Pages

એપિસોડ-1-રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી



1 ઘટમાં ઘોડા થનગને ,આતમ વીંઝે પાંખ;
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ .
2 છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ .આપ જરૂરથી સમજી ગયા હશો કે , આજે હું કોના વિષે વાત કરવાની છું . ગઈ વખતે એમનો નામોલ્લેખ કર્યો હતો ; તે , રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી . એમની જીવન ઝરમર તથા તેમની રચના વિષે સિંહાવલોકન કરીશું. 
   શ્રી ઝવેરચંદ કાલિદાસ મેઘાણી નામના  તારલાનો જન્મ માતા ધોળીબાઈની કુખે 1896ની 28 ઓગસ્ટના દિને ચોટીલા ગામે થયો હતો . એ તેજસ્વી તારલો 1947ની9મી  માર્ચના દિવસે  સાહિત્યના નભમાંથી ખરી પડ્યો. પોતાના જ ગામ બોટાદમાં હૃદય રોગના હુમલાનું  આકર્ષણ નિમિત્ત બન્યું. 
    તેઓએ સંસ્કૃત સાહિત્ય સાથે બી.એ. સુધી અભ્યાસ કર્યો હતો . કવિ. લેખક, સંશોધક અને સ્વાતંત્ર્ય સૈનિક રહયાં હતાં . 1931માં , જયારે ગાંધીજી , વિલાયત "ગોળમેજી પરિષદ"માં ભાગ લેવા જતા હતા ,ત્યારે , "છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ" કાવ્ય ગાનકર્યું હતું . એ કાવ્ય વિષે ગાંધીજીએ કહ્યું હતું કે , "મારી હાલની સ્થતિનો આબેહૂબ ચિતાર આમ દર્શાવ્યો છે "અને એ સમયે મેઘાણીને "રાષ્ટ્રીય શાયર" કહીને બિરદાવ્યા હતા .
     મેઘાણીનું બીજું પાસું એટલે , લોક સાહિત્યનો અખૂટ ખજાનો એકત્ર કરી શબ્દ દેહ આપવાનો પરિશ્રમ ! સૌરાષ્ટ્રના ગામેગામ ફરી સૌરાષ્ટ્રની વાતો "સૌરાષ્ટ્રની રસધાર " માં લખી . એજ પ્રમાણે ," સોરઠી બહારવટિયા" ના નામે એ સમયના બહારવટિયાઓના જીવન અને એમના પ્રણ , સિદ્ધાંતો  વિશેની વાતો1927 થી 1929માં  લખી  .
    જયારે જયારે બાળકીની વાત આવે ત્યારે ત્યારે મેઘાણી રચિત " ચારણ કન્યા " કાવ્યની યાદ ઉભરી આવે છે . આપ જરૂરથી એ મેળવીને વાંચજો . એમાં જે જોશનું રસભર્યું વર્ણન છે , એ વાંચીને આપણે પણ સ્ફર્તિવાન થઇ જઈએ . તેઓએ દેશ માટે  મારી ફીટનારની કથાઓ " કુરબાનીની કથાઓ " ના નામે લખી છે ; તે તેમનું પ્રથમ પુસ્તક છે . લેખન સાથે તેઓએ પત્રકાર તરીકે કાર્ય કર્યું છે . "સૌરાષ્ટ્ર સાપ્તાહિક " અને "જન્મભૂમિ સમાચાર પત્ર " માં તેઓએ  23 વર્ષ  પત્રકાર તરીકે કામ કર્યું . 1942માં  તેઓ "ફૂલછાબ" નામના સમાચાર પત્રના તંત્રી રહયા . આ સાથે તેઓએ નવલકથાઓ લખી." વેવિશાળ" નવલકથા ઉપરથી નાટક ભજવાયું અને " માણસાઈના દીવા " માટે તેમને " મહિડા પુરસ્કાર " મળ્યો હતો . બીજી નવલોમાં , " વસુંધરાના વ્હાલા દવલા ,પણ ખ્યાતિ પામેલ છે . તેઓના કાવ્ય સંગ્રહમાં ,"વેણીના ફૂલ," જેમાં કિશોર અને નારીના ભાવ ઝિલાયા છે . "કિલ્લોલ, યુગવંદના " ગર બાના સંગ્રહોમાં " રઢિયાળી રાત (4ભાગમાં ) "ચૂંદડી '(2 ભાગમાં) ,"હાલરડાં" અને "કંકાવટી" જેમાં વ્રતો  વિશેની વાર્તાઓ આપી છે . લોકસાહિત્યના પ્રદાન માટે 1928માં તેઓને "રણજિતરામ સુવર્ણ ચંદ્રક" આપવામાં  આવ્યો હતો. એમના કેટલાંક  જાણતા કાવ્યો . 
1  જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ 
2 પોઢજો રે મારા બાળ , પોઢી લેજો પેટ ભરીને આજ, 
 કા;લે કાળાં યુદ્ધ ખેલાશે સુવા ટાણું ક્યાં ય ના રહેશે , શિવાજીને નીંદરું ના'વે માતા જીજીબાઈ ઝુલાવે (શિવાજીનું હાલરડું ) 
3  મીઠાં મધુ ને મીઠાં મેહુલારે લોલ ,એથી મીઠી તે મોરી માત  રે 
4 દાદા હો દીકરી વાગડ ન દેજો રે સૈ 
5 સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમિયા 
6 ચૌદ વરસની ચારણ કન્યા , ગીરના કુત્તા ઉભો રેજે 
  રણ  મેલીને   એ કાયર  ભાગ્યો , નર થઇ નારીથી ભાગ્યો , નાનકડી છોડીથી ભાગ્યો 
7  રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે .-- આ કાવ્ય એક ભાવાનુવાદ છે .તેમની જ બંદિશમાં ચેનલ " બેલા બહાર પુષ્પ માલિકામાં " આપને  સાંભળવા મળશે . 
     તો મિત્રો , આપણા ગુજરાતી સાહિત્યના આવાં આવાં અપ્રતીમ  સાહિત્યકારો વિષે આપણે વધુ વાતો કરતા રહીશું 

મૂંઝવણ

  

  આ ઉછળતા હૈયાને ક્યાં લઇ જાઉં ?
આ તડપતા દિલને ક્યાં લઇ જાઉં ? 
ઉર્મિઓના લોઢ ઉછળે છે ,ઉમટે છે ,
ને , યાદોનાં પાન  ઉઘડે છે ! નરી વાસ્તવિકતા કરડે છે ;
આ એકલતાને ક્યાં લઇ જાઉં ?
નથી કોઈ પ્યારનું વિજન કે , નથી સુરતાલ , ન કોઈ નર્તન છે ! 
"બેલા" , તારી સુક્કી ફોરમને  ક્યાં લઇ જાઉં ???
                                     6/8/20??
                                         3.55 એ. એમ .

સર્વવ્યાપી શામળા

 

તુજને પેખું છું મારા શામળા! 
આ ઝરણામાં ને આ વનરાઈમાં , 
ઊંચે આકાશના વાદળામાં, નીલ ગગનના પેટાળમાં ! 
આવો હે હરિ ! આવો હે મારા વા'લમા ! 
બે ઘડી બેસીએ સાથમાં .
ગીત છેડું , તારી વેણુના સંગમાં ને નાચું ઝરણાની કલકલમાં ! 
દેખું છું શ્યામ ! તને કણ  કણમાં , વૃક્ષોની ઊંચી હારમાળામાં ,
"બેલા" બની સુગંધિત , આનંદમાં , હવે છોડું ના , તને મારા શામળા !!! 
                                                                 6/8/20?
                                                                  3.30 એ. એમ. 

મોરપીંછ અને મોરલી

 

મોરપીંછની સુંવાળપથી , તમે જરા અડો જો શ્યામ,!
હિજરાતા હૈયાને , તો , ઘડીક મળે આરામ .

મુરલીના એ મધુર સુરોથી , છેડો જો એક તાન ;
સુણી એ નાદ સ્વરોના ,અમને જરીક મળે આરામ .

સુંવાળપ એ મોરપીંછની, ને સુકુમાર  તારી શાન ! 
રીઝવે જોને ,સૌ જગતને, જોને જોને શ્યામ! 

મયુર-ગહેક ને કૂક  કોકિલની રેલે મદમાતાં ગાન ,
અમને ય ડોલાવે જરીક ,એ "બેલા"ની સંગાથ! ! ! 
                                    6/4/2025 
                                      2.30 પી એમ . 

સંધ્યા

 

અંધારું આ ઊતર્યું , જીવનની સમી સાંઝે 
ગુલાબી છાયા વચ્ચે ,ધુમ્રસેર ધૂંધળી ઊડે ;
બચપણની ખેલકૂદની ઉછળતી યાદ અપાવે ,
સલુણાં સોણલાં ,જુવાનીમાં જોયા , સરકે ,! 
અરેરે! હવે તો એ યાદની ઝાંખી ઝળહળે 
દીપ બુઝાય હવે યાદ તણો  ધીરે ધીરે ;
દ્રશ્ય, દિશા કે સમય, ના કાંઈ એ સૂઝે;
 જોઈ એ વૃદ્ધત્વને "બેલા" સુકાતી જાયે ! 
                                  24/2/2025
                                        3.00 પી એમ .

સગુણ-નિર્ગુણ

 

મારાં રે હૈયામાં એ તો નિર્ગુણ વસે છે ,
બન્ધ પલકોએ  દેખું એ નિરાકાર તત્વ છે !
નયનોને ખોલતાં,સગુણ એ મુરત છે ,
દેખી સાકારને ચક્ષુ સંતૃપ્ત છે --મારા રે ...

જાણું છું ,પરમાત્મા, સર્વ સૃષ્ટિ મહીં  છે ,
હ્ર્દયે વસે છે ને મન્દિરે રમે છે ;
રસનાની  રટણામાં આનંદે વહે છે ,! 
ધારણાની ધરીએ આવીને મળે છે .----મારા રે ......

મિલનના એ ચમનમાં ખુશ્બૂ  ઊડે  છે ,
એનાં  એ હિલોળે ,"બેલા" યે  ડોલે છે .----મારા રે ....
                                            27/2/2025
                                                 11.30 એ એમ. 

ગોકુળની યાદ

 


આવે ગોકુલ યાદ આવે, કૃષ્ણરાયને , આવે ગોકુલ યાદ આવે .
કાલિન્દી તટે કચ્છપ ફાળ  ભરતા ,
કાંઠે કદંબ વૃક્ષ ડોલે, કૃષ્ણરાયને   આવે .....

બંસીવટ ઘેઘૂર ને રમણીય રાસલ્હાણ ,
ગોપીના માખણ ભાવે ,કૃષ્ણરાયને આવે .....

કુંજવને કોકિલની  કૂજે  કીલકારી ,
નિધિવને રાધિકા ઘૂમે મદમાતી;
ગંગીના દૂધ યાદ આવે , કૃષ્ણરાયને આવે ....

ગોપબાળ સંગે વનરાવન મ્હાલે ,
મોરમુકુટ બન્સીની તાને , કૃષ્ણરાયને 
આવે ગોકુલ યાદ આવે .
                                    16/11/ 2024 
                                        3.55 પી.એમ.