કોઈક કવિએ લખ્યું છે
"સૃષ્ટિ જો રાસ રમે , આનંદે મહાલતી "
"કાનો રમે છે રંગ રસિયા રે ,એક એક ગોપી ને એક એક કા'ન છે। "
ઉપર લખ્યું તેમ રાસ જ આનંદ છે અને આનંદ જ રાસ છે સૃષ્ટિ જ રાસની બનેલી છે ,
એ જોયું છે ? જોઈને આનંદ અનુભવ્યો છે ?
આપણી આ ભાગ-દોડની જિંદગીમાં સમય છે કે એ નિહાળવાનો કે નોંધવાનો,કે માણવાનો ? !
જયાં નજર કરશો ત્યાં સૃષ્ટિનો રાસ નજરે પડશે. નભે વાદળ જાત ભાતનાં આકાર બનાવી દોડે છે ; ટકરાવથી વીજળી ચમકાવી ગગડાટ કરીને રાસ રમે છે.એનો આનંદ કદિ અનુભવ્યો છે ? આ છે નભ ને વાદળ નો રાસ। !
ડુંગરની કરાડોમાંથી ફૂટતા ઝરણાને ,નદી બની સાગર તરફ કલકલ નાદે સરકતાં જોયાં છે ?એનો આનંદ માણ્યો છે ? એ છે નદી ને સાગરનો રાસ ! ફૂલ ઉપર પતંગિયાનો અને પરાગ રજનો સંગમ જોયો છે ?
ભ્રમરના ગુંજનને માણ્યું છે ? આ છે; ફૂલ,તિતલી,ભ્રમર અને પરાગનો રાસ!
આપણી આ રસમય સૃષ્ટિ જ એક રાસ છે। રાસનો અર્થ :-- આનંદમય મિલન ! કૃષ્ણ ગોપીઓનો રાસ બહુ જ ચર્ચીત છે. આ રાસ ; દરેક પોતાની દ્રષ્ટિ અને મતિથી એને મૂલવે છે।
કૃષ્ણ પોતે જ આનંદ છે.;આનંદમય છે. ગોપીઓ સાથેનું નૃત્ય એ આનંદનો આનંદ સાથેનો સંગમ --રાસ--છે.આપણી કલ્પનાશક્તિએ હાથમાં દાંડિયા પકડાવી સ્થૂળ રાસ બનાવ્યો. બાકી આનંદમય કૃષ્ણ દરેક ગોપી સાથે કેવી રીતે દેખાય ?!આનંદમય સ્વરૂપ દરેક ગોપી સંગે જોડાયું તેથી દરેક ગોપીએ અનુભવ્યું કે કૃષ્ણ મારી જ સાથે છે.કૃષ્ણ ગોપીનો રાસ એ માનવીય નથી. આ પુરુષ અને પ્રકૃતિનો આનંદમય સંગમ છે. અહીં માનવીય વાસનાઓ નથી,રાસનો અર્થ જ આનંદ છે,રાસ અદ્વૈતનો સંકેત છે। રાસનું મૂલ્ય કરવું અશક્ય છે. તે અમૂલ્ય ને અવિનાશી છે। જ્યા સુધી પુરુષ અને પ્રકૃતિ નિરાવરણ છે,શુદ્ધ છે ત્યાં સુધી રાસ કૃષ્ણ -ગોપી જેવો જ રહેશે ,નહીં તો દૈહિક -કામુક થઇ જશે।
રાસનો એક બીજો અર્થ આ પણ થાય છે.લાખ ચોર્યાસીનાં જન્મ મરણનાં ફેરા ફરી એ ચક્રને અંતે પ્રભુ-મિલન થાય તે રાસ !આ રાસમાં ગર્વથી છૂટી પડી ગયેલી ગોપી તે રાધા। --આપણો ગર્વ--અને તેથી કા 'નો સંતાય અને અનેક વિનવણીઓ,આરાધના પછી મિલન થાય તે પણ રાસ.!
રાસ :-- શરૂઆતમાં બે પંક્તિઓનું અવતરણ કર્યું છે ,તે આ સંદર્ભમાં -કે- સૃષ્ટિ રાસ રમે છે અને કહાન રાસ રમાડે છે જયારે અવિનાશી મિલનનો આનંદ હોય છે।
26 માર્ચ 2018
3.30 પી.એમ. યુ.એસ.એ.
No comments:
Post a Comment