કાળાં સ્કંધ સુધી લહેરાતાં વાંકડિયા વાળ !
ઉપર નાનો શો નમણો શો સુવર્ણ મુકુટ !
કાને લંબગોળ લટકતાં મોતી સાથેના કર્ણફૂલ !
કમાન જેવી અણિયાળી ભ્રમરની નીચે
કમળની પાંદડી જેવાં ચક્ષુ ! અસીધાર જેવી નાસિકા !
ગુલાબની ઉઘડતી કળી જેવાં ગુલાબી ઓષ્ટ !
સ્મિતમાંથી દેખાતી સુંદર ધવલ દંત પંક્તિ !
હંસલા જેવી ગૌર મરોડદાર ડોક !
એ ગ્રીવામાં શોભતા મોતીના હાર !
કદલી સ્તંભ જેવાં બાહુ ઉપર શોભતાં બાજુબંધ !
કમળની દાંડી જેવી આંગળીઓમાં ઝૂલતી વાંસળી ,!
શિર મુકુટ સાથે બાંધેલ ધવલ પાઘ !
પાઘ ઉપર સફેદ જરિયન નીલી પટ્ટી !
ધવલ શુભ્ર ખેસ ,ભૂરી સફેદ જરિયન પટ્ટી સાથે,
અનુપમ ખેસ અને પાઘની લહેરાતી જોડ !
તારાં આ સસ્મિત મુખારવિંદ ઉપર
ઓષ્ટ ઉપર શોભતી વાંસળી ઉપર
રમતી તારી અંગુલીઓથી નીકળતો
નિનાદ ! ,સૂર !,બ્રહ્મ નાદ !
આહા ! આ દર્શન ! આ નાદ !
ઓ ! મનમોહન ! ઓ સખા !
તું નથી કાળો કાનુડો ,
તું નથી લાડલો કનૈયો ,
બસ ,તનને મનને શાંતિ અર્પતો
આનંદ અતિ આનંદિત કરતો હૃદયાધીશ છે .
મનમાં અંકિત થયો ,તનનાં રોમ રોમમાં સમાઈ ગયો !
ધન્ય ધન્ય કરી દીધી,સખા ,મનમોહન !
અને છેલ્લે કહું ;-મારાં શામળા !
બેલા \૩૧\૭\૨૦૧૫
૫.૧૫\પી.એમ.
આજે મને જે દર્શન મળ્યાં ,ઘરમાં જ એનું વર્ણન હું કરી શકતી નથી .
ફક્ત મારી લાગણી અને આનંદ શબ્દોમાં મુકવાનો પ્રયત્ન કર્યો છે .છતાં યે મન તૃપ્ત થયું નથી .
No comments:
Post a Comment