Pages

મૃત્યુ વિષે


 મૃત્યુ એટલે શું ? 
શરીરની ચેતનાનું વિલીન થવું ? આત્માનું ઉડી જવું ? હૃદય ધબકતું બંધ થવું ? મૃત્યુ આવે છે ,થાય છે શા માટે ? આ કદી વિચાર્યું છે ? ઉંમર થઇ , શારીરિક શક્તિ તથા માનસિક શક્તિ ઘટી એટલે ?

કદાચ હા. આ કારણો હોઈ શકે।
પરંતુ આ બધા સાથે એ વિચાર્યું છે કે સમસ્ત જીવન દરમિયાન આપણે આપણી આજુબાજુ કેટકેટલી જાતનાં  જાળાં  ગૂંથ્યાં છે ? સગાં -સંબંધી તો રિશ્તા થયા. આપણે આપણા રાજસ-તમસ ગુણો  દ્વારા કેટલી આદતો કેળવી-પંપાળી ? કેવાં  કેવા સંસ્કાર  ગ્રહણ કર્યાં --કુટુંબમાંથી તેમ જ  મિત્રો ,સંગાથીઓ અને
વાતાવરણમાંથી ? ! કદી વિચાર્યું છે કે જીવનમાં આ બધાં  કેવાં  ને કેટલા ગુંચવાયાં  છે ?
આ આદતનાં  તાણાવાણા-સંસ્કારનાં  ડૂબકાં વિગેરેથી મુક્તિ કેવી રીતે ?

      ઈશ્વર આ વિચારે છે ,જીવને એણે  દુનિયામાં રમતો મુક્યો ,ઊંચે આવવા. ઈશ્વર પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરવા,અને એ તો ગૂંથાયો,ગૂંચવાયો ! તેથી ઈશ્વરે ઈચ્છે છે કે જીવ-પ્રાણી આમાંથી છૂટે.ફરી નવી સુ-આદતો અને નવા વિચાર સાથે નવું જીવન ;-ઉતકર્ષ  માટે જીવે  પરંતુ આ દેહ તો ઘડાઈ ચુક્યો છે,ખખડી ય ચુક્યો છે.ફેરફાર સંભવ નથી.

આપણામાં કહેવત છે "પાકે ઘડે કાંઠા ન ચડે "એમ જ આ ખખડી ગયેલા દેહ અને મન -મનની કિતાબ- જેમાં બધું લખાયું છે તે ભૂંસીને હવે નવું લખાણ થઇ શકે એવી શક્યતા જ નથી તેથી ઈશ્વરે મૃત્યુ સર્જ્યું. જુના જીર્ણ  દેહને અને ગન્ધાયેલા  મનને નવા સ્વરૂપમાં ઢાળી દેવાનું નક્કી કર્યું અને મૃત્યુથી આ દેહનો -જીવનનો અંત લાવી મુક્ત કરવાનું વિચાર્યું। પછી નવી ગિલ્લી નવો દાવ !

        નવો દેહ, નવાં  વિચારો,નવી આદતો ,નવાં  સંસ્કારો વડે જીવન-કિતાબના પાનાં ભરો. મૃત્યુ ,જંજાળનો અંત અને નવ જીવનનો આરમ્ભછે.મૃત્યુ રૂપાંતરનો રસ્તો છે.આ રૂપાંતર ભવ્ય ક્યારે બને ?જ્યારે ઈશ કૃપા હોય ત્યારે। રાવણનું મૃત્યુ શ્રી રામને હાથે થયું। રાવણના મૃત્યુ સમયે શ્રી  રામનો આશિષ  હસ્ત રાવણને માથે હતો ;જ્યારે તે રૂપાંતરને રસ્તે સંચર્યો.કંસના શરીરનો અંત પણ શ્રી કૃષ્ણના હાથે થયો. આ ભવ્ય રૂપાંતર છે. માટે જ્યારે આ શરીર છોડી નવા કલેવરમાં જવા પ્રસ્થાન કરીયે ત્યારે ઈશ કૃપા સાથે હોય તો જ સુ-સંસ્કાર અને સુ-વિચારનું ભાથું સાથે આવશે.

બાકી તો સૂક્ષ્મ જીવની સાથે  પ્રસ્થાન સમયે જુના જાળાના  ટુકડા ચીપકીને નવા કલેવરમાં -નવા જીવનમાં દેહ-મનમાં સાથે જ આવશે। જેને આપણે પ્રારબ્ધ જેવું રૂપાળું નામ આપ્યું છે. અથવા પૂર્વ જન્મના ફળ.
જે નવજીવન ઉપર અસર કરે છે. માટે જ જ્યારે અંત સમય નજીક  આવે ત્યારે બને એટલું મનને પ્રભુમાં સંસ્થિત રાખવું જોઈએ; જેથી જાળાના  ટુકડા ચિપકવા અસમર્થ થાય  .

          મૃત્યુ દુ:ખદ નથી,કિન્તુ ઈશ કૃપા વિનાનું મૃત્યુ  ઉતકર્ષ માટે, ઉર્ધ્વ ગમન માટે નિરર્થક છે ; દુ:ખદ   છે.અને તેથી મર્ત્ય લોકના માનવી મૃત્યુનો શોક મનાવે છે.કેટલીક જાતિઓ મૃત્યુને ઉત્સવ તરીકે મનાવે છે અને નિર્જિવ દેહને શણગારીને ભજન ગાતા અંતિમ સંસ્કાર માટે લઇ જાય છે. તેઓ માને છે કે આ  જીવ શિવને મળવા જઈ રહ્યો છે એ તો આનંદની વાત છે તો એને ઈશ્વરના ગુણગાન સાથે વિદાય કરવો જોઈએ.

         કેટલાકના મનમાં પ્રશ્ન ઉઠે છે ;જો નવા સંસ્કાર ;નવા વિચાર માટે ખખડી ગયેલાએ જવાનું હોય તો બાળમરણ કે યુવાનોનું મૃત્યુ  શા માટે ?તેઓ તો આવાં  જાળામાં ગૂંચવાયેલા નથી હોતા !?
મારી સમજણ આ છે.

આપણા શાસ્ત્રો પૂર્વ જન્મ અને પુનર્જન્મ માં માને છે. અને કહે છે કે આપણાં  પૂર્વ જન્મના પુણ્ય કર્મ ફળ નો સિદ્ધાંત અહીં લાગુ પડે છે. પુરાણો કહે છે કે મૃત્યુ લોકમાં  કર્મફળ ભોગવવાનો સમય પૂરો  થાય એટલે પાછા ફરી જવું પડે છે ,જેટલાં  પુણ્ય ફળ વધારે એટલું આયુષ્ય ઓછું। જે બાળક ગર્ભાધાનમાં જ પાછું વળી જાય છે તે પુયાત્મા છે. એને બહુ જ ઓછા કર્મફળ ભોગવવાના હોઈ એટલો જ સમય આવીને પાછા જાય છે જ્યારે ઘણા જીવો સંચિત કર્મોના ફળ પ્રારબ્ધ રૂપે ભોગવી લાંબી આવરદા વેઠે છેઅને ગૂંચવણના તાણાવાણા વણે છે  તેઓના ઉતકર્ષ માટે ઈશ્વર તેમના સામું જોઈ એમને છોડાવવા મૃત્યુને મોકલે છે.
  અસ્તુ.
                                                                        23 માર્ચ 2018
                                                                          11.15 એ.એમ. યુ.એસ.એ।

No comments:

Post a Comment