નવલાં નોરતાના દિન તો આવિયા હો રાજ ,
રુડે ગરબે રમવાને અમે નીસર્યા રે લોલ .
માતાજીની ચુંદડી લાલ લાવીયા હો રાજ ,
બહુચરમાને ચુંદડી સોહાય છે રે લોલ .
ભાલે તે ટીલડી ટમકે હો રાજ ,
નાકે નથવેસર ઝૂલતી રે લોલ .
કાનનાં કુંડળ ઝળક્યાં હો રાજ ,
આંગળીએ દસે વેઢ ચમક્યાં રે લોલ .
કેડે કંદોરો અતિ શોભતો હો રાજ ,
પગનાં પાયલ રુમઝુમ રણક્યાં રે લોલ .
માતાજી તો સોહે અપરંપાર હો રાજ ,
"બેલા"સંગ ઘણાં ગરબે ઘૂમ્યાં રે લોલ .
* * * * * * *
સાખી
હે ----ધ્રબ ધ્રબ ધ્રબ ધ્રબ ઢોલ ધબૂક્યા
ને નગારે પડિયા---ઘા --વ
હે છુમ છુમ છુમ છુમ નાચંતા
મારી બહુચરબાળી ગાય
હે મારી અંબે માડી ગાય
હે મારી પાવાવાળી ગાય .
હે હિંગળોક ઉડે ને ઉડે ગુલાલ
ઉડે કુમ કુમ થા--ળ,
હે બહુચર જોડે રમતાં રમતાં
"બેલા" પગલી થા--ય ;
હો ઓલી બેલા પગલી થાય .
ઘોડો ખુંદવો
ખમ્મા ખમ્મા તને માવલડી
આશિષ દેનારી માત .
ચરણે તવ શીશ ઝુકાવું ,
આશા પૂરનારી માત .!
બેલા\૧૨\૯\૧૯૯૮\૧૨.૦૦ બપોર