું ,સાથે સાથે , આ નિર્દોષ બાળકી, મીનાના ચિત્તમાં પણ ખળભળાટ ઉત્પન્ન તેનું ભાવિજીવન ડહોળી નાખ્યું . " સમીર બોલ્યો ," સંબંધો, પછી તે પતિ-પત્નીના હોય , ભાઈ-બહેનના ,કે માં બાપ-સંતાન ના ;કે પછી કાર્યક્ષેત્રના સહકર્મીના ,દરેક સમ્બન્ધમાં વિશ્વાસ ન હોય તો કોઈ પણ કાર્ય સફળ થતું નથી . જીવનમાં મીઠાશ રહેતી નથી અને જીવન ક્લેશમય થઇ જાય છે . ચાલો હવે , તમે ત્રણે અને આ વ્હાલુડી મીના એકબીજાને આ મીઠાઈ ખવડાવો. હવેથી વિશ્વાસથી ,મનની વાતો, સ્પષ્ટ પણે નિખાલસતાથી કરીને આનંદમય જીવન વિતાવો ."
સહુએ મોં મીઠું કર્યું . જાનકી અને સૌરભે સમીર- દામિનીનો આ મામલો સુલઝાવવા બદલ આભાર માન્યો અને સહુ છુટ્ટાં પડયા ."સમીર ,દામિની " બન્ને એ સાથે જ એકબીજાને સંબોધ્યા અને સાથે બોલ્યા ," જોયું , આપણો એકબીજા ઉપરનો વિશ્વાસ સાચો પડયોને ?
સમાપ્ત
લેખિકા ---વીરબાળા "બેલા" પંચોલી (અંધેરી, મુંબઈ ,ભારત ) હાલ યુ,એસ,એ.
9-1-2021
No comments:
Post a Comment