Pages

પ્રેમની રસધાર



હે કાન્હા ! 
મારાં હ્રદયમાંથી અવિરત , અવિચ્છિન્ન 
પ્રેમની ધારા વહે છે ;
તારા હ્રદય સુધી પહોંચવા .
જેમ એક પાત્રનું જલ બીજાં પાત્રમાં અવિચ્છિન્ન 
રીતે પડતું રહે છે .

મારી આ પ્રેમ-રસધારા ,તારા નિરંતર સ્મરણમાં 
તારા પ્રતિ અનિરુદ્ધ ,અખંડ .અવિચ્છિન્ન 
વહે છે ,અને મારાં હ્રદયમાં બંધાયેલી ,
પ્રત્યેક જીવ પ્રત્યેની ગાંઠ છૂટતી જાય છે .
એ ગાંઠ ,જે મોહની છે ,માયાની છે ,
કે ,પછી કડવા અનુભવોથી બંધાયેલ છે .

મને મારો ભક્તિરસ ,પ્રેમરસ  વહાવવા 
જરૂર છે ,તો ,પંખીની જેમ ઉડવા 
બે પાંખ અને એક પૂંછડીની .
એક પાંખ એટલે જ્ઞાન,બીજી પાંખ એટલે ભક્તિ 
અને યોગ (તારા પ્રત્યેનું પ્રેમ ભર્યું ધ્યાન ),
એ ,પંખીની પૂંછડી જ્યમ સુકાન !
આટલાં સાધનોથી મારી પ્રેમધારા ---
હું સતત વહાવી શકીશ ,તારા પ્રતિ 
               અવિચ્છિન્ન .

બેલા\૬\૫\૨૦૧૫ 
૧૨.૧૫ \પી..એમ. 

તારા


રજનીના ,અંબરમાં , ટમ ટમ ટમકતાં તારા ,
ઝળહળ ઝળહળ ચમકાવે ,શ્યામ રાતને ,તારા .
હસતાં બાળક સમ ,ખીલ ખીલ ખીલતાં તારા ,
સૂરજ સામે અવકાશમાં વિલીન થતાં તારા .

સૂરજ દાદા નીરખે ,ઝબક ઝબકંતા તારા ,
પોતાના તેજ ઓથે વિલાય ચળકતાં તારા .
કદાચ ,ના ગમી એ વાત ,કે ,ઓછપાય તારા ,
પોતે સૌના જીવન-દાતા , તો ,શાને ,સંતાડે ,તારા ?

મોટાં તત્વ ,મહાન આત્મા ,બુઝવે ના કોઈ તારા 
                                 વિચારી 
સવિતા-નારાયણ ડૂબ્યાંસાગરમાં ,ને છુપાયાં ડુંગરમાં ,
રાત્રીને ઓઢાડી દીધી ,ચુંદડી ,ઝબકાવી ઝીણા સુંદર તારા !

કોઈ પણ મહાન જીવ ,વિશ્વમાં ,બુઝવે ના ,કોઈ તારા ,
ચમકવા ,ઝળકવા ,માર્ગ કરે મોકળો 
          ને ઉજાસવા દે એ તારા .! 

બેલા \૪\૫\૨૦૧૫\
૭.૨૦.પી.એમ. 

વિરહી ગોપી

 
"ગુંજ ઊઠી શહનાઈ "નું ગીત -"કહ દો કોઈ ના કરે યહાં પ્યાર "રાગ જોગીયા પર આધારિત હતું . 
એ ધૂન પર આ રચ્યું છે .


વને-વને -ઘુ-મુ-હું --કાન્હા !
ફૂલ ફૂલને પૂછું ,પાન પાનને વિનવું ;
કોઈ આલે તા--રો અંણસા--ર ----વને વને .....

મેં તો દીઠો તને મુજ શમણે ,
બંસીના નાદે નચવી મુજને, 
તારી બાંકી અદા,યાદ આવે સદા ,
મારે હૈયે રહ્યો -હા-હા-કા---ર ---વને વને ....

ભ્રમરની ગુંજથી દિલ તડપે, 
કોયલની કૂકે ચિત્ત ઝૂરે ,
મારાં લાલ લોચન ,લો, સુઝી ગયાં, 
આંસુ વહે અનરાધા---ર --વને વને .....

જસો--દા--માં-- પણ ઝૂ--રે અપા---ર, 
બાળ-ગોપાલ થયાં સૌ સુન્ન-સા-ન, 
સૌની એ-ક જ ટક ,જુએ તા--રો -પથ, 
નથી ચેન કે ના- છે કરા---ર ---વને વને ....

જમનાના જળ ધી-રે સરકી --રહ્યાં ,
કદમ્બ ને બંસીવટ ઝૂ--કી રહ્યાં ,
"બેલા" તું--ટી પડી ,તારી આ--સ છૂટી ,
કોણ કો-ને આપ-- આધા----ર --વને વને ...

બેલા\૧૮\૪\૨૦૧૫ 
૪.૦૦.એ.એમ.